13 વર્ષ પહેલા પણ બની હતી 'મચ્છુ' પર ફિલ્મ, 38 લાખ વાર જોવાઈ

Updated: Jul 09, 2019, 16:54 IST | ભાવિન રાવલ | અમદાવાદ

આજે વાત મચ્છુ પર જ બનેલી એક ફિલ્મની. આ ફિલ્મ આજથી 13 વર્ષ પહેલા બની હતી. અને અત્યાર સુધીમાં મચ્છુ પર બનેલી આ ફિલ્મ 38 લાખથી વધુ વખત જોવાઈ ચૂકી છે.

ગુજરાતી સિનેમાની સૌથી મોટી ફિલ્મ 'મચ્છુ - એક્ટ ઓફ ગોડ'નું ટીઝર રિલીઝ થતા જ છવાઈ ગયું છે. દર્શકો સહિત ફિલ્મ સમીક્ષો અને ઈન્ડસ્ટ્રીના લોકોએ પણ ફિલ્મના ટીઝરને વખાણ્યું છે. આ ફિલ્મ ગુજરાતી સિનમાની માઈલ સ્ટોન ફિલ્મ બની શકે છે. ત્યારે આજે વાત મચ્છુ પર જ બનેલી એક ફિલ્મની. આ ફિલ્મ આજથી 13 વર્ષ પહેલા બની હતી. અને અત્યાર સુધીમાં મચ્છુ પર બનેલી આ ફિલ્મ 38 લાખથી વધુ વખત જોવાઈ ચૂકી છે.

ખુમારીથી ખુવારી સુધીની વાત

જી હાં, મચ્છુ જળ હોનારત પર આજ સુધી ઘણા થિસીસ લખાઈ ચૂક્યા છે, સંશોધન થઈ ચૂક્યુ છે. પરંતુ આજથી 13 વર્ષ પહેલા બનેલી આ ડોક્યુમેન્ટ્રી આજે પણ લોકો મચ્છુ હોનારતની માહિતી માટે જોવાનું પસંદ કરે છે. મચ્છુ જળ હોનારત પર રિસર્ચ કરતા લોકો પણ આ ડોક્યુમેન્ટ્રીને આધાર બનાવે છે, કદાચ એ જ કારણે છે કે 13 વર્ષ પહેલા બનેલી આ ડોક્યુમેન્ટ્રી આજે પણ લોકો જુએ છે. મચ્છુ ડેમની દુર્ઘટના પર બનેલી આ ફિલ્મનું નામ હતું 'મચ્છુના પાણીની ખુમારી અને ખુવારી'. આ ફિલ્મમાં મોરબી શહેરની સાહ્યબી, તેના બાદ થયેલી હોનારત અને દુર્ઘટના બાદ ફરી બેઠા થયેલા મોરબીની વાત કહેવાઈ હતી. ડેમ તૂટવાની દુર્ઘટનામાં સંપૂર્ણ પણે ધોવાઈ ચૂકેલા મોરબીએ કેવી રીતે સિરામિક હબ અને ઘડિયાળની નગરી બનવાની સફર વિશે વાત હતી.

machchu film

દિલીપસિંહ ક્ષત્રિય અને હર્ષદ ગોહિલ

વિદ્યાર્થીઓએ બનાવી હતી ડોક્યુમેન્ટ્રી

મોરબી ડેમ દુર્ઘટના પર બનેલી ફિલ્મ 'મચ્છુના પાણીની ખુમારી અને ખુવારી' તે સમયે બે વિદ્યાર્થીઓએ બનાવી હતી. ગુજરાત વિદ્યાપીઠમાં તે સમયે પત્રકારત્વનો અભ્યાસ કરતા દિલીપસિંહ ક્ષત્રિય અને ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થી હર્ષદ ગોહિલે આ ડોક્યુમેન્ટ્રી બનાવી હતી. આ ઉપરાંત મોરબીના સ્થાનિક દિલીપ બરાસરાએ પણ આ ડોક્યુમેન્ટ્રી બનાવવામાં બંનેનો સાથ આપ્યો હતો. ખાસ કરીને સ્થાનિકોને શોધી આપવામાં દિલીપ બરાસરાની મહેનત જબરજસ્ત હતી. દિલીપસિંહ ક્ષત્રિયએ આપેલી માહિતી પ્રમાણે તેમને આ ફિલ્મ માટે રિસર્ચ કરતા 3 મહિનાનો સમય ગયો હતો. તેમના માટે ખાસ અઘરું કામ હતું સરકારી અધિકારીઓ પાસેથી માહિતી મેળવવાનું. દિલીપસિંહ ક્ષત્રિય કહે છે કે તે સમયે આ દુર્ઘટના પર બોલવા માટે કે માહિતી આપવા કોઈ તૈયાર જ નહોતું થતું. અમે અમારી ફિલ્મ દ્વારા એ વાતો બહાર લાવવા માગતા હતા જે ભૂલાઈ ગઈ હતી. પરંતુ માહિતી મેળવવી ખૂબ અઘરી પડી હતી.

અહીં જુઓ ફિલ્મ

3 મહિનાથી વધુ સમય સુધી રિસર્ચ

ફિલ્મ બનાવવાના એક્સપિરિયન્સ વિશે વાત કરતા દિલીપસિંહનું કહેવું છે કે અમે મોરબી ડેમ હોનારતની માહિતી મેળવવા માટે મોરબીના જુદા જુદા ગામડાઓમાં ફર્યા હતા. દુર્ઘટના મોરબી રાજકોટ જિલ્લાનો ભાગ હતું, અને તેને જ સૌથ વધુ અસર થઈ હતી. અમે જ્યારે ગામડાના અસરગ્રસ્ત લોકોને શોધીને તેમની સાથે વાત કરતા તો આ દુર્ઘટના વર્ણવવી તેમના માટે ખૂબ અઘરી હતી. મોટા ભાગના લોકો તે ભયાનક સ્થિતિ યાદ કરીને રડી પડતા હતા. જો કે આખરે અમે કેટલીક મહત્વની ઘટનાઓ, કેટલાક એવા લોકોને ફિલ્મ દ્વારા સામે લાવવામાં સફળ થયા જેમણે મોરબી ડેમ હોનારતમાં પોતાનું સર્વસ્વ ગુમાવી દીધું હતું.

આ પણ વાંચોઃ Machchhu:ટીઝર જોઈને મહેસૂસ થશે દર્દ, અહીં જુઓ ફિલ્મનું ટીઝર

શું બન્યું હતું મોરબીમાં ?

ઉલ્લેખનીય છે કે ગુજરાતના ઈતિહાસની સૌથી ભયંકર દુર્ઘટનાઓમાંની એક એવી મચ્છુ ડેમ હોનારત 1979માં 11 ઓગસ્ટના રોજ બની હતી. ભારે વરસાદ બાદ મચ્છુ ડેમ તૂટ્યો હતો, અને તેના પાણી યમરાજ બનીને મોરબી શહેર અને આસપાસના ગામડાઓમાં ફેલાઈ ગયા હતા. એક માન્યતા એવી છે કે આ દુર્ઘટનામાં 10 હજાર લોકોના મોત નીપજ્યા હતા. જો કે સત્તાવાર મોતનો આંકડો 1439 હતો સરકારી રેકોર્ડ પ્રમાણે 6158 ઘર તણાઈ ગયા હતા અને 12,849 પશુઓ તણાઈ ગયા હતા. આ દુર્ઘટના બાદ જે તસવીરો સામે આવી હતી તે દર્દનાક હતી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK