આજકાલ બાળકના જન્મ પહેલાં જ તે કઈ સ્કૂલમાં ભણશે, પસંદગીની સ્કૂલમાં ઍડ્મિશન મળશે કે નહીં, ઍડ્મિશન મળશે તો કેટલું ખિસ્સું ઢીલું કરવું પડશે એવા પ્રશ્નો વાલીઓને મૂંઝવે છે. અમુક યુગલો તો ભારતમાં શિક્ષણ પાછળ થતા અધધધ ખર્ચને દૂરથી જોઈને જ બાળક પ્લાન કરવાનું માંડી વાળે છે. વળી બાળકોમાં ભણવાના તનાવને લઈને ડિપ્રેશનથી લઈને આત્મહત્યાના કિસ્સા પણ વધી રહ્યા છે. એવા સમયે અમુક સર્જનાત્મક વિચારધારા ધરાવતા વાલીઓએ આવા અનેક પ્રશ્નોનો ઉકેલ શોધીને પોતાનાં બાળકોને સ્કૂલ ન મોકલીને તેમના માટે ભણવાની એક નોખી પદ્ધતિ નક્કી કરી છે. તેમનાં બાળકોને તેઓ આરામથી કહે છે કે ન ભણવું હોય તો રહેવા દે. આવો જાણીએ અનસ્કૂલિંગ તરીકે પ્રખ્યાત થઈ રહેલી આ નવી પદ્ધતિને
૧૧ વર્ષના આરવને મન થયું કે આજે તે ૧૦ આઇસક્રીમ કૅન્ડી ખરીદીને રસ્તા પર ભિક્ષા માગતાં બાળકોને આપે. તેના ઉમદા કામ માટે તેના પપ્પા જેવા પૈસા આપવા જાય છે ત્યાં આરવ તેમને રોકતાં કહે છે, ‘મારે મારા કમાયેલા પૈસામાંથી આ આપવું છે.’
સોસાયટીમાં એક ભાઈની બિલાડી ઝાડ પર ચડી ગઈ છે અને તે ફાયર-બ્રિગેડને બોલાવવા ફોન કરે છે ત્યાં આઠ વર્ષની આયશા કહે છે, ‘ફોન રહેવા દો, હું હમણાં ઝાડ પર ચડીને એને ઉતારી દઉં.’
રસોડામાં આજે છ વર્ષનો નિહાલ એકદમ ચીવટથી પૂરીઓ તળી રહ્યો છે. તેણે મમ્મીને સૂચના આપી છે કે આજે તેણે ફક્ત આરામ કરવાનો છે. મમ્મીને ખબર છે કે નિહાલ બધું સંભાળી લે એમ છે.
ફૅમિલી ગેટ-ટુગેધરમાં એક જણ ગરોળી જોઈ ઊછળી પડે છે ત્યારે નાનકડો ધ્યાન ખડખડાટ હસી પડે છે અને હાથમાં ગરોળી લઈને એને બીજે ઠેકાણે મૂકી આવે છે.
આવાં દૃશ્યો વાર્તા જેવાં લાગે છેને? ના, આ કોઈ કપોળકલ્પિત વાતો નથી. આ બધાં જ બાળકો એવાં છે જેઓ ખરેખર એવી આવડત ધરાવે છે જે કદાચ તેમની ઉંમરનાં સ્કૂલમાં જતાં બીજાં બાળકોમાં ભાગ્યે જ જોવા મળશે. આ એવાં બાળકો છે જેઓ પોતાની સવાર બગીચામાં કામ કરીને, બપોરે લેગો રોબો રમીને અને સાંજનો સમય પૌરાણિક વાર્તાઓ વાંચીને વિતાવે છે. ન તેઓ કોઈ સ્કૂલમાં જાય છે, ન કોઈ નિશ્ચિત અભ્યાસક્રમ અનુસરે છે અને ન આજ સુધી કોઈ પરીક્ષા આપી છે એમ છતાં તેઓ રોજ નવું શીખે છે. આ બાળકો છે ભારતમાં તેજીથી ઉદય પામી રહેલા ‘અનસ્કૂલિંગ’ કન્સેપ્ટનાં, જે પરંપરાગત શિક્ષણપદ્ધતિ સામે ઉકેલરૂપ બનેલી એક નવી જ દિશા છે.
અનસ્કૂલિંગ પહેલાં તો પશ્ચિમના દેશોમાં વધુ જોવા મળતું, પણ હવે ભારતમાંય વિકસી રહ્યું છે. ભારતમાં સ્કૂલની અધધધ ફી, બોજારૂપ કોર્સ, ગળાકાપ હરીફાઈ અને આ બધાને અંતે વધતા જતા ચાઇલ્ડ ડિપ્રેશન અને આત્મહત્યાના કેસ આજે શિક્ષણ માટે બહેતર રસ્તો પસંદ કરવા દરેક મમ્મી-પપ્પાને મજબૂર કરે છે. એટલે જ અનસ્કૂલિંગ વધુ સ્વતંત્ર અને રણનીતિવિહીન, બાળકોના રસઆધારિત અભ્યાસપદ્ધતિ હોવાથી દિવસે-દિવસે વધુ લોકપ્રિય બની રહ્યું છે. મુંબઈ, હૈદરાબાદ અને અમદાવાદ જેવાં શહેરોમાં અનેક અનસ્કૂલિંગ પરિવારોએ પોતપોતાનાં સામુદાયિક જૂથો અને વૈકલ્પિક શિક્ષણકેન્દ્રો બનાવ્યાં છે. અહીં પરિવારોએ સહભાગી થઈને એકબીજાથી શીખવાનું માધ્યમ ઊભું કરવાનું હોય છે. ખાસ કરીને કોરોના મહામારી દરમ્યાન જ્યારે સ્કૂલો બંધ હતી ત્યારે ઘણા પરિવારો આમાં ઉમેરાયા અને આજ સુધી તેઓ આ જ પદ્ધતિથી શીખવાડી રહ્યા છે. જોકે આ માર્ગ સહેલો નથી. સોશ્યલાઇઝેશન, ભવિષ્યમાં વ્યવસાય અને ભારતની શૈક્ષણિક નીતિમાં અનસ્કૂલિંગના કાયદેસર સ્થાન વિશેની અનિશ્ચિતતા એક મોટી ચિંતાનો વિષય છે. એટલે જ ઘણા પરિવારો આને શંકાથી જુએ છે. તો ચાલો આજે આવા અનસ્કૂલિંગ પરિવારોને મળીને તેમના મુખેથી જ આપણી મૂંઝવણોનો અંત આણીએ.
09 May, 2025 03:04 IST | Mumbai | Sameera Dekhaiya Patrawala