કચ્છ કેસરી જામ અબડા અડભંગની શહાદતનાં સાતસો વર્ષ

Published: Sep 17, 2019, 14:48 IST | લોકસંસ્કૃતિ - સુનીલ માંકડ | મુંબઈ

સૂકી ધરા કચ્છનો સૌથી સૂકો મૂલક એટલે અબડાસા તાલુકો. સૌથી ઓછા વરસાદની કાળી ટીલી માથે ઓઢી ફરતો અબડાસા તાલુકો જોકે આ વર્ષે શ્રીકાર વરસાદનો સાક્ષી બન્યો છે.

જામ અબડા અડભંગ દાદા
જામ અબડા અડભંગ દાદા

સૂકી ધરા કચ્છનો સૌથી સૂકો મૂલક એટલે અબડાસા તાલુકો. સૌથી ઓછા વરસાદની કાળી ટીલી માથે ઓઢી ફરતો અબડાસા તાલુકો જોકે આ વર્ષે શ્રીકાર વરસાદનો સાક્ષી બન્યો છે. કાયમી અછતનો સામનો કરતો આવતો અબડાસા તાલુકો આજે યાદ કરવાનું કારણ છે એ ધરતી પર પાકેલો એક સપૂત અબડો અડભંગ.

અબડાસા તાલુકો જેમના નામ થકી ઓળખાય છે એવા વીર અબડા અડભંગ (જખરાજી જામ)નું કચ્છ ૭૧૯મું શહાદત વર્ષ ઊજવી રહ્યું છે. એની શહાદત ભલે આજે સાત-સાત સદીઓ વટાવી ચૂકી હોય, પણ એ કચ્છના કેસરીસિંહ સમાન જામ અબડાની ઐતિહાસિક વીરગાથા યાદ કરતાં આજે પણ એક-એક કચ્છી ખુમારીનો અનુભવ કર્યા વિના નહીં રહી શકે.

કચ્છનો ઇતિહાસ એક મહાસાગર છે. અનેકાએક રત્નોને સમાવતો એ રત્નાકર છે. અણપ્રીછયાં રત્નો આજે પણ કચ્છના ઐતિહાસિક મહાસાગરના તળિયે ચમકારા કરી રહ્યાં છે. આ રત્નો પૈકીનું એક ઐતિહાસિક પાત્ર એટલે જામ અબડો. કચ્છના ઇતિહાસ પર કાળચક્રના કેટલાયે દાંતા ફરી વળ્યા છે ! આ સાતસો વર્ષ પહેલાંની વાત તો આજે કાળપ્રવાહમાં હજી એટલી જ જીવંત લાગે છે. કચ્છની ધરતીએ અનુભવેલા અનેક અનુભવો અને પ્રસંગો કાળની ગર્તામાં ગરક થઈ ગયા છે, છતાં કેટલીક મહત્વની વાતો કાળપ્રવાહનાં પ્રબળ પૂરને સામે ચડીને જીવંત રાખે છે. ઝારાનો રણજંગ, ભુજિયા પરની શેર બુલંદખાનની ચડાઈ, વડસરના રણવીર જામ અબડા અડભંગનું આત્મસમર્પણ જેવા ઐતિહાસિક પ્રસંગો કચ્છના અસ્તિત્વને અમર બનાવી રહ્યા છે.

કોણ હતો જામ અબડો? શા માટે યાદ કરાય છે તેને કચ્છમાં? શા માટે તે કચ્છના ઇતિહાસમાં નામ અમર કરી ગયો? આ વાત સમજવા આજની પેઢીને પણ નવાઈ પમાડે એવી એક રસપ્રદ ઐતિહાસિક સત્યકથા ટૂંકમાં જાણીએ તો અબડા અડભંગની શહાદતને સો-સો સલામ પણ ઓછી લાગશે.

abda-01

સાત સદી પહેલાં ભારત અખંડ હતું. કચ્છ અને આજના પાકિસ્તાનના સિંધ પ્રદેશ વચ્ચે અફાટ રણ જ હતું. લોકો એ માર્ગે જ આવ-જા કરતા. સિંધના ઉમરકોટના રાજા ભૂંગર સુમરાને બે દીકરા હતા. ચનેસર અને ધોધો. ચનેસર પાટવી કુંવર હતો એટલે સ્વાભાવિક રીતે જ ભૂંગરના મૃત્યુ પછી તે જ ગાદીપતિ બને, પરંતુ ભૂંગર સુમરાની એક લુહાર જ્ઞાતિની રાણી થકી તેનો જન્મ થયો હતો (એ કથા ફરી કયારેક) એથી સુમરાઓ ચનેસરને રાજા બનાવવા તૈયાર નહોતા અને ધોધો નવો ગાદીપતિ બને એમ ઇચ્છતા હતા. જોકે નાનો ભાઈ ધોધો, ચનેસરનો હક જતો કરી રાજા બનવા રાજી નહોતો એટલે કમને ચનેસરને રાજા બનાવવાનું નક્કી થયું. ચનેસર રાજ્યાભિષેક પહેલાં માતા અમીનાના આશીર્વાદ મેળવવા ગયો એ સુમરા પ્રજાજનોને જરાય ન ગમ્યું અને તેમણે આખરે ધોધોને જ રાજા બનાવ્યો. આ વાતનું લાગી આવતાં તે દિલ્હી તરફ ચાલી નીકળ્યો અને દિલ્હીના ખૂની બાદશાહ અલ્લાઉદ્દીન ખીલજીને મળ્યો. સિંધની સ્વરૂપવાન સુમરીઓનું વર્ણન કરી અને તેમને પામવાની લાલસા આપી અલ્લાઉદ્દીનને ઉશ્કેર્યો. હવસખોર અલ્લાઉદ્દીન સુમરીઓને પામવા ઉતાવળો થયો અને સિંધ પર આક્રમણ કરવા તૈયાર થયો. હજારો સૈનિકોના લશ્કરને લઈ તે ચનેસરની સાથે સિંધ આવી ચડ્યો અને કત્લેઆમ કરી હજારો વીર સુમરાઓને મારી નાખી અતિ સૌંદર્યવાન સુમરીઓને પામવા તલપાપડ થયો. આ વાતની સતી સુમરીઓને જાણ થઈ. પતિઓ લડાઈમાં ખપી ચૂક્યા હતા અને હવે તેમને રક્ષણ આપવા કોઈ નહોતું એથી શીલ બચાવવા અનેક સુમરીઓ પોતાનાં નાનાં બાળકો સાથે રણમાર્ગે કચ્છ તરફ ભાગી નીકળી. આખું રણ પગે ચાલી, ભૂખી-તરસી સુમરીઓ કચ્છ આવી અને અબડાસા તાલુકાના વડસર ગામના એક નાનકડા પણ વીર ક્ષત્રિય જાગીરદાર જામ અબડા અડભંગને શરણે ગઈ અને તે તમામ સુમરીઓના શીલ બચાવવા વીર અબડા અડભંગે પોતાના અલ્લાઉદ્દીનની સરખામણીએ તણખલા જેવા સેનિકો અને ક્ષત્રિય ભાયાતો અને બહાદુર જવાનો સાથે દિલ્હીના ખૂની બાદશાહના લશ્કર સાથે બાથ ભીડી શહાદત વહોરી લીધી હતી, પરંતુ લડતાં-લડતાં ખપી જવા પહેલાં તેણે તમામ સુમરીઓને રાતોરાત ત્યાંથી સલામતી સાથે ભગાડી દીધી હતી. અબડાએ રાતે જ તમામ સુમરીઓને એક દૂધ ભરેલો ઘડો આપ્યો અને કહ્યું કે જ્યારે આ દૂધ લાલ થયેલું દેખાય તો સમજી જજો કે અબડો ખપી ગયો. જોકે અબડો અડભંગ પણ શહીદ થયાના સંકેત મળી જતાં સુમરીઓએ કચ્છના રોહા ગામ પાસે ધરતી માને પ્રાર્થના કરી અને ધરતી માએ માર્ગ આપતાં ધરતીમાં સમાઈ પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું.

આજથી ૭૧૯ વર્ષ પહેલાં દિલ્હીના ખૂની બાદશાહ અલ્લાઉદ્દીન ખીલજીના સમયમાં કચ્છના એક આથમણા ખૂણામાં આવેલી વડસરની જાગીરના નાના જાગીરદાર જામ અબડાએ જે મહાન કાર્ય કરી બતાવ્યું તે તો યાવતચન્દ્ર દિવાકરૌ જીવંત રહેશે. ક્યાં વડસર જેવી ટચૂકડી જાગીરનો જાગીરદાર અને ક્યાં હિન્દની રાજધાની દિલ્હીનો સુલતાન અલ્લાઉદ્દીન ખીલજી ! જીવનના એક મહાન આદર્શને અને આત્મગૌરવને વફાદાર રહીને ખપી જનારા જામ અબડાએ સમસ્ત હિન્દુસ્તાનને તોબા પોકારાવનારા અલ્લાઉદ્દીનને એક દિવસ કચ્છમાંથી ભાગી છૂટવાની અણી પર લાવી દીધો હતો. તે છેક હાથીની અંબાડી પર બેઠેલા અલ્લાઉદ્દીન સુધી પોતાની તલવાર સાથે પહોંચી ગયો હતો, પણ છેવટે હજારો રક્ષકોના કવચને ભેદી ન શકતાં તે મોતને ભેટ્યો હતો.

અલ્લાઉદ્દીને ઇ.સ. ૧ર૯૭ કે ૧ર૯૮માં સિંધ પર ચડાઈ કરી હતી એમ ઇતિહાસકારો કહે છે. જામ અબડાનું મૃત્યુ સંવત ૧૩પ૬ના શ્રાવણ સુદ ૧રના દિને થયું હતું. એ વખતે તેની ઉંમર રપ વર્ષ માત્ર હતી. દર વર્ષે હોળી પછીના પડવાના દિવસે જામ અબડાના સ્થાનક પર મોટો મેળો ભરાય છે. દરેક મહિનાના ચન્દ્રદર્શનના દિવસે અબડાસાના જાડેજા રાજપૂતો અબડા જામના સમાધિ મંદિરે ભેગા થાય છે.

આ પણ વાંચો : કચ્છીઓ માટે અભેદ કવચ મા આશાપુરા

આ વર્ષે પણ ૭૧૯મો શહાદતનો દિવસ તેમના વંશજો દ્વારા ઊજવવામાં આવ્યો હતો. ચાલુ વર્ષે સારો વરસાદ થતાં રામપર (અબડા)ની નદી બે કાંઠે વહેતાં ઘૂંટણસમા પાણીમાંથી પગે ચાલીને તેમના વંશજો દ્વારા આ શહાદત દિવસ ઊજવાયો હતો. સવારે વીરપૂજા અને હોમાત્મક હવન તથા અન્ય ધાર્મિક વિધિ કરાઈ હતી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK