મુંબઈગરાઓ માટે અહીં પહોંચવું સહેલું તો છે જ સાથે આ મંદિર સ્થાપત્યકળાનો અદ્ભુત નમૂનો છે
અંબારનાથ શિવ મંદિરની તસવીર
તીર્થાટન પ્રેમીઓની ખાસ લાગણીને ધ્યાનમાં રાખીને શિવરાત્રિના આગલા દિવસે જઈએ મુંબઈની ભાગોળે આવેલા અંબરેશ્વર મહાદેવાલયે. મુંબઈગરાઓ માટે અહીં પહોંચવું સહેલું તો છે જ સાથે આ મંદિર સ્થાપત્યકળાનો અદ્ભુત નમૂનો છે
ADVERTISEMENT
કોઈ આપણને પૂછે, મુંબઈની આસપાસ ફરવાનાં સ્થળો કયાં છે એટલે આપણે એસ્સેલ વર્લ્ડ ને ઇમૅજિકા કે પછી લોનાવલા, માથેરાનનાં નામ આપીએ; પરંતુ ક્યારેય મુંબઈના સેન્ટ્રલ પરા અંબરનાથનું નામ આપણા મનમાં ન આવે. કેમ? કારણ કે આપણામાંથી મોટા ભાગના લોકોને ખબર જ નથી કે અહીં ૧૧મી સદીમાં બનેલું ઐતિહાસિક શિવાલય છે જેની નક્કાશી તો અદ્વૈત છે જ વળી શિવલિંગ પણ સ્વયંભૂ છે.
ભારતની પ્રાચીન વાસ્તુકલાનો વારસો આપણે ધારીએ છીએ એના કરતાં અનેકગણો સમૃદ્ધ અને ભવ્ય છે. એમાંય ૧૧મી શતાબ્દીની દરેક સંરચના તો જાજરમાન છે. તાંજોરનું બૃહદેશ્વર મંદિર (જેની યાત્રા આપણે કરી છે) જુઓ કે પાટણની રાણકી વાવની વાત કરો, કોર્ણાકના મંદિરોની શૈલી લો કે દારાસુરમના ઐરાવતેશ્વર મંદિરનું સ્થાપત્ય જુઓ; કારીગરોએ પથ્થરો ઉપર ટાંકણાથી એવી કમાલ કરી છે કે નિર્જીવ શિલાઓ બોલકી થઈ ગઈ છે.
આ કાળખંડમાં આપણા દેશમાં વિવિધ સ્થાપત્યકળાનો આવિષ્કાર થયો. ગુજરાત-રાજસ્થાન બાજુ નાગર કે મારુ ગુર્જર આર્કિટેક્ચર ઇન્વેન્ટ થયું. પૂર્વી અને ઉત્તર ભારત બાજુ ઓરિયા સ્ટાઇલ વધુ ડેવલપ થઈ તો દક્ષિણ ભારતમાં દ્રવિડ સ્થાપત્યશૈલીનો વિકાસ થયો. આ ગોલ્ડન સેન્ચુરીએ આપણને એવાં અણમોલ ઝવેરાત આપ્યાં જે આજે પણ આપણા ઐતિહાસિક વારસાને ઝળહળાવી રહ્યાં છે.
વેલ, અંબરનાથનું શિવમંદિર આવો જ એક નગીનો છે જે આપણા મહાનગરની એક બૉર્ડરને સાચવીને બેઠો છે. આ શિવમંદિરનું નિર્માણ ઈ. સ. ૧૦૬૦ દરમિયાન શિરાહલા રાજવી વંશના રાજા ચિત્તરાજે કરાવ્યું પરંતુ તેમના જીવનકાળ દરમિયાન મંદિરનું કાર્ય અધૂરું રહેતાં તેમના પુત્ર મુમુન્નીએ એ પૂર્ણ કરાવ્યું. કાળા પથ્થરની ટેકરીઓ પર સ્થિત આ નાયાબ નમૂનો આજુબાજુ રહેલા કાળા પથ્થરમાંથી જ બન્યો છે. વિરાટ અને અતિ મજબૂત શિલાખંડને બારીકાઈથી તરાશ કરવા એ લોઢાના ચણા ચાવવાથીયે કઠિન કામ છે પરંતુ કારીગરોએ મંદિરની બાહરી દીવાલોને હેમાડપંતી શૈલીમાં એવી ઉત્કૃષ્ટ રીતે કંડારી છે કે આ દેવાલય યુનેસ્કોએ જાહેર કરેલી વર્લ્ડ હેરિટેજની યાદીમાં સ્થાન પામ્યું છે.
ભારતની તવારીખ અનુસાર પ્રાચીન દક્ષિણ ભારતથી પશ્ચિમી ભારતને જોડતો વ્યાપાર માર્ગ આ વિસ્તારમાંથી નીકળતો હતો. અન્ય પ્રદેશના શાસકો, સૈન્યોથી લઈ વેપારીઓ અને વટેમાર્ગુઓ પણ પશ્ચિમથી દક્ષિણ તરફ આ દખ્ખણ-પઠાર રૂટથી જતા આવતા. ૧૦મી સદીની મધ્યમાં કોંકણ ક્ષેત્રનો આ આખો વિસ્તાર જાગીરદાર શિલાહારની હકૂમત હેઠળ હતો. એ વખતે દક્ષિણમાં ચાલુક્ય વંશનો સૂર્ય તપતો હતો. ચાલુક્ય રાજવીઓના કાર્યકાળ દરમિયાન એમનાં રાજ્યોમાં સેંકડો નાનાં-મોટાં મંદિરોનું નિર્માણ થયું. આથી જાગીરદાર શિલાહારાએ જ્યારે અહીં ઊંચી ટેકરી તેમ જ નાજુક નદીના કિનારે શિવાલય બનાવડાવવાનું વિચાર્યું ત્યારે એ આર્કિટેક્ચરના ઇન્ફ્લુઅન્સમાં દખ્ખણની હેમાડપંતી શૈલીનું મંદિર નિર્માણ કરવાનું ઠેરવ્યું. સાઉથ ઇન્ડિયાનાં મંદિરોની જેમ જ અહીંના ૨૧ મીટર ઊંચા મંદિરની બહારની દીવાલો પર નૃત્ય કરતા નટરાજ, વિષ્ણુ, બ્રહ્મા, સૂર્યનાં સ્ક્લ્પ્ચર છે તો મંદિરના ગુંબજ પર ગજથાર દૃશ્યમાન થાય છે. ૨૫૦થી વધુ હાથીની હારબંધ કતારોની નીચે ૭૦ જેટલી સ્ત્રીઓની શૃંગારિક મૂર્તિ છે. ઍન્ડ, ધિસ ઑલ ફીચર્સ મેક્સ મંદિર મૅગ્નિફિશન્ટ.
જોકે હવે આ અલબેલાં સ્થાપત્યો બહુ સ્પષ્ટ દેખાતાં નથી; કારણ કે હવામાન, વરસાદ, તાપ અને ખાસ કરીને આપણી અવગણનાને કારણે પથ્થર અંદરથી ખવાઈ ગયો છે અને સ્ક્લ્પ્ચર ફ્રેજાઇલ થઈ ગયાં છે. હા, આર્કિયોલૉજી સર્વે ઑફ ઇન્ડિયાનો ડિપાર્ટમેન્ટ એ સ્ટ્રક્ચર બચાવવાની કોશિશ કરી રહ્યો છે. છતાં કોઈક કારણસર એ કાર્યમાં ઝડપ નથી આવતી, આથી આ જટિલ નકશી ખવાઈ રહી છે.
ખેર, ત્રણ દ્વાર ધરાવતા મંદિરના મુખ્ય દ્વારથી અંદર પ્રવેશો એટલે બે નંદીબાબા ભક્તોનું સ્વાગત કરે છે. બે નંદી હોવાનું કારણ આપતાં અહીંના પૂજારી પાટીલ કહે છે, ‘નંદીની પહેલી મૂર્તિ ખંડિત થઈ ગઈ હતી, આથી બીજો નંદી બનાવી અહીં મુકાયો છે. જોકે એ પણ પ્રાચીન જ છે.’ ઉંબરો ઓળંગી મંદિરના સભાગૃહ કે રંગમંડપમાં પ્રવેશતાં ૧૪ ફીટ ઊંચી ગોળ છત નજરે ચડે છે અને એને ઝીલતા ૧૪ સ્તંભો. જોકે હાલ એ ખંડેર પરિસ્થિતિમાં છે પણ ‘ખંડહર બતાતે હૈં કિ ઇમારત કભી બુલંદ થી.’ આ રંગમંડપ કે આ સ્તંભમાં બહારની દીવાલો જેવી બળકટ કારીગીરી નથી. એ સરવાળે સિમ્પલ પાષાણના સ્તંભ છે. બની શકે ચિત્તરાજના અવસાન બાદ પુત્રે કામ જલદી પૂર્ણ કરવા હેતુ અંદરના ભાગે ઓછું કોતરકામ કરાવ્યું હોય. જોકે આ શિવાલયનું ગર્ભગૃહ યુનિક છે. જનરલી ભગવાનનાં બેસણાં ધરાવતું ગર્ભગૃહ સભાગૃહના લેવલમાં જ કે થોડું ઊંચું હોય, પરંતુ અહીં ગર્ભગૃહ ૧૦ ફુટ ઊંડે છે, જેની વચ્ચોવચ્ચ સ્વયંભૂ શિવલિંગ છે. સ્ટીપ અને સાંકડાં પગથિયાં ઊતરી ભક્તો શિવજીને જળ ચડાવવા જઈ શકે છે. એની પાછળની બાજુએ પણ શિવલિંગ છે જે થોડાં વર્ષો પૂર્વે જ સ્થાપિત કરાયું છે. શિવજીનો સ્પર્શ કરી મંદિરના જમણી બાજુના દ્વારથી બહાર નીકળો એટલે મંદિરની ઇમારતની અંદર જ એક નાનકડી દેરીમાં સ્વયંભૂ ગૌરીમાતા છે. ભક્તો ત્યાં પણ દર્શન કરી શૃંગારનો સામાન ચડાવે છે. એ સાથે પરિસરમાં બાપ્પા પણ બિરાજમાન છે.
મંદિરની અન્ય એક વિશિષ્ટ વાત એ છે કે મંદિરનું ત્રિકોણ શિખર છે પણ શિખર પર છત નથી. ચોરસ હવાબારી જેવો ભાગ એકદમ ખુલ્લો છે. કૉમનલી મંદિરની ટોચે ચડતો કળશ કે ગુંબજ અહીં મિસિંગ છે. થોડાં વર્ષો પહેલાં સુધી તો આ ભાગ સાવ ઓપન ટુ સ્કાય હતો પણ હવે એની ઉપર પારદર્શક કાચ મુકાયો છે. દોઢસો-બસો વર્ષ પૂર્વેથી આ મંદિરની વંશપરંપરાગત પૂજા કરતા અહીંના પૂજારી પાટીલ ભાઉએ છત વિશે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પૂર્વેનો ઇતિહાસ બહુ જાણમાં નથી પણ ૧૮૫૦ની આસપાસ એક અંગ્રેજ ઑફિસરને જંગલ જેવા વિસ્તારમાં આ મંદિર દેખાયું હતું ત્યારે પણ એને છત નહોતી. એ સમયે આ પથરાળ પણ હરિયાળો પ્રદેશ હતો. અહીં વહેતી પાણીની નદી પણ બારમાસી હતી અને આજુબાજુ નાનાં-નાનાં ગામમાં રહેતા લોકો ખેતી કરતા હતા. એ બ્રિટિશે એ સમયે અમારા પરિવારને મંદિરમાં પૂજાઅર્ચના કરવાનો અધિકાર આપ્યો હતો. એ ન્યાયે આજે પણ અમારી ફૅમિલી અહીંના પૂજારી છે. બાકી મેઇન્ટેનન્સ વગેરે આર્કિયોલૉજિકલ ડિપાર્ટમેન્ટ પાસે છે.’’
બની શકે હજારો વર્ષ થવાથી છત તૂટી ગઈ હોય અથવા બની જ ન હોય અને શિવલિંગ અંબર (આકાશ) સાથે ડાયરેક્ટ કનેક્ટેડ હોવાથી એને અંબરેશ્વર મહાદેવ નામ મળ્યું હોય. જોકે એટલું પાકું છે અંબરનાથ ટાઉનનું નામકરણ મહાદેવના નામ પરથી જ કરવામાં આવ્યું છે અને એ પણ સંભર ટકા પાકું છે કે જો મંદિરોનાં પાષાણોને વાચા આવે તો એ ચોક્કસપણે આપણને એને મળવાનું ઇજન આપે. મુંબઈના કોઈ પણ ખૂણેથી અંબરનાથ પહોંચવું સહેલું છે, કારણ કે અંબરનાથ સુધી સેન્ટ્રલ રેલવેની લોકલ ટ્રેન્સ ચાલે છે. અંબરનાથ ઈસ્ટમાં ઊતરતાં સ્ટેશનની બહારથી શૅરિંગ રિક્ષા મળે છે જે મંદિર સુધીનું બે કિલોમીટરનું અંતર સાતથી દસ મિનિટમાં પૂર્ણ કરે છે. કલ્યાણ-બદલાપુર હાઇવે દ્વારા પણ મંદિરે પહોંચવું સરળ છે. મંદિરના પરિસરની બહાર પુજાપો-પ્રસાદ વેચતી દુકાનો છે તેમ જ ચા-પાણીની હાટડીઓ છે.
પૉઇન્ટ ટુ બી નોટેડ
દર સોમવારે સેંકડો ભક્તો ભોલેનાથના આશીર્વાદ લેવા અહીં ઊમટે છે. તેમ જ શિવરાત્રિ દરમ્યાન પાંચ દિવસ અહીં ઝાકમઝોળ હોય છે અને હજારોની સંખ્યામાં ભાવિકો આવે છે. એ ઉપરાંત શ્રાવણ મહિનામાં પણ અહીં ભારી ભીડ હોય છે.
છેલ્લાં સાત વર્ષથી દર ફેબ્રુઆરી-માર્ચ દરમિયાન શ્રીકાંત શિંદે ફાઉન્ડેશન દ્વારા મંદિરની નજીકના ગ્રાઉન્ડમાં શિવમંદિર આર્ટ ફેસ્ટિવલનું આયોજન થાય છે જેમાં કળા, ચિત્ર તેમ જ ગીત-સંગીતનો મોટો જલસો યોજાય છે. આ વર્ષે અહીં સોનુ નિગમ, કૈલાશ ખેર, મૈથિલી ઠાકુર, અભિજિત ભટ્ટાચાર્ય તેમ જ સાધના સરગમ આવ્યાં હતાં અને અભિનેતા સંજય દત્ત પણ આવ્યો હતો. એ દરમિયાન ન્યુ કૉરિડોર ઑફ શિવમંદિરનું ભૂમિપૂજન પણ કરાયું.
ચોમાસા દરમિયાન બાજુની નદી છલોછલ ભરાઈ જતાં ભૂર્ગભમાંથી પાંચેક ફીટ જેટલું પાણી મંદિરના ગર્ભગૃહમાં ભરાઈ જાય છે. એ દરમિયાન નીચે ઊતરવાનું તો અલાઉડ નથી હોતું પણ મહાદેવનો મુખવટો રંગમંડપમાં સ્થાપિત કરી શિવશંભુની પૂજા કરાય છે. આમેય મૉન્સૂનમાં આ આખોય એરિયા મેસ્મેરાઇઝિંગ થઈ જાય છે. આથી વર્ષાપ્રેમીઓ અહીં પિકનિકની સાથે દેવોં કે દેવના દીદાર પણ કરી લે છે.
મંદિરની બહારની બાજુ એક કુંડ અને નજીકમાં નદી છે જે ચોમાસા સિવાય સુકાઈ જાય છે. તેમ જ કુંડ કચરાનું, નિર્માલ્યનું સરનામું બની ગયો છે.

