Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > હજારો યંગ મમ્મીઓનો પ્રૉબ્લેમ સોલ્વ કરી આપ્યો આ મમ્મીએ

હજારો યંગ મમ્મીઓનો પ્રૉબ્લેમ સોલ્વ કરી આપ્યો આ મમ્મીએ

07 August, 2019 11:34 AM IST | મુંબઈ ડેસ્ક
અર્પણા શિરીષ

હજારો યંગ મમ્મીઓનો પ્રૉબ્લેમ સોલ્વ કરી આપ્યો આ મમ્મીએ

બ્રેસ્ટફીડિંગ લોગો

બ્રેસ્ટફીડિંગ લોગો


માતાનું દૂધ બાળક માટે કેટલું જરૂરી છે એ કોઈ નવી વાત નથી. જોકે એ પછીયે આજે પણ સ્તનપાનની બાબતમાં આજની મમ્મીઓ શરમ તથા સંકોચ અનુભવે છે. એમાંય બાળકને જાહેરમાં સ્તનપાન કરાવવાની વાત આવે ત્યારે તો ખાસ. જોકે પુણેમાં રહેતી એક મમ્મીને કારણે આજે લાખો ભારતીય માતાઓનો બાળકોને જાહેરમાં સ્તનપાન કરાવવાનો સંકોચ ઘટ્યો છે. એમબીએ ગ્રૅજ્યુએટ આધુનિકા પ્રકાશ જ્યારે ૨૦૧૨માં પોતે મા બનવાની હતી ત્યારે તેણે સ્તનપાન વિશે વાંચવાનું શરૂ કર્યું. તેણે જ્યારે પોતાની મમ્મી સાથે આ વિશે વાત કરી ત્યારે તેની મમ્મીએ તેને જણાવ્યું કે જ્યારે આધુનિકા નાની હતી ત્યારે તેને સ્તનપાન કરાવવા માટે તેની મમ્મીને પરિવાર તરફથી ઘણો સપોર્ટ મળ્યો હતો. બધી જ સમસ્યાના સમાધાન તેમને પરિવારના મહિલા સદસ્યો આપી દેતાં. આધુનિકા પોતે માતા બની એ સમયે આયરલૅન્ડમાં રહેતી હતી અને તેની પાસે આ પ્રકારની કોઈ પારિવારિક સપોર્ટ સિસ્ટમ નહોતી. પોતાનું બાળક જ્યારે નાનું હતું ત્યારે બાળકને સ્તનપાન કઈ રીતે કરાવવું અને એની માટે શું-શું જરૂરી છે એ જાણવા માટે તેણે આયરલૅન્ડમાં એક લોકલ સપોર્ટ બ્રેસ્ટફીડિંગ સપોર્ટ ગ્રુપ જૉઇન કર્યું હતું. આ વિશે વધુ જણાવતાં તે કહે છે, ‘જ્યારે વાંચેલી અને કહેલી વાતો કરતાં આપણા જેવી જ બીજી મમ્મીઓ આવી વાતો ડિસ્કસ કરે તેમ જ એકબીજાને સપોર્ટ આપે ત્યારે ખૂબ મોટો ફરક પડે છે. અહીં માતાઓ એકબીજાના પ્રૉબ્લેમ શૅર કરતી અને પોતાની બ્રેસ્ટફીડિંગની સફરને વધુ ઇન્ટરેસ્ટિંગ બનાવતી.

બીએસઆઇએમની સ્થાપના
આયરલૅન્ડના એ ગ્રુપ પરથી પ્રેરણા લઈને ૨૦૧૩માં આધુનિકા પ્રકાશે એક રાતે જ્યારે તે તેના ૧૧ મહિનાના બાળકને સ્તનપાન કરાવતી હતી ત્યારે ભારતીય મહિલાઓ માટે સપોર્ટ ગ્રુપ શરૂ કરવાનું વિચાર્યું. અને તેણે બ્રેસ્ટફીડિંગ સપોર્ટ ફૉર ઇન્ડિયન મધર્સ નામના એક ફેસબુક ગ્રુપની શરૂઆત કરી. હાલમાં આ ગ્રુપમાં ફક્ત ભારતમાં રહેતી જ નહીં, પણ દુનિયાભરમાં રહેતી કુલ એક લાખથી વધુ ભારતીય મહિલાઓ પોતાની સ્તનપાનને લગતી વાતો વગર કોઈ સંકોચે ઓપનલી ડિસકસ કરે છે. આ ગ્રુપનો મુખ્ય ઉદ્દેશ સ્તનપાન કરાવતી માતાઓને સપોર્ટ પૂરો પાડવાનો છે. અહીં માતાઓ બાળકને સ્તનપાન કરવામાં આડે આવતી કોઈ પણ નાનામાં નાની બાબત ગ્રુપ સાથે શૅર કરે છે અને તરત જ તેમને સોલ્યુશન આપવા માટે બીજી કેટલીયે મમ્મીઓ હાજર હોય છે. આધુનિકા આ વિશે કહે છે, ‘સ્તનપાન કરાવવાની સફર જેટલી સુંદર લાગે છે એટલી માતાઓ માટે સુંદર હોતી નથી. શારીરિક અને માનસિક કેટલીયે તકલીફો સિવાય સોશ્યલ પ્રેશર પણ હોય છે જેના લીધે સ્તનપાન પર અસર થાય છે. અને આ જ બધું લોકો તેમના જેવી જ બીજી સ્ત્રીઓ સાથે વહેંચી શકે એ માટે આ ગ્રુપ છે.’



ગ્રુપમાં ફક્ત બ્રેસ્ટફીડિંગ મમ્મીઓ જ નહીં, પણ પ્રોફેશનલ લૅક્ટેશન કાઉન્સેલર પણ છે. આ સિવાય આધુનિકાએ પોતે પણ પ્રોફેશનલ લૅક્ટેશન કન્સલ્ટન્ટની ટ્રેઇનિંગ લીધી છે.


ફ્રીડમ ટુ નર્સ
આ ગ્રુપનો હજી એક મહત્ત્વનો ઉદ્દેશ એટલે જાહેરમાં બાળકને સ્તનપાન કરવામાં લોકોએ કઈ રીતે એકબીજાને સપોર્ટ આપવો જોઈએ એ વિશે લોકોને સજાગ બનાવવા. ગયા વર્ષે કલકત્તાના એક મૉલમાં એક મમ્મીએ પોતાના નવજાત બાળકને જાહેરમાં સ્તનપાન કરાવ્યું હતું. જોકે મૉલના માલિકોએ તરત જ તેને ‘આ બધાં ઘરનાં કામ ઘરે જઈને કરવાં જોઈએ’ એવી સલાહ આપી હતી. દેશભરની બધી જ માતાઓએ મૉલ માલિકોની એ ટિપ્પણીનો વિરોધ કર્યો હતો અને પછી બ્રેસ્ટફીડિંગ સપોર્ટ ફૉર ઇન્ડિયન મધર્સ સુધી જ્યારે આ વાત પહોંચી ત્યારે તેમણે પણ જાહેરમાં બ્રેસ્ટફીડિંગ કરાવી શકાય એ માટે ‘ફ્રીડમ ટુ નર્સ’નામનું કૅમ્પેન સ્ટાર્ટ કર્યું. આ માટે તેમણે બૅન્ગલોર, દિલ્હી અને કોઇમ્બતુરના કેટલાક ભાગોમાં એજ્યુકેશન ડ્રાઇવ પણ રાખી હતી જેના લીધે લોકો જાહેરમાં સ્તનપાનને એક ઓછી નજરથી ન જુએ. પોતાના આ કૅમ્પેન વિશે જણાવતાં આધુનિકા કહે છે, ‘આપણે ત્યાં હજી એ લોકોની વિચારધારા જાહેરમાં બ્રેસ્ટફીડિંગને લઈને કંઈ સારી નથી. પણ ધીમે-ધીમે હવે લોકો બદલાવાની કોશિશ કરી રહ્યા છે. મેં પોતે પણ હું ટ્રાવેલ કરું ત્યારે બસ-સ્ટૉપ કે પછી રેલવે-સ્ટેશન પર બેસીને વગર કોઈ ચિંતાએ મારાં બન્ને બાળકોને સ્તનપાન કરાવ્યું છે. સ્તનપાન કરાવતી માતાએ બાળકને સ્તનપાન કરાવવા માટે ઘરની ચાર દીવાલોમાં બંધ થવાની જરૂર નથી. ગમે ત્યાં ફરવા જાઓ કે કંઈ પણ કરો, બાળકને જ્યારે તમારી જરૂર પડે ત્યારે વગર કોઈ સંકોચે જાહેરમાં સ્તનપાન કરાવવું જોઈએ. આ માટે પ્રોત્સાહન અમારું ગ્રુપ પૂરું પાડે છે. મારી સલાહ છે કે એક માતા જ્યારે પોતાના બાળકને સ્તનપાન કરાવતી હોય ત્યારે તેણે આજુબાજુ કોણ છે એની ચિંતા કર્યા વિના ફક્ત તે પોતાના બાળકને કઈ રીતે ન્યુટ્રિશન પૂરું પાડી રહી છે એનો જ વિચાર કરવો જોઈએ. શરૂઆતમાં થોડું અઘરું લાગશે, પણ એક વાર આદત થતાં દુનિયાની એ નજરોનો કોઈ ફરક નહીં પડે.’

આ પણ વાંચો : જાણો સુહાના ખાન અને જાન્હવી કપૂરની બેલી ડાન્સ ટ્રેનર વિશે આ ખાસ બાબતો


વર્લ્ડ બ્રેસ્ટફીડિંગ વીક
દર વર્ષે ૧ ઑગસ્ટથી ૭ ઑગસ્ટ ‘બ્રેસ્ટફીડિંગ વીક’ તરીકે ઊજવાય છે જેની શરૂઆત ૧૯૯૨માં ‘વર્લ્ડ આલિઆન્સ ફૉર બ્રેસ્ટફીડિંગ એક્શન’ દ્વારા થઈ હતી જેનો હેતુ હતો દુનિયાભરમાં સ્તનપાનના કલ્ચરને વધુ ને વધુ સપોર્ટ આપવો. ત્યાર બાદ વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન અને અમેરિકન ઍકૅડેમી ઑફ પીડિયાટ્રિક્સએ માતા અને બાળક બન્નેની હેલ્થ માટે સ્તનપાન કેટલું જરૂરી છે એ વિશે લોકોમાં જાગૃતિ ફેલાવવાનું શરૂ કર્યું. અને બાળકને જીવનમાં પહેલા છ મહિના ફક્ત સ્તનપાન જ કરાવવું એવી સલાહ આપી. આ વર્ષે વર્લ્ડ બ્રેસ્ટફીડિંગ વીકની થીમ પેરન્ટ્સ માટે છે. ‘એમ્પાવર પેરન્ટ્સ, ઇનેબલ બ્રેસ્ટફીડિંગ’ નામની આ થીમ પ્રમાણે કહેવામાં આવ્યું છે કે બાળકને સ્તનપાન કરાવવાની આ જર્નીમાં બન્ને પેરન્ટ્સ એકસરખા સહભાગી હોવા જોઈએ, કારણ કે સ્તનપાન કરાવવાની વાત હોય ત્યારે જો પોતાના પાર્ટનરનો પણ સપોર્ટ મળે તો માતા અને બાળક બન્ને માટે આ સફર ખૂબ સુંદર બની જાય છે.

Whatsapp-channel Whatsapp-channel

07 August, 2019 11:34 AM IST | મુંબઈ ડેસ્ક | અર્પણા શિરીષ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK