સમજણશક્તિનાં બીજમાંથી ઊગેલું પ્રેમરૂપી વૃક્ષ સંયુક્ત કુટુંબનું ફળ આપે છે

Published: Oct 30, 2019, 15:48 IST | ભક્તિ ડી દેસાઈ | મુંબઈ

અખૂટ સમજણ અને સહનશક્તિ ધરાવનારાં કાંદિવલીનાં કોકિલાબહેન રમેશભાઈ શાહે ૮૪ વર્ષની ઉંમરે પોતાના પુત્ર, પુત્રવધૂ, પૌત્ર અને પૌત્રવધૂને પૂરી સ્વતંત્રતા આપી આખા પરિવારને સંયુક્ત કુટુંબમાં પ્રેમની દોરીથી બાંધીને રાખ્યો છે

કોકિલાબહેનનો પરિવાર
કોકિલાબહેનનો પરિવાર

કાંદિવલીમાં રહેતાં કોકિલાબહેનને બે પુત્ર વિરલ અને દેવલ છે. વિરલ તથા એમનાં પત્ની પ્રેમા અને એમનો પુત્ર નીસંગ અને પુત્રવધૂ સેજલ કોકિલાબહેનની સાથે જ રહે છે. નાનો પુત્ર દેવલ, એમનાં પત્ની હેતલ, આ બન્નેનાં બાળકો દેવ અને અર્ચા, આ બધાં અમેરિકામાં સ્થાયી છે. કોકિલાબહેનનાં પતિ ત્રણ વર્ષ પહેલાં મૃત્યુ પામ્યાં.

મધ્યમવર્ગીય પિતાના ઉચ્ચ વિચાર

નડિયાદનાં મૂળ રહેવાસી કોકિલાબહેનના પિયરનો પરિવાર પણ ખૂબ મોટો હતો. તેઓ સાત ભાઈ-બહેન. આટલા સભ્યો વચ્ચે માત્ર એક પિતા જ કમાવા જતા અને એમનાં મમ્મી ઘર સંભાળતાં. એથી આર્થિક પરિસ્થિતિ સામાન્ય હતી, પણ પિતાના ઉચ્ચ વિચારોને કારણે એમણે બધાં બાળકોને ઉચ્ચ શિક્ષણ આપ્યું. કોકિલાબહેન પણ એમ.એ. કરીને શિક્ષિકાની નોકરી કરવા લાગ્યાં.

કોકિલાબહેનની સમજણશક્તિથી બન્યો સુંદર સંસાર

હવે સમય આવ્યો એમનાં લગ્નનો. સ્વભાવે સુશીલ એવા મુંબઈના રમેશભાઈ શાહ સાથે એમણે લગ્ન કર્યાં. પોતાના પતિની આર્થિક પરિસ્થિતિ એટલી સારી નહોતી અને તેમની પાસે અલગ ઘર પણ નહોતું, એની કોકિલાબહેનને જાણ હતી. એથી એમણે રમેશભાઈ પર પોતાની જવાબદારીનો ભાર ન આવે એ માટે લગ્ન પછી પોતાના પતિની સ્વીકૃતિ સાથે પિતાને ઘરે નડિયાદ રહેવાનો નિર્ણય લીધો. અહીં એક સ્ત્રી તરીકે કોકિલાબહેનની સમજણશક્તિએ એમના સંસારને સરળતાથી આગળ વધારવામાં મદદ કરી. કોકિલાબહેન અમુક સમયે મુંબઈ એમના પતિને ઘરે જતાં અને બન્ને થોડા દિવસો એકબીજાનો સાથ માણતાં અને કોકિલાબહેન ફરી નડિયાદ આવી જતાં.

કોકિલાબહેન અહીં કહે છે, ‘જૂના જમાનામાં લગ્ન પછી પણ જો દીકરી માતા-પિતાને ઘરે હોય તો સમાજવાળા પ્રશ્ન જરૂર પૂછે, અને એથી ઘરના વડીલો દીકરીને આમ રહેવા ન દે, પણ મારા માતા-પિતા એટલાં સમજદાર હતાં કે એમણે ક્યારેય કોઈની પરવા ન કરી. મારા કમાયેલા પૈસા બચાવતાં અને પોતે લગ્ન પછી પણ મારો ખર્ચો ઉઠાવતાં. આમ તેઓએ મને સાડા ત્રણ વર્ષ નડિયાદ રાખી અને મોટા દીકરાના જન્મના છ મહિના પછી મારા પતિ મુંબઈમાં પોતાની એક નાની રૂમ લઈ શક્યા. પછી મારા પતિ, સસરા, છ મહિનાનો વિરલ અને હું, અમે બધાં મુંબઈમાં એક નાની રૂમમાં સાથે રહેવા લાગ્યાં.’

કોકિલાબહેનના પિતા રમણલાલ મોદી નડીયાદમાં મફતલાલ મિલમાં કામ કરતા હતા અને એ જમાનામાં એમણે એમની પુત્રીઓને છોકરા-છોકરીને સાથે શાળામાં ભણાવી હતી. કોકિલાબહેનની વાતોથી સમજાય છે કે સમજદારી એમને સાચે જ વારસામાં મળી છે. એથી જ તેઓ આટલી મોટી ઉંમરે પણ  એમના ઘરના સભ્યોને સારીરીતે સમજી શકે છે.

કોકિલાબહેન પુત્રવધૂ હેતલનાં વખાણ કરતાં કહે છે, ‘હેતલ અમેરિકામાં છે, પણ સંસ્કારથી ભારતીય છે. એને પણ સંયુક્ત કુટુંબ બહુ ગમે છે. એ ત્યાં છે એથી જ અહીંની પરંપરા, ઉત્સવો અને વડીલોના પ્રેમની ઝંખના એના મનમાં વિશેષ છે.’

બીજી પેઢી : અહીં પ્રેમાબહેન પોતાની સાસુનાં વખાણ કરતાં કહે છે, ‘મારાં મમ્મીને કારણે અમે સૌ એકબીજા સાથે આટલા પ્રેમથી રહી શકીએ છીએ. અમે બે વહુઓ ઘરમાં છીએ, પણ રોજ સવારે બધાની ચા મમ્મી જ બનાવે અને એ ચાની સુગંધથી અમે ઊઠીએ. મારા પ્રેમલગ્ન છે, પણ મારાં મમ્મી અને પપ્પાએ મને દીકરીની જેવો પ્રેમ આપ્યો છે. ક્યાંક એમને દીકરી નહોતી, એનો પૂરો લાભ મને પહેલી વહુ તરીકે મળ્યો અને માંગ્યા વગર મારા સસરા મારા માટે સાડી પણ લઈ આવતા.’

પહેલી સાડી લગ્નનાં પાંચ વર્ષ પછી

કોકિલાબહેન સાડીની વાત પરથી કહે છે, ‘આ પરથી મને યાદ આવે છે કે મારા પતિએ લગ્નનાં પાંચ વર્ષ પછી મને પહેલી સાડી અપાવી હતી અને મને ખુશી છે કે આજે પ્રેમા, હેતલ, સેજલ-આ દરેકને બધું જ મળી શકે છે. બધા ભણેલા, કમાઉ-ધમાઉ છે. એથી એનો ફર્ક પડી જાય છે. આજકાલની છોકરી કદાચ મારી જેમ પતિની પરિસ્થિતિ સમજીને ન પણ રહે. કારણ, આજની સ્ત્રી કરિઅર ઓરિએન્ટેડ છે અને દરેક માંગ પૂરી થાય છે.’

ત્રીજી પેઢી : મારવાડી પરિવારમાંથી નિસંગ સાથે પ્રેમલગ્ન કરનારી વહુ સેજલ કહે છે, ‘અમે બધા સવારે મમ્મી (વડ સાસુ)એ બનાવેલી ચાની સુગંધથી ઊઠીએ છીએ. તેઓ ખૂબ શાંત સ્વભાવનાં છે અને હું એમને પ્રેમથી કોકી કહું છું. અમને આ ઘરમાં પાણીનો ગ્લાસ પણ પોતાની મેળે લેવાની જરૂર નથી પડતી.’

પહેરવા-ઓઢવાનો ફરક

કોકિલાબહેન શરૂઆતમાં માથે ઓઢતાં. એ સમયે સ્ત્રીઓ ગુજરાતી સાડી પહેરતી, પણ કોકિલાબહેન ઊલટા પલ્લુવાળી બંગાલી પદ્ધતિથી સાડી પહેરતાં. એમના પતિ અને સસરાની વિચારધારા પણ મુક્ત હતી. એથી એમને કોઈ રિવાજ માટે રોકટોક નહોતી. એમના પતિ સી.એ. થયા અને એમના પરિવારમાં દીકરા પણ સી.એ. જ છે. આજે તેને આર્થિક સુખ-સાહ્યબી છે. મોટું ઘર છે પણ એ સમયે કરકસરનો ગુણ સામાન્ય રીતે દરેકમાં હતો. કારણ, જીવનનિર્વાહ માટે એ અનિવાર્ય સાધન હતું, એમ કહી શકાય. આજે પણ તેઓ માને છે કે કરકસર તો જીવનમાં જરૂરી છે. કારણ, પરિસ્થિતિ હંમેશા એક જેવી જ નથી રહેતી. અહીં એમના ઘરનાં બાળકોના વિચારમાં મતભેદ જરૂર છે. કારણ, આજનો જમાનો દેખાડાનો છે અને પૈસા ખર્ચ કરવા જ તો હોય છે, એવી વિચારધારા આજની પેઢીની છે.

બીજી પેઢી : કોકિલાબહેનના જમાનામાં ઘૂંઘટ-સાડી, આ બધું જરૂરી હતું, અહીં પ્રેમાબહેન કહે છે, “અમારે ત્યાં દરેકના વિચાર ખૂબ મુક્ત છે. મમ્મી ડ્રેસ પહેરે છે. તેઓને મારા પહેરવા-ઓઢવાની કોઈ કટકટ નથી. હું જીન્સ અને ટી-શર્ટ પહેરું છું અને મારી વહુ મિની અને માઇક્રો મિનીઝ પણ પહેરે છે. હા, જ્યારે વડીલો સામે હોય તો એક સભ્ય પરિવારમાં અમુક આમન્યાને પાળીને જ આ બધી છૂટછાટ અમે લેતાં હોઈએ છીએ.”

છાપાથી ઈ-બુકની યાત્રા

પહેલાંની પેઢીના ઘણા લોકો વાંચનનો શોખ ધરાવતા. કોકિલાબહેન પણ એમાંનાં જ એક છે, એમના ઘરના એક રૂમમાં તેઓની સુંદર લાઇબ્રેરી પણ છે. કોકિલાબહેન એને અનુલક્ષીને કહે છે, ‘મને સારું સાહિત્ય કે લખાણ વાંચવું પસંદ છે અને એથી જ મને ક્યારેય એકલતા નથી લાગી, હું ક્યારેય આજની પેઢીના લોકોની જેમ ડીપ્રેશનમાં નથી આવી. મારા પતિ ગુજરી ગયા પછી બીજા દિવસે મેં રાબેતા મુજબ સહુની ચા બનાવી હતી. મને એમને ખોવાનું દુ:ખ હતું, પણ સંયુક્ત કુટુંબમાં રહેવાને કારણે આપણાથી નાનાં બાળકોનો વિચાર કરી ઘરના વાતાવરણને પ્રસન્ન રાખવાની જવાબદારી વડીલોની હોય છે અને એથી જ મેં ક્યારેય જીવનમાં કોઈની સહાનુભૂતિની આશા કરી નથી.’

બીજી પેઢી : વાંચવાની વાત પર પ્રેમાબહેન કહે છે, ‘મમ્મી છાપાં વાંચે અને પુસ્તકો વાંચે છે. આ જમાનો ઈ-પેપર અને ઈ-બુક્સનો છે અને વ્યસ્ત જીવનમાં અમે ઓન ધ ગો એટલે કે પ્રવાસમાં અને આવતાં-જતાં મોબાઇલ પર ખબરો વાંચી લઈએ છીએ.’

આમ સમયથી આવતાં થોડા ઘણાં પરિવર્તનોને બાદ કરીએ તો કોકિલાબહેન અને એમના પરિવારમાં પ્રેમનું કારણ, કોકિલાબહેનને એમના પિતા પાસેથી વારસામાં મળેલી સભ્ય અને મુક્તતાનું સમન્વય ધરાવતી વિચારધારા છે અને સાથે જ એમના પતિ રમેશભાઈના સૌમ્ય સ્વભાવે પણ આખા કુટુંબને જોડીને રાખ્યું.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK