1 ચમચી કોકોનટ ઑઇલ

Published: Sep 20, 2019, 13:49 IST | સેજલ પટેલ | મુંબઈ

વજન ઉતારવા માગતા હોય એવા લોકોમાં આજકાલ કોપરેલ તેલ પીવાની ફૅશન સારીએવી જામી છે. એક તરફ ડૉક્ટરો ડાયટમાંથી તેલ ઘટાડવાની વાત કરતા હોય છે ત્યારે બીજી તરફ ચોક્કસ માત્રામાં લીધેલું નાળિયેરનું તેલ વેઇટ-લૉસ ડાયટની અસરકારકતાને સુધારે છે એવું કહેવાય છે.

કોકોનટ ઑઇલ
કોકોનટ ઑઇલ

વજન ઉતારવા માગતા હોય એવા લોકોમાં આજકાલ કોપરેલ તેલ પીવાની ફૅશન સારીએવી જામી છે. એક તરફ ડૉક્ટરો ડાયટમાંથી તેલ ઘટાડવાની વાત કરતા હોય છે ત્યારે બીજી તરફ ચોક્કસ માત્રામાં લીધેલું નાળિયેરનું તેલ વેઇટ-લૉસ ડાયટની અસરકારકતાને સુધારે છે એવું કહેવાય છે. આવો જોઈએ આ કોકોનટ ઑઇલ થેરપીથી કેવી રીતે ફાયદો થાય છે, એ અપનાવવી હોય તો શું કરવાનું અને શું નહીં કરવાનું.

વજન ઘટાડવા માટે જે નવા-નવા નુસખા માર્કેટમાં સાંભળવા મળે છે એમાંનો કોકોનટ ઑઇલ પીવાનો નુસખો છેલ્લાં લગભગ ચાર-પાંચ વર્ષથી બહુચર્ચિત છે. એના પર અનેક અભ્યાસ પણ થયા છે અને ક્યાંક એવા દાવા થયા છે કે આ વેઇટ-લૉસ ફ્રેન્ડ્લી ઑઇલ છે તો ક્યાંક એનાથી કોઈ ફાયદો ન થતો હોવાનું પણ કહેવાય છે. અભ્યાસુઓ દ્વારા થતી ક્લિનિક ટ્રાયલ્સમાં વજન ઉતારવા પણ કોકોનટ ઑઇલનો ફાયદો સાતત્યપૂર્ણ નથી રહ્યો છતાં ન્યુટ્રિશન વિજ્ઞાન કહે છે કે કોકોનટ ઑઇલમાં મીડિયમ ચેઇન ટ્રાયગ્લિસેરાઇડ્સ હોય છે જે તમને વેઇટ-લૉસ કરવામાં મદદરૂપ થઈ શકે છે. કોકોનટમાં મીડિયમ ચેઇન ટ્રાયગ્લિસેરાઇડ્સ ઉપરાંત કેટલીક બીજી પ્રકારની ફૅટ્સ પણ હોય છે જે શરીરમાંથી વધારાની ચરબી બાળવાની પ્રક્રિયાને ઝડપી બનાવવાનું કામ કરતી હોવાના દાવા થાય છે. અલબત્ત, હજી સુધી આ અભ્યાસમાં સાબિત થયેલી બાબત ન હોવાથી વિવાદાસ્પદ જ છે.

કોકોનટ થેરપીની અસરકારકતાની વાત આવે છે ત્યારે જોવા મળ્યું છે કે આ પ્રયોગ ઉંદરો એટલે કે પ્રાણીઓના મૉડલ પર વધુ સારી અસર કરનારો છે. પશ્ચિમના દેશોમાં  ઓબેસિટી ધરાવતા અને ટાઇપ-ટૂ ડાયાબિટીઝ ધરાવતા લોકોમાં આ થેરપીની અસર મિશ્ર રહી છે. ઑસ્ટ્રેલિયાના સિડનીના અભ્યાસકર્તાઓનું કહેવું છે કે ભોજનમાં કોકોનટ ઑઇલ વાપરવાથી શરીરમાં ખોટી ફૅટ જમા થતી અટકે છે અને સાથે જ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ સામે પણ સુરક્ષા મળે છે. આપણે ત્યાં નાળિયેરના તેલની વાત આવે એટલે હેરઑઇલ જ યાદ આવે, ખાવામાં એનો ઉપયોગ કરવાનું પશ્ચિમ ભારતમાં એટલું પ્રચલિત નથી. જોકે દક્ષિણ ભારતમાં તો દરેક ચીજ નાળિયેરના તેલમાં જ બને છે. અલબત્ત, સાઉથની વાનગીઓમાં મોટા ભાગે તેલ વઘારમાં જ વપરાય, તળવાની ચીજો બહુ ઓછી હોય છે. એટલે યાદ એ રાખવું જોઈએ કે કોકોનટ ઑઇલને પણ જો આપણે ચેવડા, ચિપ્સ અને ભજિયાં તળવામાં વાપરવા લાગીએ તો કદાચ એ પણ એટલું જ નુકસાનકારક બની જાય.

કેવી રીતે કામનું?

ન્યુટ્રિશન જર્નલમાં કોકોનટ ઑઇલ થેરપી કઈ રીતે કામ કરે છે એનું વિજ્ઞાન પણ સમજાવવામાં આવ્યું છે. કોકોનટ ઑઇલમાં ખૂબ ઓછી માત્રામાં મીડિયમ ચેઇન ટ્રાયગ્લિસેરાઇડ્સ હોય છે જે કૅપ્રિક ઍસિડ અને કૅપ્રિલિક ઍસિડના ફૉર્મમાં હોય છે. બાકીની લગભગ ૫૦ ટકા ફૅટ લૉરિક ઍસિડના ફૉર્મમાં હોય છે. સામાન્ય રીતે લૉન્ગ ચેઇન ટ્રાયગ્લિસેરાઇડ્સનું મેટાબૉલિઝમ અઘરું હોય છે, જ્યારે મીડિયમ ચેઇન ટ્રાયગ્લિસેરાઇડ્સ લિમ્ફેટિક સિસ્ટમને બાયપાસ કરીને ડાયરેક્ટ લિવરમાં જાય છે જેને કારણે એનું વિભાજન સરળ થઈ જાય છે. લિવર બહુ ઝડપથી એને એનર્જી અને કીટોન્સમાં વિભાજિત કરે છે. કેટલાક લોકો માને છે કે કીટોન બૉડીઝ એ ગ્લુકોઝ કરતાં વધુ ઝડપથી એનર્જી તરીકે વપરાય છે.

શું ખરેખર અસરકારક છે?

મેડિકલ લૅબોરેટરીઓમાં સાબિત થયેલી આ બધી વાતો હકીકતમાં કેટલી અસરકારક હશે? શું ખરેખર એનાથી વજન ઘટાડવામાં મદદ થાય છે? આ વિશે હેલ્થ-બ્લૉગર, ન્યુટ્રિશનિસ્ટ અને વેઇટ-લૉસ કન્સલ્ટન્ટ કેજલ શેઠ કહે છે, ‘કોકોનટ ઑઇલ એ ખૂબ સારી ફૅટ ધરાવે છે જેનો સમજણ કે વિચારપૂર્વક ઉપયોગ કરવામાં આવે તો વેઇટ-લૉસ જર્નીમાં ખરેખર કામ આવી શકે છે. એ માત્ર વજન માટે જ નહીં, ત્વચા અને વાળની ચમકને નિખારવાનું કામ પણ કરે છે. કેટલાક રિસર્ચરો માને છે કે કોકોનટ ઑઇલ હ્યુમન હેલ્થ માટે ઘણું સારું છે. એનાથી સારું કૉલેસ્ટરોલ વધારવામાં મદદ થાય છે. હાઇ ડેન્સિટી લિપ્રોપ્રોટીન તરીકે ઓળખાતું સારું કૉલેસ્ટરોલ શરીરને સ્વસ્થ રાખવા માટે બહુ જરૂરી છે. કોકોનટ ઑઇલમાં મીડિયમ ચેઇન ફૅટી ઍસિડ્સ હોય છે જે વેઇટલૉસની પ્રક્રિયાને ઝડપી બનાવે છે.’

વર્જિન કોકોનટ આૅઇલ ઇઝ મસ્ટ

જ્યારે વેઇટ-લૉસ માટે નાળિયેરના તેલનો ઉપયોગ કરવાનો હોય ત્યારે એ વર્જિન હોય એ બહુ જરૂરી છે. મોટા ભાગે કોઈ પણ તેલીબિયાંમાંથી તેલ કાઢવાનું હોય ત્યારે એનું ટેમ્પરેચર વધારવામાં આવે છે. અલબત્ત, એને કારણે એના નૅચરલ કમ્પોઝિશનમાં બદલાવ આવી જાય છે. જ્યારે ટેમ્પરેચર વધાર્યા વિના કૂચો કરીને અને દબાવીને જ ઑઇલ એક્સ્ટ્રેક્ટ કરવામાં આવે છે ત્યારે એમાંથી મળતું તેલ એકદમ નૅચરલ ફૉર્મમાં રહે છે. વર્જિન કોકોનટ ઑઇલ વિશે કેજલ શેઠ કહે છે, ‘અન્ય પ્રોસેસ્ડ ઑઇલની સરખામણીએ વર્જિન કોકોનટ ઑઇલમાં પુષ્કળ ઍન્ટિ-ઑક્સિડન્ટ્સ હોય છે. એને કારણે શરીરના કોષોમાં ક્યાંય પણ ઇન્ફ્લમેશન હોય તો આ ઑઇલથી ફાયદો થાય છે.’

સંતોષ અને ધરવ

વર્જિન કોકોનટ ઑઇલ થેરપી વાપરવાથી થતા ઇન્સ્ટન્ટ ફાયદામાંનો એક છે પેટ ભરાયાનું ફીલ થવું. કેજલ શેઠ કહે છે, ‘આ કોકોનટ ઑઇલની ખાસિયત એ છે કે ઓછું ખાધામાં વધુ સંતોષ અને પેટ ફુલ થયું હોવાની ફીલ આપે છે. એને કારણે તમે વધુપડતું ખાતાં અટકો છો. ચરબીને આમેય ડાયજેસ્ટ થતાં થોડી વાર લાગે છે અને એ કાર્બોહાઇડ્રેટ અને પ્રોટીન કરતાં વધુ સારી એનર્જી આપે છે. જો તમે કોકોનટ ઑઇલ સવારે ચા-કૉફી સાથે લેતા હો તો એનાથી તમારી આચરકૂચર ખાવાની ઇચ્છા ઘટી જશે. આખો દિવસ તમને પેટ ભરાયેલું ફીલ થશે. અલબત્ત, આ પ્રયોગ સાથે તમે વેઇટલૉસ માટે જે ડાયટ અને કૅલરી-કન્ટ્રોલ કરો છો એને ચુસ્તપણે વળગી રહો એ જરૂરી છે. વર્જિન કોકોનટ ઑઇલ લેવું એ માત્ર એક ફેડ કે માન્યતા નથી, પરંતુ એના ચોક્કસ ફાયદા છે. તમે એનો ઉપયોગ કઈ રીતે કરો છો એ પણ એટલું જ મહત્ત્વનું છે.’

કઈ રીતે વાપરી શકાય?

રોજ એક ચમચીથી શરૂઆત : સવારે ઊઠીને એક ચમચી કોકોનટ ઑઇલ ગરમ પાણી, લીંબુપાણી અથવા તો કૉફી સાથે લઈ શકાય. એમ જ તેલ ચમચીથી મોઢે માંડવાનું બહુ ફાવે એવું નથી. એનો ટેસ્ટ પણ જીભને સદે એ માટે થોડી માત્રાથી શરૂઆત કરી હોય તો સારું રહેશે.

કૂકિંગ ઑઇલમાં રિપ્લેસમેન્ટ: સવારે ઊઠીને જો તેલ પીવાનું ન ફાવતું હોય તો તમે રોજિંદા ખોરાકને રાંધવામાં કોકોનટ ઑઇલ વાપરશો તોય ચાલશે. એનાથી માત્ર તમને એકલાને જ નહીં, આખા પરિવારને ફાયદો થશે. કોકોનટ ઑઇલ પચવામાં હલકું છે અને બટર, ઑલિવ ઑઇલ કે અન્ય કોઈ પણ ઑઇલને બદલે વાપરી શકાશે.

સૅલડમાં સીઝનિંગ : વેજિટેબલ્સ અને કઠોળનું સૅલડ બનાવ્યું હોય ત્યારે એના સીઝનિંગમાં પણ એક ચમચી કોકોનટ ઑઇલ વાપરી શકાય. બજારમાં મળતાં તૈયાર ઑઇલ, સોડિયમ અને પ્રિઝર્વેટિવ્સથી લથબથ સૉસ સૅલડ પર નાખવાને બદલે સાદું કોકોનટ ઑઇલ શાકભાજીને સુપાચ્ય બનાવશે અને એમાં રહેલી ફૅટથી પોષક તત્ત્વોનું શોષણ પણ બહુ સરળતાથી થઈ શકશે.

ભાત સાથે લઈ શકાય : કેટલાક લોકો ભાતમાં ઘી નાખીને ખાતા હોય છે એને બદલે જો એક ચમચી કોકોનટ ઑઇલ રિપ્લેસ કરી દો તોય ચાલે.

એનાથી તમે ઓછી કૅલરી કનન્ઝ્‍યુમ કરી શકશો અને ભાતમાંથી મળતા સ્ટાર્ચ અને કાર્બોહાઇડ્રેટનો પણ બેસ્ટ બેનિફિટ મળશે.

આ પણ વાંચો: બગાસું માત્ર ઊંઘ આવવાની નિશાની છે કે પછી બીજું કંઈ?

ધ્યાન શું રાખવું?

કોકોનટ ઑઇલ વજન અને ખાસ કરીને પેટ પરની ચરબી ઓગાળવામાં મદદરૂપ થાય છે એ વાત સાચી છે, પણ એ નુકસાન ન કરે એ માટે સચેત રહેવા વિશે કેજલ શેઠ કહે છે, ‘કોકોનટ ઑઇલ નૅચરલી ભૂખ ઘટાડે છે, લાંબો સમય સુધી પેટ ભરાયેલું ફીલ થાય છે અને ચરબી પણ ઓગાળે છે. જોકે એ પણ સાથે યાદ રાખવાનું કે કોકોનટ ઑઇલમાં પણ કૅલરી તો ઠાંસીને ભરેલી છે. એટલે એની અતિમાત્રા ન લેવી. દિવસમાં ત્રણથી ચાર ચમચી નાળિયેર તેલથી વધુ કદી ન લેવું. ભોજન રાંધવામાં પણ જો તમે એ રિપ્લેસ કરતા હો તો એમાં પણ પ્રમાણ ઓછું જ રાખવું.’

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK