સ્ત્રીઓની ફર્ટિલિટી જોખમાવાનું નંબર-વન કારણ ખબર છે?

Published: Sep 16, 2019, 15:50 IST | ફૅમિલી રૂમ - સેજલ પટેલ

દર પાંચમાંથી એક મહિલાને પૉલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રૉમની તકલીફ હોય છે જે લાંબા ગાળે તેમની ગર્ભધારણની સંભાવનાઓને ઘટાડી દે છે. અસંતુલિત જીવનશૈલીની દેન છે આ સમસ્યા. ગંભીર બાબત એ છે કે હવે તો એની કનડગત ટીનેજથી જ શરૂ થઈ જાય છે.

‘કેદારનાથ’ ફિલ્મથી બૉલીવુડમાં ઍક્ટિંગ-કરીઅર શરૂ કરનારી સારા અલી ખાન ઘણાં વર્ષોથી PCOS એટલે કે પૉલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રૉમથી પરેશાન છે. અત્યારે કમસીન કાયા સાથે ફૅશન મૅગેઝિનોનાં કવરપેજ પર ચમકતી સારા કૉલેજના સમયમાં ૯૬ કિલોની હતી અને એનું કારણ હતું અસંતુલિત હૉર્મોનની સમસ્યા. હજીયે આ સમસ્યાથી તેને પૂરેપૂરો છુટકારો નથી મળ્યો. ભોજપુરી સુપરહૉટ ઍક્ટ્રેસ કાજલ રાઘવાનીએ પણ જાહેરમાં કબૂલાત કરી છે કે તે છેલ્લા દોઢ વર્ષથી પીસીઓએસથી હેરાન છે. તેને વજન ઉતારવામાં બહુ તકલીફ પડી રહી છે. તેણે ટ્વીટમાં પણ કહ્યું છે કે આમાં શરમાવા જેવું કશું નથી, પણ સ્વીકાર કરીને એની સામે લડવું જરૂરી છે. યંગસ્ટર્સ માટે ફૅશન-આઇકન ગણાતી સોનમ કપૂર પણ ટીનેજમાં ઓબેસિટી, પીસીઓએસ, ડિપ્રેશન, હૉર્મોનલ અસંતુલન અને ડાયાબિટીઝ જેવી સમસ્યાઓની ચુંગાલમાં હતી. 

આ બધી કન્યાઓને યાદ કરવાનો હેતુ એટલો જ છે કે પિરિયડ્સ જેવી અંગત બાબત સાથે સંકળાયેલી આ સમસ્યાથી શરમાવા જેવું નથી. ઇન ફૅક્ટ, એને અન્ડર ધ કાર્પેટ રાખવાને બદલે ખુલ્લું મન રાખીને જો ડીલ કરવામાં આવે તો સૌ સારાં વાનાં થઈ રહે છે. હા, છેલ્લા દોઢેક દાયકામાં એનો ફેલાવો જે હદે થયો છે એ ચોક્કસ લાલબત્તી ધરે છે. એ માટે દરેક વયની સ્ત્રીઓમાં આ વિશેની જાગૃતિ આવે એ જરૂરી છે અને એ માટે પીસીઓએસ શું છે એ સમજવું જરૂરી છે.

ખરેખર સમસ્યા શું છે?

PCOS એટલે કે પૉલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રૉમ એ મેટાબૉલિક અને અંતઃસ્ત્રાવી ગ્રંથિ સાથે સંકળાયેલી સમસ્યા છે. એમાં માત્ર ઓવરી એટલે કે અંડાશયમાં જ તકલીફ થાય એવું નથી. એમાં અંતઃસ્ત્રાવી અસંતુલન થતું હોવાથી શરીરના અન્ય અવયવો અને વ્યવસ્થાઓ પર પણ અસર પડે છે. સામાન્ય રીતે પુખ્ત વયની સ્ત્રીની ઓવરીમાંથી દર મહિને એક ઈંડું છૂટું પડતું હોય છે. આ ઈંડું દર વખતે મૅચ્યોર થઈ ફોલિકલથી છૂટું પડે છે અને ગર્ભાધાનની શક્યતા પેદા કરે છે. જોકે ઈંડું મૅચ્યોર થવાની અને છૂટું પડવાની પ્રક્રિયા ચોક્કસ હૉર્મોન્સ પર આધારિત હોય છે. જો એ મુજબ અંતઃસ્ત્રાવો ન સ્રવે તો અધવચ્ચે ઈંડું અડધુંપડધું ગ્રોથ પામીને ત્યાં જ અટકી જાય છે અને ફોલિકલમાંથી છૂટું નથી પડતું. આ અપક્વ ઈંડું કડક થઈને સિસ્ટ બની જાય. જેટલી વાર આ પ્રકારે અપક્વ ઈંડું રહી જાય એટલી વાર માસિક પણ મિસ થાય. આવું વારંવાર થાય એટલે ઓવરીઝમાં આવી સિસ્ટ્સની સંખ્યા વધતી જાય અને માસિકમાં અનિયમિતતા પણ વધી જાય. વિલે પાર્લેના ગાયનેકોલૉજિસ્ટ ડૉ. ઋજુલ ઝવેરી કહે છે, ‘મોટા ભાગે યંગ છોકરીઓની મમ્મીઓ દીકરીને લઈને પિરિયડ્સ અનિયમિત હોવાની ફરિયાદ સાથે આવતી હોય છે. ૨૫થી ૩૫ વર્ષની વયની મહિલાઓને જ્યારે ગર્ભ ધારણ કરવામાં મુશ્કેલી પડે ત્યારે જ ખબર પડતી હોય છે કે તેમને આ સમસ્યા હતી.’

રોગનાં લક્ષણો શું?

પહેલાં કરતાં આ સિન્ડ્રૉમ બાબતે અવેરનેસ ઘણી વધી છે છતાં લગભગ ૫૦ ટકા કેસમાં એ સમસ્યાનું નિદાન થતું જ નથી એમ જણાવતાં ડૉ. ઋજુલ કહે છે, ‘છેક જ્યારે કન્સીવ કરવામાં તકલીફ પડે ત્યારે ડૉક્ટર પાસે આવે અને આપણે હિસ્ટરી પૂછીએ એ વખતે ખબર પડે. અનિયમિત અને ખૂબ ઓછો માસિકસ્રાવ આવતો હોય એ સમસ્યાને ઘણી સ્ત્રીઓ એમ જ અવગણે છે જેને કારણે તેમને પ્રેગ્નન્સીમાં મુશ્કેલી આવે છે. બીજી તરફ ઘણી યંગ છોકરીઓ એવી હોય છે જેમને ખીલ થાય, ત્વચા ઑઇલી રહે, વજન વધ્યે જ રાખતું હોય, ચહેરા પર અને ખાસ કરીને દાઢી અને કાનની સાઇડ્સ પાસે જાડા વાળનો ગ્રોથ વધે, નિપલ્સ પાસે પણ જાડા વાળ ઊગવા માંડે, માથાના વાળમાં થિક ડૅન્ડ્રફ થાય, વાળ ખૂબ ખરે અને મેલ પૅટર્ન જેવી ટાલ માથામાં દેખાવા લાગે છે. ચિંતાજનક વાત તો એ છે કે પીસીઓએસનાં લક્ષણો લગભગ દર ત્રણમાંથી એક મહિલામાં વધતેઓછે અંશે જોવા મળે છે. એનું સમયસર નિદાન થાય અને કન્ટ્રોલ માટેનાં પગલાં લેવામાં આવે એ બહુ જરૂરી છે.’

માત્ર ફર્ટિલિટી પૂરતું મર્યાદિત નથી

પ્યુબર્ટી એજમાં માસિકની શરૂઆત થાય એ સ્ત્રીત્વમાં પહેલું ડગલું મંડાયાની નિશાની ગણાય છે. જૂના જમાનામાં મનાતું હતું કે દર મહિને માસિક નિયમિત આવે એ દરેક સ્ત્રીની ફર્ટિલિટી માટે બહુ જરૂરી છે. જોકે મૉડર્ન સાયન્સ માને છે કે માસિક એ માત્ર સ્ત્રીની પ્રજનનક્ષમતા સાથે જ નહીં, ઓવરઑલ સ્વાસ્થ્ય સાથે બહુ ગાઢ રીતે સંકળાયેલી બાબત છે. આ એવો ડિસઑર્ડર છે કે એની સાથે બીજા પણ લાઇફસ્ટાઇલ ડિસઑર્ડર્સ ઘસડાતા આવે જ છે એમ જણાવતાં ડૉ. ઋજુલ કહે છે, ‘પીસીઓએસની સમસ્યા મોટા ભાગે ખોટી જીવનશૈલી સાથે સંકળાયેલી છે. આ રોગમાં ભલે હૉર્મોનલ અસંતુલન હોય, પણ એ ડાયાબિટીઝ અને બ્લડપ્રેશરની સમસ્યાને પણ પાછળ ખેંચી લાવે છે. ઘણી વાર એવું પણ જોવા મળ્યું છે કે જેમનાં માતા-પિતાને ડાયાબિટીઝ અને બ્લડપ્રેશરની સમસ્યા હોય છે તેઓ જો ખાવા-પીવા અને ફિઝિકલ ઍક્ટિવિટીમાં સહેજ પણ નબળા પડે તો તેમને પીસીઓએસ થવાની સંભાવના ઘણી વધારે હોય છે. બીજું, બધા જ પીસીઓએસના દરદીઓ ગોળમટોળ અને ઓબીસ જ હોય એ જરૂરી નથી. પાતળા દેખાતા લોકોમાં પણ હૉર્મોનલ ડિસ્ટર્બન્સ આવી શકે છે. જે યુવતીઓના હાથ-પગ પાતળા હોય પણ પેટ અને પેઢુની ફરતે વધુ ચરબીનો ભરાવો થયો હોય તેમને પણ આ સમસ્યા હોઈ શકે છે. એટલે જ વજન વધે તો પીસીઓએસ હોય એવું નથી. પેટ ફરતેની ચરબી પણ મૅટાબોલિઝમમાં બદલાવ લાવે છે જે અંતઃસ્ત્રાવો પર અસર કરે છે.’

આ પણ વાંચો: બે પત્નીઓ છોડી ગઈ છે, ત્રીજી પત્ની સાથે ટકાવવા માગું છું

વજન ઘટાડવું એ જ પહેલું પગલું

પીસીઓએસ અને વેઇટ ગેઇન એ વિષચક્ર સમાન છે. એને તોડવા માટે સૌથી પહેલાં તો વજન પર કામ કરવું જ બેસ્ટ છે એમ જણાવતાં ડૉ. ઋજુલ ઝવેરી કહે છે, ‘ખાસ કરીને મારી પાસે આવતી યંગ ગર્લ્સ છે તેમને હું બને ત્યાં સુધી લાઇફસ્ટાઇલ ચેન્જિસ દ્વારા વેઇટ લૉસ કરવાનું કહું છું. માત્ર દવાઓ લઈને પિરિયડ્સ નિયમિત કરી લેવા એ લાંબા ગાળાનો ઉકેલ નથી. વજન ઘટાડશો તો પચાસ ટકાથી વધુ કેસમાં આપમેળે પિરિયડ્સ પણ નિયમિત થઈ જાય છે અને અન્ય લક્ષણોમાં પણ નોંધનીય ફેરફાર જોવા મળશે. વજન ઘટાડવા માટે યંગસ્ટર્સની લાઇફસ્ટાઇલમાં સૌથી મોટા બે ચેન્જ લાવવા પડે છે. એક તો ઘર કા ખાના ઇઝ મસ્ટ. બહારનું ખાવાનું બંધ કરો અને ઘરે બનાવેલું ગરમ અને સંતુલિત ભોજન લેવાનું. જન્ક-ફૂડ અને ટ્રાન્સ-ફૅટ બંધ કરો એટલે આપમેળે વધુ ચરબી જમા થતી અટકે. બીજું, વીકમાં ઓછામાં ઓછું ચાર દિવસ પોણો કલાક કસરત કરવાની. એમાંય વીસથી ત્રીસ મિનિટ તો લિટરલી પસીનો પડે એટલી એક્સરસાઇઝ થવી જોઈએ. આજકાલની છોકરીઓને જો મમ્મીને મદદ કરવા ચાલીને શાકભાજી લઈ આવે કે નાનાં-મોટાં કામ કરવા માટે ગલીના નાકા સુધી ચાલીને આવે તોય તેમને લાગે કે બહુબધું ચાલી નાખ્યું છે. આવું ચાલેલું એક્સરસાઇઝ ન કહેવાય. ગાર્ડનમાં જઈને વીસ-‌ત્રીસ મિનિટ દોડી આવો, યોગાસન કરો, જિમમાં જાઓ, સાઇક્લિંગ કે ઍરોબિક્સ એમ કોઈ પણ એક્સરસાઇઝ કરો જેમાં શરીર પસીને રેબઝેબ થવું જોઈએ. આ બે ચીજોનું કડકાઈથી પાલન કરવામાં આવે તો બે-ચાર મહિનામાં વજન ઘટવાનું પણ શરૂ થાય અને પિરિયડ્સમાં નિયમિતતા શરૂ થઈ જાય છે. બીજું, જે યુગલો કન્સીવ કરવા માગતાં હોય અને ખબર પડે કે પીસીઓએસ છે ત્યારે પણ દવાઓથી માસિક નિયમિત કરવાને બદલે હું કહીશ કે વજન ઘટાડવાનો ટાર્ગેટ જ પહેલાં સેટ કરવો જોઈએ. જો તમે છ-આઠ મહિના રાહ જોઈ શકતા હો તો ડાયટ-એક્સરસાઇઝ દ્વારા વજન ઘટાડો. વજન ઘટેલું હશે તો પ્રેગ્નન્સીમાં પણ ઓછાં કૉમ્પ્લીકેશન્સ આવશે. જો વજન વધારે હશે અને બાય ચાન્સ પ્રેગ્નન્સી રહી ગઈ તો ગર્ભકાળ દરમ્યાન બ્લડપ્રેશર અને ડાયાબિટીઝની સંભાવના રહે અને બાળકના ગ્રોથ પર પણ અસર પડે.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK