ઝારખંડમાં BJPને બહુમતી, કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભાનાં એંધાણ

Published: Dec 21, 2014, 05:40 IST

બન્ને રાજ્યોમાં પાંચ તબક્કામાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણી પછીના એક્ઝિટ પોલ્સનું તારણ 


ઝારખંડમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ને બહુમતી મળશે, જ્યારે જમ્મુ અને કાશ્મીરમાં પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP) સૌથી મોટા પક્ષ તરીકે ઊભરવાની સાથે ત્રિશંકુ વિધાનસભા સર્જાવાનાં એંધાણ એક્ઝિટ પોલ્સમાં મળ્યાં છે.

આ બન્ને રાજ્યોમાં પાંચ તબક્કામાં યોજાયેલી વિધાનસભાઓની ચૂંટણીમાં ગઈ કાલે છેલ્લા તબક્કાનું મતદાન પૂરું થયા બાદ ઇન્ડિયા ટેલિવિઝન-સીવોટરે બહાર પાડેલા એક્ઝિટ પોલમાં જણાવવામાં આવ્યું હતું કે ૮૧ બેઠકોવાળી ઝારખંડ વિધાનસભામાં BJP તથા એના સાથીપક્ષોને ૩૭થી ૪૫ બેઠકો મળશે, જ્યારે ટુડેઝ ચાણક્યના એક્ઝિટ પોલના તારણ અનુસાર અહીં BJP તથા એના સાથીપક્ષોને ૬૧ બેઠકો મળશે.

જોકે જમ્મુ-કાશ્મીરમાં BJPને એના મિશન-૪૪ના લક્ષ્યાંકને આંબવાનું મુશ્કેલ બન્યું હોય એવું લાગે છે. ૮૭ બેઠકોવાળી આ વિધાનસભામાં BJPને ૨૭થી ૩૩ બેઠકો મળી શકે છે અને એમાંથી ૨૫થી ૩૧ બેઠકો તો જમ્મુ પ્રદેશમાંથી જ મળે એવી આશા છે. અહીં શાસક નૅશનલ કૉન્ફરન્સનો દેખાવ સૌથી વધુ ખરાબ રહી શકે છે અને એ ત્રીજા સ્થાને રહે એવી સંભાવના છે.

ઇન્ડિયા ટેલિવિઝનના એક્ઝિટ પોલ અનુસાર મુફ્તી મોહમ્મદ સઈદના વડપણ હેઠળની PDPને ૩૨થી ૩૮ બેઠકો મળી શકે છે, જ્યારે નૅશનલ કૉન્ફરન્સને માત્ર ૮થી ૧૪ બેઠકો મળશે. ચોથા ક્રમે ૬થી ૧૩ બેઠકો સાથે કૉન્ગ્રેસ રહેશે અને બેથી ૮ બેઠકો સાથે અન્યો પાંચમા ક્રમે રહેશે. કાશ્મીર ખીણ વિસ્તારમાં PDPને ૨૯થી ૩૫ બેઠકો, કૉન્ગ્રેસને ૪થી ૧૦ બેઠકો અને અન્યોને બેથી ૮ બેઠકો મળવાની આશા છે. ચાર બેઠકો ધરાવતા લદ્દાખ મતવિસ્તારમાં કૉન્ગ્રેસને ત્રણ બેઠકો અને BJPને એક બેઠક મળવાની સંભાવના છે.

ઝારખંડમાં શાસક ઝારખંડ મુક્તિ મોરચા (JMM)ને ૧૫થી ૨૩ બેઠકો મળશે એવું ઇન્ડિયા ટેલિવિઝનના, જ્યારે એને ૧૨ બેઠકો મળશે એવું ટુડેઝ ચાણક્યના એક્ઝિટ પોલમાં જણાવવામાં આવ્યું હતું. અહીં કૉન્ગ્રેસને ૩થી ૭ બેઠકો મળી શકે છે.

સીએનએન-આઈબીએન ટેલિવિઝન ચેનલે પ્રસારિત કરેલા ત્રીજા એક્ઝિટ પોલમાં જણાવવામાં આવ્યું હતું કે ઝારખંડમાં BJP અને એના સાથીપક્ષોને ૩૭થી ૪૩ બેઠકો મળી શકશે, જ્યારે ઝારખંડ વિકાસ મોરચો ૧૨થી ૧૬ બેઠકો સાથે બીજા ક્રમે અને JMM ૧૦થી ૧૪ બેઠકો સાથે ત્રીજા ક્રમે રહેશે.

જમ્મુ અને કાશ્મીરમાં PDPને ૩૬થી ૪૧ બેઠકો અને BJPને ૧૬થી ૨૨ બેઠકો આ એક્ઝિટ પોલમાં આપવામાં આવી હતી. ત્રીજા સ્થાન માટે નૅશનલ કૉન્ફરન્સ અને કૉન્ગ્રેસ વચ્ચે ૯થી ૧૨ બેઠકો મળવાની સાથે ટક્કર થઈ શકે છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK