કુદરતની કરામતઃપોળોના જંગલ નજીક આવેલા મંદિરમાં અવિરત વહે છે પાણીની સરવાણી

ભાવિન રાવલ | ઈડર | Jun 03, 2019, 11:27 IST

એક તરફ ઉનાળામાં સંખ્યાબંધ વિસ્તારોમાં પાણીની તંગી છે, ત્યારે પોળોના જંગલમાં આવેલા આ મંદિરમાં પાણીની અવિરત સરવાણી વહે છે. જી હાં, માનો કે ના માનો પણ અહીં પાણીની ધારા સતત વહેતી રહે છે.

કુદરતની કરામતઃપોળોના જંગલ નજીક આવેલા મંદિરમાં અવિરત વહે છે પાણીની સરવાણી
વીરેશ્વર મહાદેવનું મંદિર

તમે ચમત્કારમાં માનો છો ? કે પછી ચમત્કારને પણ વિજ્ઞાન જ માનો છો ? જો આ બંનેમાં નથી માનતા તો આ લેખ વાંચીને જરૂર માનતા થઈ જશો. આજે અમે તમને એક એવી જગ્યાની વાત કરીશું જ્યાં પાણીનો પ્રવાહ અટકતનો જ નથી. હવે આ ચમત્કાર છે કે વિજ્ઞાને એ તો તમે તે જગ્યાની મુલાકાત લઈને જાતે જ નક્કી કરી શકો છો. આ જગ્યા આવેલી છે ખૂબ જ જાણીતા પોળોના જંગલમાં. એક તરફ ઉનાળામાં સંખ્યાબંધ વિસ્તારોમાં પાણીની તંગી છે, ત્યારે પોળોના જંગલમાં આવેલા આ મંદિરમાં પાણીની અવિરત સરવાણી વહે છે. જી હાં, માનો કે ના માનો પણ અહીં પાણીની ધારા સતત વહેતી રહે છે.

આ મંદિર આવેલું છે ઈડરથી 30 કિલોમીટર દૂર આવેલા વિજયનગરમાં. વિજયનગરના લીલાછમ જંગલોની વચ્ચે શિંકર ભગવાનનું મંદિર આવેલું છે. કુદરતી વાતાવરણ, લીલાછમ ઝાડ, હરિયાળો વિસ્તાર માનસિક શાંતિ આપે છે, અહીં જ શ્રદ્ધા અને આસ્થાનું પ્રતીક એવું શિવાલય આવેલું છે. અંદાજે 754 વર્ષ પહેલા બંધાયેલું આ મંદિર વીરેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે. આ જંગલ પણ હવે વીરેશ્વરના જંગલ તરીકે જ ઓળખાય છે. કહેવાય છે કે આ મંદિરમાં આવેલું પૌરાણિક શિવલિંગ સ્વયંભુ પ્રગટેલું છે.

forest

અહીં ભગવાન શંકરની સાથે સાથે સાક્ષાત હનુમાનજી પણ બિરાજમાન છે. રસપ્રદ વાત એ છે કે અહીં અન્નક્ષેત્ર પણ ચાલે છે. જો કે આ જગ્યા ખાસ વીરેશ્વર મહાદેવના કારણે જાણીતી છે. વીરેશ્વર મહાદેવમાં વહેતા અવિરત પાણીના ઝરાને જોવા માટે મોટી સંખ્યામાં લોકો આવે છે. ઘટના એવી છે કે વીરેશ્વર મંદિરની પાછળના ભાગે એક ઉમરનું ઝાડ છે. આ ઝાડમાંથી પાણી સતત વહ્યા કરે છે. વળી આશ્ચર્યજનક વાત એ છે કે આ પાણી એકદમ ચોખ્ખુ હોય છે. શ્રદ્ધાળુઓ તો પાણી બોટલમાં ભરીને સાથે પણ લઈ જાય છે. જો કે, આ પાણી ક્યાંથી આવે છે, તે અંગે કોઈને કાંઈ જ ખબર નથી. ભક્તો તેને ભગવાનનો ચમત્કાર માને છે, તો કેટલાક લોકો તેને વિજ્ઞાન માને છે. શ્રદ્ધાળુઓ આ પાણીના ઝરાને ગુપ્ત ગંગા પણ કહે છે.

એક માન્યતા એવી પણ છે કે છપ્પનિયા દુકાળ વખતે પણ આ પાણીનો ઝરો સુકાયો નહોતો. જો કે આ વાતનું કોઈ પ્રમાણ નથી. વીરેશ્વર મહાદેવનું મંદિર પોળોના જંગલની સાથે સાથે આ ઝરાને કારણે પણ પ્રખ્યાત બની ચૂક્યુ છે. સહેલાણીઓની સંખ્યા વધતા 2008ના વર્ષમાં આ મંદિરનો જીર્ણોદ્ધાર કરીને પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. પોળોના જંગલનું કુદરતી સાંનિધ્ય માણવા આવતા પ્રવાસીઓ આ મંદિરની મુલાકાત અચૂક લે છે. એમાંય એક વરસાદ થઈ ગયા પછી જે રીતે અહીં જંગલ નવપલ્લવિત થાય છે, તે જોઈને તમે અહીં જ રહેવા તૈયાર થઈ જશો.

આ પણ વાંચોઃ આ છે ભારતનું સૌથી પૈસાદાર ગામ, છે શહેરને ટક્કર મારે એવી સુવિધાઓ

વીરેશ્વર મહાદેવનું મંદિર વિજયનગર તાલુકાના કાલવણ ગામે આવેલુ છે. આ જગ્યા તાલુકા મથકથી ૩૦ કિલોમીટર દૂર આવેલી છે. વીરેશ્વર મહાદેવ મંદિરનો વહીવટ ટ્રસ્ટ દ્વારા કરાય છે. આ મંદિરના પાછળના ભાગમાં નાના નાના એક નહીં સંખ્યાબંધ ઝરાઓ આવેલા છે એમાંથી બારે માસ પાણી ટપકયા જ રાખે છે. અહીંયા રજવાડાના સમયમાં નિર્માણ થયેલી પ્રાચીન વાવ પણ છે. હવે તો આ મંદિર પણ પિકનિક સ્પોટ તરીકે પ્રખ્યાત થઈ ચૂક્યુ છે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK