દીપિકા પાદુકોણની મેનેજરે અભિનેત્રી માટે ડ્રગ્સ ખરીદ્યું હોવાનું સ્વીકાર્યું

Updated: 25th September, 2020 19:12 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

NCBએ રકુલની ચાર કલાક પૂછપરછ કરી, એક્ટ્રેસે ડ્રગ ચેટની વાત કબૂલી

એનસીબીની ઓફિસમાં રકુલ પ્રીત સિંહ (તસવીર: અતુલ કાંબળે)
એનસીબીની ઓફિસમાં રકુલ પ્રીત સિંહ (તસવીર: અતુલ કાંબળે)

અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ની આત્મહત્યાના કેસ તરફથી બૉલીવુડમાં ડ્રગ્સની તપાસ તરફ વળેલી નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (NCB)એ આજે શુક્રવારે એટલે કે 25 સપ્ટેમ્બરના રોજ અભિનેત્રી રકુલ પ્રીત સિંહ (Rakul Preet Singh) અને અભિનેત્રી દીપિકા પાદુકોણ (Deepika Padukone)ની મેનેજર કરિશ્મા પ્રકાશ (Karishma Prakash)ની પૂછપરછ કરી હતી. NCBએ રકુલ પ્રીત સિંહની ચાર કલાક પૂછપરછ કરી હતી. જેમા અભિનેત્રીએ ડ્રગ ચેટની વાત કબૂલી હતી. જ્યારે દીપિકા પાદુકોણની મેનેજરે પૂછપરછ દરમિયાન સ્વીકાર્યું હોવાનું કહેવાય છે કે, તેણે જ અભિનેત્રિ માટે ડ્રગ્સ ખરીદ્યું હતું. હવે, ગયા વર્ષે કરણ જોહર (Karan Johar)ના ઘરે યોજાયેલી પાર્ટી NCBના રડાર પર છે. માનવામાં આવે છે કે, આ પાર્ટીમાં કોકેનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને આ પાર્ટીમાં સામેલ તમામ સેલેબ્સની NCB પૂછપરછ કરશે.

રકુલ-કરિશ્માની સામસામે બેસાડીને પૂછપરછ

રકુલ પ્રીત સિંહ તથા દીપિકાની મેનેજર કરિશ્મા પ્રકાશને સામસામે બેસાડીને NCB પૂછપરછ કરી હતી. માનવામાં આવે છે કે, બન્નેને જયા સાહાની ચેટ બતાવીને સવાલ કરવામાં આવ્યા હતાં.

કરિશ્માએ શું ખુલાસા કર્યા?

થોડાં સમય પહેલાં દીપિકા-કરિશ્માની 28 ઓક્ટોબર, 2017ની વ્હોટ્સએપ ચેટ વાઈરલ થઈ હતી. હવે આ ચેટ અંગે મોટો ખુલાસો કરવામાં આવ્યો હતો. સૂત્રોના મતે, આ વ્હોટ્સએપ ગ્રુપમાં ત્રણ લોકો સામેલ હતા. જેમાં દીપિકા, મેનેજર કરિશ્મા પ્રકાશ તથા જયા સાહા હતા. આ ગ્રુપની એડમિન દીપિકા પાદુકોણ પોતે જ હતી. 2017માં બનેલું ગ્રુપ થોડાં દિવસ પહેલાં જ ડિલિટ કરી નાખવામાં આવ્યું છે. સૂત્રોના મતે, આ ગ્રુપમાં દીપિકાની મેનેજર કરિશ્મા તથા રિયાની મેનેજર જયા સાહા મેમ્બર હતા. તપાસ એજન્સીને આ ગ્રુપની અનેક ડ્રગ ચેટ મળી હતી. આને આધારે NCB એક સિન્ડિકેટ ચલાવવાનો કેસ દાખલ કરી શકે છે.

NCBની પૂછપરછમાં કરિશ્મા પહેલા રડવા લાગી હતી. ત્યારબાદ તેની સામે પુરાવા રાખવામાં આવ્યા તો કરિશ્માએ અબિનેત્રી અંગે મોટા ખુલાસા કર્યા છે. સૂત્રોના મતે, કરિશ્માએ એમ કહ્યું હતું કે દીપિકાએ આ ગ્રુપમાં તેને જબરજસ્તી સામેલ કરી હતી. આ ગ્રુપમાં કુલ 12 સભ્યો હતા, દીપિકા ઉપરાંત બે અન્ય સભ્યો એડમિન હતા. કરિશ્માએ પોતાની પૂછપરછમાં કહ્યું હતું કે, તે જયા સાહાના હાથ નીચે કામ કરતી હતી અને અનેકવાર દીપિકા સાથે વાત થઈ હતી. જયા તથા દીપિકાની મુલાકાત પણ તેણે જ કરાવી હતી. કરિશ્માએ દીપિકા માટે ડ્રગ્સ ખરીદવાની વાત સ્વીકારી છે. આ ગ્રુપની ચેટ એ વાત સાબિત કરે છે કે અનેક સેલિબ્રિટીઝ ડ્રગ્સ ખરીદવા માટે પોતાના સ્ટાફ કે મેનેજરનો ઉપયોગ કરે છે.

રકુલ પ્રીત સિંહની ડ્રગ્સની કબૂલાત

આજે NCBએ રકુલ પ્રીત સિંહની ચાર કલાક પૂછપરછ કરી હતી. જેમા અભિનેત્રીએ ડ્રગ ચેટની વાત કબૂલી હતી. સૂત્રોના મતે, રકુલે NCB સમક્ષ ડ્રગ્સ ચેટની વાત સ્વીકારી હતી. રકુલે કહ્યું હતું કે, તેણે ક્યારેય ડ્રગ્સ લીધું નથી અને ડ્રગ્સ પેડલર્સ સાથે તેનું કોઈ કનેક્શન નથી. આ ઉપરાંત રિયાએ 2018માં રિયા સાથે થયેલી ડ્રગ ચેટની વાત સ્વીકારી હતી. તેણે કહ્યું હતું કે, તે ચેટમાં જે વાત થતી હતી તેમાં રિયાએ તેની પાસે ડ્રગ્સ માગ્યું હતું, કારણ કે રિયાએ તેના ઘરે ડ્રગ્સ મૂક્યું હતું. રકુલ સવારે 10.30 વાગે NCBની ઓફિસ આવી હતી અને ત્યાંથી 2.30 વાગે નીકળી હતી. આ રીતે NCBએ રકુલની ચાર કલાક સુધી પૂછપરછ કરી હતી.

કરન જોહરની કંપનીના આસિસ્ટન્ટ ડિરેક્ટરની પૂછપરછ

બીજી બાજુ NCB કરન જોહરની કંપની ધર્મા પ્રોડક્શનના આસિસ્ટન્ટ ડિરેક્ટર અનુભવ ચોપરાની પૂછપરછ કરી છે. અનુભવ ચોપરા ડિરેક્ટર ક્ષિતિજ પ્રસાદનો નિકટનો સાથી છે. આ પહેલા NCBએ ક્ષિતિજ પ્રસાદના ઘરે દરોડા પાડ્યા હતા. ક્ષિતિજ પર ડ્રગ્સ ખરીદવાનો આક્ષેપ છે. ડ્રગ પેડલરે ક્ષિતિજ પ્રસાદનું નામ આપ્યું હતું.

કરણ જોહરના ઘરે 27 જુલાઈ, 2019ના રોજ થયેલી પાર્ટી NCBના રડાર પર

સૂત્રોના મતે, કરન જોહરના ઘરે ગયા વર્ષે એટલે કે 2019 27 જુલાઈના રોજ એક પાર્ટી યોજાઈ હતી. કરન જોહરના ઘરે યોજાયેલી હાઉસ પાર્ટીમાં દીપિકા પાદુકોણ, મલાઈકા અરોરા, અર્જુન કપૂર, શાહિદ કપૂર, વરુણ ધવન-નતાશા, ઝોયા અખ્તર, વિકી કૌશલ, અયાન મુખર્જી અને રણબીર કપૂર સહિત અન્ય લોકો પણ હાજર હતા. આ વીડિયો ખુદ કરન જોહરે શૂટ કરીને સોશ્યલ મીડિયા પર અપલોડ કર્યો હતો. તે સમયે પણ આ પાર્ટીમાં ડ્રગ્સ લેવાયા હોવાનો આરોપ લાગ્યો હતો. હવે NCBને શંકા છે કે, આ પાર્ટીમાં કોકેનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ પાર્ટીમાં સામેલ દરેક સેલેબ્સ હવે NCBના રડાર પર છે. માનવામાં આવે છે કે પાર્ટીમાં સામેલ તમામ લોકોને પૂછપરછ માટે બોલાવવામાં આવી શકે છે.

First Published: 25th September, 2020 18:30 IST
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK