Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > આ ગણેશમંદિરમાં ફેમસ છે ગરમાગરમ કેળાની વેફર

આ ગણેશમંદિરમાં ફેમસ છે ગરમાગરમ કેળાની વેફર

02 September, 2019 03:57 PM IST |
ખાઇ પી ને મોજ - પૂજા સાંગાણી

આ ગણેશમંદિરમાં ફેમસ છે ગરમાગરમ કેળાની વેફર

આ ગણેશમંદિરમાં ફેમસ છે ગરમાગરમ કેળાની વેફર


‘ગજાનંદ રે ગણપતિ દેવા’, ‘દેવા ઓ દેવા, ગણપતિ દેવા, તુમ સે બઢકર કૌન’, ‘એક, દો, તીન, ચાર, ગણપતિજીનો જયજયકાર’. આ પ્રકારના અનેક જયઘોષ સાથે આજે સોમવારથી જ ગણપતિબાપ્પાના ઉત્સવની ઉજવણી શરૂ થઈ જશે. પાર્વતીનંદન ભગવાન શ્રી ગણેશની ભક્તિનું પર્વ મહારાષ્ટ્ર બાદ જો સૌથી વધુ ઊજવાતું હોય તો એ ગુજરાત રાજ્ય છે. ઘરે-ઘરે અને શેરીએ-શેરીએ શ્રીજીની સ્થાપના કરવામાં આવે છે. સોમવારે ગણેશચોથ છે એટલે તો ગણેશમંદિરે ભક્તિનાં ઘોડાપૂર જોવા મળશે. 

ગણપતિજીને લાડવા ખૂબ ભાવે. ઘઉંનો લોટ અને ગોળના લાડવા ગણપતિદાદાને ખૂબ પ્રિય છે અને ગુજરાતમાં મુખ્યત્વે ચૂરમાના અને મીઠી બુંદીના લાડવા ધરાવવામાં આવે છે, જ્યારે મહારાષ્ટ્રમાં મોદક ધરાવવામાં આવે છે. ત્રિકોણાકાર જેવા અલગ-અલગ ટેસ્ટના મોદક બજારમાં મળતા થશે અને રોજેરોજ દાદાને ધરાવવામાં આવશે, પરંતુ આપણે તો ખાઈ-પીને મોજ કરવાની છે તો તહેવારની સાથે ખાવા-પીવાની વાત તો આવે જ. તો આજે આપણે ગુજરાતમાં ગણપતિદાદાના ગણેશોત્સવની ઉજવણીની સાથે-સાથે ખાણી-પીણીની પણ વાતો કરીશું.



આ પણ વાંચો: પર્વાધિરાજ પર્યુષણ પર્વમાં જૈન ફૂડનો પરિચય તો લેવો જ રહ્યો


મિત્રો, ગણપતિદાદાનું નામ આવે તો તેમની પ્રિય વાનગી ચૂરમાના કે બુંદીના લાડુ અથવા મોદકની વાત આવે, પરંતુ ગુજરાતમાં એક એવી જગ્યા છે જ્યાં ગણપતિદાદાના મંદિર સાથે લાઇવ ગરમાગરમ કેળાની મસાલા વેફરનું નામ જોડાઈ ગયું છે. હા, તમને માન્યમાં નહીં આવે, પરંતુ વાત સાચી છે. અમદાવાદ શહેરથી ૬૦ કિલોમીટર દૂર અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના કોઠ ગામે ગણપતિજીની સ્વયંભૂ મૂર્તિ ધરાવતું પ્રસિદ્ધ મંદિર આવેલું છે અને મંદિરની જોડે-જોડે ત્યાંનું કેળા વેફરબજાર પણ પ્રખ્યાત છે. મંદિરે દર્શન કરવા આવતા લોકો કિલોબંધ કેળાની વેફર ઘરે લઈ જાય છે. ગામમાં પ્રવેશ કરતાંની સાથે જ કેળાની વેફર તળાતી હોય એની સુગંધ આવવાની શરૂઆત થઈ જાય. એટલે તમારે કોઈને પૂછવાની જરૂર જ નહીં અને સુગંધ જ તમને ભવ્ય ગણપતિમંદિર તરફ લઈ જાય.   

ગુજરાતમાં ખેડા જિલ્લામાં પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર આવેલું છે. એ પણ અમદાવાદથી ૬૦ કિલોમીટર દૂર છે. ત્યાં ભગવાન શ્રી રણછોડરાયના મંદિરે લોકો યાત્રાએ આવે છે. ત્યાં પ્રસાદમાં લાડુ મળે છે, પરંતુ આ મંદિરની આજુબાજુ ખૂબ જ સ્વાદિષ્ટ ગોટા મળતા હોવાથી ડાકોરના ગોટા તરીકે પ્રસિદ્ધિ પામ્યા છે. જેમ ડાકોરના ગોટા વખણાય છે અને લોકો હોંશે-હોંશે ખાય છે એવી જ રીતે કોઠ-ગણપતિપુરાની કેળાની વેફર ખૂબ વખણાય છે.


તો કેળાની વેફર અને ગણેશમંદિરને શું લેવાદેવા વળી?  એ પ્રશ્નનો જવાબ આપતાં પહેલાં આપણે આ સુપ્રસિદ્ધ અને પૌરાણિક યાત્રાધામ વિશે જાણીએ. મંદિર દ્વારા જણાવવામાં આવતી વિગતો મુજબ વિક્રમ સંવત ૯૩૩ની અષાઢ વદ ચોથ ને રવિવારે એટલે કે લગભગ ૧૧૪૦ વર્ષ પહેલાં ધોળકા નજીકના હાથેલ ગામથી જમીનના ખોદકામ વખતે પગમાં સોનાના તોડા, કાનમાં કુંડળ અને માથે મુગટ સાથેની ગણપતિદાદાની મૂર્તિ પ્રગટ થઈ હતી. આ મૂર્તિ લઈ જવા માટે કોઠ, રોજકા અને વણકુટા ગામના આગેવાનો વચ્ચે વિખવાદ થયો હતો. એનો ઉકેલ લાવવા માટે બળદગાડાના ગાડામાં મૂર્તિ મૂકી દેવામાં આવી હતી અને સ્વયંભૂ રીતે જ ગાડું ચાલવા લાગ્યું અને કોઠ ગામ નજીકના ટેકરે ઊભું રહી ગયું. ત્યારથી ત્યાં મંદિરની સ્થાપના થઈ અને ગણપતિપુરા તરીકે ઓળખાવા લાગ્યું. આ જ તિથિએ બુટભવાની માતા પ્રસિદ્ધ થયાં હતાં જે તેમના પૂજારી અંબારામ પૂજારીના નામ પરથી અરણેજ તરીકે ઓળખાય છે. આથી જ ભક્તો નજીક-નજીકમાં આવેલાં બન્ને મંદિરે આવીને પોતાનું શીશ નમાવે છે.

તો મૂળ મુદ્દા પર આવીએ તો ગણપતિદાદાને લાડુનો પ્રસાદ ખૂબ ભાવે. આથી મંદિરની બહાર ગામના સ્થાનિક લોકો પ્રસાદીરૂપે લાડવા વેચતા હતા. લાડવાની ગુણવત્તા બાબતે ભક્તોની ચિંતા મંદિરના ટ્રસ્ટીઓના ધ્યાનમાં આવી હતી. ભક્તોની લાગણી હતી કે ભગવાનને શુદ્ધ ચૂરમાના લાડુ અને બુંદીના લાડુ ચડાવવામાં આવે એ ઇચ્છનીય છે. ટ્રસ્ટીઓને આ વાત યોગ્ય જણાતાં તેમણે મંદિરના રસોડે બન્ને પ્રકારના લાડુ બનાવીને ભક્તો માટે વેચાણ શરૂ કરી દીધું હતું. એને કારણે ગુણવત્તાનો કોઈ પ્રશ્ન રહ્યો નહીં અને દૂર-દૂરથી લાખોની સંખ્યામાં આવતા ભક્તો મંદિરમાં બનેલા લાડુ ભગવાનને ધરાવી શકે, ત્યાં બેસીને પ્રસાદ તરીકે આરોગી શકે તેમ જ પોતાના ઘરે પણ લઈ જઈ શકે. આ લાડુ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે અને એનો કુદરતી રીતે અદ્ભુત ટેસ્ટ હોય છે. ચૂરમાના લાડુ ૨૪૦ રૂપિયે કિલો, જ્યારે બુંદીના લાડુ ૧૨૦ રૂપિયે પ્રતિ કિલો. ઓછામાં ઓછા ૨૫૦ ગ્રામ લેવાના રહે છે.

તો લાડુ સાથે કેળાની વેફરની વાત જોડાયેલી છે. હવે મંદિર તરફથી જ લાડુનું વેચાણ શરૂ કરી દેવામાં આવતાં બહાર બેસતા ફેરિયાઓ નવરા થઈ ગયા હતા. તેમની આજીવિકાનો પ્રશ્ન ઊભો થયો હતો. આથી સુખાભાઈ કરીને કેળાની વેફરની નિષ્ણાત વ્યક્તિ આ ગામે આવી હતી અને તેણે કેળાની ગરમાગરમ વેફર વેચવાની શરૂઆત કરી હતી. તેના આશ્ચર્ય વચ્ચે ધંધો ચાલવા લાગ્યો અને તેનું જોઈને ગામના બીજા લોકોએ પણ કેળાની વેફર બનાવવાની શરૂઆત કરી દીધી. કાચા કેળાની એક વેંત જેટલી ચિપ્સ મોટા તવામાં ગ્રાહકોની નજર સામે જ તળવામાં આવે છે. ત્યાર બાદ એના ઉપર મીઠું-મરચું અથવા તો મરી-મીઠું અને સંચળ નાખીને ગ્રાહકોને આપવામાં આવે છે. હાલમાં ગામના પાદરેથી લઈને મંદિર સુધી ઓછામાં ઓછા ૩૦ જેટલા ખૂમચા સવારથી લઈને સાંજ સુધી ધમધમતા હોય છે અને ગરમાગરમ લાઇવ વેફર સર્વ કરતા હોય છે.

આ વિશે માહિતી આપતાં કેળાની વેફર બનાવનાર પ્રકાશ જાદવે જણાવ્યું કે ‘લાડુનો પ્રસાદ બંધ થયા બાદ આ સુખાભાઈ નામની એક વ્યક્તિ દ્વારા વેફરનું વેચાણ શરૂ કરવામાં આવ્યું હતું. સુખાભાઈ દ્વારા શરૂ કરવામાં આવેલા વેફરના ખૂમચાની સફળતા જોઈને બીજાઓએ પણ શરૂઆત કરી. હું અહીં ૧૦ વર્ષ કરતાં વધુ સમયથી ધંધો કરું છું અને પ્રત્યેક વેપારી દિવસમાં બે મણ (૪૦ કિલો) જેટલી વેફર વેચે છે. તહેવારોના દિવસમાં તો કોઈ મર્યાદા ન નથી.’

 

અન્ય એક ધંધાર્થી રુતુલ સોલંકીએ જણાવ્યું હતું કે ‘અમદાવાદથી બગોદરા હાઇવે વચ્ચે ખાસ્સા ૧૦ કિલોમીટર જેટલા અંદરના ભાગે ગણપતિપુરાનું મંદિર આવેલું છે. ગામની આસપાસ નાસ્તાના વિકલ્પો ખૂબ જ મર્યાદિત હતા. આથી ગરમાગરમ વેફર લોકોને ખૂબ પસંદ આવી ગઈ. લોકો ચાની સાથે તાજી તળેલી વેફર ખાઈને રાજી થતા અને પ્રવાસ દરમ્યાન ખાવા માટે વેફર પૅક પણ કરાવી લે છે.’

અહીં ગામના મુખ્યત્વે મોટા ભાગના લોકો કેળાની વેફરના ધંધા સાથે જોડાયેલા છે. અમુક પરિવારોએ તો ધંધાનું એક્સપાન્શન કરતા હોય એ રીતે હવે ગુજરાતનાં બીજાં શહેરોમાં અને જાણીતા સ્થળે લાઇવ વેફરનો વેપાર શરૂ કરી દીધો છે અને સફળ થયા છે. ગોળ વેફરને બદલે લાંબી અને નજર સામે બનતી ગરમાગરમ વેફર લોકોને ખૂબ આકર્ષે છે. બજારમાં બેસતા ફેરિયાઓ તેમની સફળતા પાછળ ગણપતિબાપાના જ આશીર્વાદ હોવાનું માને છે.

આ પણ વાંચો: પર્વાધિરાજ પર્યુષણ પર્વમાં જૈન ફૂડનો પરિચય તો લેવો જ રહ્યો

કેળાની વેફર માટે ખાસ કાચા કેળાં ખેડા જિલ્લાના ખેતરમાંથી કોઠ ખાતે દરરોજ ટ્રક અને ટેમ્પો ભરીને ઠાલવવામાં આવે છે. મણદીઠ ૨૦૦ રૂપિયાના ભાવે અહીંના ખૂમચાધારકો ખરીદે છે અને તળીને ગ્રાહકોને વેચે છે. તળેલી વેફરની કિંમત ૨૦૦ રૂપિયા કિલો છે. સાથે-સાથે કેળાંની સ્કિક અને બટાટાની વેફર પણ મળે, પરંતુ સૌથી વધુ ડિમાન્ડ તો પાતળી કાગળ જેવી અને હથેળી જેવી મોટી સાઇઝની કેળાની વેફરની જ હોય છે. આ વેફર એટલી પ્રસિદ્ધ થઈ છે કે હવે તો ગુજરાતનાં શહેરોમાં અને હાઇવે પર ઘણા લોકોએ લાઇવ કેળાની વેફરના નામે વેપાર શરૂ કર્યો છે અને પોતાની આજીવિકા રળે છે. માત્ર કોઠ ગામમાં જ ૨૫૦થી વધુ લોકો કેળાની વેફરનો વેપાર કરીને ગુજરાન ચલાવે છે. કેળાની વેફરની ખાસિયત એ છે કે મહિના સુધી ખોરી થતી નથી એટલે લોકો સ્ટૉક કરીને એક કિલો કે એથી વધુ માલ લઈ જાય અને ઘરે જઈને હોંશે-હોંશે ખાય.

જો ભોજન-નાસ્તાની વાત નીકળી જ છે તો જે ભક્તોને ભોજન-પ્રસાદ લેવો હોય તેમને માટે ભોજનની વ્યવસ્થા પણ મંદિરમાં હોય છે. એવી જ રીતે અરણેજ બુટભવાની માતાના મંદિરમાં પણ ભોજનની વ્યવસ્થા હોય છે. આથી એનો લાભ પણ લઈ શકાય છે, કારણ કે જો એક વાર હાઇવેથી અંદરની તરફ આવશો તો વેફર સિવાય ગરમ નાસ્તો કે ભોજનના બહુ મર્યાદિત વિકલ્પો હોય છે. ગણેશચોથના દિવસે હજ્જારોની સંખ્યામાં લોકો આવતા હોવાથી એ દિવસે મંદિરમાં ભારે ધસારો હોય છે અને સમય લઈને આવવું પડે છે.

Whatsapp-channel Whatsapp-channel

02 September, 2019 03:57 PM IST | | ખાઇ પી ને મોજ - પૂજા સાંગાણી

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK