મરી મસાલા, મસાજ અને મદહોશ મોસમ માટે વર્લ્ડ ફેમસ કેરળનાં મંદિરો પણ માર્વલસ અને મનમોહક છે. જો સધર્ન ઇન્ડિયાના આ રાજ્યનાં ફક્ત દેવાલયો અને એના મહત્ત્વની જ વાત થાય તોય ‘ધ કેરલ સ્ટોરી’ જેવી સુપરહિટ સ્ટોરી બને
ત્રિચિટાટ મહાવિષ્ણુ મંદિર
જનરલી વિષ્ણુ ભગવાનની મૂર્તિમાં ચાર હાથમાં શંખ, કમળનું ફૂલ, સુદર્શન ચક્ર સાથે ગદા જોવા મળે છે. પણ અહીં સ્થાપિત શ્યામવર્ણી સ્ટોન મૂર્તિમાં ગદા પ્રેઝન્ટ નથી. વિષ્ણુ ભગવાનનો ચોથો હાથ ખાલી છે.
ગૉડ્સ ઓન કન્ટ્રી. કેરળ રાજ્યને આ ઉપાધિ એમ ને એમ નહીં અપાઈ હોય. સુંદર પહાડ શૃંખલા, ગીચ જંગલોમાં સુખેથી હરતા-ફરતા વન્યજીવો અને ચહેકતાં પક્ષીઓ, તેજાના તથા ચાના મહેકતા બગીચાઓ, ઊંડી અને અગાધ દરિયાઈ પટ્ટીની સાથે અદ્વિતીય સંસ્કૃતિ. ઓહ... અહીં આ તમામ પરિબળોનું એવું ફર્સ્ટ ક્લાસ સંયોજન થયું છેને કે આઠ દાયકા પહેલાં સુધી ત્રાવણકોર તરીકે ઓળખાતી આ ભૂમિમાં પાંડવો પણ આવ્યા હતા. અને ફક્ત આવ્યા હતા એટલું જ નહીં, અહીં તેમણે પોતાના દ્વારા કરાયેલાં, થયેલાં પાપ, દુષ્કૃત્યોની ગર્હા (નિંદા) કરી ને એ ભૂલો બદલ પ્રભુ પાસે માફી પણ માગી હતી.
ADVERTISEMENT
યસ, અમે વાત કરી રહ્યા છીએ કેરળના અલપ્પુજા જિલ્લામાં આવેલા ચેંગાન્નુરના ત્રિચિટાટ મહાવિષ્ણુ મંદિરની જ્યાં પાંચેય પાંડવોએ બનાવેલાં વિષ્ણુ ભગવાનનાં મંદિરો છે અને પાંચ પાંડવોના ગુરુ ભ્રાતા યુધિષ્ઠિરે બનાવેલા મંદિરનો તો પુરાણમાં ઉલ્લેખ પણ છે.
ચેંગાન્નુર જતાં પહેલાં આપણે મહાભારત કાળની કથા જાણીએ. મહાભારતના યુદ્ધમાં કૌરવ સેના હારી ગઈ અને ગાંધારીના એ સો પુત્ર એ લડાઈમાં હોમાઈ ગયા. પાંડવોની જીત તો થઈ પરંતુ એ નરસંહાર અને પોતાના જ માધ્યમે પિતરાઈ ભાઈઓની હત્યા થઈ એ વાતથી તેઓ ખૂબ વ્યથિત હતા. પાંચેય પાંડવો એ પાપ, એ દુષ્કૃત્યોનો બોજ હલકો કરવા પાંડવ કુળના રાજકુમાર પરીક્ષિતને હસ્તિનાપુરનરેશ બનાવી જાત્રાએ નીકળી પડ્યા. ફરતાં-ફરતાં તેઓ ભારતના દક્ષિણ છેડે આવેલી પમ્પા નદીના કિનારે આવી ચડ્યા. અહીંના શાતાદાયક દૈવી વાતાવરણમાં મન તો લાગ્યું પણ ‘નરો વા કુંજરો’નું સૂત્ર આપનારને જીવનમાં ક્યારેય જૂઠું ન કહેનાર સત્યવક્તા ધર્મરાજને ગુરુ દ્રોણાચાર્યને મહાભારતના યુદ્ધ વખતે એક અસત્ય કહ્યાનું યાદ આવ્યું. જોકે એ અસત્ય પૂર્ણપણે ખોટું નહોતું, ટ્રિકી જૂઠાણું હતું જે પાંડવોને જીત અપાવવામાં મોટું નિમિત્ત બન્યું એનું સ્મરણ થયું અને એ યાદ કરી એના પ્રાયશ્ચિત્તરૂપે તેમણે ઉપવાસ આદર્યા અને ઉગ્ર તપસ્યા, સાધના કરી. એથી વિષ્ણુ ભગવાન પ્રગટ થયા અને યુધિષ્ઠિર તેમ જ અન્ય પાંડવોએ તેમની પૂજાઅર્ચના કરી તેમ જ અહીં પાંચ મૂર્તિની સ્થાપના કરી પાંચ મંદિર બનાવ્યાં. એમાંથી યુધિષ્ઠિરે સ્થાપેલું કૃષ્ણ મંદિર એ આજનું ત્રિચિટાટ મહાવિષ્ણુ મંદિર, ગદાધારી ભીમનું પુલિયુર મહાવિષ્ણુ મંદિર, બાણાવળી અર્જુનનું અર્ણમુલા પાર્થસારથિ ટેમ્પલ, થિરુવનદુર મહાવિષ્ણુ મંદિર અને ત્રિકોડીથાનમ મહાવિષ્ણુ ટેમ્પલ અનુક્રમે નકુલ અને સહદેવનાં.
કેરળ સ્ટાઇલ આર્કિટેક્ચરમાં બનેલાં આ મંદિરો બેઠા ઘાટનાં, ઢળતી છતનાં પહોળાં મકાનો જેવાં જ દેખાય છે પણ એના પ્રવેશદ્વાર તેમ જ મંદિરની બહાર રહેલા ધ્વજા સ્તંભથી ખ્યાલ આવી જાય છે કે યે જગહ મેં કુછ ખાસ બાત હૈ. વિષ્ણુ ભગવાનના ૧૦૮ મુખ્ય દેવસ્થાનમમાં સ્થાન પામતું હાલનું આ મંદિર તો ૮મી સદીમાં ભક્તિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયના બારમાંથી પાંચમા ગુરુએ બનાવડાવ્યું છે. વિષ્ણુ અહીં ઇમયાવરપ્પન નામે પુજાય છે. ઇમયાવરપ્પન શબ્દનો અર્થ છે કે જે જગત ગુરુ છે એ મારો પણ દેવ છે. હાલમાં ત્રાવણકોર દેવસ્થાનમ્ બોર્ડ અને ગવર્નમેન્ટ ઑફ કેરળ એનું સંચાલન કરે છે. ‘વિશ્વરૂપ’ પોઝમાં સ્થાપિત શ્રીકૃષ્ણની પ્રતિમા ૪ ફુટની છે જેમના એક હાથમાં શંખ, બીજામાં ચક્ર, ત્રીજામાં કમળનું ફૂલ અને ચોથો હાથ ખાલી છે. આ સાથે જ અહીં આજુબાજુ નાગરાજ, યક્ષી, બલરામ વગેરેની મૂર્તિઓ છે. વૈકુંઠ એકાદશી અને ઓણમના દિને અહીં મોટો ઉત્સવ થાય છે. એમાંય ઓણમના દિવસે તો આભુષણોથી સજ્જ 25 હાથીઓ વિષ્ણુજીને સલામી આપે છે. આ ખાસ દિવસે આજુબાજુના ભક્તો મોટી સંખ્યામાં અહીં આવે છે.
યુધિષ્ઠિર તેમ જ ચાર પાંડવ બ્રધર્સની કથા સાથે અહીં એક બીજી કથા પણ પેરેલલ ચાલે છે. કેટલાક અનુયાયીઓના મત અનુસાર આ મંદિર દેવો નિર્મિત છે. પાંડવો અહીં આવ્યા એ પહેલાં, ઈવન મનુષ્ય અવતર્યા એ પહેલાંથી અહીં મંદિર અને ભગવાન છે. પમ્પા નદીની પહેલાં અહીં ચિત્તર નદી વહેતી હતી. એના કિનારે શ્રીકૃષ્ણ બિરાજમાન હતા. દ્વાપર યુગમાં વનવાસ દરમિયાન જ્યારે પાંડવો અહીં આવ્યા એ પૂર્વે દેવો અહીં આવતા અને ત્રણેય લોકમાં શાંતિ રહે એ માટે તપ-જપ કરતા. તેમની સાધનાથી પ્રસન્ન થઈ વિષ્ણુ અહીં પ્રગટ થયા હતા. વનવાસના ગાળામાં પાંડવો અહીં લાંબો સમય રહ્યા હતા અને ભૃગુ ઋષિએ શ્રીકૃષ્ણના દેહોત્સર્ગ બાદ પાંડવોને અહીં મંદિરો બાંધવાનું કહ્યું હતું. એક કથા પ્રમાણે કુંતી પુત્રો તેમના મૃત્યુપર્યંત અહીં રહી વિષ્ણુની પૂજા કરતા હતા.
અગેઇન, કઈ સ્ટોરી સાચી, કઈ કાલ્પનિક એ ચર્ચામાં પડ્યા વગર આ મંદિરની વાત કરીએ તો ભગવાનની મૂર્તિ અને આ સ્થાન ખરેખર ઈશ્વર દ્વારા બ્લેસ્ડ હોય એવું ભાસે છે. સવારે પાંચથી ૧૧ અને રાત્રે પાંચથી ૮ સુધી ખુલ્લાં રહેતાં આ મંદિરોના સંકુલમાં એવું સુકૂન છે જેની કદાચ તમને વર્ષોથી તલાશ હોય. ટેમ્પલની બહાર તળાવ છે. શંખ તીર્થ નામે ઓળખાતા આ સરોવરમાં સ્નાન કરવું પણ અલાઉડ છે. ચેંગન્નુરમાં ડીસન્ટ સ્મૉલ-મીડિયમ બજેટની હોટેલ્સ છે અને હાઇ-ફાઇ હાઉસબોટ્સ પણ છે. ફૂડ માટે પણ સાઉથ ઇન્ડિયનથી લઈ ચાઇનીઝ પીરસતી રેસ્ટોરાં છે. બાકી ટૂરિસ્ટ સ્પૉટ એલેપ્પી જસ્ટ ૪૪ કિલોમીટર અવે. રહેવા-ખાવા-પીવાનો બંદોબસ્ત અહીં પણ કરી શકાય. જોકે ચેંગન્નુર અવનવાં કારણોસર સુર્ખિયોંમાં રહેતા ઐયપ્પા સ્વામીના પ્રખ્યાત તીર્થ સબરીમાલાનું ગેટવે છે. મુંબઈ અને પશ્ચિમ ભારતથી ટ્રેનમાં સબરીમાલા જનારા યાત્રાળુઓ મુંબઈથી ચેંગન્નુરની ડાયરેક્ટ ટ્રેનમાં આવી ૮૫ કિલોમીટરનું રોડ ડિસ્ટન્સ તય કરી એ ફેમસ જાત્રા સ્થાને પહોંચે છે. ટ્રેન જર્ની ૨૪થી ૨૮ કલાકો લે છે અને ફ્લાઇંગ મોડ અપનાવો તો કોચીન ઍરપોર્ટ ૯૪ કિલોમીટરના અંતરે છે.
ચેંગન્નુરમાં પ્રાચીન કાળથી ગૌરીશંકરનાં બેસણાં પણ છે. મહાદેવ મંદિર કે ભગવતી મંદિર તરીકે જાણીતા આ સ્થાન માટે કહેવાય છે કે શંકર અને પાર્વતી તેમનાં લગ્ન બાદ અહીં આવ્યાં હતા અને રોકાયાં હતાં. અગત્સ્ય મુનિ જે શંભુનાં લગ્નમાં ત્રિયુગીનારાયણ જઈ નહોતા શક્યા. તેઓ કૈલાશપતિ અને દેવી ભગવતીનાં દર્શન કરવા અહીં આવ્યા હતા. સો, દોસ્તો પાંડવકાલીન વિષ્ણુ મંદિરની સાથે આ મહાદેવાલયમાં નમસ્કારમ્ કરી આવજો, ભૂલ્યા વિના.
નરો વા કુંજરો વા
મહાભારતમાં અશ્વત્થામા, દ્રોણાચાર્ય અને યુધિષ્ઠિર વચ્ચેનો પ્રસંગ મોટા ભાગના વાચકોને ખ્યાલ જ હશે. બસ, એક વખત રિફ્રેશ કરી લઈએ. અશ્વત્થામા દ્રોણાચાર્યના પુત્ર હતા. તેમની પાસે એક દિવ્ય મણિ હતો જેના થકી તેઓ અજેય હતા પરંતુ અત્યંત કાબેલ અને હોશિયાર અશ્વત્થામા દુર્યોધનનો મિત્ર હતો અને કૌરવોના દરેક ષડયંત્રમાં અશ્વત્થામા મિત્રની પડખે રહેતો. મહાભારતના યુદ્ધમાં તેણે દ્રુપદ, સુત સુરત સહિત અનેક વીર યોદ્ધાની હત્યા કરી પાંડવ પક્ષમાં ભય અને આતંક ફેલાવી દીધા હતા. અશ્વત્થામાનો આ વિધ્વંસ રોકવો જરૂરી હતો અન્યથા પાંડવોની હાર નિશ્ચિત હતી. ત્યારે શ્રીકૃષ્ણએ દ્રોણાચાર્ય અને તેના પુત્ર સહિત કૌરવ સેનાનો કહેર રોકવા એક યુક્તિ કરી. ભીમ દ્વારા અશ્વત્થામા નામક હાથીને મારી નખાવ્યો અને યુધિષ્ઠિરને કહ્યું કે તમે ઘોષણા કરો કે અશ્વત્થામા હણાઈ ગયો. સત્યપ્રિય યુધિષ્ઠિર બોલ્યા, ‘અશ્વત્થામા હતો નરો વા કુંજરો વા’ પરંતુ યુધિષ્ઠિર હજી તો ‘અશ્વત્થામા હતો’ એટલું બોલ્યા ત્યાં તો જોરથી શંખનાદ કરવામાં આવ્યો તેથી પાછળનું વાક્ય દ્રોણાચાર્યને સંભળાયું નહીં અને દ્રોણાચાર્ય પુત્રની હત્યા થયાનું સાંભળી ભાંગી પડ્યા. એટલા અસત્ય માત્રનું દુઃખ યુધિષ્ઠિરને જીવનપર્યંત રહ્યું અને એનું પ્રાયશ્ચિત્ત તેમણે ચેંગન્નુરમાં કર્યું.’

