Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ટ્રાવેલ > આર્ટિકલ્સ > ભલે વાઘ જોવા જાઓ, પણ વાઘને જીવવા દો

ભલે વાઘ જોવા જાઓ, પણ વાઘને જીવવા દો

Published : 29 July, 2026 07:50 PM | IST | Mumbai
Kajal Rampariya | feedbackgmd@mid-day.com

ભારતમાં વાઘોની વધતી સંખ્યા સંરક્ષણની મોટી સફળતા છે, પરંતુ ટાઇગર સફારીના વધતા વ્યાપારીકરણથી વન્યજીવોના આવાસ અને શાંતિ પર અસર થઈ રહી છે. વર્લ્ડ ટાઇગર ડે નિમિત્તે જાણીએ કે સફારી દરમિયાન પ્રવાસીઓએ કયા નિયમો અને સભ્યતાનું પાલન કરવું જોઈએ.

ભલે વાઘ જોવા જાઓ, પણ વાઘને જીવવા દો

ભલે વાઘ જોવા જાઓ, પણ વાઘને જીવવા દો


ભારતમાં કન્ઝર્વેશનના સતત પ્રયાસોને લીધે વાઘની સંખ્યા વધી છે જે ચોક્કસપણે મોટી સફળતા તો છે જ, પણ એ સફળતાની બીજી બાજુ એ છે કે છેલ્લા દોઢથી બે દાયકામાં ટાઇગર સફારીનું એટલું કમર્શિયલાઇઝેશન થઈ ગયું છે કે એણે વન્યજીવોના આવાસ અને શાંતિ સામે નવો પડકાર ઊભો કર્યો છે. વર્લ્ડ ટાઇગર ડે નિમિત્તે આપણે વાઇલ્ડલાઇફ નિષ્ણાતો પાસેથી જાણીએ કે સામાન્ય માણસો સફારીમાં જાય ત્યારે તેમણે કેવી સભ્યતાનું પાલન કરવું જરૂરી છે

જરા કલ્પના કરો કે તમે તમારા ઘરમાં શાંતિથી આરામ કરી રહ્યા છો અને અચાનક અજાણ્યા લોકોનું ટોળું તમારા ઘરને ઘેરી લે, અવાજ કરે, મોબાઇલના કૅમેરાથી ફોટો પાડે, શાંતિથી જીવવા ન દે તો તમને કેવું લાગે? અકળામણ થાય અને ગુસ્સો આવેને? જંગલના રાજા ગણાતા વાઘની સ્થિતિ પણ આવી જ થઈ ગઈ છે. તમારી છેલ્લી જંગલ સફારી યાદ કરો. શું તમારો હેતુ ખરેખર જંગલની સુંદરતા અને શાંતિને માણવાનો હતો કે પછી ગમે એમ કરીને વાઘનો એક ફોટો પાડીને સોશ્યલ મીડિયા પર મૂકીને લાઇક્સ ઉઘરાવવાનો હતો? એક સમય હતો જ્યારે ભારતનાં જંગલોમાં વાઘ જોવા મળવો એ કોઈ અદ્ભુત લહાવો કે નસીબની વાત ગણાતી. આજે સરકાર અને વનવિભાગના અથાગ પ્રયાસોથી દેશમાં વાઘની સંખ્યા ચોક્કસ વધી છે જે આપણા સૌ માટે ગર્વ અને ઉજવણીનો વિષય છે, પરંતુ આ સફળતાની સાથે જ જંગલ સફારીના થતા કમર્શિયલાઇઝેશનનો નવો પડકાર પણ ઊભો થયો છે. 
ટાઇગર સફારી માટે સરકારે નિયમો ભલે બનાવ્યા છે પણ એ પેપર પર જ છે, ઑનલાઇન બુકિંગ જેવું ખૂલે એટલે થોડા જ દિવસોમાં એ ફુલ થઈ જાય છે. લિમિટેડ પરમિશન અને હાઈ ડિમાન્ડને કારણે ટૂરિસ્ટો માગો એ પૈસા આપવા તૈયાર થઈ જાય છે. એને જ કારણે સફારી સ્કૅમ્સનો જન્મ થયો છે. રણથંભોર સફારીમાં અને જિમ કૉર્બેટ સફારીમાં નકલી બુકિંગના સ્કૅમ્સથી હવે ટૂરિસ્ટો હેરાન થઈ ગયા છે. 
બીજી તરફ વાઘ માટેનાં અભયારણ્યોમાં સફારી જોવા આવેલા ટૂરિસ્ટો પર આએદિન વાઘના હુમલાની કોશિશના સમાચારો જોવા મળે છે. પીલીભીત ટાઇગર રિઝર્વમાં એક વાઘે પર્યટકોની જીપનો પીછો કરીને ગાડી પર પંજાથી હુમલો કર્યો હતો. જિમ કૉર્બેટ નૅશનલ પાર્કના ઢેલા રેન્જમાં ઘાસ લેવા ગયેલી એક બુઝુર્ગ સ્ત્રી પર વાઘે હુમલો કરીને તેને પતાવી દીધી હતી. રણથંભોર નૅશનલ પાર્કમાં પણ માણસો અને વાઘો વચ્ચે સંઘર્ષ વધતો હોવાનું સાંભળવા મળે છે. એવામાં વાઘ હવે આદમખોર થવા લાગ્યા છે અને એનું કારણ વાઘ નહીં, માણસો અને માણસો દ્વારા જંગલોમાં થયેલું અતિક્રમણ છે.  
આજે લોકોમાં વાઇલ્ડલાઇફ પ્રવાસનનો ક્રેઝ તો વધ્યો છે, પણ જંગલ અને વન્યજીવો પ્રત્યેની આપણી સંવેદનશીલતા ક્યાંક ઓછી થઈ છે. સફારી બુકિંગમાં થતી ગરબડ અને જંગલમાં પર્યટકોની બેજવાબદાર વર્તણૂક વન્યજીવ માટે ખતરો બની રહી છે ત્યારે આજે વર્લ્ડ ટાઇગર ડે નિમિત્તે આપણે એ સમજવાની જરૂર છે કે જંગલ કોઈ પિકનિક સ્પૉટ નથી. આ વિશે સુરતના જાણીતા ક્રીએટિવ નેચર ફોટોગ્રાફર સૌરભ દેસાઈ અને વાઇલ્ડલાઇફ કન્ઝર્વેશનિસ્ટ ડૉ. અનીશ અંધેરિયા પાસેથી જાણીએ કે બદલાતા સમય પ્રમાણે સફારી કલ્ચરમાં કેવા ફેરફાર આવ્યા છે અને શું ફેરફારની જરૂર છે.



બિફૉર ઍન્ડ આફ્ટર સોશ્યલ મીડિયા


સોશ્યલ મીડિયાના યુગ પહેલાં અને પછી જંગલ સફારીના વાતાવરણમાં જમીન-આસમાનનો તફાવત આવ્યો છે. આ બદલાવ વિશે વિગતવાર વાત કરતાં વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર સૌરભ દેસાઈ કહે છે, ‘સોશ્યલ મીડિયા પહેલાંનો એક સમય હતો જ્યારે વાઘ કે જંગલના ફોટોગ્રાફ્સ માત્ર મૅગેઝિન્સ, પુસ્તકો કે વિશેષ આર્ટિકલ્સમાં જ જોવા મળતા. એ સમયે જંગલમાં આવનારા લોકોની સંખ્યા બહુ લિમિટેડ હતી. મુખ્યત્વે બર્ડ-વૉચર્સ, વાઇલ્ડલાઇફ રિસર્ચર્સ કે પ્રકૃતિપ્રેમીઓ જ સફારીમાં આવતા. જોકે હવે સોશ્યલ મીડિયા આવવાથી ચિત્ર બદલાયું છે. લોકો પર્વતો કે અન્ય પરંપરાગત પ્રવાસન-સ્થળોથી બોર થયા એટલે વાઇલ્ડલાઇફ તરફ વળ્યા. સોશ્યલ મીડિયા પર વાઘના જે સુંદર ફોટો જુએ એ જોવા માટે જ લોકોનો ધસારો વધ્યો અને લોકલ ટૂરિઝમ ખૂબ વધી ગયું.’ 
આ મામલે ટાઇગર રિસર્ચર અને વાઇલ્ડલાઇફ કન્ઝર્વેશન ટ્રસ્ટના પ્રેસિડન્ટ અને CEO ડૉ. અનીશ અંધેરિયા કહે છે, ‘પહેલાં જંગલ સફારી ધનિકો કે વિદેશીઓ સુધી સીમિત હતી, જેમાં વિદેશીઓ ૩૦થી ૪૦ ટકા રહેતા. આજે સ્થાનિક પ્રવાસીઓ એટલા વધ્યા છે કે વિદેશી પ્રવાસીઓનું પ્રમાણ ઘટીને આશરે પાંચ ટકા જેટલું જ રહી ગયું છે. પહેલાં માત્ર જિમ કૉર્બેટ પાર્ક કે મધ્ય પ્રદેશના ગણ્યાગાંઠ્યા પાર્ક જાણીતા હતા. હવે મધ્ય પ્રદેશમાં ૭ રિઝર્વ, મહારાષ્ટ્રનું તાડોબા, દક્ષિણ ભારતમાં નાગરહોલે-બાંદીપુર અને સુંદરબન જેવાં અનેક ક્ષેત્રોમાં સફારીનો વ્યાપ વધ્યો છે. પહેલાં જૂજ ગાડીઓ જંગલમાં જતી, જ્યારે હવે સવાર-સાંજ ગાડીઓની લાઇન લાગે છે. GPS સિસ્ટમ, સ્પીડ-લિમિટ અને ૧૫ મિનિટથી વધુ ન રોકાવાના નિયમો છે. અંગ્રેજો કે ગોરા લોકોના જમાનાથી વાઘને શિકાર કરવા માટે હિંસક અને વિલન તરીકે ચિત્રિત કરવામાં આવ્યો હતો. વાસ્તવમાં વાઘથી માણસને કોઈ સીધો ખતરો નથી. ભારતમાં દર વર્ષે આશરે ૫૦,૦૦૦ લોકો સાપ કરડવાથી મૃત્યુ પામે છે, જ્યારે આખા દેશમાં ટાઇગર-અટૅકથી માંડ ૧૦૦ લોકોનાં મોત થાય છે જેમાંથી મોટા ભાગનાં આકસ્મિક કે જંગલ ક્ષેત્રનાં હોય છે. એક નર વાઘનું વજન આશરે ૨૪૦ કિલો અને વાઘણનું વજન આશરે ૧૫૦ કિલો હોય છે. આટલું સક્ષમ અને શક્તિશાળી પ્રાણી હોવા છતાં એ કારણ વગર ક્યારેય માણસ પર હુમલો કરતું નથી.’

મૅનેજમેન્ટમાં ચૅલેન્જિસ


સફારી ટૂરિઝમ વધવાને કારણે મૅનેજમેન્ટ સંબંધિત સમસ્યાઓ ઊભી થઈ રહી છે એ પરિસ્થિતિ વિશે વાત કરતાં વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફીમાં પચીસ કરતાં વધુ વર્ષનો અનુભવ ધરાવતા સૌરભ દેસાઈ કહે છે, ‘ટૂરિઝમ વધતાં જ અચાનક વધુ પ્રમાણમાં ગાઇડ અને ડ્રાઇવરોની જરૂર પડી જેને કારણે બિનઅનુભવી ગાઇડ અને ડ્રાઇવરો આ ક્ષેત્રમાં આવી ગયા. પ્રવાસીઓની વાઘ જોવાની ઘેલછાને કારણે આ ડ્રાઇવર અને ગાઇડ માનસિક પ્રેશરમાં આવે છે. આજના ટૂરિઝમમાં ‘ટાઇગર... ટાઇગર...’ એટલું બધું થાય છે કે લોકો જંગલની ખરી સુંદરતા, વૃક્ષો અને પક્ષીઓના કલરવને માણી જ શકતા નથી. જંગલનો ૧૦૦ ટકા એરિયા ટૂરિઝમ માટે નથી ખોલાતો, પરંતુ જ્યારે ટૂરિઝમ માટે નવો એરિયા ઇન્ટ્રોડ્યુસ થાય છે ત્યારે ત્યાંના વાઘ માનવહાજરીથી ટેવાયેલા નથી હોતા. બિનઅનુભવી સ્ટાફ અને અણસમજુ ટૂરિસ્ટ્સ એ વાઘના કમ્ફર્ટ ઝોનમાં એન્ટર થઈ જાય છે. વાઘને થ્રેટ-પૉઇન્ટ્સ શું લાગે છે એ સમજતાં એમને વાર લાગે છે જે જોખમી બની શકે છે. વાઘને જ્યારે રસ્તો ક્રૉસ કરવો હોય અને સામે જિપ્સીઓની લાઇન લાગી જાય ત્યારે ત્યાં કઈ રીતે વર્તવું એ સૌથી મોટો પ્રશ્ન બને છે.’

સફારી ટૂરિઝમનું ગણિત

સફારી બુકિંગમાં ઓવર-કમર્શિયલાઇઝેશન પર વાત કરતાં ૩૦ વર્ષથી ટાઇગર્સની લાઇફ પર રિસર્ચ કરી રહેલા અનીશભાઈ કહે છે, ‘કાયદાકીય રીતે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ જંગલના કુલ કોર એરિયાના મહત્તમ ૨૦ ટકા ભાગમાં જ ટૂરિઝમની મંજૂરી આપવાની જોગવાઈ છે અને હવે તો સફારી દરમ્યાન મોબાઇલના વપરાશ પર બૅન મુકાયો છે. નિયમો તો કડક બનાવાયા જ છે, પણ એનું પાલન કરાવવાવાળા પણ કડક હોય તો વાંધો આવે એમ નથી. વાઇલ્ડલાઇફ ટૂરિઝમ આજે બહુ મોટી ઇકૉનૉમી બની ગયું છે. ઉદાહરણ તરીકે મહારાષ્ટ્રના તાડોબા ટાઇગર રિઝર્વમાં આશરે ૫૦૦ કરોડ રૂપિયાની સ્થાનિક ટૂરિઝમ ઇકૉનૉમી ઊભી થઈ છે જેમાંથી માત્ર બુકિંગ કે ગેટ-ફી પેટે જ સરકારને ૪૦ કરોડ રૂપિયા જેટલી આવક થાય છે. આજે મધ્યમ વર્ગ માટે ૨૦-૨૨ સીટર કેન્ટર જે બસ જેવું વાહન હોય છે એના ૪૦૦-૫૦૦ રૂપિયા અને પ્રાઇવેટ જિપ્સીના ૫૦૦૦થી ૧૦,૦૦૦ રૂપિયાના વિકલ્પો છે, પણ પર્યટકોના ભારે ધસારાથી વાઘના કુદરતી નિવાસસ્થાન પર દબાણ વધ્યું છે.’
વાઘના સ્વભાવ વિશે અનીશભાઈ કહે છે, ‘ટાઇગર કુદરતી રીતે અત્યંત શરમાળ પ્રાણી છે. પચ્ચીસ વર્ષના ટૂરિઝમને કારણે ટૂરિઝમ ઝોનનો વાઘ વાહનોથી હૅબિચ્યુઅલ થયો છે, માણસોથી નહીં. ગાડીમાંથી નીચે ઊતરવું કે બહાર નીકળવું વાઘને ભયભીત કરી શકે છે અને એ પોતાના બચાવમાં હુમલો કરી શકે છે.’

સેલ્ફ-અવેરનેસ વધુ જરૂરી

જંગલમાં વધી રહેલી અશિસ્તને રોકવા માટે વ્યવહારુ અને પ્રૅક્ટિકલ રૂલ્સ લાગુ કરવા જોઈએ એવું માનતા સૌરભ દેસાઈ કહે છે, ‘ડિસિપ્લિન એ કાયદા કરતાં આપણી નૈતિક જવાબદારી હોવી જોઈએ. કાયદાઓ તો આપણા દેશમાં બહુ કડક છે, પરંતુ કાયદાનું પાલન કરાવવાવાળા મજબૂત જોઈએ અને એનાથી પણ વધુ સેલ્ફ-અવેરનેસ જરૂરી છે. લોકો જ્યારે જંગલમાં જાય ત્યારે તેમને જંગલનું યોગ્ય ઓરિયેન્ટેશન મળવું જોઈએ, જેમાં સમજાવવામાં આવે કે તમારે જંગલમાં પ્રવેશતાંની સાથે કેવું વર્તન કરવું જોઈએ જેથી પ્રાણીઓને પ્રૉબ્લેમ ન થાય. જ્યારે વાઘ દેખાય ત્યારે એક્સાઇટમેન્ટમાં ફોટો ક્લિક કરવાનું શરૂ કરી દેવા કરતાં શાંતિથી બેસી રહેવું અને એમની ઍક્ટિવિટીના આધારે સાઇલન્ટ્લી ફોટો પાડવા જોઈએ. આ ઉપરાંત જ્યારે ટૂરિસ્ટ ઑનલાઇન સફારી બુકિંગ કરાવે ત્યારે જ બુકિંગ પૉર્ટલ પર જંગલના શિષ્ટાચાર અને સુરક્ષા વિશેનો ૩ મિનિટનો શૉર્ટ વિડિયો પ્લે થવો જોઈએ. આ વિડિયો જોવો અને ટર્મ્સ ઍક્સેપ્ટ કરવી ફરજિયાત હોવાં જોઈએ. જો ટૂરિસ્ટ આ વિડિયો જોઈને જાગૃત થશે તો તે જંગલમાં જઈને ગાઇડ કે ડ્રાઇવર પર વાઘ બતાવવાનું કે ગાડી આગળ-પાછળ લેવાનું અન્યાયી પ્રેશર નહીં કરે. લોકોએ એ પણ સમજવું પડશે કે એક સફારીમાં ટાઇગરની ઝલક તો ભાગ્યે જ જોવા મળે છે અને ટાઇગર મોટા ભાગે ઉનાળાની સીઝનમાં વધુ દેખાતા હોય છે. ચોમાસા અને શિયાળામાં એમના રહેઠાણની જગ્યાએ પાણી ભરાયાં હોવાથી એ બહાર નીકળતા નથી.’

કન્ઝર્વેશનનું એક સકારાત્મક પાસું

ટાઇગર રિઝર્વને લઈને જે કમર્શિયલાઇઝેશન થઈ રહ્યું છે એનાં સકારાત્મક રિઝલ્ટ્સ પણ મળ્યાં છે એ વિશે સેન્ટ્રલ ઇન્ડિયાના ટાઇગર રિઝર્વ્સમાં ૧૨૫થી વધુ લોકોની ટીમ સાથે વાઘ અને જંગલના સંરક્ષણ પર ઊંડું રિસર્ચ કરી રહેલા ડૉ. અનીશ અંધેરિયા કહે છે, ‘ઇન્ડસ્ટ્રીઝ, માઇનિંગ, કેમિકલ પ્લાન્ટ્સ કે મોટા ડૅમ બનાવવાથી જંગલોનો કાયમી વિનાશ થાય છે. એની સરખામણીએ વાઇલ્ડલાઇફ ટૂરિઝમ એ એક એવી ઇન્ડસ્ટ્રી છે જે જંગલ કે પ્રાણીઓને નુકસાન પહોંચાડ્યા વગર સ્થાનિક લોકોને ગાઇડ, ડ્રાઇવર, હોટેલ-સ્ટાફને રોજગારી પૂરી પાડે છે. જો સ્થાનિકોને વાઘથી રોજીરોટી મળતી હોય તો તેઓ પોતે જંગલના રક્ષક બને છે. આ ઉપરાંત હજી એક ચેન્જની જરૂર છે અને એ છે રિઝર્વ્સની આસપાસ આવેલી હોટેલ-ઇન્ડસ્ટ્રી. પ્રૉપર્ટીઝ ટોટલી 
ઇકો-ફ્રેન્ડ્લી સિસ્ટમ અપનાવે તો પર્યાવરણનું આંશિક રીતે રક્ષણ થઈ શકે. જેમ કે પ્લાસ્ટિકની બૉટલને બદલે કાચની બૉટલ રાખવી, સ્વિમિંગ-પૂલને બદલે જંગલ થીમ ડેકોરેશન રાખવું વગેરે.

સફારી દરમ્યાન આ નિયમોનું પાલન જરૂરી છે

તમે જ્યારે જંગલ સફારીમાં જાઓ છો ત્યારે કોઈ મનોરંજન પાર્કમાં નથી જતા પરંતુ વન્યજીવોના ખાનગી ઘરમાં પ્રવેશી રહ્યા છો. તેથી દરેક પ્રવાસીએ નીચેની મૂળભૂત સભ્યતા અને નિયમોનું પાલન કરવું અનિવાર્ય છે.
 જંગલમાં વાઘ કે અન્ય પ્રાણી દેખાય ત્યારે બૂમાબૂમ કરવી, ગાડીની અંદરથી જોરથી બોલવું કે સીટીઓ વગાડવી એ ગુનો છે. તમારો અવાજ પ્રાણીને ભયભીત કરે છે.
 કોઈ પણ સંજોગોમાં જિપ્સી કે કેન્ટરમાંથી બહાર પગ ન મૂકો. ગાડીમાંથી ઊતરવું એ વાઘ માટે ઉશ્કેરણીજનક બની શકે છે.
 સફારીમાં જતી વખતે કાળાં, લાલ કે ખૂબ ચમકતાં કપડાં પહેરવાને બદલે જંગલના રંગ જેવાં જેમ કે લીલાં, ખાખી કે બ્રાઉન રંગનાં કપડાં પહેરો.
 સફારી દરમ્યાન ખાવાની વસ્તુઓનાં પૅકેટ, પ્લાસ્ટિકની બૉટલો કે કચરો જંગલમાં ક્યારેય ન ફેંકો.
 મને ગમે એમ કરીને વાઘ બતાવો કહીને ગાડી ઝડપથી ચલાવવા માટે કે નિયત રસ્તાઓ છોડીને અંદર જવા માટે ગાઇડ પર દબાણ ન કરો. જંગલમાં 
સ્પીડ-મર્યાદાનું પાલન થવું જ જોઈએ.
 ફોટોગ્રાફી કરતી વખતે ક્યારેય ફ્લૅશ ઑન ન રાખો. ડિજિટલ કૅમેરા કે ફોનનો અવાજ સાઇલન્ટ મોડ પર રાખો.
 જ્યારે વાઘ દેખાય ત્યારે એક જ જગ્યાએ ગાડીઓનો જૅમ ન કરો. ૧૫ મિનિટથી વધુ સમય એક જ જગ્યાએ ઊભા રહેવું એ નિયમભંગ છે.

શા માટે ઊજવાય છે વર્લ્ડ ટાઇગર ડે?

૨૦૧૦ પહેલાં સમગ્ર વિશ્વમાં વાઘની વસ્તી ઝડપથી ઘટી રહી હતી અને એ વિલુપ્ત થવાના આરે પહોંચી ગયા હતા. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ૨૦૧૦માં રશિયાના સેન્ટ પીટર્સબર્ગ ખાતે ટાઇગર સમિટ યોજાઈ હતી. આ સમિટમાં વાઘની વસ્તી ધરાવતા વિશ્વના ૧૩ દેશો એકઠા થયા હતા. આ પરિષદમાં સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું કે દર વર્ષે ૨૯ જુલાઈના દિવસને વર્લ્ડ ટાઇગર ડે તરીકે ઊજવવો. આ સમિટમાં એક ઐતિહાસિક લક્ષ્યાંક ૨૦૨૨ સુધીમાં વિશ્વમાં વાઘની સંખ્યા બમણી કરવાનો નક્કી થયો. ભારતે પોતાના નિર્ધારિત સમય પહેલાં જ વાઘની સંખ્યા બમણી કરવાનો આ લક્ષ્યાંક હાંસલ કરીને વિશ્વ સમક્ષ ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

ટાઇગર ફૅક્ટ્સ

 દેશમાં છેલ્લે ૨૦૨૨માં ઑલ ઇન્ડિયા ટાઇગર એસ્ટિમેશન અંતર્ગત વાઘની ગણતરી થઈ હતી, જેનાં પરિણામો ૨૦૨૩માં જાહેર થયાં હતાં. એ ગણતરી મુજબ ભારતમાં ૩૬૮૨થી વધુ વાઘ નોંધાયા છે જે સમગ્ર વિશ્વની વાઘની કુલ વસ્તીના આશરે ૭૫ ટકાથી વધુ છે.
 મધ્ય પ્રદેશ ભારતનું ટાઇગર સ્ટેટ કહેવાય છે કારણ કે અહીં ૭૮૫ વાઘ આવેલા છે. ત્યાર બાદ કર્ણાટકમાં ૫૬૩ અને ઉત્તરાખંડમાં ૫૬૦ વાઘ છે. 
 ઉત્તરાખંડનો જિમ કૉર્બેટ નૅશનલ પાર્ક દેશમાં સૌથી વધુ વાઘ ધરાવતો નૅશનલ પાર્ક છે. ત્યાં આશરે ૨૬૦થી વધુ વાઘ હોવાનું કહેવાય છે.
 હાલમાં ભારતમાં પંચાવન જેટલાં ટાઇગર રિઝર્વ છે જે દેશના લાખો હેક્ટર જંગલ વિસ્તારને સંરક્ષણ પૂરું પાડે છે.
 ભારત સરકારે ૧૯૭૩ની પહેલી એપ્રિલે ઉત્તરાખંડના જિમ કૉર્બેટ ખાતેથી પ્રોજેક્ટ ટાઇગરની શરૂઆત કરી હતી જે વિશ્વનું સૌથી સફળ વાઇલ્ડલાઇફ કન્ઝર્વેશન મૉડેલ ગણાય છે.
 ભારત વિશ્વના લગભગ ૭૫ ટકા જંગલી વાઘનું ઘર છે તેથી વૈશ્વિક વાઘ સંરક્ષણમાં સૌથી મહત્ત્વની ભૂમિકા છે.

 

 

Whatsapp-channel Whatsapp-channel

29 July, 2026 07:50 PM IST | Mumbai | Kajal Rampariya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK