ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

shot-button

હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ટ્રાવેલ > આર્ટિકલ્સ > ખબર છે? આપણાં પાપ-પુણ્યના ચોપડા ચીતરનાર ચિત્રગુપ્ત દેવનું અલાયદું મંદિર છે તામિલનાડુમાં

ખબર છે? આપણાં પાપ-પુણ્યના ચોપડા ચીતરનાર ચિત્રગુપ્ત દેવનું અલાયદું મંદિર છે તામિલનાડુમાં

30 March, 2023 04:44 PM IST | Mumbai
Alpa Nirmal

આપણા આખા જીવતરના શુભ-અશુભનો હિસાબ રાખનાર ચિત્રગુપ્તના પ્રાચીન મંદિરે, જ્યાં ચૈત્રી પૂનમે મોટો મહોત્સવ થાય છે

ખબર છે? આપણાં પાપ-પુણ્યના ચોપડા ચીતરનાર ચિત્રગુપ્ત દેવનું અલાયદું મંદિર છે તામિલનાડુમાં તીર્થાટન

ખબર છે? આપણાં પાપ-પુણ્યના ચોપડા ચીતરનાર ચિત્રગુપ્ત દેવનું અલાયદું મંદિર છે તામિલનાડુમાં

વ્યાપારની દૃષ્ટિએ માર્ચ મહિનો એટલે લેખા-જોખાનો મહિનો. આખા વર્ષમાં કેટલું કમાયા? કયો ખર્ચ થયો? ગયા વર્ષની સરખામણીએ કેટલો નફો થયો? જેવા અસેસમેન્ટ આ મન્થમાં થાય. એવા ટાણે આપણે જઈએ આપણા આખા જીવતરના શુભ-અશુભનો હિસાબ રાખનાર ચિત્રગુપ્તના પ્રાચીન મંદિરે, જ્યાં ચૈત્રી પૂનમે મોટો મહોત્સવ થાય છે

ગુજરાતનાં પૌરાણિક મંદિરોમાં કે ગુજરાતીઓ જ્યાં વધુ જાય છે એવાં પ્રાચીન તીર્થોનાં શૈવ કે વૈષ્ણવ પરંપરાનાં મંદિરોનાં સ્થાપત્યોમાં ચિત્રગુપ્તનાં શિલ્પો કે ભીંતચિત્રો જોવા મળી શકે પણ ચિત્રગુપ્તની મૂર્તિ પુજાતી હોય, એની દેરી હોય એવું બહુ જાણમાં નથી આવતું. હા, નૉર્થ ઇન્ડિયાના કાયસ્થ જાતિના લોકો માટે ચિત્રગુપ્ત આરાધ્ય દેવ ખરા, પણ આપણે ત્યાં તેમનાં દર્શન, સેવા, પૂજા પ્રચલિત નથી. કાયસ્થ જ્ઞાતિના લોકો તો ભાઈબીજના દિવસે બાકાયદા ચિત્રગુપ્ત દેવનું પૂજન કરે છે. લક્ષ્મીપૂજન થાય એમ. ચિત્રગુપ્તની મૂર્તિને પંચામૃતથી સ્નાન કરાવડાવે. પછી અબીલ, ગુલાલ, કંકુ, વસ્ત્ર ચડાવ્યા બાદ કથા કરી ધૂપ, આરતી અને પ્રસાદ ધરાવે. એ ઉપરાંત ખાસ પેન અને નોટબુક ચડાવે અને ઉચ્ચ શિક્ષણ મેળવવાના આશીર્વાદ પણ માંગે. ભાઈબીજ ઉપરાંત ચૈત્રી પૂનમે પણ ચિત્રગુપ્તનો મોટો મહોત્સવ ઊજવાય છે. માન્યતા છે કે ચૈત્ર સુદ પૂર્ણિમાએ ચિત્રગુપ્ત પ્રગટ થયા હતા. આથી એ દિવસે વિશેષ પૂજા થાય અને ભક્તો, ખાસ કરીને મહિલાઓ અલૂણો ઉપવાસ કરે.

વેલ, વેલ, વેલ આવતા ગુરુવારે જ ચૈત્ર મહિનાની પૂર્ણિમા છે અને હાલમાં માર્ચ એન્ડિંગ પણ છે. ત્યારે આપણે જઈએ ધર્મરાજના અકાઉન્ટન્ટ ગણાતા વિશ્વના સૌથી ઓલ્ડેસ્ટ  ચિત્રગુપ્તના ધામે, કાંચીપુરમ ગામે. 


હિન્દી ફિલ્મની સદાબહાર ઍક્ટ્રેસ રેખાની પ્રિય કાંજીવરમ સાડીઓનું જે જન્મસ્થાન છે એ કાંચીપુરમ ગામ તામિલનાડુના પાટનગર ચેન્નઈથી ૭૨ કિલોમીટરના ડિસ્ટન્સ પર છે. સિલ્ક સિટી તરીકે જાણીતું કાંચીપુરમ પુરાણોના સમયથી ટેમ્પલ સિટી છે. તામિલ ભાષામાં કાંચી એટલે બ્રહ્મા, આંચી એટલે પૂજા અને પુરમ મીન્સ શહેર. બ્રહ્માના પૂજાસ્થાન ગણાતા કાંચીપુરમમાં હજાર જેટલાં મંદિરો  છે. પલ્લવ, ચોલા, પાંડવ, વિજયનગર, કર્ણાટિક રાજાઓનું રાજ્ય રહેલું આ ટાઉન સદીઓ પૂર્વે શિક્ષણનું સેન્ટર હતું. વૈષ્ણવોના સપ્તતીર્થમાં સ્થાન પામેલું આ સ્થળ પહેલીથી પાંચમી સદી સુધી જૈન અને બૌદ્ધ અભ્યાસુઓ માટેની પાઠશાળા પણ હતું. એ જ પ્રમાણે આદિ શંકરાચાર્યજીએ સ્થાપેલા કાંચી મઠ સંપ્રદાયનું ઉદ્ગમસ્થાન રહેલી આ ભૂમિ શિવપંથીઓ માટે પણ પવિત્ર તીર્થ છે. આ સ્થળે બ્રહ્માજીએ દેવીનાં દર્શન માટે દીર્ઘ તપ કર્યું હતું. આથી આ જગ્યા ખૂબ પવિત્ર છે. કહેવાય છે અહીં યાત્રા અર્થે આવનારને મોક્ષની પ્રાપ્તિ થાય છે. મોક્ષદાયિની સપ્તપુરી ગણાતાં સાત તીર્થોમાં અયોધ્યા, દ્વારકા, મથુરા, કાશી, ઉજ્જૈન, હરિદ્વાર સાથે કાંચીપુરમની પણ ગણના થાય છે. પુરાણોમાં એક શ્લોક છે. ‘પુષ્પેશુ જાતિ, પુરુષેશુ વિષ્ણુ, નારીશુ રંભા, નગરેશુ કાંચી.’’ અર્થાત ફૂલોમાં પારિજાત, પુરુષોમાં વિષ્ણુ ભગવાન, મહિલાઓમાં રંભા સર્વશ્રેષ્ઠ છે એમ નગરમાં કાંચી ઉત્તમોત્તમ છે. આવી ઉત્કૃષ્ટ નગરીમાં વિષ્ણુ ભગવાનનું વરદરાજ પેરૂમલ મંદિર, પાર્વતી માતાને સમર્પિત કામાક્ષી અન્ના ટેમ્પલ, મહાદેવનું એકામ્બરનાથ મંદિર, કૈલાશનાથ, અંબરેશ્વર મંદિર જેવાં અતિ અને પ્રાચીન મંદિરોની સાથે ત્રિસ્તરીય રાજગોપુરમ ધરાવતું ચિત્રગુપ્તનું દેવ મંદિર પણ છે. પરંતુ મંદિરોની નગરીની વન-ડે હઈશો-હઈશો ટ્રિપમાં મુખ્ય મંદિરોમાં તો મથ્થા ટેકી અવાય છે, પણ બ્રહ્માજીના પુત્ર ચિત્રગુપ્તના મંદિરે જવાતું નથી અને વર્લ્ડના રૅર કહેવાતા આ દેવાલયનાં દર્શનથી આપણે વંચિત રહી જઈએ છીએ.


ખેર, આજે રાહુ ગ્રહના અધિપતિ કહેવાતા ચિત્રગ્રુપ્ત સ્વામીના આ મંદિરની ભાવયાત્રા કરીએ, મોકો મળતાં જ એની પ્રત્યક્ષ યાત્રા કરીશું એવા પ્રૉમિસ સાથે. નવમી સદીમાં ચૌલ વંશના રાજાઓએ આ મંદિર સ્થાપ્યું. દ્રવિડ વાસ્તુકલાના આ ૧૪૦૦ વર્ષ પૌરાણિક મંદિરના મુખ્ય દેવ ચિત્રગુપ્ત એક હાથમાં કલમ અને બીજા હાથમાં તાડનું પત્ર પકડીને બેઠા છે. જોકે મોટી મૂર્તિ છે એ અર્વાચીન છે અને ભક્તો એની પૂજા કરી શકે છે. પણ એ ગર્ભગૃહની બાજુમાં જ બીજી એક ધાતુની પ્રતિમા છે, જે પ્રાચીન છે અને ૧૯૧૮થી ૧૯૯૪ સુધી અહીં ચાલેલા ખોદકામ અને રિનોવેશન દરમિયાન મળી આવી છે. શહેરની મધ્યમાં આવેલું આ દેવાલય પહેલી નજરે ઑર્ડિનરી તામિલિયન ટેમ્પલ જેવું જ દેખાય. એના ગોપુરમ કહેવાતા દ્વાર વગેરેની બાંધણી પણ રેગ્યુલર છે પરંતુ મંદિરની અંદરની દીવાલોનાં સ્થાપત્યો જોતાં આ જગ્યાએ જૂનું મંદિર હશે એનો ખ્યાલ આવે છે. જોકે હવે તો સ્થાપત્યો અને અન્ય સ્ટોન વર્કને ઑઇલ પેઇન્ટથી રંગીને ભદ્દુ બનાવી દીધું છે, પરંતુ પ્રાચીન મૂર્તિ ખૂબ જ સુંદર છે અને એથીયે વધુ અદ્વિતીય છે ચિત્રગુપ્ત સ્વામીનું અલાયદું મંદિર હોવું એ. 

યમરાજના સહાયક તરીકે કાર્યરત ચિત્રગુપ્તની ઉત્પત્તિની ત્રણ કથા પ્રચલિત છે. એક કથા અનુસાર ભગવાન શંકર દેવી પાર્વતી સાથે પૃથ્વીલોક પર ભ્રમણ કરી રહ્યા હતા ત્યારે તેમને મનમાં વિચાર આવ્યો કે ધરતી પર રહેતા આ મનુષ્યોનાં કર્મોનો હિસાબ કરવા કોઈ તો હોવું જોઈએ. અને ભોળા શંભુએ એક ચિત્રનું આલેખન કર્યું. એ તસવીર એટલે ચિત્રગુપ્ત. ચિત્રમાંથી ઉત્પન્ન થયા અને ગુપ્ત એટલે લેખાકાર એટલે નામ પડ્યું ચિત્રગુપ્ત. બીજી વાર્તા એવી છે કે ધર્મરાજે એક વખત બ્રહ્માજી પાસે સહાયકની માગણી કરી. અતિશય કામના ભારણને કારણે તેમને યોગ્ય વ્યક્તિની જરૂર હતી, જે દરેક જીવનાં કર્મોના હિસાબ રાખી શકે. બ્રહ્માજીએ એક હજાર વર્ષ તપસ્યા કરી અને તેમની કાયામાંથી એક પુરુષ ઉત્પન્ન થયો, તે ચિત્રગુપ્ત હતા. આ ચિત્રગુપ્તને બે પત્નીઓ હતી, નંદિની અને શોભાવતી. એ બે ભાર્યાથી તેમને ૧૨ પુત્રો થયા અને તેમના વંશજો કાયસ્થ કહેવાયા. આથી આજે પણ કાયસ્થ જ્ઞાતિના આરાધ્ય દેવ ચિત્રગુપ્ત કહેવાય છે.

આ પણ વાંચો: રામ-લક્ષ્મણ કી પાઠશાલા - બક્સર

આપણા ગ્રંથોમાં ચિત્રગુપ્તને બ્રહ્માજીના ૧૪મા પુત્ર (અન્ય માન્યતા મુજબ ૧૭મા પુત્ર) ગણાવાયા છે. પૌરાણિક કથાઓ અનુસાર બ્રહ્માજીના મનથી ઋષિ વશિષ્ઠ, નારદ અને અત્રિ એમ ત્રણ પુત્રો પ્રગટ થયા; જે તેમના માનસપુત્રો કહેવાયા. બીજા ધર્મ, ભ્રમ, વાસના, મૃત્યુ જેવા ૧૦ પુત્રો શરીરથી ઉત્પન્ન થયા; જે ઋષિપુત્ર કહેવાયા. ૧૪મા પુત્ર ચિત્રગુપ્ત પણ કાયામાંથી જ અવતર્યા હોવા છતાં તેને દેવ કહેવાયા. આ થઈ ત્રીજી કથા.

પુરાણોમાં કહ્યું છે કે ‘યમ દેવતાના લેખાપાલ તરીકે જાણીતા ચિત્રગુપ્ત એટલા સબળ છે કે આપણા કરેલાં, દેખીતાં કાર્યો તો ખરાં જ પણ મનમાં પણ જે વિચાર આવે છે એ બધા જ વિચારોને પણ ચિત્રગુપ્તજી સંચિત કરે છે અને એ માનસિક શુદ્ધિ-અશુદ્ધિઓના સંકલન બાદ જીવોને બીજી ગતિ મળે છે. કલ્પના તો કરી જુઓ, આ કેટલું જંગી કામ છે! ૮૪ લાખ જીવ યોનિમાં રહેલા એકેએક નાના-મોટા જીવની પળેપળનો હિસાબ રાખનાર કેવા બાહોશ દેવ હશે અને સનાતન ધર્મમાં તેમનું કેટલું મહત્ત્વ હશે! 
 આથી જ કહે છે કે ભાઈબીજના દિવસે યમરાજની બહેન યમના નદીમાં સ્નાન કરવાનું મહાપુણ્ય ગણાય છે. એ રીતે એ જ દિવસે યમરાજા સાથે તેમના PA ચિત્રગુપ્તની પૂજાઅર્ચના પણ નર્કમાં જવાથી બચાવે છે. જોકે એક વર્ગ એમ પણ માને છે કે ચિત્રગુપ્ત જ્ઞાન અને બુદ્ધિના દેવ છે. તેમની પાસે અદ્ભુત મેઘા છે. તેમની આરાધનાથી આપણામાં પણ નૉલેજ અને વિઝડમ આવે છે.

એમ તો ભારતમાં અનેક ઠેકાણે ચિત્રગુપ્તનાં મંદિરો છે, જેમાં ખજુરાહો ખાતે ઈ. સ. ૯૭૫માં બનેલું ચિત્રગુપ્તનું મંદિર પણ ખ્યાતનામ છે. જોકે એ ત્યાં ટેમ્પલ કૉમ્પ્લેક્સનો એક હિસ્સો ગણાય છે. નર્તક, નર્તકીઓ, દેવાંગનાઓ, બ્રહ્મા, ભૈરવ, સૂર્ય, વિષ્ણુ, કુબેર અને અન્ય ચતુર્ભુજ સ્થાપત્યો વચ્ચે સાત ઘોડાના રથ પર સવાર ચિત્રગુપ્તજી અહીં પૂજનીય નથી. એ ખજુરાહોની વર્લ્ડ હેરિટેજ સાઇટની સીનિક પ્લેસ માત્ર છે. 

ચેન્નઈથી કાંચીપુરમ જવા અનેક બસ-સર્વિસ છે. તો આ મેટ્રો સિટીની સબર્બન રેલવે પણ છેક કાંચીપુરમ સુધી પહોંચાડે છે અને રહેવા તેમ જ જમવા માટે અહીં દરેક બજેટના અઢળક ઓપ્શન છે, કારણ કે વિદેશીઓ આ તામિલિયન ટેમ્પલ ટાઉન જોવા ખૂબ મોટી સંખ્યામાં આવે છે. ચૈત્રી પૂર્ણિમાએ તો અહીં ભવ્ય મહોત્સવ થાય જ છે એ સાથે દર અમાસે પણ અહીં વિશેષ પૂજાનું આયોજન થાય છે. જોકે આ દિવસો સિવાય બારે મહિના મંદિર સવારે પાંચથી ૧૨ અને સાંજે ૪થી ૯ ખુલ્લું રહે છે અને દરેક જ્ઞાતિ, જાતિ, બોલીના ભક્તો અહીં દર્શનાર્થે પધારે છે ઍન્ડ ઍટ લીસ્ટ એક દીવો પ્રગટાવી ચિત્રગુપ્તજીને વંદન કરે છે.

પૉઇન્ટ બ્લૅન્ક 

મહાકાલની નગરી ઉજ્જૈનમાં ક્ષિપ્રા નદીના કિનારે રામ ઘાટ પર બ્રહ્માજીના મંદિરના સંકુલમાં ચિત્રગુપ્તનું પણ મંદિર આવેલું છે. પદ્મ પુરાણમાં ઉલ્લેખ છે કે આ સ્થળે ચિત્રગુપ્તએ તપસ્યા કરી હતી અને વિશિષ્ટ શક્તિઓ પ્રાપ્ત કરી હતી. કહે છે કે ૪૦૦ વર્ષ પૂર્વે નિર્માણ થયેલા આ મંદિરમાં દર્શન કરવાથી જન્મકુંડળીમાં રહેલા કાલસર્પ યોગનું સમાપન થાય છે અને મનુષ્યોની સર્વે મનોકામના પૂર્ણ થાય છે તથા સત્ય, ન્યાય ને શાંતિ મળે છે. શ્રદ્ધાળુઓ અહીં ચિત્રગુપ્ત દેવને પેન, શાહી, નોટબુક સમર્પિત કરી પ્રજ્ઞાપ્રાપ્તિ માટે પ્રાર્થના કરે છે.

30 March, 2023 04:44 PM IST | Mumbai | Alpa Nirmal

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK