Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > શા માટે હોળીમાં ધાણી, ચણા ને ખજૂર ખાવાનાં?

શા માટે હોળીમાં ધાણી, ચણા ને ખજૂર ખાવાનાં?

29 March, 2021 01:16 PM IST | Mumbai Desk
Sejal Patel | sejal@mid-day.com

શા માટે હોળીમાં ધાણી, ચણા ને ખજૂર ખાવાનાં?

ચણા, ખજૂર અને ધાણી

ચણા, ખજૂર અને ધાણી


એવું કહેવાય છે કે હિન્દુ ધર્મના દરેક ઉત્સવ અને એ ઉત્સવ સાથે જોડાયેલી ખાણીપીણી અને આહારવિહારની પરંપરાઓ તૈયાર કરવા પાછળ ઋષિમુનિઓનો બહુ મોટો હાથ હતો. આ પરંપરાઓ દરેક બદલાતી સીઝનમાં શરીર-મનની જરૂરિયાતોને પૂરી કરવા અને આવનારા સમય માટે સક્ષમ બનાવવા માટે હતી. પૌરાણિક પરંપરા મુજબ હોળીના દિવસે ઉપવાસ કરવાનો રહેતો. હોલિકા જ્યારે પ્રહલાદને લઈને અગ્નિમાં પ્રવેશી એ પહેલાં જ પ્રહલાદને થનારી સજાની ચિંતાના ઓછાયામાં લોકો એ દિવસે મોંમાં અન્નનો એક કણ પણ નહોનો મૂકી શક્યા. સાંજે જ્યારે હોળિકા બળીને ભસ્મ થઈ ગઈ અને પ્રભુભક્ત પ્રહલાદને ઊની આંચ પણ ન આવી ત્યારે લોકોના જીવમાં જીવ આવ્યો. એ પછી પણ તેમણે રુખું-સૂકું જ ખાવાનું ખાધું. આ રુખું -સૂકું ખાવાનું એટલે જુવારની ધાણી, દાળિયા/ચણા અને ખજૂર. ઉપવાસ કરીને આ ત્રણ ચીજો ખાવાની પરંપરા પૌરાણિક સમયથી પડી છે અને એની પાછળનું કારણ આપણને ઋતુસંધિના સાયન્સ તરફ દોરી જાય છે.

કફ પીગળવાની સીઝન
સામાન્ય રીતે મોટા તહેવારો બે ઋતુઓની સંધિમાં આવતા હોય છે. હોળીનો સમય છે ઠંડીમાંથી ગરમી તરફ જવાનો. શિશિર ઋતુ પૂરી થઈ ચૂકી છે અને ગ્રીષ્મ આવે એ પહેલાં વસંત ઋતુનો સમય આવશે. આ વસંત ઋતુ છે ઠંડીમાંથી ગરમી તરફ જવાનો બફર પિરિયડ. આવા પિરિયડમાં વાતાવરણ પોતે કન્ફ્યુઝ્ડ હોય. સવારે ગુલાબી ઠંડી પડે, બપોરે આકરો તાપ હોય અને સાંજે ફરીથી ઠંડક છવાય. ઋતુ સંધિ વિશેની વાત સમજાવતાં બોરીવલીના આયુર્વેદ નિષ્ણાત પ્રબોધ ગોસ્વામી કહે છે, ‘આ સીઝનમાં ગરમી પડવાની શરૂ થઈ છે. હોળી પહેલાંના દસેક દિવસ અને હોળી પછીના દસેક દિવસનો ગાળો એવો છે જેમાં કફ પીગળવાને કારણે કફજન્ય રોગો થવાની સંભાવના વધે છે. અધૂરામાં પૂરું શિયાળામાં આપણે જે ગળ્યું અને ભારે ખાધું હોય એને કારણે જમા થયેલો કફ પીગળે છે. એ કફને શોષવા માટે હોળી તાપવી અને ધાણી, ચણા-ખજૂર ખાવાં જેથી કફ શોષાઈ જાય. ધાણી અને ચણા એ રુક્ષ છે એને કારણે કફ છૂટો પડે છે.’



ઉપવાસ પછી કફનાશ
સમસ્યા એ છે કે આ બધી પરંપરાઓ હવે લુપ્ત થઈ રહી છે. શુકન પૂરતી ૧૦૦ ગ્રામ ધાણી લાવીને હોળિકાની પ્રદક્ષિણામાં વપરાય છે અને ઉપવાસ કરવાની પરંપરા તો રહી જ નથી. આ પરંપરાની જરૂરિયાત પહેલાં જેટલી હતી એના કરતાં આજે વધુ છે એવું નિષ્ણાતોનું માનવું છે. એનું કારણ એ છે કે પહેલાં કરતાં આપણી આજની જીવનશૈલી અને આબોહવા વધુ વિષમ છે. ગમે ત્યારે વરસાદ પડે છે, ગમે ત્યારે વાતાવરણ ઠંડું થઈ જાય છે અને ગમે ત્યારે કાળઝાળ ગરમીનો દઝારો અનુભવાય છે. આવા સંજોગોમાં કફ પીગળવાથી થતા રોગોનું પ્રમાણ ઘટે એ માટે ઉપવાસ કરવાનું અને સાથે રુક્ષ આહાર લેવાનું મહત્ત્વ વિશેષ છે. એ વિશે સમજાવતાં આયુર્વેદાચાર્ય ડૉ. મહેશ સંઘવી કહે છે, ‘શિયાળામાં મજાનો માલમલીદો ખાધો હોય એટલે શરીરમાં કફનો સંચય થાય જ થાય. ગરમી પડતાં એ સંચિત કફ પીઘળે. એટલે જ સ્તો તમે જોયું હોય તો આ સીઝનમાં શરદી, ઉધરસ, વાઇરલ ઇન્ફેક્શન અને કફજન્ય રોગોનું પ્રમાણ વધી જાય છે. જ્યારે શરીરમાં વાયુ અને રસ બન્નેમાં ગરબડ થાય એટલે વિષાણુઓ શરીર પર સરળતાથી અટૅક કરી શકે છે. એટલે જ રુક્ષ ખોરાક દ્વારા સંચિત કફને કાઢવો બહુ જ જરૂરી છે. પહેલાં કરતાં હવે વાતાવરણમાં અનિશ્ચિતતાનું પ્રમાણ વધ્યું છે ત્યારે તો ખાસ.’


કઈ રુક્ષ ચીજો લેવી?
હવે સવાલ એ આવે કે કફને કાઢવા માટે ધાણી, ચણા અને ખજૂર જ ખાવાનું કેમ કહેવાયું હશે? એની પાછળનું વિજ્ઞાન સમજાવતાં ડૉ. મહેશ સંઘવી કહે છે, ‘વસંત ઋતુમાં હવેલીમાં ચડાવવામાં આવતા ધાણી-ચણાને ફગવા કહેવાય છે. કોઈ પણ ધાન્યને જ્યારે શેકી લેવામાં આવે ત્યારે એ પચવામાં હલકું થઈ જાય છે. જુવાર અને મકાઈ જેવાં ધાન્યોને શેકવાથી એ ફૂટીને એમાંથી ધાણી બની જાય છે. આ અગ્નિના તાપમાં ફૂટેલું આ ધાન્ય પચવામાં લઘુ, સરળ અને રુક્ષ થઈ જાય છે. ગુજરાત અને મુંબઈની આબોહવા જોતાં જુવારની ધાણી ઉત્તમ કહેવાય. મકાઈની ધાણી મોટા ભાગે રાજસ્થાનમાં વધુ ખવાય છે. જુવાર વધુ પોષ્ટિક છે. તમે જોયું હોય તો ગરમીની શરૂઆતમાં ભૂખ ન લાગે, કંટાળો આવે, જીભનો ટેસ્ટ બગડી જાય એટલે જેટલું ઓછું ખાઈએ એટલું સારું રહે. જોકે એનો મતલબ એ નથી કે સંચિત કફને કાઢવાની અને નવું પોષણ બૉડીને આપવાની જરૂર નથી. શરીરનો કચરો કાઢવા તેમ જ કફના શોષાવા માટે જુવારની ધાણી-દાળિયાની જરૂર પડે. ઉપવાસ પછી ધાણી ખાવાથી કફ છૂટે. કાચી ધાણી ન ભાવે તો તેલમાં હળદર, મીઠું અને કાળાં મરી નાખીને વઘારી લેવાથી એ રુચિકર અને વધુ ગુણકારી થઈ જશે. હળદર ઍન્ટિ-વાઇરલ છે એટલે રોગ પ્રતિકારક શક્તિ સુધારે છે અને કાળાં મરી ધાણીને સુપાચ્ય બનાવે છે. કફ છૂટો પડે એટલે શરીરને કમજોરી લાગવા લાગે. એ કમજોરીની પૂર્તિ માટે સુપાચ્ય પ્રોટીન તરીકે દાળિયા લેવાના હોય. રુક્ષતા શરીરમાં વધી જાય તો એથીયે પ્રોબ્લેમ થઈ શકે. એટલે સાથે ખજૂરની પેશી રસતૃપ્તિનું કામ કરે. એક પેશીમાં એક ગ્લાસ પાણી જેટલો રસ મળે. એમાં નૅચરલ ફ્રુક્ટોઝ હોય છે જેને કારણે શરીરના કોષોને ઇન્સ્ટન્ટ એનર્જી મળે છે.’

ઠંડાઈ નહીં, એમાં વપરાતો મસાલો મહત્ત્વનો
આજકાલ આપણે ઠંડાઈ ન પીએ ત્યાં સુધી જાણે હોળી-ધુળેટીનું સેલિબ્રેશન અધૂરું વર્તાય છે. ભગવાનના નામે એમાં ભાંગ પણ પીવાય. એક તરફ રુક્ષ ખાવાનું કહેવામાં આવે છે અને બીજી તરફ ઠંડીગાર ઠંડાઈ પીવાની વાત છે એ શું સાયન્ટિફિક છે? એની પાછળનું વિજ્ઞાન જણાવતાં પ્રબોધ ગોસ્વામી કહે છે, ‘ઠંડાઈના નામ પર જવા જેવું નથી. ભલે એનું નામ ઠંડાઈ હોય, પણ એમાં વપરાતાં દ્રવ્યો રક્ત શોધક અને કફનાશક છે. વરિયાળી, સફેદ મરી જેવી ચીજો શરીરની સિસ્ટમને ક્લીન કરવાનું કામ કરે છે. વરિયાળી ઠંડી નહીં, તાસીરમાં ગરમ છે. એ પાચનનું કામ સરળ બનાવે છે. કફ છૂટો પડીને એ શરીરમાંથી નીકળી જાય એ માટે ઠંડાઈ કામની છે. દૂધ ભલે કફજન્ય કહેવાય, પરંતુ એને યોગવાહી દ્રવ્ય તરીકે વાપરવામાં આવ્યું છે. જેમને દૂધ ન સદતું હોય એવા લોકો ઠંડાઈમાં વપરાતા ઔષધિય દ્રવ્યોનો પાઉડર જો મધ સાથે કે ગરમ પાણી સાથે લે તો પણ એટલો જ ફાયદો થાય. આવું કોઈ કરવાનું નથી કેમ કે લોકોને હંમેશાં સ્વાદિષ્ટ ઑપ્શન જોઈતા હોય છે. ઠંડાઈનો પાવડર આપીશું તો એ તેમને દવા લાગશે, પણ ઠંડાઈ એકદમ હોંશેહોંશે પીશે.’


હોળી અને હોળિકાનું મહત્ત્વ
અગ્નિ પ્રગટાવવાના મહત્ત્વ વિશે વાત કરતાં ડૉ. મહેશ સંઘવી કહે છે, ‘હોળિકા અને પ્રહલાદની વાતો તો બહાનું છે, બાકી હકીકતમાં આ સીઝનમાં પાણીજન્ય અને ઍરબૉર્ન રોગોથી બચવા માટે અગ્નિનો સહારો લેવામાં આવે છે. સામાન્ય રીતે આ સીઝનમાં ખરીફ પાક ખળામાં તૈયાર થતો હોય છે. એ સમયે તીડ અને અન્ય પંખીઓ અને જીવાતોનો મારો થઈ શકે છે. એની સામે રક્ષણ મેળવવા માટે ઠેર-ઠેર અગ્નિ પ્રગટાવવાનું જરૂરી હતું. અગ્નિથી વાતાવરણની શુદ્ધિ થતી અને એની પ્રદક્ષિણા દ્વારા સીધો તાપ લેવાથી વૉટરબૉર્ન અને ઍરબૉર્ન ડિસીઝ થવાનું પ્રમાણ ઘટી જાય.’ હોળિકામાં અગ્નિ લાકડાની નહીં, પણ ગાયના છાણાં અને ઘઉંની પરાળની હોય એ જરૂરી છે.

કફ ન નીકળે તો શું?
સંધિકાળ દરમ્યાન સંચિત અને સુકાયેલો કફ દૂર ન થાય તો નાક, ગળા, શ્વાસનળી અને ફેફસાંમાં કફ ભરાઈ રહેવાથી રોગપ્રતિકારક શક્તિ બગડે છે. શરદી-ખાંસી, ઉધરસ જેવી સામાન્ય જણાતી સમસ્યાઓ લાંબી ચાલે છે અને વારંવાર ઇન્ફેક્શન થવાની સંભાવના રહે છે.

હોળી પહેલાં અને પછીના દસેક દિવસના ગાળામાં કફ પીગળવાને કારણે કફજન્ય રોગો થવાની સંભાવના વધે છે. શિયાળામાં આપણે જે ગળ્યું અને ભારે ખાધું હોય એને કારણે જમા થયેલો કફ પીગળે છે. એ કફને શોષવા માટે હોળી તાપવી અને ધાણી, ચણા-ખજૂર ખાવાં જેથી કફ શોષાઈ જાય. ધાણી અને ચણા એ રુક્ષ છે એને કારણે કફ છૂટો પડે છે - પ્રબોધ ગોસ્વામી, આયુર્વેદ નિષ્ણાત

ઉપવાસ પછી ધાણી ખાવાથી કફ છૂટે. કાચી ધાણી ન ભાવે તો તેલમાં હળદર, મીઠું અને કાળાં મરી નાખીને વઘારી લેવાથી એ રુચિકર અને વધુ ગુણકારી થઈ જશે. હળદર ઍન્ટિ-વાઇરલ છે એટલે રોગ પ્રતિકારક શક્તિ સુધારે છે અને કાળાં મરી ધાણીને સુપાચ્ય બનાવે છે. - ડૉ. મહેશ સંઘવી, આયુર્વેદ નિષ્ણાત

Whatsapp-channel Whatsapp-channel

29 March, 2021 01:16 PM IST | Mumbai Desk | Sejal Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK