બે પત્નીઓ છોડી ગઈ છે, ત્રીજી પત્ની સાથે ટકાવવા માગું છું

Published: Sep 16, 2019, 15:40 IST | સેજલને સવાલ - સેજલ પટેલ

મેં ત્રણ વાર પ્રેમ કર્યો અને ત્રણેય વાર હું ખોટો પડ્યો. સમસ્યા એ છે કે એ ત્રણેય પ્રેમને લગ્નમાં તબદીલ કરવામાં હું સફળ નીવડ્યો પણ લગ્નને સફળ ન બનાવી શક્યો

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સવાલઃ મેં ત્રણ વાર પ્રેમ કર્યો અને ત્રણેય વાર હું ખોટો પડ્યો. સમસ્યા એ છે કે એ ત્રણેય પ્રેમને લગ્નમાં તબદીલ કરવામાં હું સફળ નીવડ્યો પણ લગ્નને સફળ ન બનાવી શક્યો. પહેલી છોકરી કૉલેજમાં મળેલી. બંગાળી પરિવારની હતી અને અમે ભાગીને લગ્ન કરેલાં. ભણવામાં બહુ જ સારી હતી અને પ્રેમિકા તરીકે પણ મજાની, પરંતુ પત્ની બન્યાં પછી બહુ ફાવ્યું નહીં. સામાજિક જવાબદારીઓ તેને ઉઠાવવી જ નહોતી. દોઢ વર્ષના લગ્નજીવન પછી તે સામેથી જ એક રૂપિયો પણ માગ્યા‌ વિના છૂટી થઈ. ભલું થયું ભાંગી જંજાળ. બીજી છોકરી હું જ્યાં કામ કરતો હતો એ કૉમ્પ્લેક્સમાં કામ કરતી હતી. અવારનવાર મળવાનું અને વાતચીતમાંથી પ્રેમ થયો. તે મારાથી પાંચ વર્ષ નાની હતી, છતાં એટલો અનહદ પ્રેમ કરતી હતી કે તેણે ઘરનાંઓની નારાજગી વહોરીને મારી સાથે કોર્ટ-મૅરેજ કરી લીધાં. તે ઉંમરમાં તો ઠીક, વર્તનમાં પણ એટલી બાલીશ હતી કે ન પૂછો વાત. પોતાની ધૂનકીમાં જ મસ્ત રહે. પત્ની તરીકે પતિને સાચવવાની અને માન આપવાની કોઈ સમજણ નહીં. તેણે મારી માને ડબ્બામાં લઈ લીધેલી એટલે જ્યારે મેં તેનાથી છૂટાછેડા લીધા ત્યારે મારી માએ તેની સાથે રહેવાનું પસંદ કરેલું, મારી સાથે નહીં. હવે વાત કરું હાલની પત્નીની. તે મહારાષ્ટ્રીયન છે અને તેનો પહેલો પતિ મરી ગયેલો એટલે લગભગ ચારેક વર્ષ વિધવા જેવું જીવન જીવી છે. અમારાં લગ્નને ચાર વર્ષ થયાં, પરંતુ હજી તેનામાંથી વિધવાપણું ગયું નથી. સાદા કપડાં પહેરવાનાં અને જરાય જાતની સંભાળ નહીં રાખવાની. લાગે છે સુંદર, પણ બે મિત્રો આવ્યા હોય તો તેની ઓળખાણ કરાવતાં સંકોચ થાય. મારી પહેલી બન્ને પત્નીઓ વર્કિંગ હતી અને આ ગૃહિણી છે. સૌથી વધુ લાંબો સમય ત્રીજાં લગ્ન ટક્યાં છે. હવે હું સંબંધો બદલીને કંટાળ્યો હોવાથી જેમ ચાલે છે એમ ચાલવા દેવું છે. મારે સુખી અને હર્યુંભર્યું જીવન જીવવું છે જે મને કદી નથી મળ્યું. ક્યારેક થાય છે કે આ સંબંધમાંથી પણ મુક્ત થઈ જાઉં, પણ હવે આ સંબંધને મોકો આપવા માગુ છું. 

જવાબ: સંબંધો આપણા જીવનનું પ્રતિબિંબ છે. મતલબ કે તમે જે આપો એ જ પામો. પ્રેમ કરવો સહેલો છે, પણ જ્યારે તમે કોઈનીયે સાથે લગ્ન કરો છો ત્યારે તમારી યુનિક ફ્લેવરને બરકરાર રાખીને તમારે સામેવાળી વ્યક્તિમાં જાતને ઓગાળતાં શીખવું પડે. જો એમ ન થાય તો તમે એક છત તળે રહ્યા પછી પણ એક ન થઈ શકો. તમે લગ્નને કોઈ સામાજિક વ્યવસ્થા અથવા તો શારીરિક જરૂરિયાતનું માધ્યમ સમજી બેઠા હો એવું લાગે છે. હું કદાચ ખોટી હોઈ શકું છું, પણ જે દસ-બાર વર્ષમાં તમે જે રીતે ત્રણ સંબંધો બનાવ્યા અને તોડ્યા એ સાંભળીને તો એવું જ લાગે છે. જરાક કલ્પના કરો કે જે માએ તમને મોટા કર્યા એ પણ જો થોડાંક વર્ષોની ઓળખાણ ધરાવતી વહુનો સાથ આપે તો શું એ તમારા માટે વિચારવા જેવું નથી?

 આ પણ વાંચો: દીકરાને ભણાવવાની બહુ હોંશ છે, અંગ્રેજી ફાવતું ન હોવાથી નબળો રહી ગયો છે,શું કરવું?

હંમેશાં હું જ સાચો છું એવું વિચારવું એ સૌની સહજ ફિતરત હોય છે, પણ જ્યાં સુધી તમે જીવનસાથીના દૃષ્ટિકોણથી વિચારીને સહજીવન માટે તૈયાર ન હો તો એ લગ્ન એ સામાજિક વ્યવસ્થાથી વિશેષ કશું જ નથી. મને એવું લાગે છે કે તમારી હાલની પત્ની ઘણી શાંત, સમજુ અને સાદગીભરી છે. લગ્નસંબંધમાં તમે જે આપો છો એ જ લણો છો. તમે જો પત્નીને પ્રેમ આપશો તો પ્રેમ પામશો અને નફરત આપશો તો નફરત. તમારે જેવું જીવન જોઈતું હોય એવું તમારાં પત્ની સાથે વર્તવાનું શરૂ કરો તો કદાચ બદલાવ સંભવ છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK