મુંબઈ : શહેરમાં કોરોનાના વધુ પાંચ કેસ

Published: Mar 17, 2020, 07:32 IST | Arita Sarkar | Mumbai

બે નવી મુંબઈ, બે કલ્યાણ, એક શહેરમાં નોંધાયો હતો, રાજ્યમાં કુલ ૩૯ કેસ

ફાઈલ ફોટો
ફાઈલ ફોટો

મુંબઈમાં ગઈ કાલે પાંચ નવા પૉઝિટિવ કેસ નોંધાવા સાથે મુંબઈમાં કોરોના વાઇરસથી ગ્રસ્ત દરદીઓની સંખ્યા ૧૪ પર પહોંચી છે, જ્યારે કે મહારાષ્ટ્ર રાજ્યમાં આ આંકડો ૩૯ પર પહોંચ્યો છે. નવી મુંબઈમાં ૧૧ જેટલા શંકાસ્પદ કેસ હતા જે સરકારી હૉસ્પિટલમાંથી જતા રહ્યા હતા, તેમને ફરી હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા.

સૂચિત પાંચ નવા કેસમાં બે કેસ નવી મુંબઈના, બે કલ્યાણના અને એક મુંબઈનો તેમ જ ૪૦ વ્યક્તિઓ સાથે દુબઈ ફરીને આવનારી યવતમાળની ૪૧ વર્ષની મહિલાનો સમાવેશ થાય છે. આ છ પેશન્ટ્સને કસ્તુરબા હૉસ્પિટલમાં રાખવામાં આવ્યા છે તથા હવે તેમની સ્થિતિ સુધારા પર છે.

આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ પરથી મુંબઈ ઊતરનારા પ્રવાસીઓનું ઍરપોર્ટ પર સ્ક્રીનિંગ કરાય છે. અત્યાર સુધીમાં કુલ ૨.૪૬ લાખ પેશન્ટનું સ્ક્રીનિંગ કરાયું છે એમ જણાવતાં બીએમસીના આરોગ્ય વિભાગનાં નાયબ વહીવટી અધિકારી ડૉક્ટર દક્ષા શાહે વધુમાં ઉમેર્યું હતું કે પેશન્ટ્સને એ - બી - સી એમ ત્રણ શ્રેણીમાં વર્ગીકૃત કરાય છે.

એ શ્રેણીમાં એવા પેશન્ટ હોય છે જેમનામાં કોરોના વાઇરસનાં લક્ષણો જોવા મળે છે તથા જેઓ કોરોના વાઇરસથી સંક્રમિત દેશોનો પ્રવાસ કરીને પાછા ફર્યા હોય. તેમને સારવાર માટે હૉસ્પિટલમાં રાખવામાં આવે છે.

બે શ્રેણીમાં કોરોના વાઇરસનાં લક્ષણો ન હોય, પરંતુ કોરોના વાઇરસ ગ્રસ્ત દેશની મુસાફરી કરીને પરત ફર્યા હોય તેવા વરિષ્ઠ નાગરિકો કે ડાયાબિટીઝ અને હાયપર ટેન્શન જેવી બીમારીઓથી ગ્રસ્ત હોય. તેમને સારવાર માટે સેવન હિલ્સ હૉસ્પિટલમાં રાખવામાં આવે છે.

સી શ્રેણીમાં એવા નાગરિકોને મૂકવામાં આવે છે જેઓ યુવાન હોય, કોરોના વાઇરસનાં લક્ષણો ન ધરાવતાં હોય, પરંતુ કોરોના વાઇરસથી ગ્રસ્ત દેશોનો પ્રવાસ કરીને પરત ફર્યા હોય. તેમને સારવાર માટે ઘરમાં ૧૪ દિવસ માટે ક્વૉરન્ટીન્ડ રાખવામાં આવે છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK