Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફૂડ એન્ડ રેસિપીઝ > આર્ટિકલ્સ > પર્વાધિરાજ પર્યુષણ પર્વમાં જૈન ફૂડનો પરિચય તો લેવો જ રહ્યો

પર્વાધિરાજ પર્યુષણ પર્વમાં જૈન ફૂડનો પરિચય તો લેવો જ રહ્યો

26 August, 2019 03:37 PM IST | મુંબઈ
ખાઇ પી ને મોજ - પૂજા સાંગાણી

પર્વાધિરાજ પર્યુષણ પર્વમાં જૈન ફૂડનો પરિચય તો લેવો જ રહ્યો

ખાખરા

ખાખરા


જૈનોના સૌથી મોટા એટલે કે પર્વાધિરાજ પર્વ પર્યુષણના આઠ દિવસ જૈન સમુદાય માટે અપાર ભક્તિનું પર્વ. ઉપવાસનો અનેરો મહિમા અને નવમા દિવસે સંવત્સરીની ઉજવણી થાય છે. જૈન સમુદાયના લોકો તપ-ઉપવાસમાં ખૂબ આસ્થા ધરાવતા હોવાથી બેસણું (દિવસમાં બે વખત ભોજન), એકાસણું (એક વાર ભોજન), અઠ્ઠમ (ત્રણ દિવસના ઉપવાસ), અઠ્ઠાઈ (આઠ દિવસના ઉપવાસ) જેવાં તપ કરીને પ્રભુની પ્રાર્થના કરે છે. નવમા દિવસે સંવત્સરી હોય છે અને એ દિવસે પારણાં કરીને અઠ્ઠાઈની ઉજવણી કરાય છે. એ દિવસે સવારે દેરાસર જઈને પૂજા કરીને એકબીજાને ‘મિચ્છા મિ દુક્કડં’ કહીને વર્ષ દરમિયાન કોઈ પણ રીતે કોઈનું દિલ દુભાયું હોય કે ભૂલ કરી હોય તેની માફી માગવામાં આવે છે. 

આ આઠ દિવસ દરમિયાન જૈન વેપારીઓ ધંધા-રોજગાર બંધ રાખતા હોય છે અથવા અડધો દિવસ કામ કરે છે. મુખ્યત્વે સાંજે સૂર્યાસ્ત પહેલાં ભોજન કરી લે છે. જૈન ધર્મમાં પ્રભુએ આપેલા તમામ આદેશો અને પૂજાના ક્રમનું ચુસ્તપણે પાલન કરે છે. આ દિવસોમાં જૈનો લીલી શાકભાજી આરોગતા નથી. આથી જે લોકો ઉપવાસ નથી કરતા તેઓ પણ ભોજનમાં કઠોળ, સુકવણીના શાક, કાચાં-પાકાં કેળાં, મગની વડી, ચૂરમાના લાડુ, તળેલાં ફરસાણ આરોગે છે. તો ચાલો આજે આપણે જૈન ભોજન વિશે વાત કરીએ.



જૈન સમુદાયની ભોજન પ્રણાલી અને પ્રથા અદ્ભુત હોય છે. સાંજે સૂર્યાસ્ત પહેલાં જમી લેવાનું કે જેને ચોવિહાર કહેવામાં આવે છે. ભોજનમાં કાંદા, લસણ, બટાટા, રીંગણ સહિત અનેક પ્રકારનાં કંદમૂળ વર્જ્ય છે. ચુસ્ત જૈનધર્મીઓ આ પ્રકારની આહારપ્રણાલીનું જીવનપર્યંત પાલન કરે છે. જીવદયા અને અહિંસા ધર્મનો મૂળ સિદ્ધાંત હોવાથી જીવહિંસાથી દૂર રહે છે. પાણી પણ ઉકાળીને ગાળ્યા બાદ પીવામાં આવે છે. ફ્રિજમાં મૂકેલું ઠંડું પાણી પીતા નથી.


khakhara-01

ચોમાસાના ચાર મહિના દરમ્યાન લીલી શાકભાજી ખાવાથી દૂર રહે છે, કારણ કે એવું કહેવાય છે કે ચોમાસાની ઋતુમાં શાકભાજીમાં જીવાતો હોવાની શક્યતા હોય છે. જૈન મુનિઓ ચોમાસા દરમિયાન એકથી બીજા ગામે વિહાર કરતા નથી અને એક સ્થળે રહીને ઉપાસના કરે છે. જો ફળોના રાજા કેરીની વાત કરવામાં આવે તો ચોમાસાની મોસમની શરૂઆત પહેલાં ચોક્કસ તિથિએ ‘આદરા’ બેસી ગયા છે એમ કહેવાય છે. એટલે કે આ દિવસ પછી જૈનો કેરી આરોગતા નથી, કારણ કે ચોમાસાની મોસમમાં એમાં ઇયળો પડે છે. જૈનો કેરીનો રસ, બે પડવાળી કાગળ જેવી પાતળી રોટલી કે જેમાં જરાય કાળી ભાત ન પડી હોય એનું ખાસ ધ્યાન રાખે અને એની સાથે મગની વઘારેલી સૂકી દાળ આરોગે. સાથે કાકડીનો સંભારો હોય.  


jiralu

સવાર-સાંજના નાસ્તા અને પ્રવાસ દરમિયાન ખાવા માટે ખાખરા ખૂબ લોકપ્રિય અને પ્રખ્યાત વ્યંજન છે. જૈન સમુદાયમાં ખાખરા વિપુલ પ્રમાણમાં ખવાય છે. અગાઉના સમયમાં અને હાલમાં પણ કેટલાક જૈન પરિવારોમાં ઘરે બનાવેલા ખાખરા જ આરોગવામાં આવે છે. એ બનાવવવાની પદ્ધતિ પણ અનોખી છે. રોટલીનો લોટ લઈને એમાં ચોખ્ખા ઘીનું મોણ અને મીઠું નાખીને કણક બાંધવામાં આવે છે. પછી ઓરસિયા પર એકદમ પાતળી રોટલી વણીને એકસામટી દસથી પંદર રોટલીનો થપ્પો કરવામાં આવે છે અને પછી એને ગૅસ પર ગરમ થઈ રહેલી લોઢી પર મૂકવામાં આવે છે. થપ્પા પર કાપડનો કકડો ગોળ વાળીને એને ચારેય બાજુથી શેકવામાં આવે છે. જેમ-જેમ નીચે ખાખરો શેકાતો જાય તેમ-તેમ એ બાજુમાં કરીને ઉપર વણેલી રોટલી મૂકવામાં આવે છે. ખાખરા બનાવવાની આ સાચી પદ્ધતિ છે. આ ખાખરા ખૂબ ટેસ્ટી હોય છે અને થપ્પા પર શેકેલા હોવાથી મસ્ત ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થઈ જાય છે. જૈન સ્ત્રીઓ ગણતરીના કલાકોમાં સેંકડો ખાખરા બનાવી દે. જૈનો એટલે કે વણિક હોવાથી વેપાર માટે દેશ-પરદેશ બહુ પ્રવાસ કરે ત્યારે આ ખાખરા હંમેશાં સાથે રાખતા હોય અને હાલમાં પણ એ પ્રથા અસ્તિત્વમાં છે.

ખાખરા જોડેનું બેસ્ટ કૉમ્બિનેશન શું હોય ખબર છે? જીરાળું, મેથીનો મસાલો અથવા તો દાળિયાની ચટણી. જેને ભાવતું હોય તેઓ ખાખરા ઉપર ઘી ચોપડીને ઉપર જીરાળું નાખીને ખાય. વાહ...વાહ. એટલું ટેસ્ટી લાગેને! જીરાળુંની અંદર શેકેલા ધાણા, શેકેલું જીરું અને મીઠું હોય. ધાણા અને જીરાને શેકીને એનો પાઉડર બનાવીને અંદર સિંધાલૂણ, સંચળ, હિંગ અને હળદર નાખી દો એટલે તૈયાર. ખૂબ પૌષ્ટિક હોય છે. હોજરીને ટાઢક પહોંચાડે અને કોઈ આડઅસર નહીં. આ જીરાળુંને સુરતી જીરાળું પણ કહેવાય છે અને ફ્રૂટ તેમ જ પૂરી જેવાં બીજાં ફરસાણ ઉપર છાંટીને ખાવામાં આવે છે. દરેક જૈનના ઘરમાં જીરાળું હોય જ.  મારા પાડોશમાં પહેલાં એક જૈન પરિવાર રહેતો એટલે તેમની ભોજન પ્રણાલિ બહુ નજીકથી જોઈ છે. આ પરિવાર રાત્રિ ભોજનમાં ઘણી વાર તીખા પરોઠાની ઉપર જીરાળું ચોપડીને ચા સાથે માણતા. મેં પણ અનેક વખત ટેસ્ટ કરેલો છે. બહુ સરસ લાગે છે. નાનાં બાળકોને એનું નરમ પરોઠું બનાવીને એનું ભૂંગળું બનાવીને આપે એટલે ખુશ.

હવે વાત કરીએ મેથીના મસાલાની. એટલે કે સૂકી મેથીના દાણાને શેકીને એને અધકચરા પીસી લેવાય છે. પછી એની અંદર મરચાનો પાઉડર અને મીઠું નાખીને ખાખરા ઉપર ચોપડાય, પરોઠા ઉપર ચોપડાય અને ફરસાણ કે ભોજનમાં થોડી તીખાશ લાવવા માટે શાક કે દાળ-ભાત ઉપર પર છાંટીને આરોગવામાં આવે છે. મેથીના મસાલાની વાત જ નીકળી છે તો તમને પાલીતાણા લઈ જાઉં કે જ્યાં જૈનોનું ખૂબ મોટું તીર્થધામ છે. આ જૈન તીર્થધામ એટલું પવિત્ર છે જૈનો માટે કે ત્યાં માંસાહાર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. કદાચ હાલમાં પણ ચાલુ હશે.

મૂળ વાત પર આવું તો ત્યાં અનેક ધર્મશાળાઓ અને ઉતારાઓની જગ્યા છે. ત્યાં નવકારશીમાં (એટલે કે સવારનો નાસ્તો) ગાંઠિયા, મેથીનો મસાલો અને સ્ટીલના વાડકામાં ગરમાગરમ ચા આપવામાં આવે છે. વાહ શું ટેસ્ટી હોય છે! ત્યાંની દુકાનોમાં ઉત્તમ પ્રકારના મેથીના મસાલા મળે છે જે યાત્રાળુઓ ઘરે લઈ જાય છે. હવે વાત આવી દાળિયાની ચટણીની. જૈન સમુદાય સિવાય બહુ ઓછાને આ સૂકી ચટણી વિશે અંદાજ  હશે. એમાં ૭૦ઃ૩૦ પ્રમાણમાં દાળિયા અને શિંગને તેલમાં લાલ મરચાં અને તલ સાથે શેકીને આ મિશ્રણ ઠંડું થાય એટલે એને મિક્સરમાં અધકચરું પીસી લેવામાં આવે છે. એની અંદર મીઠું, ખટાશ માટે સહેજ લીંબુનાં ફૂલ (ન નાખો તો પણ ચાલે), થોડીક દળેલી ખાંડ નાખીને કાચની બરણીમાં ભરી લેવામાં આવે છે. 

આ સૂકી ચટણી મહિના ઉપરાંત સમય રાખો તો પણ બગડતી નથી. ખાખરા, રોટલી-ભાખરી અને તીખી-કડક પૂરી સાથે બેસ્ટ કૉમ્બિનેશન થાય. મારી બાજુવાળા અંકલ તો દાળ-ભાતમાં એક ચમચી ચટણી નાખીને ખાતા. મુખ્યત્વે જૈનો ઘરે બનાવે અથવા તો ગૃહઉદ્યોગની દુકાનો હોય ત્યાં તૈયાર પડીકામાં મળે છે. પાપડ પણ જૈન સમુદાયના અભિન્ન અંગ છે. એની વાત આપણે આવતા અંકમાં કરીએ. તમારી પાસે પણ કોઈ વધુ માહિતી હોય તો મને ઈ-મેઇલ કરીને જણાવજો. ચાલો ત્યારે જય જિનેન્દ્ર.

papad-methi

અડદના પાપડ, વડી અને સુકવણીના શાકનું અચૂક સ્થાન

જેમ ખાખરા બનાવવામાં જૈન સ્ત્રીઓ પારંગત હોય છે એવી જ રીતે પાપડનું પણ છે. હવે દરેક વસ્તુ પડીકામાં તૈયાર મળે છે, પરંતુ પહેલાં મળતી નહીં અને મળે તો ચુસ્ત ધાર્મિકોને એની શુદ્ધતા બાબતે વિશ્વાસ બેસતો નહી. આથી પાપડ પણ ઘરે જ બનાવવામાં આવતા.

ઉનાળાનો આકરો તડકો શરૂ થાય એટલે જૈન વસ્તી હોય એવી શેરીઓ, ફ્લૅટો અને સોસાયટીઓમાં પાપડ બનાવવાનું આયોજન થવા માંડે. આવું આયોજન પણ જાણવા જેવું છે. બધી જ સ્ત્રીઓ જે એકમેકની સખીઓ હોય કે પાડોશી હોય તેમને એકમેકના ઘરે જઈને પાપડ બનાવવામાં મદદ કરવાની. હા, ધારો કે આજે શીતલ શાહના ઘરે પાપડ બનાવવાના હોય તો તેની પાંચેય સખીઓ શીતલના ઘરે પહોંચી જાય. પછી પાપડનો લોટ બાંધવાથી લઈને એને સૂકવવા સુધી મદદ કરે. આમ વારાફરતી એકમેકના ઘરે જવાનું અને પાપડ બનાવવામાં મદદ કરવાની. આખું વર્ષ ચાલે એટલા પાપડ બનાવે. એમાં પણ પાછું પાપડ વણે એ પહેલાં લોટના લૂવા ખાવાનું ખૂબ મહત્ત્વ. સ્ત્રીઓને અને બાળકોને એ ખૂબ ભાવે. એટલે ખીચું ખાઓ તેમ લૂવા ઝાપટી જવાના. આવા લૂવા આજની તારીખમાં પણ ફરસાણ-નમકીનનાં તૈયાર પડીકાં વેચતા ગૃહ ઉદ્યોગોમાં ઉપલબ્ધ હોય છે. આવું જ પાછું વડીનું કામકાજ છે. મગની દાળની અને ચોળાની દાળનું ખીરું બનાવીને એની વડી પાડવામાં આવે છે. આ કામ પણ ભારે મહેનત માગી લે એવું તેમ જ આકરા તડકામાં કપડા પર લખોટી જેવડી સાવ નાની-નાની વડી જેને રાજસ્થાનમાં મુંગડી પણ કહે છે એ પાડવાનું કામ સખત અઘરું છે એટલે એ પણ ઘરની સ્ત્રીઓ, સખીઓ કે પાડોશણો ભેગી મળીને કરે અથવા કરાવતી. હવે તો આવી વડીઓ પણ તૈયાર પડીકામાં મળે છે.

ખાખરા, પાપડ અને વડી ચોમાસાના ચાર મહિના અને પર્યુષણમાં જ્યારે લીલાં શાકભાજી વર્જ્ય હોય ત્યારે ખૂબ કામમાં આવે છે. પાપડનું શાક જૈનો દ્વારા ખૂબ ખાવામાં આવે છે. પાપડની સાથે સૂકી મેથી નાખેલું મેથી-પાપડનું શાક ખૂબ પૌષ્ટિક ગણાય છે એવી જ રીતે વડીને તેલ અને પાણીમાં વઘારીને મસાલા નાખીને રાંધવામાં આવે છે અને એનું શાક પણ ખૂબ ટેસ્ટી લાગે છે. તળેલી વડી તો એકલી ખાવાની પણ બહુ મોજ પડે. સુકવણીની જ વાત નીકળી તો જ્યારે શિયાળામાં ગુવાર આવે એને બાફીને ધાબે સૂકવી દેવાય. સાવ કરકરી સુકાઈ જાય એટલે લઈને ડબ્બામાં ભરી દેવાય. પછી એને તળીને ઉપર મીઠું-મરચું અને લીંબુ નાખીને ખવાય. આ જ રીતે ભીંડા અને અમુક બીજાં સુકવણીનાં શાક પણ થાય. હવે એ પણ તૈયાર મળે છે.

સ્ત્રીઓની બહુ વાત થઈ, હવે જૈન પુરુષોનો પણ ઉલ્લેખ કરીએ. જ્યાં રહેણાક અને ધંધા-રોજગારના સ્થળે જ્યાં જૈનોની નોંધપાત્ર વસ્તી હોય ત્યાં ઉપાશ્રય, દેરાસર કે આયંબિલ શાળા પણ હોય છે એટલે પર્યુષણ દરમ્યાન જો વેપારીઓને દુકાન ખુલ્લી રાખવી હોય તો તેઓ આયંબિલ શાળામાં જઈને ભોજન કરી શકે છે.

ઘણાં જૈન ભાઈઓ-બહેનો તપના ભાગરૂપે સ્વાદિષ્ટ ભોજનનો ત્યાગ કરે છે ત્યારે આયંબિલ શાળામાં મળતું ભોજન આરોગી શકાય છે. કોઈ જૈન ભાઈ વેપાર કરતો હોય તો દિવસ દરમ્યાન નજીકની આયંબિલ શાળામાં આયંબિલનું જે સામાન્ય જૈન ભોજન હોય એ કરી શકે છે. આ ઉપરાંત આયંબિલ શાળામાં ઉકાળેલાં પાણી આપવાની સેવા પણ કરાય છે એટલે કે કોઈ પુરુષ કે સ્ત્રી દુકાને ગઈ હોય અથવા પ્રવાસ કરતી હોય તો તેઓ આયંબિલ શાળામાં જઈને ઉકાળેલું પાણી લઈ આવે અને તૃપ્ત થઈ શકે છે.

આ પણ વાંચો : હેલ્ધી અને હૅપી કરી દે એવા સૂપ

ભોજનની સાથે બીજી એક આડવાત પણ કરી દઉં. જ્યાં જૈનોની મોટી વસ્તી હોય એ વિસ્તારોમાં જૈન ધર્મના ઉપદેશો અને એના વિશેની તાલીમ આપવા માટે પાઠશાળા પણ ચાલતી હોય. રોજ સાંજે બાળકોએ ત્યાં જવાનું અને નિર્ધારિત સમય સુધી મહારાજસાહેબ અથવા તો ધર્મપારાયણ વ્યક્તિ પાસેથી જ્ઞાનોપદેશ લેવાનો. આવતા અંકમાં હવે પાછી બીજી વાત.

Whatsapp-channel Whatsapp-channel

26 August, 2019 03:37 PM IST | મુંબઈ | ખાઇ પી ને મોજ - પૂજા સાંગાણી

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK