કોરોના વાઇરસે ચીનમાં 24 કલાકની અંદર જ 45 લોકોના ભોગ લીધાં

Published: Feb 03, 2020, 13:39 IST | Beijing

ચીનમાં ફેલાયેલા ઘાતક કોરોના વાઇરસના સંક્રમણથી અત્યાર સુધી મૃતકોની સંખ્યા ૩૦૪ થઈ છે.

કોરોના વાઇરસ
કોરોના વાઇરસ

ચીનમાં ફેલાયેલા ઘાતક કોરોના વાઇરસના સંક્રમણથી અત્યાર સુધી મૃતકોની સંખ્યા ૩૦૪ થઈ છે. જ્યારે ૧૪,૩૮૦ લોકો ચેપગ્રસ્ત હોવાની પુષ્ટિ થઈ છે. રાષ્ટ્રીય સ્વાસ્થ્ય આયોગ (એનએચસી)એ પોતાના દૈનિક રિપોર્ટમાં જણાવ્યું છે કે શનિવાર સુધી આ ઘાતક બીમારીથી ૩૦૪ લોકોનાં મોત થયાં છે અને ૧૪,૩૮૦ લોકો આ વાઇરસને કારણે ચેપગ્રસ્ત થયાની પુષ્ટિ થઈ છે. ચીનના એનએસસી અનુસાર તમામ લોકોનાં મોત હુબેઈ પ્રાંતમાં થયાં છે. હુબેઈમાં ૨૪ ક્લાકમાં ૪૫ લોકોનાં મોત થયાં છે. આયોગના કહેવા પ્રમાણે શનિવારે કોરોના વાઇરસના ૪૫૬૨ શકમંદ કેસ સામે આવ્યા હતા. તેમણે જણાવ્યું કે શનિવારે ૩૧૫ દરદીઓ ગંભીર રીતે બીમાર થયા છે, જ્યારે ૮૫ લોકોના સ્વાસ્થ્યમાં સુધારો થયો હોવાથી તેમને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા કોરોના વાઇરસને કારણે વૈશ્વિક હેલ્થ ઇમર્જન્સી જાહેર કરવામાં આવી છે.

wuhan

વુહાનથી ૩૨૩ ભારતીય, મૉલદીવ્ઝના ૭ નાગરિકને ભારત લઈ અવાયા છે

ચીનના વુહાનમાં ફસાયેલા ૩૩૦ લોકોને શનિવારે મોડી રાતે ઍરલિફ્ટ કરવામાં આવ્યા છે, જેમાં ૩૨૩ ભારતીયો અને ૭ મૉલદીવ્ઝના નાગરિકો છે. ઍર ઇન્ડિયાનું વિમાન રવિવારે સવારે દિલ્હી ઍરપોર્ટ પહોંચી ગયું છે. મૉલદીવ્ઝના વિદેશપ્રધાન અબદુલ્લા શાહિદે જણાવ્યું છે કે અમારા નાગરિકોને કેટલાક દિવસ માટે દિલ્હીના કૅમ્પમાં રાખવામાં આવશે. ત્યાં જ કેરળમાં આજે કોરોના વાઇરસના બીજા કેસની પુષ્ટિ થઈ છે. અધિકારીઓએ જણાવ્યા મુજબ યુવક કેટલાક દિવસ પહેલાં જ ચીનથી પાછો ફર્યો હતો. તેને આઇસોલેશન વૉર્ડમાં રાખવામાં આવ્યો છે.

ચીનમાં ભારતના રાજદૂત વિક્રમ મિસ્ત્રીએ જણાવ્યું કે વુહાનથી ઍર ઇન્ડિયાની બીજી ફ્લાઇટ દ્વારા ૩૨૩ ભારતીય નાગરિકોને રવાના કરાયા છે. મૉલદીવ્ઝના પણ ૭ નાગરિકોને મોકલવામાં આવ્યા છે. અગાઉ શનિવારે ચીનના વુહાનથી દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ પર પહોંચેલા ૩૨૪ ભારતીયોને સ્ક્રીનિંગ બાદ આઇટીબીપી અને ભારતીય સેનાના સેન્ટરમાં મોકલવામાં આવ્યા હતા.

અધિકારીઓએ જણાવ્યું હતું કે ચીનમાં શનિવાર સુધી કોરોના વાઇરસના સંક્રમણના મૃતકોની સંખ્યા ૩૦૪ થઈ છે. અત્યાર સુધી ૧૪,૩૮૦ કેસ સામે આવ્યા છે. ચીનના ૩૧ પ્રાંત કોરોના વાઇરસની ચપેટમાં આવી ગયા છે.

ઍર ઇન્ડિયાના પ્લેનમાં ગઈ કાલે વધુ ૩૨૩ ભારતીયોને કોરોનાગ્રસ્ત ચીનથી નવી દિલ્હી પાછા લાવવામાં આવ્યા હતાં. (તસવીર : પી.ટી.આઈ.)

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK