Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > સુપરબગ્સ ડ્રૅગન બની તમને ગળી જાય એ પહેલાં જાગી જજો

સુપરબગ્સ ડ્રૅગન બની તમને ગળી જાય એ પહેલાં જાગી જજો

04 January, 2020 03:09 PM IST | Mumbai
Varsha Chitaliya | varsha.chitaliya@mid-day.com

સુપરબગ્સ ડ્રૅગન બની તમને ગળી જાય એ પહેલાં જાગી જજો

નેહરુ સાયન્સ સેન્ટરમાં ઍન્ટિબાયોટિક મેડિસિનમાંથી ઊભું કરવામાં આવેલો ડ્રૅગન

નેહરુ સાયન્સ સેન્ટરમાં ઍન્ટિબાયોટિક મેડિસિનમાંથી ઊભું કરવામાં આવેલો ડ્રૅગન


છેલ્લાં લગભગ સિત્તેર વર્ષમાં ઍન્ટિબાયોટિક દવાએ વિશ્વના કરોડો લોકોના જીવનની રક્ષા કરી છે. શરીરમાં પ્રસરેલા અસાધ્ય રોગની સારવારમાં આ દવાઓ રામબાણ સાબિત થઈ છે એમાં કોઈ શંકાને સ્થાન નથી, પરંતુ વર્તમાન સમયમાં આ જ દવાઓ જીવલેણ બની રહી છે એવું વિજ્ઞાને શોધી કાઢ્યું છે.

આપણા શરીરમાં મોટી સંખ્યામાં વિકસી રહેલા અતિશય સૂક્ષ્મ હાનિકારક બૅક્ટેરિયાઓ ઍન્ટિબાયોટિક દવાઓનો પ્રતિકાર કરવામાં સક્ષમ બની ગયા છે પરિણામે આખા વિશ્વમાં ‘સુપરબગ્સ’ ઝડપથી ઉત્તેજિત થઈ રહ્યા છે. ઍન્ટિબાયોટિક દવાઓ સામે લડવા સજ્જ થઈ રહેલા દસ જાતના સુપરબગ્સ (બૅક્ટેરિયા)ને ઓળખી કાઢવામાં વિજ્ઞાનને સફળતા મળી છે. આ સુપરબગ્સને સમય રહેતાં ડામવામાં નહીં આવે તો એ આક્રમક બનશે અને આપણને જ ગળી જશે એવી આશંકા વૈજ્ઞાનિકોએ વ્યક્ત કરી છે. ઍન્ટિબાયોટિક દવાઓ જટિલ બનતી જાય છે એનું મુખ્ય કારણ છે અધકચરી માહિતી અને અધૂરી સારવાર. શિયાળાની મોસમમાં શરદી થઈ હોય તો આપણે શું કરીએ છીએ? મેડિકલ સ્ટોરમાં જઈ ઍન્ટિબાયોટિક દવાની સ્ટ્રિપ લઈ આવીએ. ઘરમાં કોઈને પણ શરદી થઈ હોય, એ ગોળી ખાઈ લે. પહેલી વાત, શરદી વાઇરલ ઇન્ફેક્શન છે, બૅક્ટેરિયલ નથી. વિજ્ઞાને બન્ને રોગ માટે જુદી દવા વિકસાવી છે. આ સાદી સમજણ મોટા ભાગના લોકોમાં હોતી નથી. આજની ફાસ્ટ લાઇફમાં બધાને જલદીથી સારા થઈ કામધંધે વળગવું છે તેથી ઝડપી સારવારને સર્વાધિક પ્રાધાન્ય આપવાની કુટેવ પડી ગઈ છે. મેડિકલ સ્ટોરમાંથી જાતે દવા ખરીદવાથી તમને કદાચ સાચી દવા મળી પણ જાય તો એની માત્રા કઈ રીતે નક્કી કરશો? દવાની દુકાનમાં હાજર ફાર્મસિસ્ટને દવાનું જ્ઞાન છે, એની માત્રાનું નહીં. તેમના જણાવ્યા અનુસાર દવાનો ડોઝ લેવામાં જરાય ડહાપણ નથી.



સૂક્ષ્મ જીવાણુઓનો નાશ કરવા માટે વિકસાવવામાં આવેલી ઍન્ટિબાયોટિક દવાઓની આડઅસરથી પ્રભાવિત દેશોમાં ભારત પણ સામેલ છે. આ દવાઓ કારગત નીવડવી જોઈએ એના બદલે કઈ રીતે જોખમી બનતી જાય છે એ વિશે સામાન્ય નાગરિકોમાં સભાનતા લાવવાના હેતુથી વરલી ખાતે આવેલા નેહરુ સાયન્સ સેન્ટરમાં ખાસ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. અંદાજે પાંચસો ચોરસ મીટર વિસ્તારના મોટા રૂમમાં યોજવામાં આવેલા આ પ્રદર્શનને માઇક્રોસ્કોપિક, હ્યુમન સેક્શન અને ગ્લોબલ એમ ત્રણ ભાગમાં વિભાજિત કરવામાં આવ્યું છે.


અહીં મૂકવામાં આવેલા થ્રી-ડી આર્ટ ઇન્સ્ટૉલેશન, ઑડિયો-વિઝ્યુઅલ અને ફોટોગ્રાફીના માધ્યમથી સુપરબગ્સ કઈ રીતે ફેલાઈ રહ્યા છે એ જાણી શકાય છે. દરદીઓના શરીરમાંથી પ્રાપ્ત કરવામાં આવેલા દસ જેટલા જીવંત સુપરબગ્સ (બૅક્ટેરિયા)ને માઇક્રોગ્લાસની સહાયથી જોઈ શકાય છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના કાર્યક્રમ મન કી બાતમાં ઍન્ટિબાયોટિક દવાઓ વિશે કરેલી વાતચીતની ક્લિપ પણ સાંભળી શકો છો. આ સાથે પ્રાકૃતિક ઔષધિ (ઓસડિયાં) કે જેની ઝીરો સાઇડ ઇફેક્ટ છે એ વિશે પણ સરળ ભાષામાં સમજાવવામાં આવ્યું છે. પ્રદર્શન કેન્દ્ર પર હાજર વૉલન્ટિયરો મરાઠી, હિન્દી અને અંગ્રેજી એમ ત્રણેય ભાષામાં લોકોને સુપરબગ્સની કામગીરી અને એનાથી કઈ રીતે આપણે બચવાનું છે એ વિશે વિસ્તારપૂર્વક અને ધીરજથી સમજાવે છે.

superbugs


બૅક્ટેરિયા દર્શાવતી થ્રી-ડી ઇમેજ

ઍન્ટિબાયોટિક દવાઓથી પ્રભાવિત બૅક્ટેરિયા કઈ રીતે માનવ શરીરમાં આક્રમણ કરી રહ્યા છે એ સંદર્ભે વધુ માહિતી આપતાં નેહરુ સાયન્સ સેન્ટરના ડિરેક્ટર શિવપ્રસાદ ખેણેદ કહે છે, ‘ઍન્ટિબાયોટિક દવાઓનું જોખમ માત્ર ભારત પર નહીં, આખા વિશ્વ પર ઝળુંબે છે. આ મેજર હેલ્થ ઇશ્યુ છે જેને ગંભીરતાથી લેવાની તાતી જરૂર છે. ઍન્ટિબાયોટિક દવાઓને માર્ગદર્શન પ્રમાણે લેવામાં નહીં આવે તો ભયાનક રૂપ ધારણ કરી શકે છે. ખોટી રીતે લેવામાં આવતી દવાઓ અથવા અધવચ્ચે દવાનો કોર્સ પડતો મૂકવાથી બૅક્ટેરિયાનો સંપૂર્ણપણે નાશ થતો નથી, ઊલટાનું બૅક્ટેરિયા આ દવાઓને અડૅપ્ટ કરી તમારા સ્વાસ્થ્યને વધુ બગાડવાનું કામ કરે છે.’

ખાસ કરીને ટીબીના દરદી માટેની મલ્ટિ ડ્રગ રેઝિસ્ટન્ટ મેડિસિનના ડોઝમાં સાવચેતી રાખવાની અત્યંત જરૂર છે એમ જણાવતાં તેઓ કહે છે, ‘ટીબી એચઆઇવી પછીનો બીજો સૌથી ડેન્જરસ રોગ છે અને આપણા દેશમાં આ રોગના દરદીની સંખ્યા ખૂબ વધારે છે. ઍન્ટિમાઇક્રોબ્યલ (AMR) રેઝિસ્ટન્સ અને ઍન્ટિબૅક્ટેરિયલ રેઝિસ્ટન્સ (ABR) ને કન્ટ્રોલ નહીં કરો તો આ દવાઓ તમને જ ગળી જશે. આ ઉપરાંત ઑવર ધ કાઉન્ટર રેડ લાઇન ધરાવતી દવાની સ્ટ્રિપ્સ ડૉક્ટરની સલાહ વગર બિલકુલ ન લો. આમ તો કાયદાકીય રીતે ડૉક્ટરની ચિઠ્ઠી વગર એના વેચાણ પર પ્રતિબંધ છે, પરંતુ લોકો એ મેળવી લેતા હોય છે. પ્રદર્શનીમાં મૂકવામાં આવેલા ડ્રૅગનના માધ્યમથી અમે આ જ સંદેશો સામાન્ય નાગરિકો સુધી પહોંચાડવા માગીએ છીએ. સૌથી મહત્ત્વની વાત યાદ રાખો, ઍન્ટિબાયોટિક દવાઓ બૅક્ટેરિયાને મારવા માટેની છે, વાઇરલ ઇન્ફેક્શનમાં આ દવાઓ બિલકુલ કામ લાગતી નથી.’

ઍન્ટિબાયોટિક દવાઓને આપણે ગંભીરતાથી લેતા જ નથી. દરેક વ્યક્તિની તાસીર અને દવાની જરૂરિયાત જુદી હોય છે. ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર લેવામાં આવતી ઍન્ટિબાયોટિક દવાઓ તમારા શરીરમાં સો ટકા કામ કરતી નથી. જોકે માત્ર

ડૉક્ટર પાસે જવા જેટલી સભાનતા દાખવવાથી પણ એનો ઉકેલ નથી આવતો એનાં કારણો છે. દાખલા તરીકે ડૉક્ટરે તમને કોઈ બીમારી માટે પાંચ દિવસની દવાનો કોર્સ લખી આપ્યો છે. બે દિવસ દવા લીધા પછી તમને સારું લાગે એટલે તમે બાકીની દવા લેતા નથી. આમ કરવાથી બૅક્ટેરિયા નષ્ટ તો નથી જ થતા, પરંતુ દવાઓનો પ્રતિકાર કરવાની ક્ષમતા કેળવી વધુ વિકસે છે. બૅક્ટેરિયાને મારવા દવાની માત્રા અને કોર્સને ગંભીરતાથી અનુસરવાની આવશ્કતા છે.

ક્યાં છે આ પ્રદર્શન?

સ્થળ : નેહરુ સાયન્સ સેન્ટર, વરલી

તારીખ : ૧૬ ફેબ્રુઆરી, ૨૦૨૦ સુધી

સમય : રોજ સવારે ૯.૩૦થી ૬  

પહેલી ઍન્ટિબાયોટિક મેડિસિન

પેનિસિલિન વિશ્વની પહેલી ઍન્ટિબાયોટિક દવા છે જેને વૈશ્વિક સ્તરે માન્યતા પ્રાપ્ત થઈ હતી. વર્ષ ૧૯૨૮માં બ્રિટિશ માઇક્રોબાયોલૉજિસ્ટ ઍલેક્ઝાન્ડર ફ્લેમિંગે બ્રેડ અને ફળ પર ડેવલપ થતી એક પ્રકારની ફંગસ (ફૂગ)ને પ્રાકૃતિક પદ્ધતિથી વિકસાવી દવા બનાવી હતી. પેનિસિલિનને પ્રમાણપત્ર મળ્યાના લગભગ એક દસકા બાદ ઑક્સફર્ડ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ દરદીઓના શરીરમાં સંક્રમણ બૅક્ટેરિયાની તબીબી સારવાર માટે આ દવાનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું હતું. પેનેસિલિન તેમ જ ત્યાર બાદ વિકસાવવામાં આવેલી જુદી-જુદી ઍન્ટિબાયોટિક દવાઓના કારણે તબીબી ક્ષેત્રે ઘણાં પરિવર્તન આવ્યાં છે.

Whatsapp-channel Whatsapp-channel

04 January, 2020 03:09 PM IST | Mumbai | Varsha Chitaliya

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK