Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > શરદી મટી ગઈ પણ ખાંસી રહી ગઈ

શરદી મટી ગઈ પણ ખાંસી રહી ગઈ

24 February, 2020 03:04 PM IST | Mumbai
Bhakti D Desai

શરદી મટી ગઈ પણ ખાંસી રહી ગઈ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


શું તમને ઋતુ બદલવાથી શરદી મટી ગયા પછી પણ સતત ખાંસી આવ્યા કરે છે? આ સમસ્યાથી તમે જ નહીં, ઘણા લોકો પીડાઈ રહ્યા છે. હાલમાં ઘર-ઘરમાં અને જાહેર સ્થળોમાં આપણને આજુબાજુથી ઉધરસ ખાવાનો અવાજ સંભળાય છે. જો વિચાર કરીએ તો ધ્યાનમાં આવશે કે આખા વર્ષ દરમ્યાન અમુક સમયમાં જ આપણને લોકો ખાંસી ખાતા દેખાય છે અને વિશેષ કરીને ઋતુ પરિવર્તનના સમયમાં. જ્યારે ઋતુ બદલાય છે ત્યારે વાતાવરણમાં આવતા બદલાવની અસરરૂપે પહેલાં શરદી, કફ, ઉધરસથાય છે અને એમાં પણ હાલમાં જોવામાં આવ્યું છે કે શરદી તો મટી જાય છે પણ ખાંસી લાંબા સમય સુધી મટતી નથી. આવું કેમ થાય છે એ પ્રશ્ન થવો સ્વાભાવિક છે.

ઋતુ પરિવર્તનની અસર



સામાન્ય રીતે મોસમમાં જે ફરક આવે છે એનાથી શરદીને કારણે શ્વાસ લેવામાં મુશ્કેલી અનુભવવી, નાકમાં બેચેની લાગવી, ગળું દુખવું, અવાજ બદલાઈ જવો, ખાંસી આવવી, માથું દુખવું, તાવ આવવો અથવા તાવ જેવું લાગવું, શરીર દુખવું, છીંક આવવી, આંખમાંથી પાણી આવવાં આ બધાં અથવા આમાંથી અમુક લક્ષણો અનુભવાય છે. પણ સમય જતાં વગર દવા લીધે પણ એ મટી જાય છે. ચિંતા ત્યારે થાય છે જ્યારે શરદી અથવા ખાંસી સાથે સંકળાયેલી ફરિયાદ લાંબા સમય સુધી રહે છે અને દવાઓની પણ કોઈ અસર થતી નથી.


કારણ શું?

લાંબા સમય સુધી રહેતી ખાંસીની ફરિયાદ લઈને જનરલ ફિઝિશ્યન્સ પાસે અને ચેસ્ટ સ્પેશ્યલિસ્ટને ત્યાં જનાર દરદીઓના પ્રમાણમાં હાલમાં નોંધપાત્ર વધારો થયો છે. આનાં કારણો સમજાવતાં અંધેરીના ચેસ્ટ સ્પેશ્યલિસ્ટ ડૉ. શિશિર શાહ કહે છે, ‘મારે ત્યાં પણ શિયાળા દરમ્યાન અને હમણાં આવી ફરિયાદ લઈને આવનાર દરદીઓની સંખ્યા વધી ગઈ છે, જે દર વર્ષે હોય જ છે. આમ જોઈએ તો જ્યારે પણ ઋતુ પરિવર્તન થાય છે ત્યારે ઍલર્જન એટલે કે ધૂળના કણ જેવા આસપાસના પર્યાવરણના પદાર્થ શ્વાસમાં જાય છે ત્યારે રોગપ્રતિકારક શક્તિ પર અસર થતી હોય છે અને એના કારણે શરીરમાં ઍલર્જી ઉદ્ભવવાને કારણે શરદી-ખાંસી થાય છે, પણ શિયાળામાં આનું પ્રમાણ વધારે જોવા મળે છે. સામાન્ય રીતે ઠંડીમાં વાતાવરણમાં પ્રદૂષણ વધારે હોય છે. સવારના સમયમાં જોઈએ તો ધુમ્મસ (ફૉગ) જેવું દેખાય છે. ધુમ્મસ પ્રકૃતિનો જ એક ભાગ છે. એની ખરાબ અસર નથી થતી, પણ શિયાળામાં એમાં પ્રદૂષણ ભળે છે તેથી આ ફૉગ સ્મૉગમાં પરિણામે છે. સ્મૉગ ફેફસાં પર ખરાબ અસર કરે છે, જે ખાંસી જેવી બીમારીનું મુખ્ય કારણ છે. આના સિવાય હજી એક કારણ છે કે શિયાળામાં ઠંડીને કારણે વિષાણુઓ વધુ ફેલાય છે. ત્રીજું કારણ જે બહુ લોકો નહીં જાણતા હોય અને એ કારણે છે ઋતુમાં બદલાતો પરાગ. એ છે કે આ ઋતુમાં પરાગ બદલાય છે. ઝાડ- છોડ પર નવાં ફૂલો આવે છે. આને કારણે પણ ઘણા લોકોને ઍલર્જી થતી હોય છે. આમ ઇન્ફેક્શન અને ઍલર્જી આ બે મળીને શિયાળામાં અને પછી ઋતુ બદલાય ત્યારે શરદી-ખાંસીનું પ્રમાણ વધારી દે છે.’


ખાંસીના પ્રકાર

ત્રીસ વર્ષનો અનુભવ ધરાવતા ડૉ. શિશિર શાહ ખાંસીના પ્રકાર વિશે સમજાવતાં કહે છે, ‘ઉધરસ મુખ્યત્વે બે પ્રકારની હોય છે, એક સૂકી અને બીજી કફ અથવા કન્જેશનવાળી. આજકાલ અમે જોઈએ છીએ કે ખાંસી એક-બે અઠવાડિયાંથી પણ વધારે રહે છે. ઘણી વાર મહિનાઓ સુધી મટતી નથી. આજના જમાનાના દરદીઓનો એક સામાન્ય પ્રશ્ન હોય છે કે આવું કેમ થાય છે? ત્યારે હું દરદીઓને સામે તેમની જીવનશૈલી વિશે પ્રશ્ન પૂછું છું અને તેમના જવાબ પરથી આજકાલ ઉધરસ જલદી ન મટવાનાં કારણો દરદીની જીવનશૈલીમાં જ રહેલાં છે એમ કહી શકાય.’

ખાંસી મટતી કેમ નથી?

આ સીઝનમાં ખાંસી જલદી મટતી નથી એનું કારણ જણાવતાં ડૉ. શિશિર કહે છે, ‘ધૂમ્રપાન, દારૂ અથવા કોઈ પણ આલ્કોહૉલનું સેવન, વધારે વજન, ઍસિડિટીનું વધુ પ્રમાણ, બહારનું ખાવાની આદત (આમાં તળેલો, ચાઇનીઝ, બનાવટી રંગવાળો અને કેમિકલવાળો આહાર) આ બધાનો સમાવેશ થાય છે. આ બધી આદતો તબિયત માટે હાનિકારક છે અને ખાંસી જેવી બીમારીને દૂર કરવામાં સમય લગાડી દે છે. જો આપણે સ્વસ્થ રહેવું હોય તો આપણી જીવન જીવવાની રીત બદલવાની જરૂર છે. ઘણી વાર આપણે ફરિયાદ કરીએ છીએ કે દવા અસર નથી કરતી, પણ જરૂર છે કે આપણે આપણી તબિયતને નુકસાન કરે એ બધું બંધ કરી દેવું જોઈએ. અસ્થમાના દરદીઓને શિયાળામાં વિશેષ કાળજી લેવી જોઈએ કેમ કે હવામાં પ્રદૂષણનું પ્રમાણ વધારે હોવાથી તેમને ઇન્ફેક્શન થાય છે તેથી તેમણે આ ઋતુમાં પોતાની તબિયતને લઈને સતર્ક રહેવાની ખાસ જરૂર છે.’

સ્વચ્છતા પર ધ્યાન આપવું

હાઇજીનના મુદ્દા પર વધુ ભાર આપતાં ડૉ. શિશિર કહે છે, ‘ભારતમાં લોકો સ્વચ્છતાને લઈને બેદરકારી રાખે છે. જ્યારે પણ છીંક આવે અથવા ખાંસી આવે તો મોઢા પર આડો હાથ રાખી એ હાથ ઘરમાં અન્ય જગ્યાએ લગાડવાની આદત આપણે ત્યાં સામાન્ય છે. લોકો પોતાનો રૂમાલ અલગ રાખતા નથી. ઘણી વાર જાહેર સ્થળે ખાંસી આવતી હોય ત્યારે દરદી પોતાનું મોઢું ઢાંકતા નથી, જેનાથી બીજાને એનો ચેપ લાગે છે. મેં જોયું છે કે ઘરમાં એક વ્યક્તિને શરદી-ખાંસી થાય એનો ચેપ આખા ઘરને લાગે છે. આનાથી ખ્યાલ આવે છે કે લોકો હાથ ધોવાની બાબતમાં અને સૅનિટાઇઝરના ઉપયોગમાં જરા પણ સાવધ નથી.’

આપણી જૂની પરંપરાને યાદ કરાવતાં ડૉ. શિશિર કહે છે, ‘પહેલાંના લોકો શિયાળો શરૂ થતાંની સાથે જ વિવિધ પાક બનાવીને રોજ જ એનું સેવન કરતા. આજના જમાનાના યુવાઓ કદાચ એ નથી કરતા અને અન્ય કેમિકલ્સવાળી વસ્તુઓ ખાય છે. એનાથી તેમની રોગપ્રતિકારક શક્તિ ઘટી ગઈ છે. શિયાળા દરમ્યાન જો ગુંદરપાક, અડદિયા પાક, વિવિધ વસાણાંથી ભરપૂર ગોળપાપડી આવી વસ્તુઓને રોજિંદા આહારમાં સ્થાન આપવામાં આવે તો ઋતુ દરમ્યાન કે પછી એના પરિવર્તનના સમયમાં ઇન્ફેક્શન લાગવાની અથવા ઍલર્જી થવાની શક્યતા ઓછી થઈ જાય છે અને કદાચ જો શરદી-ઉધરસ થાય તો જલદી મટી શકે છે.’

આવા પાકની વાત કરતાં વડીલો પાસેથી સાંભળેલી એક કહેવત યાદ આવે છે જે આજના જમાનાના ઘણા ઓછા લોકોએ સાંભળી હશે, ‘શિયાળાનું ખાણું અને જુવાનીનું નાણું.’ ઘણી વાર આપણને ખબર નથી હોતી કે ઋતુઓ દરમ્યાન જમા કરેલી  શક્તિ અથવા ઋતુ અનુસાર આહાર લેવાની આદત આપણા શરીર પર કેવી અસર કરી શકે છે, પણ સચ્ચાઈ તો એ જ છે કે ઇલાજ કરવા કરતાં સાવચેતી રાખવી સારી, તેથી સ્વાસ્થ્યવર્ધક આહાર લઈને પોતાની રોગપ્રતિકારક શક્તિ વધારવી જોઈએ જેથી કોઈ પણ રોગના ભોગ બનવું ન પડે.

ખાંસીના ઘરગથ્થુ પ્રયોગો

ઘરગથ્થુ ઇલાજ આપતાં ડૉ. શિશિર કહે છે, ‘સૌપ્રથમ તો સ્વચ્છતા જાળવો અને પોતાના હાથ વ્યવસ્થિત ધુઓ. સૅનિટાઇઝરનો ઉપયોગ કરવો જોઈએ. જ્યારે પણ ઇન્ફેક્શન કે ઍલર્જીની શરૂઆત થાય ત્યારે સ્ટીમ ઇન્હેલેશન કરી શકાય. મીઠાના પાણીના કોગળા કરવાથી પણ ઘણી રાહત અનુભવાય છે. હળદર ખૂબ જ સારી જંતુનાશક દવા હોવાથી એનું કોઈ પણ પ્રકારે સેવન કરવાથી લાભ થાય જ છે. દૂધમાં નાખીને નવશેકું દૂધ પીવાથી ખાંસીમાં રાહત થઈ શકે, અવાજ ખૂલી જાય આવા ઘણા ફાયદા થાય છે. હળદરના સેવનનો એક મોટો લાભ છે કે એનાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. શિયાળામાં લોકોએ ચ્યવનપ્રાશ લેવું જોઈએ જેનાથી વિટામિન સી મળે છે. આમળાંમાં ભરપૂર વિટામિન સી છે અને એના સેવનથી પણ શરદીમાં લાભ થઈ શકે છે. લોકોએ નિયમિતરૂપે કસરત કરવી જોઈએ.’

અસ્થમાના દરદીઓને શિયાળામાં વિશેષ કાળજી લેવી જોઈએ કેમ કે હવામાં પ્રદૂષણનું પ્રમાણ વધારે હોવાથી તેમને ઇન્ફેક્શન થાય છે તેથી તેમણે આ ઋતુમાં પોતાની તબિયતને લઈને સતર્ક રહેવાની ખાસ જરૂર છે.

- ડૉ. શિશિર શાહ, ચેસ્ટ સ્પેશ્યલિસ્ટ

Whatsapp-channel Whatsapp-channel

24 February, 2020 03:04 PM IST | Mumbai | Bhakti D Desai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK