ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

shot-button

હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ટ્રાવેલ > આર્ટિકલ્સ > ચાલો, જ્યાં કદી પૂજા બંધ નથી થઈ એવા સૌથી પ્રાચીન માતાના મંદિરમાં...

ચાલો, જ્યાં કદી પૂજા બંધ નથી થઈ એવા સૌથી પ્રાચીન માતાના મંદિરમાં...

23 March, 2023 05:01 PM IST | Mumbai
Alpa Nirmal

ચૈત્ર નવરાત્રિનો પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે બિહારમાં આવેલા વિશ્વના ઓલ્ડેસ્ટ કાર્યરત મા મુંડેશ્વરીના મંદિરે જઈએ, જ્યાં રક્તવિહીન બલિ ચડાવાય છે

મુંડેશ્વરી મંદિર તીર્થાટન

મુંડેશ્વરી મંદિર

હિન્દુ શાસ્ત્રો અનુસાર વર્ષમાં કુલ ચાર નવરાત્રિ આવે છે. એ દરમિયાન શક્તિ, શાંતિ, કરુણા, બુદ્ધિ, માતૃરૂપે પૂજાતી દેવી માની ભક્તિ અને આરાધના કરવામાં આવે છે. પહેલાં વાત કરીએ શારદીય નવરાત્રિની. એ ગુજરાતી પંચાંગ અનુસાર વર્ષના છેલ્લા મહિના આસોમાં આવે છે અને સમસ્ત ગુજરાત અને ગુજરાતીઓ ખૂબ ભાવોલ્લાસથી એ ઊજવે છે. બીજી નવરાત્રિ છે ચૈત્ર નવરાત્રિ. ચૈત્ર સુદ એકમ એટલે હિન્દુ નવા વર્ષથી શરૂ થતા આ નવ દિવસ પણ માતાજીના ઉપાસકોમાં અતિ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. મહા અને અષાઢ મહિનાના પડવાથી શરૂ થતી નવરાત્રિ ગુપ્ત નવરાત્રિ કહેવાય છે અને દૈવી ભક્તો આ નવ દિવસ પણ શક્તિની સાધના કરે છે.

વેલ, ગઈ કાલથી ચૈત્ર નવરાત્રિ શરૂ થઈ ગઈ છે ત્યારે આપણે જઈએ બિહારનાં મુંડેશ્વરી માતાના મંદિરે. એ આખા વિશ્વનું સૌથી પ્રાચીન ફંક્શનલ મંદિર છે. મતલબ કે એના નિર્માણ બાદ એમાં ક્યારેય પૂજા-અર્ચના બંધ થઈ નથી.


જે વાચકો જસ્ટ ફૉર ફન ભોજપુરી ફિલ્મો કે ભોજપુરી ભાષામાં ડબ્ડ ફિલ્મો જોતા હશે એ લોકો કૈમુર અને ભભુઆ જેવાં ગામ અને જિલ્લાનાં નામોથી પરિચિત હશે, કારણ કે કૈમુર જિલ્લો બિહારનો પ્રસિદ્ધ વિસ્તાર છે અને ભભુઆ આ ડિસ્ટ્રિક્ટનું મુખ્ય મથક. જોકે કૈમુર ફિલ્મોને કારણે જ ખ્યાતનામ નથી. એની હિસ્ટરી અને જ્યૉગ્રાફી પણ દિલચસ્પ છે. ભૌગોલિક દૃષ્ટિએ કૈમુરમાં નાના-નાના પહાડોની શૃંખલા છે. ચોમાસામાં ધોધમાર વરસાદ પડે છે ત્યારે આ માઉન્ટન રેન્જીસ પરથી અનેક નાનાં-મોટાં ઝરણાંઓ ફૂટી નીકળે છે. તેલ્હાર તાલાબમાં પડતો ધબધબો તો ૮૦ મીટર ઊંચો છે, જે જોવા લોકલ બિહારીઓ આ સ્થળે ટોળામાં આવે છે. ઇન અધર વે, બિહારીઓ માટે આ સ્થળો લોનાવલા-ખંડાલા છે. ઇતિહાસની વાત કરીએ તો કહેવાય છે અત્રિ ઋષિએ અહીં તપ કરીને પોતાનાં પાપોનું પ્રાયશ્ચિત્ત કર્યું હતું. આ ઉપરાંત ૨૦,૦૦૦ વર્ષથી વધુ પ્રાચીન રૉક પેઇન્ટિંગ્સ અહીંના જંગલમાંથી મળી આવ્યાં છે અને માતા મુંડેશ્વરીના બેસણા તો તેરસો, સાડાતેરસો વર્ષોથી અહીં છે જ. જોકે થોડા અર્વાચીન સમયની વાત કરીએ તો પૂર્વીય ભારતના શૂરવીર શાસક શેરશાહે પણ અહીં રાજ્ય કર્યું છે.


ખેર, એની તવારીખમાં બહુ ઊંડા ન ઊતરીએ અને સીધા પહોંચીએ રામગઢ ગામે. ના ભાઈ ના, આ ‘શોલે’વાળું રામગઢ નથી. આ તો ભગવાનપુર તરીકે ઓળખાતું રામગઢ ગામ છે, જેની પવરા પહાડી પર ૬૦૮ ફુટ ઊંચે મુંડેશ્વરી માતાનું મંદિર છે. એક માન્યતા એવી છે કે આ દેવાલય ઈસવી સન ૩૮૯માં બનેલું છે તો અહીં મળેલા મંદિરના શિલાલેખ પર ક્રિશ્ચિયન એરા (સી.ઈ.) ૬૩૫નો ઉલ્લેખ છે. એ જ રીતે પહેલાં મનાતું કે સાતમી સદીમાં રાજા ઉદયસેને આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું, પરંતુ થોડાં વર્ષો પૂર્વે બનારસ હિન્દુ યુનિવર્સિટીના પ્રસિદ્ધ ઇતિહાસકારને આ એરિયામાં ફરતાં-ફરતાં સિલોન (હાલના શ્રીલંકા)ના રાજાની છાપની મોહર મળી અને એ સંદર્ભે વિશેષ શોધખોળ કરતાં એવું જાણવા મળ્યું કે સિલોનના રાજા સહિત ત્યાંની પ્રજા એ સમયે પણ બુદ્ધ સરકિટની યાત્રાએ આવતી હતી. બૌદ્ધ તીર્થોની જાત્રાના રૂટમાં આ ગામ આવતું હતું અને ભેટરૂપે સિલોનના મહારાજા દુત્તગામનીએ ૨,૩૦૦ વર્ષ પૂર્વે એટલે ઈસુ ખ્રિસ્તના જન્મથીયે ૧૦૦ વર્ષ પહેલાં અહીં મંદિરનું નિર્માણ કરાવ્યું છે. જોકે ઇતિહાસકારો નોંધે છે કે સાતમી સદીની આસપાસ જ્યારે શૈવ ધર્મ મોટા પ્રમાણમાં પ્રચલિત હતો ત્યારે અહીં ચતુર્મુખી શિવલિંગની સ્થાપના થઈ છે અને ભોલેનાથ મંડલેશ્વર નામે પુજાતા. ત્યાર બાદ આ એરિયામાં ત્યાંની સ્થાનિક આદિવાસી પ્રજાનું શાસન આવ્યું. તેઓ શક્તિના ઉપાસક હતા. તેમણે દુર્ગાદેવીની મૂર્તિની સ્થાપના કરી અને મુંડેશ્વરી માતાને મુખ્ય દેવતા બનાવાયાં અને મહાદેવાલય માતાજીના મંદિર તરીકે પૂજાવા લાગ્યું.


મુંડેશ્વરી માતાની સ્થાપના ક્યારે થઈ? કોણે કરાવી? મંદિરને કેટલાં વર્ષ થયાં? એ વિશે કોઈ ચોક્કસ જાણકારી નથી. આથી ભક્તો પોતપોતાની આસ્થા મુજબની કહાણીઓમાં વિશ્વાસ કરે છે. જોકે દુર્ગામાંના મુંડેશ્વરી નામ પાછળ માર્કન્ડેય પુરાણમાં એક કથા પ્રચલિત છે. એ અનુસાર ચંડ અને મુંડ બે રાજા હતા. આ બેઉ તેમની પ્રજા તેમ જ સાધુસંતોને ખૂબ રંજાડતા. તેમનો નાશ કરવા માતા દુર્ગા અવતર્યાં અને વિકરાળ સ્વરૂપ ધારણ કરીને તલવારના ઘાથી ચંડ અને મુંડનું માથું ધડથી અલગ કરી નાખ્યું. માન્યતા અનુસાર બિહારની આ જગ્યા પર અસુર મુંડનું માથું પડ્યું તેથી આ જગ્યા મુંડેશ્વરી નામે પ્રચલિત થઈ. અગેઇન, આ માન્યતાની પુષ્ટિ કરતો કોઈ શિલાલેખ કે પુરાણલેખ નથી. જોકે મંદિર બન્યું એ સમયથી અહીં ક્યારેય પૂજા બંધ નથી થઈ. એ મંદિર વિશેષ હોવાનું, અહીંનાં માતા ચમત્કારિક હોવાનું પ્રમાણ છે. આજે પણ દર વર્ષે લાખોની સંખ્યામાં આસ્થાળુઓ અહીં આવે છે. એમાં પણ શિવરાત્રિ અને રામનવમીએ તો ગૌરી સ્વરૂપી મુંડેશ્વરી મા અને શંકરને પગે લાગવા હજારો ભક્તોની લાઇન લાગે છે.

આ પણ વાંચો: જો લોટાના મેં લોટે, વો શત્રુંજય કે આદિનાથ કો ભેટે

અહીંના બહુ ચર્ચિત ચમત્કારની વાત કરતાં પહેલાં આ જગ્યાએ કઈ રીતે આવવું એ વિશે વાત કરીએ. રાજ્યના પાટનગરથી ૨૦૦ કિલોમીટર અને વિશ્વનાથ મહાદેવની નગરી કાશીથી આ રામગઢ ફક્ત ૧૦૦ કિલોમીટરના અંતરે આવેલું છે. એમાં પણ જો તમે વારાણસી ઍરપોર્ટ પર લેન્ડ કરવાના હો તો-તો આ મૅજિકલ મંદિર માત્ર ૬૦ કિલોમીટર દૂર છે. અન્યથા વારાણસી અને પટનાથી અનેક સરકારી અને પ્રાઇવેટ વાહનો પણ મળે છે. પટના તેમ જ દિલ્હીથી મુગલસરાઈ રીજનમાં જતી ટ્રેનમાં બેસી જાવ અને ભભુઆ રોડ ઊતરો તો વહેલું આવે ભગવાનપુર. તળેટીના ગામથી મંદિર ૬૦૮ ફુટ ઊંચે છે, જે બાય રોડ આવી શકાય છે. એ મંદિરથી અડધો કિલોમીટર દૂર પૂર્ણ થાય છે અને પછી થોડી સીડીઓ ચડતાં મુંડેશ્વરી માતાની સમક્ષ. મંદિર તરફ જતી સીડીઓની છત પર સેકડોં નાના-મોટા પિત્તળના ઘંટ જોવા મળે છે જે આસ્થાળુઓ પોતાની માન્યતા પૂરી થતાં અહીં બાંધે છે. દાદરાઓ પૂરા થતાં જ એક વિશાળ પરિસર દેખાય છે અને સામે જ ઊંચા પ્લૅટફૉર્મ પર એક અષ્ટકોણીય, આભામય મંદિરના દીદાર થાય છે . શિખર વગરના આ માતાનો મઢ નવાં મંદિરોની સરખામણીએ અતિ કલાત્મક કે સુંદરતમ નથી, પરંતુ મંદિરના દરેક કાળા પથ્થરમાંથી એની પ્રાચીનતાનો ઘંટારવ સંભળાય છે. 

ચાર દ્વાર ધરાવતા આ મહાલયમાં વચ્ચે ત્રણ ફુટનું ચતુર્મુખી (કે પંચમુખી - અગેઇન કોઈ આ શિવલિંગને ચારમુખી કહે છે કોઈ પાંચ મુખ ધરાવતું) લિંગનાં દર્શન થાય છે અને એ પણ અલૌકિક છે, કારણ કે જેમ-જેમ સૂર્ય ઉદય બાદ માથે ચડતો જાય છે તેમ-તેમ આ શિવલિંગનો રંગ બદલાય છે. મંદિરની એક દીવાલને અઢેલીને મુંડેશ્વરી માતાજીની શ્યામ પથ્થરની બનેલી સાડાત્રણ ફુટની મૂર્તિ છે. એ પ્રાચીન તો છે જ, સાથે એની આંખો અંત્યત જાગૃત છે. પુષ્પમાળા, આભૂષણો અને ચૂંદડીઓથી આચ્છાદિત રહેતી આ માના સ્વરૂપની એક ઝલક પણ જો કોઈ જોઈ લે તોય તે વ્યક્તિ આ આદ્ય દેવીનો ચહેરો ક્યારેય ન ભૂલે એવો પ્રભાવશાળી છે. પોઠિયા થઈ બેઠેલા નંદીબાબા દરેક યાત્રાળુના દોસ્ત જેવા ભાસે છે તો સૂર્યદેવ, વિષ્ણુ ભગવાન તેમ જ યમુનાની મૂર્તિઓ પણ અનન્ય છે. 

હવે અહીંના રહસ્યની વાત કરીએ. અહીં અહિંસક બલિ ચડાવાય છે. મુંડેશ્વરી મંદિરમાં મનોકામના પૂર્ણ થતાં ભક્તો અહીં બલિ ચડાવવા બકરો લઈને આવે છે. આ જીવંત બકરાને પૂજારીને સોંપાય છે જે એને માતાનાં ચરણોમાં પાસે સુવાડે છે અને માતાજીના શરીર પરનાં પુષ્પ કે અક્ષત અભિમંત્રિત કરીને બકરા પર નાખે છે. એ ચમત્કારિક ચોખા અને ફૂલનો સ્પર્શ થતાં જ બકરો બેશુદ્ધ થઈ જાય છે, જાણે એના શરીરમાંથી જીવ ન જતો રહ્યો હોય. આમ સાંકેતિક બલિનો ચઢાવો ચડાવ્યા બાદ ફરી પૂજારી અભિમંત્રિત પુષ્પ કે ચોખા બકરા પર નાખે છે અને તરત એ નિર્દોષ પ્રાણી નાચતું-કૂદતું થઈ જાય છે અને પછી એને છોડી દેવામાં આવે છે. આમ અહીં રક્તવિહીન બલિ ચડાવાય છે. ઇસ કે પીછે રાઝ ક્યા હૈ? એનો તો વિજ્ઞાન પાસે કોઈ જવાબ નથી, પરંતુ શ્રદ્ધાળુઓના મતે આ માતા હાજરાહજૂર છે અને તેઓ જ આવા સાક્ષાત્કાર કરી શકે છે. 

 મંદિરની આજુબાજુના પ્રાંગણમાં અનેકાનેક નકાશીદાર પણ ખંડિત મૂર્તિઓ અને મંદિરના અવશેષો પડેલા છે તો અમુક ભગ્નાવશેષો તળેટી પાસે આવેલા મ્યુઝિયમમાં પણ રખાયેલા છે. ૧૯૧૫થી આર્કિયોલૉજિકલ સંસ્થા દ્વારા સંરક્ષિત આ મંદિર બિહાર રાજ્યનું વન ઑફ ધ ઇમ્પોર્ટન્ટ પર્યટન-સ્થળ હોવાથી મંદિરનો પરિસર સુવિધાયુક્ત અને સાફસૂથરો છે. ગામમાં રહેવા માટે બે સાદાં ગેસ્ટહાઉસથી વિશેષ કંઈ નથી. એ જ રીતે રેસ્ટોરાંમાં લોકલ ભાણું અને ચા-પાણીથી વધુ આઇટમ મળતી નથી. 

પૉઇન્ટ બ્લૅન્ક

વિદેશી આક્રમણકારોએ દેશનાં અનેક પ્રાચીન મંદિરો પર વારંવાર ચડાઈ કરીને એને તોડ્યાં, લૂંટ્યાં, મિટાવી દીધાં. જોકે એક વર્ગ માને છે કે આ મંદિર પર ક્યારેય આક્રમણ નથી થયું, પણ એ કાળની થપાટો ખાતાં જીર્ણ થયું અને શિખર ધ્વસ્ત થયું છે. એની સામે અન્ય ભક્તોની માન્યતા એ પણ છે કે ઔરંગઝેબની સેના આ મંદિરમાં આવતી અને આખો દિવસ મંદિરમાં તોડફોડ કરીને સાંજે પાછી ફરતી. રાત્રિના સમયમાં આ મંદિર ચમત્કારિક રીતે ફરી પૂર્વવત્ થઈ જતું. બીજા દિવસે મોગલ સૈનિકો પાછું મંદિર તોડતા અને રાત થતાં ફરી ઊભું થઈ જતું. આ પ્રક્રિયા અનેક દિવસો ચાલી. આખરે સૈન્ય હાર માનીને પાછું જતું રહ્યું. અગેઇન, ઇતિહાસમાં ક્યાંય આ ઘટનાની નોંધ નથી; પરંતુ આસ્થાળુઓ માટે આ કૈમુરવાલી દેવી સાક્ષાત્ છે, હાજરાહજૂર છે, જાગ્રત છે.

23 March, 2023 05:01 PM IST | Mumbai | Alpa Nirmal

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK