Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ટ્રાવેલ > આર્ટિકલ્સ > ચાલો એક એવી જગ્યાએ જ્યાં આખું શહેર જાહેર ખેતર છે

ચાલો એક એવી જગ્યાએ જ્યાં આખું શહેર જાહેર ખેતર છે

Published : 23 August, 2026 05:25 PM | IST | Andernach
Aashutosh Desai | feedbackgmd@mid-day.com

જર્મનીનું ઍન્ડર્નાક શહેર ‘એડિબલ સિટી’ તરીકે જાણીતું છે, જ્યાં જાહેર જગ્યાઓએ શાકભાજી, ફળો અને હર્બ્સ ઉગાડવામાં આવે છે. શહેરના નાગરિકો તેની માવજત કરે છે અને પાક કોઈ પણ વ્યક્તિ મફતમાં ચૂંટી શકે છે.

ચાલો એક એવી જગ્યાએ જ્યાં આખું શહેર જાહેર ખેતર છે

ચાલો એક એવી જગ્યાએ જ્યાં આખું શહેર જાહેર ખેતર છે


જર્મનીની રાઇન નદીના કાંઠે આવેલા ઍન્ડર્નાક સિટીમાં જાહેર જગ્યાઓએ શાકભાજી, ફળો અને હર્બ્સની ખેતી થાય છે. શહેરના નાગરિકોની માવજતથી ઊગતો આ પાક કોઈ પણ નાગરિક ચૂંટી શકે છે. કિલ્લાઓ માટે જાણીતા આ શહેરમાં છેલ્લા દોઢ દાયકાથી શરૂ થયેલા ખેતીના અનોખા પ્રયોગને કારણે આ શહેરને એડિબલ સિટીનું બિરુદ મળ્યું છે. જાહેર ઑર્ગેનિક ફાર્મિંગની આ પહેલથી માત્ર ફૂડ-અવેલેબિલિટી જ નહીં પરંતુ શહેરનું કલ્ચર, લોકોની માનસિકતા અને બાળકોની ફૂડ માટેની અવેરનેસ એમ અનેકવિધ ક્ષેત્રે પૉઝિટિવ અસરો જોવા મળી છે

જો અમે તમને એમ કહીએ કે ચાલો, એક એવા શહેરમાં લઈ જઈએ જ્યાં આખું શહેર એક ખેતર છે; જ્યાંના બગીચામાં ઊગતાં શાકભાજી, ફળો કે અનાજ તમે મફતમાં તોડી શકો છો અને ઘરે લઈ આવી શકો છો. તો? તમે ખુશ થાઓ કે નહીં? બસ, જર્મનીનું એક શહેર આવી જ ખુશી આપતું શહેર છે. જર્મનીની રાઇન નદીના કાંઠે આવેલું ઍન્ડર્નાક શહેર એટલે વિશ્વનું સૌથી જાણીતું ‘એડિબલ સિટી’ અર્થાત્ ‘ખાઈ શકાય એવા શહેર’ના પ્રયોગોમાંનું એક. અહીં જાહેર બગીચાઓ માત્ર ફરવા, રમવા કે જોવા માટે જ નથી. ત્યાં શાકભાજી, સૅલડ અને ખાવામાં વપરાતી વિવિધ ચીજોની રીતસર ખેતી થાય છે. 
ટમેટાં, કઠોળ, કોબી, સૅલડ, ફળો, બેરી અને સુગંધિત ઔષધીય છોડ એ કોઈ ખેડૂતની પ્રાઇવેટ ખેતી તરીકે નહીં પરંતુ નાગરિકો માટે, નાગરિકો દ્વારા ઉગાડવામાં, માવજત કરવામાં અને ત્યાર બાદ એને તોડીને વાપરવામાં આવે છે. વાસ્તવમાં આ શહેરના બગીચાઓનો મૂળ મંત્ર જ છે : ‘અડશો નહીં’ નહીં પરંતુ ‘તોડી શકો છો’ કંઈ ખાસ સમજાયું નહીં ખરુંને? ચાલો, વિગતે વાત કરીએ. 
જર્મનીના આ ઐતિહાસિક શહેર ઍન્ડર્નાકની વસ્તી આશરે ૩૧,૦૦૦ની છે. આ શહેરની કેટલીક ખાસિયતો છે જે એને જર્મનીનાં બીજાં શહેરો કરતાં અલગ, આકર્ષક અને વિશેષ બનાવે છે. જેમ કે રાઇન અને આઇફલ વચ્ચેનું એનું સ્થાન, જૂનું શહેર, કિલ્લેબંધી અને પ્રવાસન. જોકે છેલ્લા દોઢેક દાયકામાં આ શહેરે પોતાની નવી ઓળખનું એક નવું પ્રકરણ પણ ઉમેર્યું છે. એ છે ‘એડિબલ સિટી’ નામનું પ્રકરણ. ઍન્ડર્નાક અને ત્યાં રહેતા લોકો કહે છે કે જાહેર જગ્યાઓને હરિયાળી, ટકાઉ, ઉપજાઉ, પ્રદૂષણમુક્ત, જૈવવૈવિધ્ય રાખીને એને શહેરી ખેતી સાથે જોડવી એ અમારો સહિયારો પ્રયાસ છે અને એ એક કન્ટિન્યુ પ્રોસેસ તરીકે અમે રોજિંદા જીવનમાં સ્વીકાર્યો છે.
તો ચાલો એ જાણીએ કે આ વિચાર આ શહેરમાં જન્મ્યો કઈ રીતે, આજે એ કઈ રીતે ચાલે છે અને એમાં સ્થાનિકો જ નહીં પરંતુ બહારથી આવતા મુલાકાતીઓ પણ કઈ રીતે અને શું ભૂમિકા ભજવે છે?



એક નાનકડા શહેરનો મોટો વિચાર


આ વિચારનું બીજ વાસ્તવમાં ૨૦૦૭-’૦૮ની આસપાસ જન્મ્યું. સૌથી પહેલાં ૨૦૦૭માં એની પ્રારંભિક શરૂઆત થઈ અને ત્યાર બાદ ૨૦૧૦ની સાલ આવતાં સુધીમાં તો આ પ્રોજેક્ટે એક જાહેર સ્ટાર્ટઅપ કે જાહેર સાહસ જેવો આકાર લઈ લીધો. બન્યું કંઈક એવું કે સ્થાનિક સરકારના નેતૃત્વ હેઠળ મેયર અને વિવિધ અધિકારીઓ ‘ટૉપ-ડાઉન’ નામની એક પ્રક્રિયામાં ઉત્સાહપૂર્વક જોડાયા.
આશય કંઈક એવો હતો કે શહેરની જાહેર જમીનનો ઉપયોગ માત્ર સુંદર દેખાવા માટે જ કેમ થાય? જો એ જ જમીનમાંથી આપણને ખોરાક મળે, જમીનનું જૈવવૈવિધ્ય વધે, લોકો કુદરત સાથે જોડાય અને પ્રદૂષણ ફેલાવવાની જગ્યાએ જમીનની જાળવણીની પદ્ધતિને પણ વધુ ટકાઉ બનાવીએ તો? આવા કેટલાક સકારાત્મક પ્રશ્નોના જવાબ તરીકે જન્મ્યો એક શુભ વિચાર અને શુભ આશય, જેને પાછળથી એક પ્રયોગાત્મક એફર્ટ તરીકે અપનાવવાનું નક્કી થયું અને શરૂ થયું ઍન્ડર્નાકની ઓળખનું એક સાવ નવું પ્રકરણ.

પ્રયોગાત્મક સાહસ


૧૦૧ ટમેટાંથી શરૂઆત થઈ એક અદ્ભુત ક્રાન્તિની. ૨૦૧૦ને જૈવવૈવિધ્યના આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે ઊજવવામાં આવી રહ્યું હતું. એ જ વર્ષે ઍન્ડર્નાકના લોકોએ એની જૂના શહેરની દીવાલ પાસે અલગ-અલગ ૧૦૧ પ્રકારનાં ટમેટાંની જાતો ઉગાડી. એટલું જ નહીં, ટમેટાંની એ દરેક જાતની ઓળખ માટે તેમણે માહિતી પણ મૂકી. આવું કરવા પાછળનો હેતુ માત્ર ટમેટાં ઉગાડવાનો જ નહોતો. તેઓ ચાહતા હતા કે લોકોનું આ તરફ ધ્યાન ખેંચાય, લોકો જાણે અને સમજે કે ખેતીમાં પણ કેટલું મોટું જૈવવૈવિધ્ય છે અને આથી જ પરંપરાગત તથા દુર્લભ જાતોનું સંરક્ષણ કરવું કેમ જરૂરી છે.
બસ, એક સકારાત્મક ક્રાન્તિ માટે આટલો વિચાર અને પ્રયત્ન પૂરતા હતા. ત્યાર બાદ તો દર વર્ષે અલગ-અલગ પાકને કેન્દ્રમાં રાખી આ સાહસને લોકોએ ફ્યુઅલ પૂરું પાડ્યું. ૨૦૧૧માં વિવિધ જાતનાં બીન્સ ઉગાડવામાં આવ્યાં તો ૨૦૧૨માં ડુંગળી. ત્યાર બાદનાં વર્ષોમાં અનેક પ્રકારનાં શાકભાજી, સૅલડ, ઝુકિની, બેરી, ફળો એટલું જ નહીં, ઔષધિઓ સહિતના છોડ પણ રોપવામાં આવ્યા. સમય વીતતાં ધીરે-ધીરે શહેરની હરિયાળી માત્ર શાકભાજીના ખેતરમાં જ બદલાઈ ગઈ એવું નથી. પરંપરાગત ફ્લાવરબેડ અને ખર્ચાળ મોસમી બગીચાઓને પણ વધુ ટકાઉ છોડ અને બહુવિધ ઉપયોગી વાવેતરમાં બદલવામાં આવ્યા.
ખબર છે શહેરની આ કાયાપલટમાં સૌથી શ્રેષ્ઠ બાબત શું છે? આ શહેરના લોકોએ ખોરાક અને સૌંદર્યને એકબીજાનાં પૂરક બનાવી દીધાં છે. ટમેટાંનો છોડ, કોબી, બીન્સ અથવા ફળનાં ઝાડ પણ શહેરને સુંદર બનાવી શકે, ખેતરનો પારંપરિક દેખાવ નહીં પરંતુ આ અલગ પ્રકારની હરિયાળી આખા શહેરને રંગીન બનાવી શકે એવો નવતર વિચાર તેમણે સ્વીકાર્યો. અને પરિણામ શું આવ્યું? આખા શહેરને જાહેર બગીચામાં પલટાવી દઈને વધુ જીવંત બનાવી દીધું.  

અડશો નહીંથી તોડી શકો છો સુધીની સફર

સામાન્ય રીતે શહેરોમાં જાહેર બગીચાઓ કેવા હોય છે? જ્યાં લીલું ઘાસ હોય, ફૂલો અને ઝાડ હોય; પરંતુ સામાન્ય નાગરિકોને એટલે કે મુલાકાતીઓને એને સ્પર્શવાની કે એનાં ફૂલો કે ફળો તોડવાની પરવાનગી હોતી નથી. ઍન્ડર્નાકે આ નિયમ જ જડમૂળથી બદલી નાખ્યો. અહીંના જાહેર વિસ્તારોમાં ફળો, શાકભાજી, ફૂલો વગેરેનો પાક તૈયાર થાય ત્યારે નાગરિકો એને તોડી શકે છે. એટલે એમ કહો તો ચાલે કે બગીચો ‘શહેરનો’ છે, પરંતુ માત્ર નગરપાલિકાનો નથી. એનો લાભ સામાન્ય નાગરિકો પણ લઈ શકે છે.
પણ આ બન્યું કઈ રીતે? તો વાત કંઈક એવી છે કે શરૂઆતમાં લોકો ખરેખર જ પાક તોડી શકાય કે નહીં એ વિશે સંકોચ અનુભવતા હતા. ત્યારે જવાબદારીપૂર્વક એક પ્રયોગ હાથ ધરવાનું વિચારવામાં આવ્યું. શરત માત્ર એટલી હતી કે લોકો જવાબદાર બને અને પોતાના ઘર સિવાય શહેર અને પ્રકૃતિ પરત્વે પોતાની ફરજને પણ સમજે. એક પ્રકારની સામાજિક સ્વનિયમિત વ્યવસ્થા ઊભી કરવામાં આવી જેમાં લોકો જાહેર બાગોમાં ઊગેલા પાકમાંથી પોતાને જરૂરી વસ્તુઓ તોડે, પણ સાથે જ બીજા લોકો માટે પણ એ છોડ પર કંઈક બાકી રહે એવો ભાવ રાખે. જોકે કાગડા બધે કાળા એ જ રીતે જેમ-જેમ આ પ્રયોગની પ્રસિદ્ધિ વધતી ગઈ તેમ-તેમ વધુ ને વધુ લોકો ઊગેલા પાકને તોડવા આવવા માંડ્યા અને એમાં કેટલાક લોકો એવા હતા જેઓ પાક સંપૂર્ણ પાકે એ પહેલાં જ તોડી લેતા હતા. હવે આનો શું ઇલાજ કરવો? ટમેટાં કે બીન્સ તોડવા આવેલા દરેક નાગરિકની પાછળ-પાછળ કોઈ ફરે અને દેખરેખ રાખે એવું તો શક્ય નહોતું. એટલે ઉપાય તરીકે બગીચામાં રંગીન સંકેતો મૂકવાનું શરૂ કરવામાં આવ્યું. લાલ રંગ દર્શાવ્યો હોય તો એનો અર્થ એ કે ટમેટું અથવા બીન્સ કે કૅબેજ હજી પાકટ થયું નથી એટલે એને તોડવું નહીં. પીળો રંગ એટલે જરૂર હોય તો થોડું તોડી શકાય અને લીલો અર્થાત્ હરી ઝંડી એટલે કે પાક તૈયાર છે, તોડી શકો છો. આ નાનકડી વ્યવસ્થાએ સામાન્ય લોકોમાં બહુ મોટી શીખ કેળવી આપી. ‘જાહેર સંપત્તિને બચાવવા માટે હંમેશાં કડક પ્રતિબંધ જ જરૂરી નથી, યોગ્ય માહિતી અને વિશ્વાસ પણ કામ કરી શકે છે!’

બગીચાઓ ચલાવે કોણ?

હવે ખરેખર તો આ કોઈ સરકારી યોજના નથી કે નથી મ્યુનિસિપાલિટી પ્રોજેક્ટ. સામાન્ય જન એટલે કે લોકો જ એટલા ઉત્સાહથી અને જવાબદારીપૂર્વક વર્તે છે કે શહેરની નગરપાલિકા માત્ર છોડ વાવીને બાજુએ ખસી જાય છે. જમીનની પસંદગી, આયોજન, વાવેતર અને જાળવણી માટે શહેરની સામાન્ય જનતા વહીવટી વ્યવસ્થામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. જેમ કે સ્થાનિક સંસ્થાઓ અને સામાજિક-રોજગાર પુનઃ સ્થાપન ક્ષેત્રના લોકો આ પ્રોજેક્ટ સાથે જોડાયેલા રહીને કામ કરે છે.
સ્થાનિક સંસ્થા લાંબા સમયથી બેરોજગાર લોકોને કામ, તાલીમ અને પુનઃ સમાવેશની તકો આપે છે. ત્યાર બાદ કર્મચારી અને તાલીમાર્થી તરીકે તે લોકો જ બગીચાના બેડ (વાવેતર માટે યોગ્ય જમીનનું ખેડાણ) તૈયાર કરવા, વાવેતર કરવું અને જાળવણી કરવીથી લઈને પાકની કાપણી સુધીનાં તમામ કામોમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. અર્થાત્ અહીં બગીચો માત્ર પર્યાવરણનો પ્રોજેક્ટ નથી. એ રોજગાર, તાલીમ, સામાજિક પુનઃ સમાવેશ અને પર્યાવરણ એમ ચારેય આયામોને જોડતો પ્રયોગ છે.

પર્માકલ્ચર શહેર બહારનું પ્રયોગક્ષેત્ર

ઍન્ડર્નાકના ‘એડિબલ સિટી’ મૉડલને સમજવા માટે આપણે શહેરની બહાર એક લટાર મારવી પડે. Eich વિસ્તારમાં આવેલું પર્માકલ્ચર ક્ષેત્ર એ ૨૦૦૮ની સાલમાં જ્યારે આ વિચારને સ્વીકાર્યાનો શરૂઆતી સમય હતો ત્યારે એક વિશાળ પ્રયોગક્ષેત્ર તરીકે વિકસ્યું હતું જ્યાં બગીચા, ફળવાડી, જંગલી મધમાખીઓ માટેનાં સ્થળો, કીટકો માટેના નિવાસથી લઈને પશુપાલન અને વિવિધ શૈક્ષણિક તત્ત્વોનો પણ સમાવેશ કરવામાં આવ્યો. 
૨૦૨૩ના નોંધાયેલા આંકડા અનુસાર શહેરના કેન્દ્રમાં આશરે ૮૦૦૦ ચોરસ મીટર જેટલા શહેરી બગીચાઓ અને ઉપનગરોમાં અંદાજે ૧,૩૦,૦૦૦ ચોરસ મીટર જેટલી નગરપાલિકાની જમીન પર શહેરી ખેતી થઈ હતી. આ આંકડા જ દર્શાવે છે કે ‘એડિબલ સિટી’ હવે એકાદ પ્રદર્શન બેડનું નામ નથી પરંતુ એ શહેરવ્યાપી જમીન-વ્યવસ્થાપનના વિચારનું પરિપક્વ પરિણામ છે.

સામાન્ય નાગરિક શું કરી શકે?

આ પ્રોજેક્ટનો મૂળ લાભાર્થી જ સામાન્ય નાગરિક છે. તે જાહેર બગીચામાં જઈ શકે છે, છોડ જોઈ શકે છે, પાક વિશે જાણકારી મેળવી શકે છે અને પાક તૈયાર હોય ત્યારે એને તોડી પણ શકે છે. એમ કહો તો ચાલે કે આ પ્રોજેક્ટ દ્વારા શહેરનું લક્ષ્ય જ નાગરિકોને જાહેર હરિયાળી પ્રત્યે વધુ સંવેદનશીલ બનાવવાનું અને શક્ય હોય ત્યાં ઉપયોગ તથા જાળવણીમાં જોડવાનું છે.
અચ્છા, આ પ્રયોગની સૌથી રસપ્રદ વાત એ છે કે જાહેર જગ્યાએ બનાવેલા આ બગીચા કહો કે ખેતર કહો, એનો લાભ લેવાનો અર્થ માત્ર મફત ટમેટું તોડી લઈ ઘરે લઈ જવું એટલો જ નથી. કોઈ નાનું બાળક પહેલી વાર છોડ પર ટમેટું ઊગેલું જોઈ શકે, કોઈ વૃદ્ધ વ્યક્તિ બગીચા પાસે બેસીને વાતચીત કરી શકે, કોઈ પ્રવાસી શહેરને નવી નજરે જોઈ શકે, કોઈ સ્કૂલનો વિદ્યાર્થી ખેતીની પ્રક્રિયા સમજી શકે જેવા અનેક શુભાશયો પણ છે. વાસ્તવમાં ઍન્ડર્નાક બાળકો માટે ખુલ્લો વર્ગખંડ પૂરો પાડતું શહેર છે, કારણ કે શહેરની પ્રાથમિક સ્કૂલોમાં સુધ્ધાં સ્કૂલ-બગીચા ઊભા કરવામાં આવ્યા છે જેનો મૂળ હેતુ એ છે કે બાળકોને ખોરાક ક્યાંથી આવે છે, બીજ કોને કહેવાય અને એમાંથી છોડ કઈ રીતે ઊગે છેથી લઈને ટકાઉ ખેતી શું છે? આ બધું જ પુસ્તકમાંથી નહીં, પોતાના અનુભવથી શીખવા મળે છે. સુપરમાર્કેટમાં પૅક થયેલાં ટમેટાં જોઈને મોટું થતું બાળક ઘણી વખત ખેતીની વાસ્તવિક પ્રક્રિયા પણ જાણતું નથી હોતું. ઍન્ડર્નાકના બગીચાઓએ આ અંતર ઓછું કરવાનો પ્રયત્ન કર્યો છે.
આટલું જાણ્યા પછી પણ જો આપણે એમ કહીએ કે ‘એડિબલ સિટી’ એ માત્ર મફત ખોરાક આપતી યોજના છે તો કહેવું પડે કે આપણી આ સમજણ હજીયે અધૂરી છે. આ પ્રયોગ એ જાહેર જમીનના સંચાલનની પણ એક નવી પદ્ધતિ છે.

 

Whatsapp-channel Whatsapp-channel

23 August, 2026 05:25 PM IST | Andernach | Aashutosh Desai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK