તુમ ક્યા જાનો તુમ્હારી યાદ મેં હમ કિતના રોયે...

Published: May 17, 2020, 18:33 IST | Rajani Mehta | Mumbai Desk

વો જબ યાદ આએ : આ ગીતોને સાંભળીને જીવંત રહીએ છીએ. મારા માટે સંગીત મેડિસિન પણ છે અને સાથે મેડિટેશન પણ; એટલે સમય સરસ રીતે પસાર થઈ જાય છે.

વો જબ યાદ આએ
વો જબ યાદ આએ

‘તુમ ક્યા જાનો તુમ્હારી યાદ મેં હમ કિતના રોયે,
રૈન ગુઝારી તારે ગિન ગિન, ચૈન સે જબ તુમ સોયે...’

થોડા દિવસો પહેલાં સંગીતકાર પ્યારેલાલ સાથે ફોન પર વાતચીત થઈ. હું કયા વિષય પર લખું છું એ જાણવાની તેમને સદાય ઉત્સુકતા હોય. બે-ત્રણ મહિના થાય એટલે અમારી રૂબરૂ મુલાકાત થયા કરે, પરંતુ હમણાં એ શક્ય નથી એટલે ફોન પર વાત થાય છે. કેવી રીતે સમય પસાર કરો છો એના જવાબમાં મેં કહ્યું કે અમે સૌ નસીબદાર છીએ કે એ યુગમાં જન્મ લીધો છે જ્યારે મહાન ગાયકો, સંગીતકારો અને ગીતકારોએ પોતાનું સર્વોત્તમ સંગીતપ્રેમીઓને આપ્યું. આ ગીતોને સાંભળીને જીવંત રહીએ છીએ. મારા માટે સંગીત મેડિસિન પણ છે અને સાથે મેડિટેશન પણ; એટલે સમય સરસ રીતે પસાર થઈ જાય છે.

સંગીતની વાતો સાથે અમારી વચ્ચે હસી-મજાક થયા કરે. મને કહે, ‘કાલે મુંબઈના પોલીસ-કમિશનરનો મને ફોન આવ્યો. કહેતા હતા કે તમારા મિત્ર રજની મહેતા આજકાલ બહુ બહાર ફરે છે, તેમને જરા સમજાવોને?’ મેં કહ્યું, ‘સાવ સાચી વાત છે. આ નવરાશના સમયમાં રોજ એક-એક ગીતકારને મળવા જાઉં છું. વર્ષોથી તેમની સાથે, તેમનાં ગીતો સાથે, બાળપણમાં થયેલો નાતો છૂટી ગયો છે. આવો સોનેરી મોકો બીજી વાર મળે કે ન મળે, એટલે નિરાંતે એ સુરીલી યાદોને ફરી પાછી તાજી કરી લઉં છું.’
અને એ હસી પડ્યા. મને કહે, ‘આવી તક તો નસીબદારને જ મળે.’
આજે એક એવા ગીતકારની વાત કરવી છે જે એક ટ્રેન્ડ-સેટર હતા. આજકાલ હિન્દી ફિલ્મોમાં અંગ્રેજી શબ્દોની ભેળસેળવાળા, મીનિંગલેસ ગીતોનું પ્રમાણ વધી ગયું છે. આ ગીતો લોકપ્રિય થાય છે, પરંતુ આ ટ્રેન્ડ વર્ષો પહેલાં (૪૦ અને ૫૦ના દાયકામાં) ગીતકાર પ્યારેલાલ સંતોષીએ શરૂ કર્યો હતો. જોકે એ દિવસોમાં પણ આ ગીતો લોકપ્રિય થયાં હતાં છતાં સારી વાત એ હતી કે એ ગીતોની સંખ્યા ઘણી ઓછી હતી.
યાદ કરીએ તેમનાં લખેલાં થોડાં આવાં ગીતોને. ‘આના મેરી જાન સન્ડે કે સન્ડે’ (૧૯૪૭ - શહનાઈ – સી. રામચંદ્ર — મીના કપૂર, ચિતલકર રામચંદ્ર)
‘મૈં હૂં એક ખલાસી મેરા નામ હૈ ભીમપલાસી, ખલાસી ભીમપલાસી’ (૧૯૪૭ - શહનાઈ – સી. રામચંદ્ર -- ચિતલકર રામચંદ્ર)
‘બાપ ભલા ના ભૈયા, ભૈયા સબસે ભલા રૂપૈયા’ (૧૯૫૦ - સરગમ - સી. રામચંદ્ર -– મોહમ્મદ રફી, લતા મંગેશકર, ચિતલકર)
‘તેરિયા તેરિયા તેરિયા તોતારી તેરિયા તેરિયા’ (૧૯૫૪ - ચાલીસ બાબા એક ચોર –સચિન દેવ બર્મન – લતા મંગેશકર)
આજનાં ગીતો માટે સંગીતપ્રેમીઓની ફરિયાદ હોય છે કે એમાં કવિતા નથી હોતી, કેવળ જોડકણાં હોય છે. તેમને માટે આ જાણકારી થોડી આઘાતજનક હશે કે આની શરૂઆત વર્ષો પહેલાં થઈ ચૂકી હતી. એ દિવસોમાં રેડિયો સિલોન પર અડધા કલાકનો ‘અનોખે બોલ’ નામનો એક કાર્યક્રમ આવતો, જે ખૂબ લોકપ્રિય હતો.
૧૯૧૬ની ૭ ઑગસ્ટે જબલપુરમાં પ્યારેલાલ શ્રીવાસ્તવ (જે ફિલ્મી દુનિયામાં પ્યારેલાલ સંતોષીના નામે જાણીતા થયા)નો જન્મ થયો. પિતા સ્કૂલમાં હેડમાસ્ટર હતા. નાનપણથી પ્યારેલાલને કવિતા લખવાનો શોખ. કવિ સંમેલનમાં ભાગ લે. ફિલ્મો જોવાનો પણ એટલો જ શોખ એટલે નસીબ અજમાવવા ૧૯૩૦માં મુંબઈ આવ્યા. અહીં જદ્દનબાઈ (નર્ગિસનાં માતા) ફિલ્મો બનાવતાં અને તેમની કંપનીમાં અસિસ્ટન્ટ તરીકેની નોકરી મળી. ૧૯૩૨માં ‘મોતી કા હાર’ ફિલ્મમાં ગીતો લખવાનો ચાન્સ મળ્યો. આ ફિલ્મમાં એક નાનો રોલ પણ ભજવ્યો. ત્યાર બાદ ‘જીવન સ્વપ્ન’માં ચાર ગીતો લખ્યાં.
૧૯૩૭માં રણજિત મુવિટોન અને ત્યાર બાદ ૧૯૪૧માં બૉમ્બે ટૉકીઝમાં જોડાયા. આ વર્ષો દરમ્યાન ફિલ્મો વિશેની અનેક બાબતોની જાણકારી મળતી ગઈ. આ કારણે પ્રભાત ફિલ્મ્સની ‘હમ એક હૈં’ ડિરેક્ટ કરવાનો અને ડાયલૉગ્સ લખવાનો મોકો મળ્યો. આ દરમ્યાન હિરોઇન રેહાના સાથે અંગત પરિચય વધ્યો. આ પ્રકરણ તેમના જીવનનું એક એવું પાનું બની ગયું જેની બહુ મોટી કિંમત તેમણે ભવિષ્યમાં ચૂકવવી પડી.
એક ગીતકાર તરીકે કેવળ અર્થહીન ગીતો માટે પી. એલ. સંતોષી પ્રખ્યાત નથી. તેમની કલમમાંથી અનેક સુંદર, કવિતાસભર ગીતો આપણને મળ્યાં જે આજે પણ સાંભળવાં ગમે છે.
ખાસ કરીને સંગીતકાર સી. રામચંદ્ર અને પ્યારેલાલ સંતોષીની જોડીએ અનેક લોકપ્રિય ગીતો આપ્યાં, જેવા કે...
‘તુમ ક્યા જાનો તુમ્હારી યાદ મેં હમ કિતના રોયે’ (૧૯૫૨ – શિન શિનાકી બૂબલા બૂ - લતા મંગેશકર)
‘મહેફિલ મેં જલ ઊઠી શમા પરવાને કે લિએ, પ્રીત બની હૈ દુનિયા મેં મર જાને કે લિએ’ (૧૯૫૨ - નિરાલા - લતા મંગેશકર)
‘જબ દિલ કો સતાએ ગમ, છેડ સખી સરગમ’ (૧૯૫૦ - સરગમ - લતા મંગેશકર)
આ સિવાય તેમણે બીજા અનેક સંગીતકારો સાથે કામ કર્યું. એમાંનાં થોડાં ગીતો છે...
‘આશા કે હૈ ખેલ નિરાલે, ---- (૧૯૩૯ – મેરી આંખે – ખેમચંદ પ્રકાશ – ખુરશીદ)
‘ભંવરા રસિયા રે મન બસિયા’ (૧૯૩૯ - આપ કી મર્ઝી -- ગ્યાન દત્ત - ખુરશીદ)
‘ચલો ચલો સખી રી મધુબન મેં’ (૧૯૪૨ - સ્ટેશન માસ્ટર -- નૌશાદ - રાજકુમારી, સુરૈયા)
‘અબ કિસ્મત તેરે સદકે જો માંગી વો હર ચીઝ મિલી’ (૧૯૫૫ - શ્રી નગદ નારાયણ --- વિનોદ - મોહમ્મદ રફી)
‘મૈં ખડી ખડી સોચ રહી એક બડી બાત રે’ (૧૯૫૫ - છોટે બાબુ - મદન મોહન -- લતા મંગેશકર)
‘મેરે ગોરે ગોરે ગાલ મેરે કાલે કાલે બાલ’ (૧૯૫૮ - દુલ્હન - રવિ -- મોહમ્મદ રફી, શમશાદ બેગમ)
‘હમ પંછી એક ડાલ કે, સંગ સંગ ડોલે, બોલી અપની અપની બોલે’ (૧૯૫૭ - હમ પંછી એક ડાલ કે - એન. દત્તા - મોહમ્મદ રફી અને આશા ભોસલે)
‘ઓ નીંદ ન મુઝકો આયે, દિલ મેરા ગભરાએ, ચુપકે ચુપકે કોઈ આ કે, સોયા પ્યાર જગાયે’ (૧૯૫૮ - પોસ્ટ બૉક્સ નંબર 999 - કલ્યાણજી વીરજી શાહ - લતા મંગેશકર, હેમંત કુમાર)
‘સચ કહૂં આઇ લવ યુ વેરી મચ’ (૧૯૬૬ - અકલમંદ -- ઓ. પી. નય્યર - મોહમ્મદ રફી, આશા ભોસલે)
‘જબ સે મૈં હો ગઈ હૂં યંગ’ (૧૯૬૮ -- હાય મેરા દિલ -- ઉષા ખન્ના - મોહમ્મદ રફી, ઉષા ખન્ના)
સંગીતકાર આણંદજીભાઈ પી. એલ. સંતોષીને યાદ કરતાં કહે છે, ‘તેઓ પાનના ખૂબ શોખીન હતા. સીટિંગ માટે આવે ત્યારે ત્રણ-ચાર પાન જોઈએ. એકસાથે ચાવતા જાય. એ ઉપરાંત એ જમાનામાં રૉજર્સ કંપનીનું રાસબરી કોલ્ડ ડ્રિન્ક આવતું એ બહુ ભાવે. આ બે વસ્તુ હોય તો જ તેમને ગીત લખવાનો મૂડ આવે. એક વાર શરૂ થાય એટલે ફટાફટ ગીત પૂરું કરી નાખે. રદીફ, કાફિયા ઝડપથી યાદ આવી જાય. રમતિયાળ ગીતો ઉપરાંત ગંભીર ગીતો લખવાની તેમને સારી ફાવટ હતી.’
૪૦ અને ૫૦ના દસકામાં પી. એલ. સંતોષીનું નામ સફળતાનો પર્યાય ગણાતું. શહનાઈ, ખિડકી, સરગમ; એક પછી એક હિટ ફિલ્મો તેમના નામે આવતી ગઈ. એ દિવસોમાં ડિરેક્ટર તરીકે તેમને એક લાખ રૂપિયા મળતા. ફિલ્મી દુનિયા કોઈકને માલામાલ કરી દેવા માટે તૈયાર થાય ત્યારે છાપરું ફાડીને પૈસા આપે. ‘જોઈએ છે બે-પાંચ હજાર, લઈ લે ને લાખ-બે લાખ’ એ અહીંનો બહુ જૂનો રિવાજ છે, પરંતુ લેનારે આ ગીત યાદ રાખવું જોઈએ ‘ઝમાને કા દસ્તૂર હૈ યે પુરાના, બનાકર મિટાના, મિટાકર બનાના’ (૧૯૫૦ - લાજવાબ -- અનિલ બિસ્વાસ – મુકેશ - પ્રેમ ધવન) આ જ ન્યાયે સમય બદલાય ત્યારે એવી પરિસ્થિતિ આવે કે એ જ્યાં તમે પાણી માગો ત્યાં શરાબ મળતો હોય એને બદલે પાણી માગતા એક ઘૂંટડો તો શું, એક-એક બુંદ માટે તમે તરસી જાઓ.
રૂપેરી સૃષ્ટિનાં આ બન્ને રૂપ પી. એલ. સંતોષીએ એકદમ નજીકથી જોયાં. એ સમય એવો હતો જ્યારે વડીલો એમ કહેતા કે રૂપિયો ગાડાના પૈડા જેટલો મોટો હતો. માંડ-માંડ મેટ્રિક થયેલા પી. એલ. સંતોષીને પોતાની ઑલરાઉન્ડ આવડતને કારણે અઢળક રૂપિયા મળતા. એમ કહેવાતું કે ચા-પાણી-નાસ્તો કરવા જતી વખતે કેવળ ૧૦૦ની નોટ આપીને બાકીના પૈસા પાછા લેવાની તેમને આદત નહોતી. જાણે ૧૦૦ રૂપિયા સિવાયની નાની નોટ હોય છે એની તેમને ખબર જ ન હોય. તેમની પાસે બે ગાડી હતી. ડાન્સર મુમતાઝ અલીનો પુત્ર મેહમૂદ, જી હા, કૉમેડિયન મેહમૂદ તેમના ડ્રાઇવર તરીકે કામ કરતો હતો.
એ દિવસોમાં પી. એલ. સંતોષીએ લખેલું એક ગીત અત્યંત લોકપ્રિય થયું હતું. ‘કોઈ કિસી કા દીવાના ન બને, હો તીરે નઝર કા નિશાના ન બને, દીવાના ન બને’ (૧૯૫૦ - સરગમ - સી. રામચંદ્ર - લતા મંગેશકર). ફિલ્મી સિચુએશન માટે લખાયેલા આ ગીતને નજરઅંદાઝ કરીને પી. એલ. સંતોષી હકીકતમાં એનાથી વિપરીત વર્તન કરતા હતા. તે અભિનેત્રી રેહાનાની કાતિલ અદાઓના પ્રેમમાં પાગલ હતા. આ પ્રેમ એકતરફી જ હશે, કારણ કે રેહાના પાછળ પુષ્કળ સમય અને પૈસા બરબાદ કર્યા બાદ એક સમય એવો આવ્યો કે રેહાનાએ જેમ પાલવ ખંખેરે એમ સંતોષીને ખંખેરી નાખ્યા. ત્યાં સુધી કે એક રાતે સંતોષી તેના ઘેર મળવા ગયા તો બારણું બંધ કરી દીધું અને આખી રાત સંતોષી, બારણું ઊઘડે એની રાહ જોતા દરવાજે આંસુ સારતા બેસી રહ્યા જાણે પોતાનું જ લખેલું ‘તુમ ક્યા જાનો તુમ્હારી યાદ મેં હમ કિતના રોયે, રાત ગુઝારી તારે ગિન ગિન, ચૈન સે જબ તુમ સોએ’ ગીત સાર્થક ન કરતા હોય.
પ્રેમ અને પૈસો એકસાથે પી. એલ. સંતોષીને હાથતાળી આપી ગયો. લાખોની ઊથલપાથલ કરનાર એક હોનહાર લેખક, ગીતકાર અને ડિરેક્ટરને હવે ટૅક્સીમાં લિફ્ટ માગવી પડતી; તો ક્યારેક બસની લાઇનમાં ઊભા રહેવું પડતું. મિત્રોને મદદ કરવા ખિસ્સામાંથી મુઠ્ઠીમાં આવે એટલી નોટો આપનાર હવે પરચૂરણ શોધવા ખિસ્સાં ફંફોશે એ જોઈને લોકોની આંખમાં આંસુ આવી જતાં. સુરેશ દલાલનું એક વાક્ય યાદ આવે છે, પૈસો આવે છે ત્યારે બે પ્રકારના મિત્રો સાથે લાવે છે. તાળી-મિત્રો અને થાળી-મિત્રો. લક્ષ્મી જાય ત્યારે આ મિત્રો સાથ છોડી દે છે. નસીબદારને જ આવા સમયે વનમાળી મિત્ર; જો હોય તો; સાથ આપે. પી. એલ. સંતોષીના જીવનમાં આવો વનમાળી મિત્ર નહોતો. નાનપણમાં મેં ભાંગવાડીનાં નાટકો જોયાં ત્યારે મહાન અભિનેતા અશરફ ખાનના એક ગીતને અનેક વન્સ મોર મળતા. ‘એકસરખા સુખના દિવસો કોઈના જાતા નથી.’ જે મેહમૂદ તેમને ત્યાં ડ્રાઇવર બનીને નોકરી કરતો હતો તેને ત્યાં નોકરી કરવાનો તેમનો સમય આવ્યો. ‘કિસ્મત હમારે સાથ હૈ, જલનેવાલે જલા કરે’ (૧૯૪૮ - ખીડકી - સી. રામચંદ્ર - મોહમ્મદ રફી, લતા મંગેશકર, શમશાદ બેગમ, ચિતલકર રામચંદ્ર) લખતી વખતે સંતોષીને સપનામાં પણ વિચાર નહીં આવ્યો હોય કે એક દિવસ કિસ્મત જ્યારે ખો આપશે ત્યારે સાથ આપનારું કોઈ નહીં હોય.
‘ભાંગ્યું તોયે ભરૂચ’ એ ન્યાયે ‘બરસાત કી એક રાત’ (૧૯૫૦)માં પી. એલ. સંતોષીએ પોતાનો જૂનો ટચ બતાવ્યો. તેમની અગાઉની ફિલ્મ ‘ખીડકી’ની જેમ આ ફિલ્મમાં કવ્વાલી અસલી રંગમાં રૂપેરી પડદા પર આવી. ફિલ્મ ‘હમ પંછી એક ડાલ કે’ (૧૯૫૭)માં ઉત્તમ ગીતો લખ્યાં અને ડિરેક્શન કર્યું અને ફિલ્મને રાષ્ટ્રપતિ પુરસ્કાર મળ્યો.
પી. એલ. સંતોષીની ડિરેક્ટર તરીકેની અંતિમ લોકપ્રિય ફિલ્મ હતી ‘દિલ હી તો હૈ’ (૧૯૬૩). પ્રોડ્યુસર બી. એલ. રાવલે એ માટે સંતોષીની હાજરીમાં ગીતકાર સાહિર લુધિયાનવીને કહ્યું, ‘યાર, સંતોષી કા ‘આના મેરી જાન સન્ડે કે સન્ડે’ જૈસા મસાલેદાર ગાના લીખો તો મજા આએગા.’ આ સંતોષીની આવડતનું અપમાન હતું કે સાહિરની કાબેલિયતનું એ નક્કી કરવાનું કામ હું તમારા પર છોડું છું.
મુંબઈમાં ૧૯૭૮ની ૭ સપ્ટેમ્બરે પ્યારેલાલ સંતોષીએ દુનિયાને અલવિદા કહી ત્યારે નક્કી તેમના હોઠ પર આ સ્વરચિત ગીત રમતું હશે...

‘તુમ્હે યાદ હોગા કભી હમ મિલે થે,
મોહબ્બત કી રાહોં મેં મિલ કે ચલે થે.’

(૧૯૫૯ – સટ્ટા બાઝાર – કલ્યાણજી આણંદજી – લતા મંગેશકર, હેમંત કુમાર)
પિતા પી. એલ. સંતોષીની ધરોહરને પુત્ર રાજકુમાર સંતોષીએ સંભાળી અને ‘ઘાયલ’, ‘દામિની’, ‘અંદાઝ અપના અપના’, ‘બરસાત’ અને બીજી અનેક સફળ ફિલ્મો આપી એની સૌને ખબર છે. પિતાએ લખેલા ‘કોઈ કિસી કા દીવાના ન બને’માંથી શીખ લઈને તેમણે પોતાની ફિલ્મની હિરોઇનથી દૂર રહેવાનું નક્કી કર્યું એ વાતનો પિતાને જરૂર આનંદ હશે એમાં કોઈ શંકા નથી.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK