Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > દરેક દુ:ખદ ઘટના કશુંક મહત્ત્વનું શીખવી જાય છે

દરેક દુ:ખદ ઘટના કશુંક મહત્ત્વનું શીખવી જાય છે

23 June, 2020 08:04 PM IST | Mumbai
Taru Kajaria

દરેક દુ:ખદ ઘટના કશુંક મહત્ત્વનું શીખવી જાય છે

દરેક  દુ:ખદ ઘટના કશુંક મહત્ત્વનું શીખવી જાય છે


લૉકડાઉન દરમિયાન બૉલીવુડે કેટલાક અવ્વલ કલાકારોને ગુમાવ્યા એ બધાયના જવાનો ગમ છે પરંતુ ૧૪ જૂને સુશાંતસિંહ રાજપૂતની વિદાયે તો તેના લાખો ચાહકો જ નહીં, તદ્દન અજાણ્યા લોકોને પણા આઘાતથી મૂઢ કરી દીધા છે. મીડિયામાં સુશાંતે આવું પગલું કેમ ભર્યું હશે એના વિશે અનેક અટકળોની ભરમાર ચાલી રહી છે. એ બધી વાતોનું પુનરાવર્તન અહીં નથી કરવું, પરંતુ જીવનમાં દરેક ઘટના કંઈક શીખવી જતી હોય છે. અને આવી ભયંકર દુ:ખદ ઘટનામાંથી તો સૌ માટે શીખવાની શક્યતા છે.

પ્રતિભા, દેખાવ, ધન, દોલત, સફળતા, ખ્યાતિ, અઢળક લોકચાહના, ખુશમિજાજ પ્રકૃતિ કે કોઈ પણ સરેરાશ માણસ જેનાં સપનાં જુએ એવી તમામ ચીજોથી સભર જિંદગી પણ સુખની ગૅરન્ટી નથી આપી શકતી એ વાત ફરી એક વાર સુશાંતની આત્મહત્યાએ તાજી કરાવી દીધી છે. અહેવાલો મુજબ સુશાંત છેલ્લા છ મહિનાથી ડિપ્રેશનની સારવાર હેઠળ  હતો અને આ અંતિમ પગલું તેણે એ સ્થિતિમાં જ ભર્યું હતું.



સુશાંતના ડિપ્રેશનના સમાચાર મોટા ભાગના લોકો માટે એક આશ્ચર્ય હતા, કેમ કે ઉપર કહ્યું એમ ભાગ્યે જ જોવા મળે એવી સમૃદ્ધિ અને સફળતાઓથી સંપન્ન જિંદગીનો માલિક, ચોત્રીસ વર્ષનો યુવાન કલાકાર ડિપ્રેસ્ડ હોઈ શકે એવી કલ્પના પણ સામાન્ય માનવીને ન આવી શકે. પરંતુ તેના મિત્રો કે અંગત સ્વજનોને તો એ વાતની જાણ હોય જને! હશે જ. અને છતાં તેમનામાંના કેટલાકે તાજેતરમાં કબૂલ્યું છે કે અમે છેલ્લા છ કે બાર મહિનાથી સુશાંતના ટચમાં નહોતા. આ વાત આપણને વિચારતા કરી દે એવી છે, કેમ કે છેલ્લાં કેટલાંક વર્ષોથી ડિપ્રેશન અને મેન્ટલ ઇલનેસ વિશે સમાજમાં જાગૃતિ આવી છે. અને ઈવન સાધારણ અવેરનેસ ધરાવતી વ્યક્તિ પણ જાણે છે કે ડિપ્રેશનમાં હોય એ વ્યક્તિને એકલી રાખવી ન જોઈએ. એ સંજોગોમાં સુશાંતની લિવ-ઇન પાર્ટનર છેલ્લા કેટલાક દિવસથી તેને છોડીને બીજે રહેવા ચાલી ગઈ હતી!


સુશાંતના આ કહેવાતા મિત્રોની વર્તણૂક વિચિત્ર લાગે એવી છે, પરંતુ એ અસાધારણ નથી. પરંતુ એ વિશે વાત કરતાં પહેલાં સુશાંતને ડિપ્રેશન શેનું હોઈ શકે એ સવાલ લોકોને મૂંઝવી રહ્યો છે. તો એક વાત લખી રાખજો, કોઈ પણ વ્યક્તિ ડિપ્રેશનનો ભોગ બની શકે છે. કોવિડ-19 જેમ અમીર-ગરીબ કે નાના-મોટા વચ્ચે ભેદભાવ નથી કરતો એવું જ ડિપ્રેશનનું પણ છે. મગજમાં થતા રાસાયણિક અસંતુલન (કેમિકલ ઇમ્બૅલૅન્સ)ના પરિણામે ઊભી થતી વિચિત્ર માનસિક અવસ્થાની આ બીમારીમાં વ્યક્તિના આસપાસના વાતાવરણ, સંજોગો અને લોકોનાં વાણી, વ્યવહાર, વર્તન ઇત્યાદિ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. તેની સારવારમાં પણ મેડિકેશન, માનસિક-શારીરિક વ્યાયામ ઉપરાંત આ બધાં પરિબળો જેટલાં અનુકૂળ હોય એટલું એ વ્યક્તિને માટે તેના ડિપ્રેશનને હૅન્ડલ કરવાનું અમુક અંશે સહેલું બને છે. ડિપ્રેશનના વધતા કિસ્સાઓ અને સોશ્યલ મીડિયા તેમ જ પ્રિન્ટ મીડિયામાં પણ આ વિશે આવતાં લખાણો અને સૌથી વધુ તો ડિપ્રેશનનો શિકાર બનેલી સેલિબ્રિટીઝ દ્વારા હવે છોછ વગર થતી પોતાની બીમારી વિશેની વાતો – આ બધાને પરિણામે હવે સામાન્ય લોકોમાં પણ ખાસ્સી અવેરનેસ આવી છે. આ બીમારીથી અસરગ્રસ્ત વ્યક્તિના વર્તનમાં કેવાં-કેવાં અને કયાં પરિવર્તનો આવે અને કયા પ્રકારના સવાલો કરે તો ચેતી જવું એવી જાણકારી પણ ઘણા લોકોને હોય છે. આ માહોલમાં સુશાંતના વર્તન કે વ્યવહારમાંથી ક્યારેય પણ તેના કોઈ મિત્રને એવી કોઈ ક્લુ નહીં મળી હોય? ફરી આપણે નવાઈમાં ગરકાવ થઈ જઈએ છીએ, બરાબર?

પરંતુ આ આશ્ચર્ય, આ આઘાત, આ નવાઈમાંથી આપણે શીખવા જેવી વાત એ છે કે આપણા મિત્રો, સ્વજનો, સાથીઓ કે ઈવન માત્ર પરિચિતો સાથે આવું કંઈક થાય ત્યારે આપણે કેટલા સજ્જ રહેવું, કેટલા અવેલેબલ રહેવું અને તેઓ લો ફીલ કરી રહ્યા હોય ત્યારે તેમને એ લાચાર સ્થિતિમાં એકલા કદી ન છોડવા. હા, કેટલીક વાર એવું બને છે કે વ્યક્તિએ હતાશામાં અંતિમ પગલું ભરવાનું વિચારી લીધું હોય કે નિર્ણય કરી લીધો હોય પરંતુ એ જ વખતે કોઈક સ્વજનની એકાદ વાત, વાક્ય કે ઈવન શબ્દ તેને એ નિરાશાની ગર્તામાં ગબડતી અટકાવી દઈ શકે. 


આ કિસ્સામાંથી બીજી શીખ મળી છે એ એ કે કોઈના તેજ, ટૅલન્ટ કે વિકાસથી જેલસ થઈને તેમને પછાડવા કે ખતમ કરી દેવાના ઇરાદા ધરાવતા લોકો દરેક ક્ષેત્રમાં હોવાના. નવા, પ્રતિભાશાળી, જોમવંત કે તેજતર્રાર કલાકાર હોય, ક્રિકેટર હોય, ગાયક હોય કે ફૅશન-ડિઝાઇનર કે અન્ય કોઈ પણ ક્ષેત્રનો વ્યવસાયી હોય; અગાઉથી એ ક્ષેત્રમાં આવી ગયેલા અને પગદંડો જમાવી બેઠેલા લોકોનો તેજોદ્વેષ આવા નવોન્મેષ ધરાવતા પ્રતિભાશાળી યુવાઓને મોટા ભાગે ખમવો જ પડ્યો છે. તેમનાં અરમાનોને મસળી નાખવાં, તેમનાં સપનાંને કચડી નાખવાં અને યેનકેન પ્રકારેણ તેમનું મનોબળ તોડી તેમને આગળ નહીં આવવા દેવા એ જાણે પેલા જામી ગયેલા તાલેવંતોનું લક્ષ્ય બની જાય છે. આ સંજોગોમાં નવા-નોખા વિરલાઓએ આ વાસ્તવિકતાને પોતાના પંથના પડકારો તરીકે સ્વીકારી જ લેવાની. કહે છે કે સુશાંતને સાત ફિલ્મો ઑફર થઈ અને પછી એ સાતેય પાછી ખેંચી લેવાઈ! આવા અનુભવ ફિલ્મ અને ટીવી-ઇન્ડસ્ટ્રીમાં નવા કે અનકૉમન નથી. એક ડિરેક્ટરે એક યુવાન કલાકારને કહ્યું: ‘મારા આગામી પ્રોજેક્ટમાં તું છો.’ કલાકારે એ માટે બીજા અનેક પ્રોજેક્ટ નકાર્યા. ડિરેક્ટર સાથે ફાઇનલ મુલાકાત થઈ ગઈ અને બધું નક્કી થઈ ગયું. એક અઠવાડિયામાં શૂટિંગ શરૂ થવાનું હતું. દસેક દિવસ થઈ ગયા. પેલા કલાકારને બહારથી ખબર મળી કે બીજા કલાકારને લઈને શૂટિંગ શરૂ થઈ ગયું હતું! સ્વાભાવિક છે તેને આઘાત લાગ્યો. છ મહિનામાં અનેક આકર્ષક ઑફર્સ તેણે ઠુકરાવી હતી પેલા રોલ માટે... અને! તે નિરાશ જરૂર થયો, પરંતુ આ ઇન્ડસ્ટ્રીના તૌરતરીકાથી તે વાકેફ હતો. બીજું, તેને અફર વિશ્વાસ હતો કે મારા નસીબમાં  લખેલું હશે એ કોઈ પણ નહીં છીનવી નહીં શકે! વાસ્તવિકતાનો સ્વીકાર અને નિયતિમાંની શ્રદ્ધા એ કલાકારની વહારે આવ્યાં.

સોનુ નિગમે સંગીત ઉદ્યોગના બડેખાંઓને નવા કલાકારો પ્રત્યે ઉદાર બનવાની હૃદયસ્પર્શી અપીલ કરી છે. હું તો તમામ પેરન્ટ્સને અપીલ કરું કે આવા બધા પડકારો સામે અડીખમ ઊભા રહેવાની તાલીમ આપણે બાળકોને નાનપણથી આપવી પડશે. કોઈ પણ લૉબી કે કોટરીના કારસાથી પોતાના હીરને ઝંખવાવા નહીં દેવાનું. કોઈના પ્રહારોથી પોતાના મૉરાલને તૂટવા દેવાનું નથી. અને ક્યારેય પણ કોઈ દોસ્ત, હમસફર કે સ્વજન કોઈ પણ કારણસર નિરાશ હોય ત્યારે તેની સાથે ઊભા રહી તેની હામ બનવાની તાલીમ પણ આપવી પડશે.

Whatsapp-channel Whatsapp-channel

23 June, 2020 08:04 PM IST | Mumbai | Taru Kajaria

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK