અર્થનું અર્થઘટન : બધું આંખ સામે સ્પષ્ટ હોય એ પછી પણ જો કાયદો એનું કામ કરતો રહે તો...

Published: Jan 11, 2020, 14:06 IST | Manoj Joshi | Mumbai

અર્થનું અર્થઘટન : બધું આંખ સામે સ્પષ્ટ હોય એ પછી પણ જો કાયદો એનું કામ કરતો રહે તો...

નિર્ભયા કેસ
નિર્ભયા કેસ

બે દિવસ પહેલાં નિર્ભયાકેસના આરોપીઓની સજાનો અમલ કરવાની તારીખ પણ ફાઇનલ થઈ ગઈ અને વળતું કાઉન્ટડાઉન પણ શરૂ થઈ ગયું. અંગત રીતે જ નહીં, સાર્વજનિક રીતે પણ સૌકોઈને લાગે છે કે આ કેસમાં આરોપીઓને સજા મળવાની બાબતમાં ખાસ્સોએવો સમય લેવાઈ ગયો છે. સમય ક્યાં લેવાયો, કેવી રીતે ખર્ચાયો અને કોણે ખર્ચ કર્યો એની ચર્ચા અત્યારે અસ્થાને છે અને એ પછી પણ આ ભૂલ અક્ષમ્ય કહેવાય એ પણ એટલું જ સાચું છે. આજના સમયમાં જો આરોપીને આટલો સમય મળતો રહેવાનો હોય, આટલો સમય તેઓ જીવી શક્યા હોય તો કેવી રીતે કાનૂનની બીક કોઈના મનમાં રહી શકે એ વિચારવાયોગ્ય વાત છે. તમે જો ઇચ્છતા હો કે તમારા દેશમાં કાનૂની ડર અકબંધ રહે, તમારા દેશમાં કાયદાનું સન્માન થતું રહે અને તમારા દેશમાં સુરક્ષાત્મક વાતાવરણ બની રહે તો તમારે સૌથી પહેલું તો એ કાયદાનો ડર બેસાડવાની જરૂર છે. આ દેશની સૌથી મોટી લાચારી જો કોઈ હોય તો એ જ છે કે દેશમાં એક પણ કાયદાનો ભય કોઈને લાગી નથી રહ્યો. ખાસ કરીને ઉપરના સ્તરે જીવતી પ્રજાને અને નીચેના સ્તરે રહેલી પ્રજાને.

મધ્યમ વર્ગ ડરે છે. તે કાયદાથી પણ ડરે છે, પોલીસથી પણ ડરે છે અને કોર્ટ-કચેરીથી પણ ડરે છે, પણ આ ડર પાછળની વાસ્તવિકતા જુદી છે. તેને ડર પોલીસ અને કોર્ટ કરતાં પણ વધારે ડર આબરૂ અને શાખનો છે. સમાજમાં કેવી-કેવી વાતો થશે એ વાતનો ડર આ મધ્યમ વર્ગમાં રહે છે. આ જ કારણે નોટિસ લઈને ઘરે આવતા બેલિફથી પણ તેને પરસેવો છૂટી જાય છે અને સોસાયટીમાં ઝઘડા પછી આવતી પોલીસથી પણ તેની પ્રસ્વેદગ્રંથિ ઉત્તેજિત થઈ જાય છે. આ અવસ્થા વચ્ચે દેશનું કાયદામંત્રાલય જરા પણ પોતાના કૉલર ટાઇટ કરી શકે એમ નથી કે મધ્યમ વર્ગમાં રહેલો આ ડર તેમને લીધે છે. ના, એવું નથી. આ ડર મધ્યમ વર્ગની લાગણીઓને લીધે અને તેમની મર્યાદાને આભારી છે.

દેશમાં કાયદાનો ડર આ સિવાય અન્ય કોઈને હોય એવું માની શકાતું નથી. ૭ વર્ષનો સમયગાળો અને એ પણ સંપૂર્ણપણે, નખશિખ સ્પષ્ટ દેખાતા કેસમાં. શરમ, ખરેખર શરમજનક કહેવાય એવી આ અવસ્થા કહેવાય. આ ૭ વર્ષ શું કામ ગયા એનો હિસાબ સૌકોઈએ આપવો જોઈએ, આપવો પડે એવું હું અંગતપણે માનું છું.

શું કામ જવો જોઈએ આટલો સમય, શું કામ? કોઈક તો જવાબ આપો અને ધારો કે કોઈ જવાબ આપવા રાજી ન હોય તો કોઈ તો ભૂલ સ્વીકારો. આ ભૂલ છે. ઍટ લીસ્ટ મારી દૃષ્ટિએ તો આ ભૂલ જ છે. આ સમય પસાર થવો નહોતો જોઈતો. આ સમય કોઈ કાળે નીકળવો નહોતો જોઈતો. કાયદા-કાનૂનમાં વિશ્વાસ ધરાવતો હોવા છતાં કહેવાનું મન થઈ આવે કે આ પ્રકારે સમય પસાર થાય એના કરતાં તો સારું હોત કે હૈદરાબાદના રેપકેસની જેમ એન્કાઉન્ટર થયું હોત અને સૌકોઈને ન્યાય મળ્યાનો સંતોષ મળ્યો હોત. પ્રજાના આક્રોશની પરીક્ષા નહીં લો કાનૂન-મહોદય, પ્રજા જેટલી ધીરજ રાખી શકે છે એટલી જ આક્રમકતા ધારણ કરતાં પણ તેને આવડે છે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK