Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ટ્રાવેલ > આર્ટિકલ્સ > બ્રિટિશ બાંધણી, ઊંચી છત, પથ્થરનાં મકાનો એ જ છે રાજપૂતાના ક્લબની ખરી રોનક

બ્રિટિશ બાંધણી, ઊંચી છત, પથ્થરનાં મકાનો એ જ છે રાજપૂતાના ક્લબની ખરી રોનક

17 September, 2023 01:40 PM IST | Mumbai
Manish Shah | writermanishshah@gmail.com

કમાનાકાર દરવાજામાંથી અંદર પ્રવેશો અને નજર લગભગ પચીસેક ફુટ ઉપરની છત પર અટકી જાય એટલી સુંદર આ લૉબી બનાવી છે. બહુ ઝાકઝમાળ નહીં, પરંતુ શાલીનતા, સાદગી સાત્ત્વિકતાની તરત જ અનુભવાઈ રહેલી અનુભૂતિ તમને ઘેરી વળે.

સવારના કુમળા તડકામાં દૌલત મહેલ અને ભેખડનો અસબાબ - ઇડર.

શ્રી કુદરત શરણમ્ મમ:

સવારના કુમળા તડકામાં દૌલત મહેલ અને ભેખડનો અસબાબ - ઇડર.


કાશ્મીરની સંસ્કૃતિ, એના ઇતિહાસ અને વારસાની વાતો ગયા અઠવાડિયે કરી. ચાલો, આ સિરીઝમાં આગળ વધીએ. સાંસ્કૃતિક વારસાની, હેરિટેજ હોટેલ્સની વાત કરીએ અને રાજસ્થાનનો સમાવેશ ન કરીએ તો રાજસ્થાનનું અપમાન ગણાય. એક-એકથી ચડિયાતાં એવાં ઐતિહાસિક શહેરો, ગામડાંઓ ધરાવતું રાજસ્થાન ભારતની સાંસ્કૃતિક ઓળખ તરીકે આખી દુનિયામાં પ્રસિદ્ધ છે. જોધપુર, જયપુર, ઉદયપુર, જેસલમેર... કેટકેટલાં નામ લખું? આ તો થયાં મુખ્ય શહેરો. બિકાનેર, અલવર, અજમેર, નિમરાણા, ખીમસર આવાં નાનાં-નાનાં તો અનેક શહેરો આ વારસાનાં છડીદાર છે.


રાજસ્થાન એટલે રણ અને રંગ. આમ તો બન્ને શબ્દો વિરુદ્ધાર્થ છે, પરંતુ રાજસ્થાન જેટલું રંગીલું રાજ્ય આખા ભારતમાં એક પણ નથી એ હકીકત છે. હવેલી, મહેલાતો અને કિલ્લાઓનું સામ્રાજ્ય ધરાવતું રાજ્ય એટલે રાજસ્થાન. રાજપૂત રાજાઓનાં પરાક્રમોની ધરતી એટલે રાજસ્થાન. સદીઓથી દેશના પશ્ચિમ છેડેથી આવી ચડતા આક્રમણખોરો સામે કિલ્લેબંધી કરી દેશને ઘણે અંશે સુરક્ષિત રાખનાર જવાંમર્દોની ધરતી એટલે રાજસ્થાન. વીરાંગનાઓના શૌર્ય, વીરતા અને જૌહરની અમર લોકકથાઓથી લથબથ ધરતી એટલે રાજસ્થાન. આવા ભવ્ય રાજસ્થાનથી કયો ભારતીય પરિચિત ન હોય? પણ આ વખતે મારે ઉદયપુર, જયપુર વગેરે મુખ્ય શહેરોની હવેલીઓની કે મહેલોની વાત નથી કરવી. એ પછી ક્યારેક કરીશું.આ વખતે હેરિટેજ સિરીઝમાં વાત કરવી છે. લગભગ ૧૫૦ વર્ષ પહેલાં બ્રિટિશર્સ દ્વારા બ્રિટિશર્સ માટે સ્થપાયેલી એક ક્લબની. ‘રાજપૂતાના’ ક્લબની. સદીઓ પહેલાં અત્યારનો રાજસ્થાન કહેવાતા આ રાજ્યનો મોટા ભાગનો પ્રદેશ, ગુજરાતનો થોડો પ્રદેશ અને મધ્ય પ્રદેશનો થોડો પ્રદેશ ‘રાજપૂતાના’ કહેવાતો. આમ જોવા જઈએ તો રાજપૂતાના એટલે રાજપૂતોની ધરતી. રાજપૂતોનો પ્રદેશ. આમ તો આ આખું રાજપૂતાના સપાટ અને વેરાન રણપ્રદેશ જ હતો, ફક્ત અરવલ્લીની પર્વતમાળાને છોડીને. ભારતની સૌથી જૂની અને લગભગ ૭૦૦ કિલોમીટરની લંબાઈ ધરાવતી આ પર્વતમાળા ગુજરાત, રાજસ્થાન, હરિયાણા અને છેક દિલ્હી સુધી પથરાયેલી છે, પરંતુ અનેક ટુકડાઓમાં. સદીઓથી વાતાવરણનો માર ખાઈ-ખાઈને આ જૂનામાં જૂની પર્વતમાળા અત્યારે અનેક ટુકડાઓમાં વિભાજિત થઈ ગઈ છે. હિમાલય સૌથી યુવાન પર્વતમાળા છે એ વાચકોની જાણ ખાતર. રાજપૂતાના જ્યારે બ્રિટિશ હુકૂમત હેઠળ હતું ત્યારે અહીંની ગરમી અંગ્રેજોને હેરાન-પરેશાન કરી નાખતી. ક્યાં યુરોપ અને ક્યાં રાજપૂતાના? અને એટલે જ અહીંના આકરા ઉનાળાને ઘણે અંશે સહ્ય બનાવવા અંગ્રેજોએ ઉનાળુ પાટનગર બનાવ્યું, અરવલ્લી પર્વતમાળાના સૌથી ઉત્તુંગ વિસ્તારને, જે માઉન્ટ આબુ તરીકે પ્રખ્યાત થયું. અરવલ્લીનું સૌથી ઉચ્ચતમ શિખર ગુરુશિખર પણ આ માઉન્ટ આબુમાં જ આવેલું છે. ઊંચાઈ છે ૫૬૫૦ ફુટ. ઘસાઈ-ઘસાઈને શિખર પણ નીચાં થઈ ગયાં. પુરાણોમાં પણ જેનો ઉલ્લેખ છે એવા આબુનું મૂળ નામ અર્બુદા હતું. અહીંની પ્રતિષ્ઠિત, અધિષ્ઠાતા દેવી છે અર્બુદા અને તેમનું એક મંદિર પણ છે, પરંતુ અંગ્રેજોને ઉચ્ચાર કરતાં ન ફાવે એટલે કાળક્રમે થઈ ગયું આબુ. વળી પર્વતીય વિસ્તાર હોવાને કારણે માઉન્ટ આબુ. રાજસ્થાન અને ગુજરાતમાં આંગળીના વેઢે ગણી શકાય એટલાં હિલ સ્ટેશન છે, એમાં સૌથી લોકપ્રિય હિલ સ્ટેશન એટલે આ માઉન્ટ આબુ. રાજપૂતાનામાં સરકારી ફરજ બજાવતા અનેક અંગ્રેજી અફસરો, અમલદારો, અહીંના રાજવીઓ અને તેમના પરિવાર ઉનાળામાં આબુમાં જ ધામા નાખતા.


બ્રિટિશ સંસ્કૃતિ પ્રમાણે હળવા-મળવા માટે ક્લબ પણ જોઈએ એટલે માઉન્ટ આબુમાં સ્થપાઈ આપણી આ રાજપૂતાના ક્લબ. ખૂબ જ પ્રતિષ્ઠિત અને અઢાર એકર્સમાં ફેલાયેલી આ ક્લબની બ્રિટિશકાળમાં બોલબાલા હતી. ડિનર અને ડાન્સ પાર્ટીઓ આ ક્લબની રોનક હતી. આબુમાં કાયમી રહેતી ઠંડક અને એ પણ વળી શિયાળામાં પડતી કડકડતી ઠંડી, અંગ્રેજોને મૂળ વતનની યાદ અપાવી દેતી એટલે આ ક્લબ ચાલી પડી. એકદમ જ બ્રિટિશ બાંધણી, ઊંચી છત, પથ્થરનાં મકાનો એ બધું આ ક્લબની રોનક હતું. જાહોજલાલી છલકાતી રહેતી અહીં. અંગ્રેજો ૧૯૪૭માં નીકળી ગયા પછી આ ક્લબની રોનક ઝાંખી થતી ગઈ, લગભગ પચાસેક વર્ષ તો એકદમ જ ઉપેક્ષિત હાલતમાં. આ ક્લબ ખાડે જઈ ચૂકી હતી. હેરિટેજ હોટેલ્સનો દોર શરૂ થઈ ચૂક્યો હતો, પરંતુ શરૂઆતનાં ઘણાં વર્ષો અનેક મહેલો, કિલ્લાઓ પરિવર્તિત થતા ગયા.

રાજસ્થાનમાં તો અગણિત મહેલ હતા. જ્યારે આટલી બધી માત્રામાં મહેલો મળી રહેતા હોય ત્યારે ક્લબ તરફ કોણ જુએ? છેક ૧૯૯૫માં અમદાવાદના પ્રખ્યાત હોટેલિયર અને સફળ પારસી ઉદ્યોગપતિ જહાંગીર કામાની એના પર નજર પડી, આ જર્જરિત અવસ્થામાં સડી રહેલી ક્લબ તરફ અને તેમણે આ ક્લબને ખરીદી લીધી. હવે શરૂ થઈ ક્લબને પુનર્જીવિત કરવાની કામગીરી. મૂળભૂત ઢાંચાને અકબંધ રાખીને એકદમ જ ઇકો ફ્રેન્ડ્લી રિસૉર્ટ બનાવવાનું નક્કી કર્યું હતું. ક્લબનું મોટા ભાગનું મૂળ ફર્નિચર જે સચવાયેલું હતું અથવા ફરી પાછું બનાવી શકાય એમ હતું એ તમામ ચીજોને ફરી મૂળભૂત અવસ્થામાં ઊભી કરી. ચાલીસ રૂમ અને બે સ્વીટ્સ ધરાવતી આ ક્લબ એક અલગ જ મિજાજમાં, અલગ જ અંદાજમાં જીવંત થઈ ઊઠી. નામ પણ એ જ રાખ્યું, પરંતુ આગળ શ્રીમાન જહાંગીરે પોતાની અટક ઉમેરીને ક્લબની શોભામાં અભિવૃદ્ધિ કરી. કામા રાજપૂતાના ક્લબ માઉન્ટ આબુની અગ્રીમ હોટેલ્સની હરોળમાં આવી ગઈ. નવેમ્બર ૨૦૧૪માં મારી અમદાવાદની મુલાકાત વખતે દોસ્તો સાથે અમદાવાદની પ્રખ્યાત કામા હોટેલમાં જમવાનું નક્કી કર્યું ત્યારે શ્રીમાન જહાંગીર કામા શું હસ્તી છે એનો મને જરાય અંદાજ નહોતો, પરંતુ આ હોટેલની મુલાકાત લીધી, વધારે જાણ્યું, વાતો કરી ત્યારે ખબર પડી કે અમદાવાદના વિકાસમાં આ કામા કુટુંબનો ફાળો નાનોસૂનો નથી. જહાંગીર કામા ખૂબ પ્રતિષ્ઠિત નામ હતું. ત્યારે જ આ રાજપૂતાના ક્લબની વાત થઈ અને બે મહિનામાં ફરી અમદાવાદ જવાનું નક્કી કર્યું ત્યારે પ્રવાસના દિવસો વધારીને માઉન્ટ આબુની મુલાકાત પણ ગોઠવી કાઢી. મુંબઈથી જ ગાડી લઈને નીકળીશું એમ નક્કી કર્યું અને બે રાત પહેલાં જ આખી રૂપરેખા તૈયાર કરી નાખી. જાન્યુઆરીનો મહિનો એટલે ગુજરાત તો ઠંડીના ભરડામાં હશે જ અને આબુ તો વળી જાણે ઠંડીનું સરનામું જ કહેવાય. અતિશય ઠંડી અને અરવલ્લીના પર્વતો પણ ઠંડીમાં આકરા ખરા.


ચાલને, મજા પડશે. રૂપરેખા કંઈક આ પ્રમાણે નક્કી થઈ.

મુંબઈથી અમદાવાદ જવું, અમદાવાદ કામ પતાવીને રાત રોકાઈને બીજા દિવસે વહેલી સવારે નીકળીને પહોંચી જવાનું ઇડર. ઇડરિયા ગઢના આકર્ષણને કેટલલાંય વર્ષોથી પંપાળી રાખ્યું હતું, જાળવી રાખ્યું હતું. હવે મોકો મળી ગયો છે તો છોડવો નથી. ત્રણ-ચાર કલાક ઇડરને આપીને નીકળી પડવું અંબાજી તરફ. અંબાજી દર્શન કરીને પહોંચી જવું માઉન્ટ આબુ. માઉન્ટ આબુને ચાર રાત ફાળવી હતી. ફાળવવી જ જોઈએ. અહીં પણ કેટકેટલું ફરવાનું હતું. દેલવાડા તીર્થ, અચલગઢ અને આજુબાજુનો વિસ્તાર. ગાડી હોય એટલે કોઈ પણ પ્રકારની પાબંદી તમને નડે નહીં. ગાડી લઈને ફરવાના ફાયદા અનેક છે, એ વળી પછી ક્યારેક. અત્યારે આગળ વધીએ. અમદાવાદથી ઇડર પડે લગભગ ૧૧૦ કિલોમીટર પછી, અને આબુ પડે ૨૪૫ કિલોમીટર, એટલે ઇડર પહોંચીએ ત્યાં સુધી અડધું અંતર કપાઈ જાય. ઇડરિયો ગઢ સર કરીને પહોંચવું ૭૫ કિલોમીટરના અંતરે આવેલા અંબાજી મંદિરે. માતાજીનાં દર્શન કરી નીકળો સીધા માઉન્ટ આબુ. અંતર છે ફક્ત ૫૫ કિલોમીટર. લાંબી મુસાફરી માટેની એકદમ જ પર્ફેક્ટ રૂપરેખા. ચોકસાઈભર્યું આયોજન થઈ ગયું. બધું એકદમ સીધું ઊતરી ગયું હતું. અમદાવાદથી સવારે ૭ વાગ્યે ગાડી કાઢી ત્યારે વાતાવરણમાં મજબૂત ઠંડી હતી. આપણે મુંબઈગરા તો ઠંડીને લગભગ ભૂલી જ ગયા છીએ. ૧૪-૧૫ ડિગ્રીમાં તો આપણને ઓહોહો થઈ જાય. ગુજરાતની ઠંડી હજી પણ મસ્ત હોય છે. જામી પડેલી ઠંડી. ધુમ્મસ પણ મળે. રસ્તાઓ પર અડિંગો જમાવીને બેઠેલું ધુમ્મસ. ગાડીના કાચ ખોલી કાઢ્યા. ઠંડી તો પવન સાથે એકદમ અંદર ધસી આવી. આંખો ચમકી ઊઠી. ચહેરા ચમકી ઊઠ્યા. ઠંડીને ગુલાબી કહેવી કે ઠંડીને કારણે મોજમાં આવી ગયેલા અમારા ચહેરાને ગુલાબી કહેવા એ નક્કી કરવું મુશ્કેલ થઈ પડે હોં સાહેબ. અમદાવાદમાં તો ઘણા ચાલવાવાળા, ઠંડીને માણવાવાળા, બહાર નીકળેલા માણસો દેખાયા, પરંતુ અમદાવાદ છૂટ્યું અને બધું ખાલીખમ. હજી લોકોની સવાર પડી નહોતી. આમ પણ શિયાળામાં ગોદડું, રજાઈ છોડીને નીકળવાનું કોને ગમે? આમાં આપણા જેવા રીઢા પ્રવાસીઓનું સચવાઈ જાય. ૯ વાગ્યે તો ઇડર પહોંચી ગયા. ગઢનું બોર્ડ મારેલું હતું એટલે હાઇવે છોડીને ગઢ તરફની દિશા પકડી. ઇડર હજી આળસ મરડીને ઊભું થઈ રહ્યું હતું. ગાડી પાર્ક કરીને ગરમાગરમ ચા અને નાસ્તાને ન્યાય આપ્યો. ગુજરાત જેવું આ સુખ આખા ભારતમાં ક્યાંય નથી એ હું છાતી ઠોકીને કહું છું. ક્યાંય પણ નહીં. ‘ફક્કડ’ શબ્દ ફક્ત ચા માટે જ બન્યો હશે એવું આ ઠંડીમાં ઇડરની ચા પીને લાગ્યું. ચા-નાસ્તો પતાવ્યાં અને ગઢ ચડવાનું શરૂ કર્યું.

અહીં એક વાત જરૂર કહીશ. ઇડરની ભૂગોળ તદ્દન અલગ છે. અમદાવાદથી નીકળીને ૧૦૦ કિલોમીટર સુધી આવી જાઓ. સપાટ પ્રદેશ જ જોવા મળે અને અચાનક જ ક્ષિતિજ પર મોટી-મોટી શિલાઓ દૃશ્યમાન થાય. મોટી એટલે ખરેખર મોટી. મસમોટી, મહાકાય રાખોડી રંગની શિલાઓ. આમ અચાનક બદલાયેલી ભૂગોળ જોઈને કોઈને પણ આશ્ચર્ય લાગે. ખરેખર ગુજરાતમાં રહીને જ ‘શોલે’ બનાવવું હોય તો ગબ્બરના અડ્ડા તરીકે ઇડર ચાલી જાય. ૧૦૦ ટકા. નીચે ગબ્બર, એકાદ શિલા પર બેઠેલો સાંભા... આવા વિચારોથી મનોમન મલકી જવાયું. થોડું હોમવર્ક કરીને નીકળેલો એટલે ગઢની ઉપર આવેલા મહેલનું જ મુખ્ય આકર્ષણ હતું, પરંતુ આવી તોતિંગ શિલાઓ અને આવું અપ્રતિમ સૌંદર્ય જોઈને ઉપરથી વિહંગાવલોકન કરવાના નિર્ધારે શરીરમાં એક અલગ જ જોશ ભરી દીધું હતું. વાચકમિત્રો, ઇડરિયા ગઢ પર આવેલો આ મહેલ તત્કાલીન રાજા દોલતસિંહજીના નામથી દોલત પૅલેસ તરીકે પણ ઓળખાય છે, પરંતુ આમ તો બધા લોકો આ મહેલને ઇડર પૅલેસ તરીકે જ બોલે છે.

એક વાત કહું? મેં જોયેલાં ભારતનાં કદાચ શ્રેષ્ઠ લોકેશન્સમાંના એકમાં આ ઇડર પૅલેસના લોકેશનને મૂકી શકાય એમાં બેમત નથી. મહેલ સુધી પહોંચતાં જે વાર લાગી, મહેનત પડી, બધું જ વસૂલ. મહેલ તો તદ્દન બિસ્માર હાલતમાં હતો, ખંડિયેર જ કહી શકાય, પરંતુ ત્યાં જે નઝારો છે? આહાહાહા, અદ્ભુત! આ શબ્દ પણ ટૂંકો પડે ખરેખર. ઇડરની વાત કરીએ તો એમાં કહેવાનું કે ઇડર એના સમયમાં એક રજવાડું હતું. હિંમતનગરથી નાનું, પરંતુ રજવાડું. રાઠોડ વંશના આ રજવાડાએ પણ અનેક ચડતી-પડતી જોઈ છે. રાઠોડ વંશની બાર-બાર પેઢીઓએ ઇડર પર લગભગ ૪૦૦ વર્ષ રાજ કર્યું. પછી આવ્યા મોગલો, પછી ફરી રાજપૂતો, પછી મરાઠા અને છેલ્લે ફરી રાઠોડ વંશ. એ છેક ૧૯૪૮ સુધી, વિલીનીકરણ થયું ત્યાં સુધી, પરંતુ ઇડરની ખરી દુર્દશા થઈ ૧૯૪૯માં. ઇડરને બે ભાગમાં વહેંચી દેવામાં આવ્યું, સાબરકાંઠા અને મહેસાણા જિલ્લાઓ વચ્ચે. આ એક મરણતોલ ઘા હતો, જે ન તો ઇડર ખમી શક્યું, ન હિંમતનગર. હિંમતનગર તો હજી પણ ટકી રહ્યું છે, પરંતુ ઇડર રાજકીય નકશા પરથી ખતમ થઈ ગયું એમ કહેવાય. ભૂતકાળની ભવ્યતા, જાહોજલાલી સામે તો અત્યારનું ઇડર ૧૦ ટકા પણ નથી એમ દુઃખપૂર્વક લખવું પડે છે.

દૌલત પૅલેસ જોયો એ પછી હજી ઉપર એક રાણીનો મહેલ પણ છે ત્યાં ગયા. આ ચડાણ થોડું કપરું હતું. ઠંડી હતી એટલે વાંધો ન આવ્યો, ઉનાળામાં અહીં ન જવાય. માથું તો ઠીક તમે આખેઆખા તપી ઊઠો, શેકાઈ જાઓ એવું બને. આ રાણીના મહેલથી નઝારો તો વધુ ભવ્ય છે, અલૌકિક કહી શકાય. પવનનું એટલું જોર હતું કે બરાડા પાડીને વાત કરવી પડે અથવા મહેલની દીવાલોની પાછળ જઈને. પવનનું સામ્રાજ્ય છે અહીં. આ નાનકડો મહેલ પણ જર્જરિત અવસ્થામાં જ છે, પરંતુ ૩૬૦ ડિગ્રીનો ભવ્ય નઝારો જોઈને આફરીન થઈ જવાય. આ મહેલ આ ડુંગરની ટોચ છે. એક બાજુ વિસ્તરેલું, પથરાયેલું ઇડર ગામ, બીજી બાજુ દેખાઈ રહેલું એક દિવ્ય સરોવર અને ચોતરફ ફેલાયેલી નીરવ વિશાળતા. રવિવાર હતો એટલે થોડા સ્થાનિક સહેલાણીઓ પણ હતા, પરંતુ આ કંઈક ગજબ હતું. આ બન્ને મહેલ જ્યારે પ્રવૃત્ત હશે ધમધમતા હશે ત્યારે શું હશે એ કલ્પના જ અમને અચંબિત કરી રહી હતી. શું નઝારો હશે? શું કુદરતી સૌંદર્ય હશે?

વાદળોની સોબતમાં, મા પ્રકૃતિની સોડમાં, પહાડની ટોચ પર... ઉફ્ફ... અને અત્યારે, આ દશા જોઈને રડવાનું મન થતું હતું. એક અજબ ટીસ ઊઠી રહી હતી. એક હતાશા ઘેરી વળી હતી. કંઈક ગૂંગળામણ, છાતી ભીંસાઈ રહી હતી. કેવો ભાર? કંઈક અસહ્ય હતું. અંદરનો ધૂંધવાટ એક આક્રોશ જગાડી રહ્યો હતો. ઉદ્વેગ જન્માવી રહ્યો હતો. એમાં વળી દીવાલ પર લખેલાં નામ બળતામાં ઘી ઉમેરતાં હતાં. દરેક દીવાલો ચીતરાયેલી હતી. લોકોએ દીવાલોને, ઇતિહાસને, એની મહત્તાને વિકૃત કરી નાખી હતી. જુગુપ્સા ઊપસી આવી માનસિક રુગ્ણતા તરફ. ચાલો જાવા દ્યો. બળાપો કાઢીને કાંઈ થવાનું નથી.

નીચે ઊતર્યા. ઇડરની મુલાકાત છોડવા જેવી નથી. મોકો મળે તો ઝડપી લેજો. એક વાર મોકો ઊભો કરજો, પણ ઇડર અને ઇડરિયા ગઢની મુલાકાત લેવી જ લેવી. ઇડરથી નીકળ્યા અંબાજી જવા. પચીસેક કિલોમીટર પર ખેડબ્રહ્મા આવે અને અહીંથી અંબાજી છે લગભગ બાવન કિલોમીટર દૂર, પરંતુ વાચકમિત્રો, આ બાવન કિલોમીટર તમારી અંદરના ડ્રાઇવિંગના શોખીન આત્માને સંતોષે છે. ગુજરાતમાં જો આંતરરષ્ટ્રીય કક્ષાની ડ્રાઇવિંગની સ્પર્ધા કરવી હોય તો આ બાવન કિલોમીટર એક શ્રેષ્ઠ અને સશક્ત વિકલ્પ બની રહે એમાં કોઈ બેમત નથી. શું રસ્તો છે? અફલાતૂન. માખણિયો. એક પણ ખાડો નહીં. પહોળો અને જબરદસ્ત વળાંક ધરાવતો આ રસ્તો કોઈને પણ જલસો કરાવી દે એટલો રોમાંચક છે. ઇડરથી અંબાજી અને પાછા એમ ૧૫૦ કિલોમીટરની આ સ્પર્ધા કરી શકાય, ચોક્કસ. અંબાજી દર્શન કરીને લગભગ પાંચેક વાગ્યે અમે આબુમાં હતા. આબુમાં મુખ્ય ચોક છે ત્યાં પૂછ્યું અને પહોંચ્યા ક્લબ પર. મસ્તમજાની કામા રાજપૂતાના ક્લબનું બોર્ડ ચમકી રહ્યું હતું. હેરિટેજ ક્લબમાં રહેવાનો આ પહેલો મોકો હતો, પરંતુ અંદર-અંદર આનંદ અનુભવાઈ રહ્યો હતો. હેરિટેજ પ્રૉપર્ટી હોવાનાં દરેક લક્ષણ દેખાઈ રહ્યાં હતાં. જાજરમાન લાગે. રિસેપ્શન અને મુખ્ય લૉબી તો ખૂબ જ આકર્ષક લાગી રહી હતી. કમાનાકાર દરવાજામાંથી અંદર પ્રવેશો અને નજર લગભગ પચીસેક ફુટ ઉપરની છત પર અટકી જાય એટલી સુંદર આ લૉબી બનાવી છે. બહુ ઝાકઝમાળ નહીં, પરંતુ શાલીનતા, સાદગી સાત્ત્વિકતાની તરત જ અનુભવાઈ રહેલી અનુભૂતિ તમને ઘેરી વળે. જગ્યાનાં સ્પંદનો સરસ હતાં. અમારી રૂમ નવી બનાવેલી વિન્ગમાં હતી, પરંતુ બરાબર લૉનની સામે પડતી આ રૂમ ખૂબ સુંદર હતી. આખી વિન્ગ પથ્થરની બનાવાયેલી હતી, જે ક્લબના જૂના સ્વરૂપ સાથે એકદમ એકરૂપ થતી લાગી. વહેલી સવારમાં પરિસરને માણીશું એવું નક્કી કરીને અમે આડા પડ્યા.

ક્લબની અંદર પ્રવેશો એવા જ બાહ્ય જગતથી છૂટા પડી જાઓ એટલો સુંદર આ કલબનો પરિસર છે. ૧૮ એકર્સ જગ્યાનો ખૂબ સરસ ઉપયોગ કર્યો છે. ઢળતા છાપરાનાં મકાનો, ગેરુ રંગનાં નળિયાંવાલાં છાપરાં, લૉન્સ, સ્વિમિંગ-પૂલ, એની ઉપરથી પસાર થતો એક સરસમજાનો લાકડાનો પુલ... વાહ... મન આનંદિત થઈ ગયું. ડિનર માટે ગયા. ડાઇનિંગ હૉલ પણ એટલો જ સુંદર. સરસ ઝુમ્મરો, એકથી દોઢ ફુટ જાડી દીવાલો, લાકડાનું ભવ્ય રાચરચીલું, પીળા રંગની ઝાંય ધરાવતો પેસ્ટલ રજવાડી રંગ. આ બધાં પરિબળ આખા ડાઇનિંગ હૉલને કંઈક અલગ જ રીતે શોભાયમાન બનાવી રહ્યાં હતાં. ૧૯મી સદીમાં પ્રવેશી જાઓ તમે. કોઈ રોકી નહીં શકે. જમીને આજે તો વહેલા સૂવાનું નક્કી કર્યું, પરંતુ ઇડર જાણે આંખોમાં અંજાઈ ગયું હતું. આમ ને આમ વિચારતાં-વિચારતાં સૂઈ ગયા. વહેલી પડે સવાર. આબુની મુલાકાતમાં દેલવાડાનાં મંદિરોનો વારો સૌથી પહેલાં હતો. અતિપ્રસિદ્ધ દેલવાડાનાં આ દેરાસરોનો ઇતિહાસ અનોખો છે. ઈસવી સન ૧૦૩૧થી ઈસવી સન ૧૫૮૨ એમ ૫૦૦ વર્ષ સુધી અલગ-અલગ સમયકાળ દરમ્યાન અને વિવિધ બંધાણીઓ ધરાવતાં આ મંદિરો રાજસ્થાની સ્થાપત્યકળાની સર્વશ્રેષ્ઠ મિસાલ છે. આ જગપ્રસિદ્ધ જૈન તીર્થનાં મંદિરોની કારીગરી દેલવાડાને જગતની સર્વશ્રેષ્ઠ રચનાઓમાં સર્વોચ્ચ શિખરે સ્થાપિત કરે છે. ગજબની કોતરણી, અદ્ભુત કારીગરી, આરસપહાણની શુભ્રતા અને ભક્તોની આસ્થાનો શુભ સમન્વય એટલે દેલવાડાનાં આ દેરાસરો. ત્યાંથી લગભગ સાડાઆઠ કિલોમીટરના અંતરે આવશે અચલગઢ ગામ અને ગામનો કિલ્લો. ૯મી સદીમાં બાંધેલા અહીં આવેલા અચલેશ્વર મહાદેવ મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો ઈસવી સન ૧૪૫૨માં તત્કાલીન રાજવી મહારાણા કુંભાએ. મંદિરને અડીને આવેલા અને હવે લગભગ સુકાયેલા મંદાકિની કુંડ અને અચલેશ્વર મહાદેવના મંદિરનો ઇતિહાસ ફરી ક્યારેક. અચલગઢનો કિલ્લો પણ અતિપ્રાચીન છે અને કિલ્લાની અંદર જ આવેલાં બે જૈન મંદિરો અહીં સદીઓથી અસ્તિત્વ ધરાવતા જૈન ધર્મનો પ્રભાવ દર્શાવે છે. આ જૈન દેરાસરોની પણ કારીગીરી અદ્ભુત છે. અહીંની છત પર બનાવેલાં ભીંતચિત્રો એટલે કે ‘ફ્રેસ્કો’ ઇતિહાસના, પુરાતત્ત્વના શોખીનો માટે અનેક રહસ્ય ઊભાં કરે છે. મંદાકિની કુંડમાંથી નીકળેલા અને હજી પણ નીકળી રહેલા અનેક શિલાલેખો-મૂર્તિઓ, આક્રમણખોરોથી આ ધાર્મિક ધરોહરને બચાવવાના પ્રયાસોની સાક્ષી પૂરે છે. અચલેશ્વર મંદિરના પ્રાંગણમાં પંચધાતુના બનેલા ચાર ટન વજનના નંદીની પ્રતિમાની આજુબાજુ ગોઠવેલી આ બધી સામગ્રીઓ સનાતન ધર્મ વિશે ન જાણે કેટલીયે માહિતી પૂરી પાડે છે. આપણા ભારતના ભવ્ય સાંસ્કૃતિક વારસાથી આપણને માહિતગાર કરે છે. અનેક રસપ્રદ કિસ્સાઓ અહીંના સ્થાનિક પુરોહિતોના મોઢે સાંભળવાની મજા જ કંઈ ઓર છે, માટે માઉન્ટ આબુમાં આવેલા મ્યુઝિયમની મુલાકાત લેવી જ લેવી.

સ્વામી વિવેકાનંદ ઇન્સ્ટિટ્યૂટ ઑફ માઉન્ટેનિયરિંગની મુલાકાત પણ ઘણી રસપ્રદ બાબતો ઉજાગર કરે છે. અહીં રૉક ક્લાઇમ્બિંગ અને પર્વતારોહણની તાલીમ અપાય છે. પશ્ચિમ ભારતની આ ઉત્તમ અને પ્રખ્યાત સંસ્થા સાહસિક પ્રવૃત્તિઓને ખીલવવાનું કામ કેટલાંય વર્ષોથી ખૂબ સુંદર રીતે કરી રહી છે. આ ઉપરાંત ઈસવી સન ૧૮૯૭માં બંધાયેલી ટ્રેવર્સ ટૅન્ક, નકી લેક તથા બ્રહ્માકુમારીનું વડું મથક પણ આબુનાં અનેક આકર્ષણોમાં સ્થાન ધરાવે છે. આબુ માર્કેટમાં કલાકૃતિઓના અનેક શોરૂમ્સ છે. અહીંની એક દુકાનમાંથી આકસ્મિક રીતે મળી આવેલી હાથબનાવટની એક નાનીશી સુંદર મૂર્તિ મારા સંગ્રહની એક અમૂલ્ય વિરાસત છે. આમ અમદાવાદની એક સામાન્ય મુલાકાત કેટલી ફળદાયી નીવડી એનો પુરાવો એટલે અમારો આબુનો પ્રવાસ. ઇડર અને કામા રાજપૂતાના ક્લબ આ પ્રવાસની અનેરી ઉપલબ્ધિ છે, યાત્રાની એક કલગી સમાન છે. ક્લબની લાઇબ્રેરીની વાત કર્યા વગર આ લેખ અધૂરો ગણાશે. લગભગ ૨૦૦૦ જેટલાં પુસ્તકો ધરાવતી આ લાઇબ્રેરીનો અત્યાર સુધી કદાચ મહત્તમ લાભ મેં જ લીધો હશે એવું મારું નહીં, અહીંના મૅનેજરસાહેબનું પણ માનવું હતું. રોજના બેથી ત્રણ કલાક અહીંનાં અનેક અલભ્ય પુસ્તકો સાથે મેં ગાળ્યા હશે એ મારા પ્રવાસની એક ‘અદકેરી’ ઉપલબ્ધિ ગણી શકાય. લગભગ દરેક હેરિટેજ પ્રૉપર્ટીની લાઇબ્રેરી એમનું અણમોલ આભૂષણ હોય છે. સદીઓથી અહીં સચવાયેલાં પુસ્તકો તમારો હાથ પકડીને તમને ભવ્ય ભૂતકાળની સફર કરાવે છે, ઝાંખી કરાવે છે અને આંતરિક સમૃદ્ધિ પ્રદાન કરે છે. સાચું સાયુજ્ય આને જ કહેવાય. આ જ એક સનાતન સત્ય છે. ‘તમસો મા જ્યોતિર્ગમય...’

Whatsapp-channel Whatsapp-channel

17 September, 2023 01:40 PM IST | Mumbai | Manish Shah

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK