ભારત સામે અંતે ઝૂક્યું ચીન: લદ્દાખમાં સેના હટાવવા તૈયાર

Published: Jun 24, 2020, 14:32 IST | Agencies | New Delhi

૧૧ કલાકની વાતચીત બાદ કમાન્ડર લેવલની બેઠકમાં સર્વસંમતિ થઈ: કમાન્ડર સ્તરની બેઠકમાં ચીને ઝપાઝપી થઈ તે વિસ્તારમાંથી સૈનિકો ખસેડવા તૈયારી દર્શાવી

ચીન સાથે જે પ્રકારની તંગદિલી છે એ જોતા સીમા પર ભારતીય લશ્કર અલર્ટ પર છે. કાશ્મીર પાસે બરફથી લદાયેલા પહાડો પર દેશની સરહદોની રક્ષા કરી રહેલા બીએસએફસના જવાનો. તસવીર : પી.ટી.આઈ.
ચીન સાથે જે પ્રકારની તંગદિલી છે એ જોતા સીમા પર ભારતીય લશ્કર અલર્ટ પર છે. કાશ્મીર પાસે બરફથી લદાયેલા પહાડો પર દેશની સરહદોની રક્ષા કરી રહેલા બીએસએફસના જવાનો. તસવીર : પી.ટી.આઈ.

ભારત અને ચીન વચ્ચે લદ્દાખમાં ચાલી રહેલા તણાવમાં સોમવારે થોડોક ઘટાડો થતો જોવા મળ્યો. ગઈ કાલે થયેલી બન્ને દેશના જનરલ વચ્ચેની વાતચીત દરમ્યાન ડ્રેગન પૂર્વ લદ્દાખના તણાવવાળા વિસ્તારથી પોતાના સૈનિકોને હટાવવા પર સહમત થયું છે. ઉલ્લેખનીય છે કે ગલવાન ખીણમાં ચીની સેનાની સાથે સંઘર્ષમાં ભારતના ૨૦ જવાનો શહીદ થયા હતા, જ્યારે ચીનના ૪૦ જવાનો માર્યા ગયા હતા. આ ઘટના બાદ બન્ને દેશ વચ્ચેનો તણાવ ચરમ પર પહોંચી ચૂક્યો છે.

સૂત્રોએ જણાવ્યું કે વાતચીતમાં પૂર્વ લદ્દાખથી સૈનિકોને હટાવવા માટેની રીતોને અંતિમ આકાર આપવા પર ધ્યાન આપવામાં આવ્યું. વાતચીત દરમ્યાન ભારત તરફથી સ્પષ્ટ કહી દેવામાં આવ્યું કે એલએસીમાં જેવી સ્થિતિ ૫ મે પહેલાં હતી તેવી જ હોવી જોઈએ. એટલે કે ભારત તરફથી સ્પષ્ટ શબ્દોમાં કહી દેવામાં આવ્યું કે ચીન પોતાની સરહદમાં પાછું ફરે. બન્ને પક્ષોની વચ્ચે એ જ જગ્યાએ ૬ જૂનના લેફ્ટનન્ટ સ્તરની પહેલા સ્તરની વાતચીત થઈ હતી, ત્યારબાદ બન્ને દેશોએ આ અવરોધ દૂર કરવા માટે એક સમજૂતીને અંતિમ રૂપ આપ્યું હતું.

જોકે ૧૫ જૂનના થયેલી હિંસક અથડામણ બાદ સરહદ પર સ્થિતિ બગડી ગઈ, કેમકે બન્ને પક્ષોએ ૩૫૦૦ કિલોમીટરની વાસ્તવિક સરહદની પાસે મોટાભાગનાં ક્ષેત્રોમાં પોતાની સૈન્ય તહેનાતી ઘણી ઝડપી કરી દીધી. ઉલ્લેખનીય છે કે ભારત અને ચીન વચ્ચે લાઇન ઑફ એક્ચ્યુઅલ કન્ટ્રોલ (એલએસી) પર ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે સોમવારે લેફ્ટનન્ટ જનરલ સ્તરની વાતચીત થઈ હતી.

ભારતીય પક્ષનું નેતૃત્વ ૧૪મી કોરના કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ હરિંદર સિંહે કર્યું જ્યારે ચીની પક્ષનું નેતૃત્વ તિબેટ મિલિટરી ડિસ્ટ્રિક્ટના કમાન્ડરે કર્યું હતું. એલએસીની બીજી તરફ ચીનના મૉલ્ડો વિસ્તારમાં બન્ને સેનાઓના અધિકારીઓ વચ્ચે બેઠક થઈ. આ બેઠક લગભગ ૧૨ કલાક બાદ પૂરી થઈ હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સોમવારે થયેલી કોર કમાન્ડરની બેઠક સકારાત્મક માહોલમાં થઈ.

ચીની સૈનિકોને માત આપનાર સૈનિકોને મળ્યા આર્મી ચીફ

ભારતીય સેનાપ્રમુખ જનરલ મનોજ મુકુંદ નરવણે ચીન સાથે ચાલી રહેલા વિવાદ વચ્ચે લેહની મુલાકાતે પહોંચ્યા છે. અહીં તેમણે મિલિટરી હૉસ્પિટલમાં બહાદુર સૈનિકો સાથે મુલાકાત કરી હતી. આ જવાનો ૧૫-૧૬ જૂને લદ્દાખની ગલવાન ઘાટીમાં ચીની સૈનિકોનો સામનો કરતી વખતે ઘાયલ થયા હતા અને અહીં સારવાર લઈ રહ્યા છે.

સેનાપ્રમુખે આ બહાદુર જવાનો સાથે વાતચીત કરી તેમના ખબરઅંતર પૂછ્યા હતા અને તેઓ જલદીથી સાજા થાય તેવી આશા વ્યક્ત કરી હતી. જનરલે સારવાર કરાવી રહેલા જવાનો પાસેથી ૧૫-૧૬ જૂને ઘટેલા ઘટનાક્રમ વિષે પણ સંપૂર્ણ જાણકારી મેળવી હતી. સેનાપ્રમુખે આ બહાદુર જવાનોનો વિશ્વાસ વધાર્યો હતો, સાથે જ સેનાપ્રમુખે કહ્યું હતું કે તમે ખૂબ જ સારું કામ કર્યું છે પરંતુ હજી કામ પૂરું નથી થયું.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK