Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > Lok Sabha Election 2019: બીજેપીના પુનરાગમનનાં 11 કારણો

Lok Sabha Election 2019: બીજેપીના પુનરાગમનનાં 11 કારણો

24 May, 2019 08:14 AM IST | નવી દિલ્હી

Lok Sabha Election 2019: બીજેપીના પુનરાગમનનાં 11 કારણો

મોદી અને અમિત શાહ

મોદી અને અમિત શાહ


૧. વિરોધ પક્ષો પાસે વડા પ્રધાનપદ માટેનો એક પણ ઉમેદવાર નહોતો

બીજેપી પ્રણીત એનડીએમાં વડા પ્રધાનપદના એકમાત્ર નિર્વિવાદ ઉમેદવાર નરેન્દ્ર મોદી હતા, પરંતુ વિરોધ પક્ષો પાસે સમ ખાવા પૂરતો એવો કોઈ ચહેરો નહોતો. કૉંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધી તેમના ગઠબંધનના સાથીઓને દિઠ્ઠાય ગમતા નહોતા. વળી અન્ય વિરોધ પક્ષોના મહાગઠબંધનમાંથી પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન અને તૃણમૂલ કૉંગ્રેસનાં પ્રમુખ મમતા બૅનરજી, બહુજન સમાજ પક્ષનાં પ્રમુખ માયાવતી, ભૂતપૂર્વ વડા પ્રધાન અને જનતા દળ (સેક્યુલર)ના નેતા એચ. ડી. દેવેગોવડા અને રાષ્ટ્રવાદી કૉંગ્રેસના પ્રમુખ શરદ પવાર સહિત અનેક નેતાઓએ વડા પ્રધાનપદ માટે ઉમેદવારી કરી હતી.



૨. વિરોધ પક્ષોમાં એકતાનો અભાવ


ગયા વર્ષે એચ. ડી. કુમારસ્વામીના કર્ણાટકના મુખ્ય પ્રધાનપદના શપથવિધિ સમારંભમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, સીતારામ યેચુરી, અરવિંદ કેજરીવાલ, મમતા બૅનરજી, અખિલેશ યાદવ, માયાવતી, તેજસ્વી યાદવ વગેરે વિવિધ પક્ષોના નેતાઓએ એકબીજાના હાથ ઝાલીને એકતા દર્શાવતા ફોટો પડાવ્યા હતા, પરંતુ ચૂંટણીની જાહેરાત સુધીમાં એ પક્ષોનો એકબીજા સાથેનો અણબનાવ સપાટી પર આવી ચૂક્યો હતો. સૌથી વધારે ૮૦ બેઠકો ધરાવતા ઉત્તર પ્રદેશમાં કૉંગ્રેસને કોરાણે મૂકીને સમાજવાદી પક્ષ અને બહુજન સમાજ પક્ષે ગઠબંધન કર્યું હતું. કૉંગ્રેસે કેરળ કે પશ્ચિમ બંગાળમાં ડાબેરીઓ સાથે ગઠબંધન નહોતું કર્યું. રાષ્ટ્રીય સ્તરે સહયોગી કૉંગ્રેસ અને રાષ્ટ્રવાદી કૉંગ્રેસ ગુજરાતમાં એકમેક વિરુદ્ધ ચૂંટણી લડ્યા હતા. એ સંજોગોમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષોને ‘મહામિલાવટ’ નામ આપ્યું હતું.

૩. નકારાત્મક રાજકારણ


નકારાત્મક રાજકારણે વિરોધ પક્ષોનો વિનાશ નોતર્યો હતો. કૉંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીના ‘ચૌકીદાર ચોર હૈ’ સૂત્રોચ્ચાર અને રાફેલ સોદામાં ભ્રષ્ટાચારના ખોટા આરોપોની પ્રતિકૂળ અસર થતાં એ બાબતે બીજેપીને લાભ અને વિરોધ પક્ષોને ગેરલાભ કરાવ્યો હતો.

૪. લોકહિતની યોજનાઓ જાહેર કરવામાં ખૂબ મોડું થયું

દેશની વસ્તીનો ૨૦ ટકા હિસ્સો એવા અત્યંત ગરીબ નાગરિકોને દર મહિને ૬૦૦૦ રૂપિયા આપવાની યોજના સહિત અને વચનો કૉંગ્રેસપ્રમુખ રાહુલ ગાંધીએ આપ્યાં હતાં, પરંતુ એ બધાં વચનો જાહેર કરવામાં તેઓ ખૂબ મોડા પડ્યા. તેમણે એ જાહેરાત ૧૧ એપ્રિલે ચૂંટણીનો પ્રથમ તબક્કો શરૂ થાય એના થોડા દિવસ પહેલાં કરી હતી.

૫. મહિલાઓ

નરેન્દ્ર મોદીના વિજયમાં મહિલાઓની ભૂમિકા નિર્ણાયક રહી છે. ‘સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણ’ હેઠળ શૌચાલયોના બાંધકામ, ઉજ્જ્વલા યોજના હેઠળ રાંધણગૅસનું વિતરણ, મુસ્લિમ મહિલાઓને ટ્રિપલ તલાકના ત્રાસથી મુક્તિ માટે કાયદો સંસદમાં પસાર કરી ન શકતાં એનો વટહુકમ બહાર પાડ્યા જેવી અનેક બાબતોને કારણે મહિલાઓના વોટ બીજેપીને મYયા છે.

 ૬. રાષ્ટ્રીય સુરક્ષા

ચૂંટણીપ્રચારની સભાઓમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને બીજેપીના પ્રમુખ અમિત શાહ ૨૦૧૬ના ઉરી ટેરર અટૅક પછી પાકિસ્તાનના આતંકવાદી અડ્ડાઓ પર સર્જિકલ સ્ટ્રાઇક અને પુલવામા ટેરર અટૅક પછી બાલાકોટ ઍરસ્ટાÿઇક સહિતનાં રાષ્ટ્રીય સલામતીનાં સરકારનાં પગલાંનો ઉલ્લેખ કરતા રહ્યા હતા. જાહેર સભાઓમાં મોદીના ‘ઘર મેં ઘુસ કે મારુંગા’ અને ‘ગોલી કા જવાબ ગોલા સે દિયા જાયેગા’ જેવા ડાયલૉગ પણ લોકપ્રિય થયા હતા.

૭. વિકાસ યોજનાઓનો પ્રચાર

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને બીજેપીના પ્રમુખ અમિત શાહ ઉપરાંત બીજેપીના નેતાઓ અને તમામ કાર્યકરો એનડીએ સરકારની વિકાસ અને જનકલ્યાણ યોજનાઓનો સતત પ્રચાર કરતા હતા. શૌચાલયો બાંધવાની યોજના, રાંધણગૅસનાં સિલિન્ડર વિતરણની યોજના, ગૃહનિર્માણ અને ઘર ઘર બીજલીની યોજનાઓ, નવો ધંધો શરૂ કરવા માટે મુદ્રા યોજના દ્વારા ધિરાણ, દેશના ખૂણે-ખૂણે માર્ગોનાં બાંધકામ, ગરીબો માટે જનધન યોજના અને આયુષ્માન ભારત યોજના વગેરેની ચર્ચા લોકોના કાનમાં ગુંજતી રાખવાનો શ્રમ બીજેપીના દરેક કાર્યકરે કર્યો હતો.

૮. ગઠબંધનમાં અગ્રેસર

અન્ય પક્ષો સાથે ગઠબંધનો અને સાથીપક્ષો સાથે બેઠકોની વહેંચણીની વિધિઓ સમયસર પાર પાડવામાં પણ બીજેપીએ અગમચેતી દાખવી છે. રાજ્યોમાં પ્રાદેશિક પક્ષોના સહયોગ મેળવવામાં પણ બીજેપીએ વિચક્ષણતા દર્શાવી છે. ચૂંટણીનો વ્યૂહ ઘડવામાં પણ બીજેપી અગ્રેસર રહી છે. બિહારમાં જનતા દળ (યુનાઇટેડ) અને લોકજનશક્તિ પક્ષ, મહારાષ્ટ્રમાં શિવસેના વગેરે સહયોગી પક્ષો સાથે બેઠક-વહેંચણીમાં કોઈ પણ પ્રકારનો વિખવાદ કે સમસ્યા થયાં નહોતાં, પરંતુ વિરોધ પક્ષો એ બાબતમાં સાવ નિષ્ફળ ગયા હતા.

૯. રાજકીય વ્યૂહરચના

ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, દિલ્હી, રાજસ્થાન અને છત્તીસગઢમાં બેઠકોની સંખ્યા ઘટે તો નુકસાન સરભર કરવા માટે ઈશાનનાં રાજ્યો અને પૂર્વના ઓડિશા તથા પશ્ચિમ બંગાળમાં બેઠકો જીતવા માટે ઘડેલો વ્યૂહ પણ નિષ્ફળ ગયો હતો, પરંતુ પક્ષને ઉત્તર પ્રદેશમાં નુકસાન ન થયું. એ બાબતોએ બીજેપીના લાભમાં સતત ઉમેરો કર્યો છે.

૧૦. હિન્દુત્વ

નરેન્દ્ર મોદી હિન્દુત્વના નામે વોટ માગવામાં અને હિન્દુ ધર્મનાં વિધિવિધાનો સાર્વજનિક રીતે કરવામાં સંકોચ અનુભવતા નહોતા. કુંભમેળામાં હાજરી, ગંગાઆરતી કરવી, કેદારનાથ અને બદરીનાથનાં દર્શન વગેરે દ્વારા હંમેશાં સમાચારોમાં ચમકતા રહેતા હતા. કૉંગ્રેસપ્રમુખ રાહુલ ગાંધીએ અમેઠી ઉપરાંત દક્ષિણની વાયનાડ બેઠક પરથી ચૂંટણી લડવાનું પસંદ કર્યું એ માટે વડા પ્રધાને કહ્યું હતું કે જે દેશની વસ્તીમાં બહુમતી સમુદાય મતક્ષેત્રમાં લઘુમતીમાં છે એવું મતક્ષેત્ર રાહુલ ગાંધીએ પસંદ કર્યું છે. બહુમતી સમુદાયની તરફેણના રાજકારણની બીજેપીની ઓળખ બની છે.

૧૧. જાતિનાં સમીકરણો

ચૂંટણીના રાજકારણમાં જાતિઓ અને જ્ઞાતિઓનાં સમીકરણો જાળવવામાં અને વિરોધ પક્ષોના એવાં સમીકરણો તોડવામાં પણ બીજેપીએ ચોકસાઈ દાખવી છે. બિહારમાં જનતા દળ (યુનાઇટેડ) અને લોકજનશક્તિ પક્ષ સાથે ગઠબંધન કરીને બીજેપીએ લાલુ પ્રસાદ યાદવના રાષ્ટ્રીય જનતા દળ, ઉપેન્દ્ર કુશવાહાના રાષ્ટ્રીય લોક સમતા પક્ષ, માછીમારોના વિકાસશીલ ઇન્સાન પક્ષ અને કૉંગ્રેસના ગઠબંધનને નબળું પાડ્યું હતું. એ ઉપરાંત મહાપરિનર્વિાણ દિવસે બાબાસાહેબ આંબેડકરની સ્મૃતિમાં ૧૦ રૂપિયા અને ૧૨૫ રૂપિયાના સિક્કા બહાર પાડવા અને અન્ય પછાત વર્ગો માટે રાષ્ટ્રીય પંચ વિશેનો ખરડો પસાર કરવા જેવાં પગલાં લઈને દલિતોને ખુશ કરવા તેમ જ તેમનાં આરક્ષણો યથાવત્ રાખીને ધર્મ કે જાતિના ભેદ વગર આર્થિક અને શૈક્ષણિક પછાત વર્ગોને ૧૦ ટકા આરક્ષણ દ્વારા સવર્ણોને ખુશ રાખવા જેવી અનેક જોગવાઈઓ બીજેપીએ કરી હતી.

કરોડો લોકોએ આ ગરીબની ઝોળી ભરી દીધી

ગઈ કાલે લોકસભાની ચૂંટણીનાં પરિણામ જાહેર થતાં બીજેપીએ કૉંગ્રેસમુક્ત ભારત બનાવવાની દિશામાં આગેકૂચ કરી હતી. એક ઐતિહાસિક જીત મેળવ્યા બાદ નરેન્દ્ર મોદીએ સાંજે રૅલીને સંબોધી હતી જેમાં પોતાના માટે કંઈ ન કરવાનું અને ખોટા ઇરાદાથી કોઈ પણ કામ ન કરવાનો વાયદો આપ્યો હતો. રૅલીને સંબોધતાં જે વાત તેમણે કરી એ આ પ્રમાણે છે...

૧. ઘણાં વર્ષો બાદ ચૂંટણીનું એવું પરિણામ આવ્યું છે જ્યાં બીજેપીના વિરોધીઓ ધર્મનિરપેક્ષતાનો નકાબ પહેરવાની હિંમત નથી કરી રહ્યા.

૨. સંપૂર્ણ બહુમત સાથે આપણે ફરી પાછા સત્તામાં આવ્યા છીએ એ જ બતાવે છે કે લોકોને આપણામાં કેટલો વિશ્વાસ છે. હું પાર્ટીના પ્રેસિડન્ટથી માંડી તમામ કાર્યકર્તાને તેમના હાર્ડવર્ક માટે શુભેચ્છા પાઠવું છું. છેલ્લાં પાંચ વર્ષથી એનડીએ લીડર્સે અમને ઘણો સપોર્ટ આપ્યો છે.

૩. હું જાહેરમાં વચન આપું છું કે અમારી પાસેથી જે અપેક્ષા રાખો છો હું એને પૂરી કરવાનો ચોક્કસ પ્રયાસ કરીશ અને તમને નિરાશ કરવાની કોઈ તક નહીં આપીએ. આવનારા સમયમાં પણ હું કોઈ કામ ખોટા ઇરાદાથી નહીં કરું. હા, કામ કરતા હોઈએ તો ભૂલ થાય, પણ કોઈ પણ ભૂલ જાણીજોઈને કે ખોટા ઇરાદાથી કરવામાં નથી આવતી.

૪. છેલ્લાં લગભગ ૩૦ વર્ષથી ધર્મનિરપેક્ષતાના નામે છૂપી રીતે પાપો આચરવામાં આવ્યાં છે. ધર્મના નામે સ્લોગનો ઉચ્ચારવામાં આવ્યાં છે, પણ ૨૦૧૪-૨૦૧૯માં તમે નોંધ્યું હશે કે આવાં કામોને અટકાવવામાં આવ્યાં છે. આ વખતની ચૂંટણીમાં એકપણ રાજકીય પક્ષ ધર્મનિરપેક્ષતાના નામે દેશવાસીઓને છેતરી નથી શક્યો.

૫. આપણો દેશ ૨૦૨૨માં સ્વતંત્રતાનાં ૭૫ વર્ષની ઉજવણી કરે ત્યાં સુધીમાં દેશને સક્ષમ બનાવવાનો હું વાયદો કરું છું.

૬. દેશ આઝાદ થયો ત્યારથી ઘણી ચૂંટણીઓ થઈ છે પણ ૨૦૧૯ની ચૂંટણી ઐતિહાસિક સાબિત થઈ, કારણ કે ૪૦-૪૨ ડિગ્રી ગરમી હોવા છતાં આ ચૂંટણીમાં મતદાતાઓનો સૌથી વધારે પ્રતિસાદ નોંધવામાં આવ્યો છે. વૈશ્વિક ફલક પર હવે સૌકોઈને ભારતીય લોકશાહીનો પરચો જોવા મળશે.

૭. જો કોઈ જીત્યું છે તો એ હિન્દુસ્તાની જીત્યો છે, લોકશાહી જીતી છે અને એટલા માટે જ બીજેપી અને એનડીએ પોતાની આ જીત જનતાને સમર્પિત કરે છે. કોઈ પણ પક્ષનો ભેદભાવ ન રાખતાં હું દરેકેદરેક વિજેતાને શુભેચ્છા પાઠવું છું.

૮. જે પ્રમાણે મહાભારતમાં ભગવાન શ્રીકૃષ્ણ માણસાઈ માટે ઊભા રહ્યા હતા એ પ્રમાણે દેશની ૧૩૦ કરોડ જનતા લોકસભાની આ ચૂંટણીમાં અમારા માટે ઊભી થઈ છે. કરોડો લોકો આ ગરીબની ઝોળી ભરી દીધી છે.

આ પણ વાંચો : Lok Sabha Election 2019: દિલ્હી ભાજપ કાર્યાલયમાં PM મોદીનું ભવ્ય સ્વાગત

૯. મોદી પહેલા એવા નૉન-કૉંગ્રેસ નેતા બન્યા છે જે સતત બીજી વાર સત્તા પણ આવ્યા છે. વધુમાં ઉમેરતાં તેમણે જણાવ્યું કે આજે દેશમાં બે વર્ગ છે. એક ગરીબ અને બીજો એ વર્ગ જે ગરીબોને ગીરીબાઈમાંથી બહાર લાવવા સતત પ્રયાસ કરે છે.

Whatsapp-channel Whatsapp-channel

24 May, 2019 08:14 AM IST | નવી દિલ્હી

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK