Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ટ્રાવેલ > આર્ટિકલ્સ > ભક્ત પુંડલિકાસાઠી ઊભા રાહિલા વિટેવરી

ભક્ત પુંડલિકાસાઠી ઊભા રાહિલા વિટેવરી

23 November, 2023 03:22 PM IST | Mumbai
Alpa Nirmal

પંઢરપુરના વિઠોબાના પાય પડવા પૂર્વે ભક્ત પુંડલિકને ત્યાં મથ્થા ટેકવાનું ચુકાય નહીં, અન્યથા યાત્રા અપૂર્ણ કહેવાશે

પંઢરપુર તીર્થાટન

પંઢરપુર


આજથી હજારો વર્ષ પૂર્વે એટલે મહાભારત કાળ બાદ મહારાષ્ટ્રના દાંડીરવન નામક વિસ્તારમાં એક પુંડલિક નામે બ્રાહ્મણ પુત્ર તેનાં માતા-પિતા સાથે રહેતો હતો. આમ તો એ સમર્પિત દીકરો હતો, પરંતુ લગ્ન બાદ તે માત-તાતની ઉપેક્ષા કરવા લાગ્યો. પુત્રના આવા વ્યવહારથી વ્યથિત થઈ બ્રાહ્મણ દંપતીએ કાશીની તીર્થયાત્રાએ જવાનું નક્કી કર્યું. પુંડલિકની પત્નીને આ વાતની જાણ થતાં તેણે પતિને કહ્યું કે ચાલો, આપણે પણ કાશીએ જતા સંઘની સાથે જોડાઈ જઈએ અને જાત્રા કરી આવીએ અને પુંડલિક પણ ભાર્યા સાથે તીર્થયાત્રીઓના સમૂહમાં જોડાઈ ગયો. ગરીબ અને લાચાર માતા-પિતા પદયાત્રા કરતાં અને પુંડલિક ધનિકો સાથે ઘોડેસવારી કરી એક સ્થળેથી બીજા સ્થળે જતો.

દીર્ઘયાત્રા કરતાં-કરતાં એક દિવસ આખોય રસાલો કુક્કુટ સ્વામીના આશ્રમે પહોંચ્યો અને ત્યાં રાતવાસો કર્યો. એ દરમિયાન પુંડલિકે એક મધરાત્રે સુંદર દેવીઓના એક સમૂહને આશ્રમમાં પ્રવેશતાં જોયો. એ મહિલાઓ આશ્રમમાં આવી ત્યારે તો ચીંથરેહાલ વસ્ત્રોમાં હતી પરંતુ બહાર નીકળતાં સુંદર, સાફ કપડાં સહિત શૃંગારિત વેશમાં હતી. પહેલી રાત બાદ બીજી રાત્રે પણ પુંડલિકને ફરી વખત આવું જ દૃશ્ય દેખાયું (અહીં ભિન્ન મત છે કે આ દૃશ્ય પુંડલિકને સ્વપ્નમાં દેખાયું અને બીજા ઓપિનિયન પ્રમાણે તેણે આ પ્રસંગ જાગૃત અવસ્થામાં જોયો). વિપ્ર યુવાને બે વખત આવું દૃશ્ય જોઈ એ દેવીઓને વંદન કરી ઊભાં રાખ્યાં અને પૂછ્યું કે તેઓ કોણ છે. ત્યારે એ સુંદર અને સુઘડ વસ્ત્રધારી દેવીઓએ કહ્યું કે તેઓ ગંગા, યમુના તેમ જ આર્યભૂમિની અન્ય પવિત્ર નદીઓ છે જ્યાં તીર્થયાત્રીઓ સ્નાન કરી પોતાના પાપ ધોવે છે અને આવા યાત્રીઓને કારણે જ તેઓ અપવિત્ર થઈ જાય છે. એ સાથે જ દૈવીય શક્તિઓએ પુંડલિકને ટકોર કરી કે તું પણ પાપી છે, કારણ કે એ માતા-પિતા સાથે દુર્વ્યવહાર કરે છે.આ સાંભળી પુંડલિકની આંખો ખૂલી ગઈ અને તેને પોતાની ભૂલ સમજાઈ. તેણે માતા-પિતાની માફી માગી અને પરત પોતાના નિવાસસ્થાને દાંડીરવનમાં આવી ગયાં. ત્યાર બાદ તે દિલોજાનથી પેરન્ટ્સની સેવા કરવા લાગ્યો.


હવે મહારાષ્ટ્રના આ વિસ્તારમાંથી આપણે ગુજરાતના દ્વારિકા ધામે નજર કરીએ. પાંડવોને હસ્તિનાપુર સોંપ્યા બાદ શ્રીકૃષ્ણ અરબી સમુદ્રના કાંઠે રૈવત વિસ્તારમાં સ્થાયી થયા અને દ્વારિકામાં પોતાનું રાજ્ય સ્થાપ્યું. અહીં હવે શાંતિ અને આરામ હતો આથી નટખટ નંદલાલને પોતાની બાલ્યાવસ્થા, કિશોરાવસ્થાનું બહુ સ્મરણ થતું. મથુરામાં ગોવાળો સાથેની ખેલમસ્તી, ગોપી સાથેની લીલાઓમાં ખાસ કરીને રાધા સાથેની મિત્રતા તેઓ ખૂબ મિસ કરતા હતા. રાધાજીનો તો દેહાંત થઈ ચૂક્યો હતો પરંતુ એક દિવસ અર્જુન સખાને રાધાને મળવાની ખૂબ જ ઇચ્છા થઈ અને તેમણે પોતાની દૈવીય શક્તિથી રાધાને પુનર્જીવિત કર્યાં. રાધા ફરી પ્રગટ થતાં જગદ્ગુરુ ફરીથી તેની સાથે ગોઠડીમાં વ્યસ્ત થઈ ગયા. એ જ સમયે રાણી રુક્મિણિએ કક્ષમાં પ્રવેશ કર્યો અને રાધાને પોતાના પતિ સાથે જોઈ નારાજ થઈ રાણી રુક્મિણી મહેલ છોડીને દાંડીરવનમાં આવી ગયાં.

પટરાણીને પરત લાવવા મોહને તેની શોધખોળ આંરભી. તેઓ મથુરા-વૃંદાવન તેમ જ અન્ય ક્ષેત્રોમાં ગયા પરંતુ રુક્મિણીની ભાળ મળી નહીં. થોડી રઝળપાટ બાદ મુરલીધર દખ્ખણમાં ભીમા નદીના કાંઠે પહોંચ્યા અને દાંડીરવનમાં આવ્યા, જ્યાં તેમને પત્ની મળ્યાં. રુક રાજાની પુત્રીનો રોષ ઠંડો કર્યા બાદ કૃષ્ણ અને રુક્મિણી વિશ્રામ અર્થે પુંડલિકના આશ્રમમાં આવ્યાં અને આશરો માગ્યો. એ સમયે પુંડલિક તેનાં માતા-પિતાનાં ચરણ દબાવી રહ્યો હતો. તેણે મુકુંદ તરફ એક ઈંટ સરકાવી અને કહ્યું કે અહીં ઊભા રહો, હું માતાપિતાની સેવામાં વિક્ષેપ પાડી તમારો સત્કાર નહીં કરી શકું. પુંડલિકની આવી માતૃ-પિતૃભક્તિથી પ્રભાવિત થઈ દ્વારકાધીશ ખરેખર ઈંટ ઉપર ઊભા રહી તેની પ્રતીક્ષા કરવા લાગ્યા. આઈ-વડીલ નિદ્રાધીન થતાં પુંડલિક પ્રભુ પાસે આવ્યો અને યોગ્ય આદર ન આપવા બદલ ક્ષમા માગી ત્યારે વિઠોબાએ તેની અપ્રતિમ ભક્તિથી પ્રસન્ન થઈ પુંડલિકને વરદાન માગવાનું કહ્યું. ઍન્ડ પુંડલિકે માગ્યું કે તેઓ અહીં રહી જાય. આ ક્ષેત્રમાં કાયમ માટે રહી જાય.


ઍન્ડ ‘એ દી ને આજની ઘડી’ વિઠ્ઠલ એ જ મુદ્રામાં અહીં બિરાજમાન છે અને સર્વે ભક્તોને દર્શન આપે છે.

વેલ, વેલ, વેલ. આ બહુ જાણીતી કથાનું અહીં પુનરાવર્તન કરવાનું કારણ એકમાત્ર કે તીર્થાટન પ્રેમીઓને ભક્ત પુંડલિકની ભક્તિ, પાત્રતા, ઇમ્પોર્ટન્સ સમજાય. પુંડલિક કે કુંડલિક (અમુક સંપ્રદાય તેને કુંડલિક પણ કહે છે)ની કૃપાથી જ આજે યાત્રીઓ શ્રીકૃષ્ણની સ્વયંભૂ મૂર્તિનાં દર્શન-વંદન કરી શકે છે. ચરણસ્પર્શ કરી શકે છે. એટલે જ અહીં વિઠ્ઠલ જેટલા જ પૂજનીય છે ભક્ત પુંડલિક. આથી વિઠોબા મંદિરનાં દર્શન કરવા પૂર્વે ચંદ્રભાગા નદીના તટ પર આવેલા પુંડલિક મંદિરનાં દર્શન કરવાં વેરી વેરી મસ્ટ  છે. કહે છે કે પુંડલિકનાં દર્શન કરો તો જ પંઢરપુરની યાત્રા સંપૂર્ણ ગણાય છે, પરંતુ સમયના અભાવે કે ખબર ન હોવાથી ઘણા ગુજરાતી ભક્તો આ દેવાલયે જતા નથી ને અર્ધ યાત્રા કરે છે. 

ખેર, ઇટ્સ નેવર ટુ લેટ ટુ ડૂ ધ રાઇટ થિંગ.આજે દેવઊઠી એકાદશી છે. આજે તો લાખો ભાવિકો પંઢરપુરની જાત્રા કરશે, કારણ કે સંત નામદેવે લખ્યું છે કે ‘અષાઢી-કાર્તિકી વિસરું નકા મજ! સાંગતસે ગુજ પાંડુરંગ!’’ અર્થાત્ પાંડુરંગ પોતે કહે છે, ભક્તો, મને અષાઢ અને કારતક મહિનામાં ભૂલ્યા વગર મળવા આવો. યસ, એટલે જ આજે જઈએ પંઢરપુર. 
વિઠુબા ટેમ્પલ વિશે તો ભાવિકો અવગત છે જ. આથી તેમને પુંડલિક મંદિરની યાત્રા કરાવીએ ફર્સ્ટ. અર્ધચંદ્રાકાર આકાર હોવાને કારણે પૌરાણિક સમયમાં ભીમા નદી તરીકે જાણીતી સરિતા હવે ચન્દ્રભાગા તરીકે ઓળખાય છે. એના રેતાળ પટમાં એક નાજુક પણ શંકુ આકારનું રંગબેરંગી શિખરવાળું મંદિર છે. એ જ પુંડલિક મંદિર. ૬૩ ફીટ ઊંચું શિખર ધરાવતા આ મંદિરની પહોળાઈ ૬૫ ફીટ છે એટલે એ ચતુષ્કોણીય ભાસે છે. દેવળના ગર્ભગૃહમાં પુંડલિક ભૈરવરૂપે સ્થાપિત છે. ૧૨મી સદીમાં હોયસલ વંશના રાજવી ચાંગદેવે નિર્માણ કરાવેલા આ દેવાલયનો જીર્ણોદ્ધાર પેશવા કુળના શૂરવીર ભગવાન ભાટેએ કરાવ્યો હતો આથી એની બાંધકામની શૈલીમાં થોડી મહારાષ્ટ્રિયન છાંટ વર્તાય છે. વર્ષના ચારેક મહિના નદીના પાણીમાં તરતા આ મંદિરમાં પ્રવેશવા પહેલાં ઑટોમૅટિકલી શ્રદ્ધાળુઓનું પાદપ્રશ્રાલન થઈ જાય છે. પરંતુ જ્યારે અહીં જળ નથી હોતું ત્યારે મંદિરની બહારની બાજુએ આવેલા ગરમ પાણીના કુંડમાં પગ ધોઈ પછી દર્શન કરવા જવાની પરંપરા છે. સવારના ૪થી સાંજે ૭ દરમિયાન અહીં આરતીથી લઈ ભોગ, શૃંગાર, શયન વગેરે રિચ્યુઅલ થાય છે તો મહાશિવરાત્રિ દરમ્યાન અહીં મોટો ઉત્સવ મનાવાય છે. 
શિવલિંગ સ્વરૂપે પુંડલિક બિરાજમાન હોતાં અમુક લોકોના મતે આ શૈવ મંદિર છે, જે પાછળથી વિષ્ણુ મંદિરમાં તબદિલ કરવામાં આવ્યું છે તો કેટલાક ભક્તો આ ટેમ્પલને શૈવ અને વૈષ્ણવ પરંપરાનું સંગમ તીર્થ માને છે.

મુંબઈથી પંઢરપુર ફક્ત સાડાત્રણસો કિલોમીટરના અંતરે છે જ્યાં પહોંચવા ડાયરેક્ટ ટ્રેન, સ્લીપર, લક્ઝરી બસ તેમ જ સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસો પણ દોડે છે. રહેવા માટે અનેક મઠો, ધર્મશાળાઓથી લઈ ગેસ્ટહાઉસ, હોટેલ્સ અને વિઠોબા-રુક્મિણી મંદિર ટ્રસ્ટની ઑર્ડિનરી અને તારાંકિત સુવિધાઓ ઉપલબ્ધ છે. એ જ રીતે જેવણમાં મહારાષ્ટ્રિયન, સાઉથ ઇન્ડિયન તેમ જ ગુજરાતી, પંજાબી ફૂડ જમાડતી રેસ્ટોરાંઓ છે. તો અહીંની ચોપાટી ઉપર ખાઉગલીમાં પેટપૂજા માટે ભેળથી લઈ મિસળ જેવાં સ્વાદિષ્ટ વ્યંજનો અવેલેબલ છે.

પૉઇન્ટ ટુ બી નોટેડ 
મંદિરની આસપાસ અસ્વચ્છતા હોવાથી પહેલી નજરે એ સાવ સામાન્ય દેખાય છે પરંતુ એનું મહત્ત્વ ભવ્ય છે. 
મહારાષ્ટ્રિયન વારકરી સંપ્રદાયના ભક્તો સમસ્ત પંઢરપુરની પ્રદક્ષિણા અચૂક કરે છે આથી કોઈ પણ સમયે અહીંના રસ્તાઓ ઉપર ભજન કરતી ભક્તોની ટોળીઓ નજરે પડે છે.
પંઢરપુરનું રુક્મિણી વિઠોબા મંદિર તો મેઇન ઍટ્રૅક્શન છે જ પરંતુ એ સાથે વિષ્ણુપદ મંદિર, સંત ગજાનન મહારાજ સંસ્થાન, સંત કૈકાદિ મહારાજ મઠ, તુકારામ બાબા આશ્રમ, ઇસ્કૉન મંદિર દર્શનીય છે.
માર્ચથી જૂન દરમિયાન અત્યંત ગરમી હોવાથી ભક્તો પંઢરપુર યાત્રા અવૉઇડ કરે છે આથી બહુ ભીડ નથી હોતી. જોકે વિઠોબા મંદિરમાં દર્શન પૂજા માટે ઑનલાઇન બુકિંગ થાય છે, જે કરવાથી લાંબો સમય કતારમાં ઊભા રહેવું પડતું નથી.
અષાઢ, કારતક સાથે મહા અને ચૈત્ર મહિનાની અગિયારસે અહીં મોટો ફેસ્ટિવલ હોય છે એ જ રીતે બુધવાર ઇઝ ડેડિકેટેડ ટુ વિઠોબા.
વિષ્ણુ ભગવાનના કાળમાં આ વિસ્તારમાં દાંડીર નામે એક અસુરનો ભારે કેર હતો. વિષ્ણુ ભગવાને અહીં આવી તેનો વધ કર્યો. દાંડીર મરતાં પૂર્વે હરિ-હરિ બોલ્યો આથી પરમ કૃપાળુએ આ ક્ષેત્રનું નામાંકન એ રાક્ષસના નામે કર્યું, જે કાળક્રમે પંઢરપુર તરીકે પ્રખ્યાત થયું.

Whatsapp-channel Whatsapp-channel

23 November, 2023 03:22 PM IST | Mumbai | Alpa Nirmal

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK