ખાણીપીણીના શોખીનો માટે આ શહેર માત્ર બીચ ડેસ્ટિનેશન નથી, એ સ્વાદોની એક જીવંત દુનિયા છે. દુનિયાભરના ફ્લેવર્સ, કેલિફોર્નિયાની સ્થાનિક વાનગીઓ અને મિશેલિન-સ્ટાર રેસ્ટોરન્ટ્સનું સંયોજન અહીં એવી રીતે મળે છે કે દરેક બાઇટ એક નવી શોધ જેવું લાગે.
તસવીર સૌજન્ય - સાન્ટા મોનિકા ટ્રાવેલ એન્ડ ટુરિઝમ
સાન્ટા મોનિકા કહીએ એટલે આંખો સામે દરિયાકિનારો તરત આવી જાય. પરંતુ ખાણીપીણીના શોખીનો માટે આ શહેર માત્ર બીચ ડેસ્ટિનેશન નથી, એ સ્વાદોની એક જીવંત દુનિયા છે. દુનિયાભરના ફ્લેવર્સ, કેલિફોર્નિયાની સ્થાનિક વાનગીઓ અને મિશેલિન-સ્ટાર રેસ્ટોરન્ટ્સનું સંયોજન અહીં એવી રીતે મળે છે કે દરેક બાઇટ એક નવી શોધ જેવી લાગે.
અહીં વાત ફક્ત કાફે કે રેસ્ટોરન્ટમાં બેસીને જમવાની નથી. સાન્ટા મોનિકા તમને ખાવાનું માત્ર પીરસતું નથી, તે તમને સ્વાદ સાથે શહેરને અનુભવી લેવાની તક આપે છે. ફૂડ ટૂર્સ, બીચ પિકનિક અને કુકિંગ ક્લાસીસ જેવી અનુભૂતિઓ અહીંના ફૂડ કલ્ચરને વધુ જીવંત બનાવે છે.
ADVERTISEMENT
સ્વાદ સાથે શહેરને સમજવાની તક
સાન્ટા મોનિકામાં ફૂડ ટૂર્સ માત્ર વાનગીઓ ચાખવા માટે નથી, પરંતુ તે શહેરની સંસ્કૃતિને સમજવાનો રસ્તો છે. ગાઈડેડ ટૂર્સ દરમિયાન તમે સ્થાનિક રેસ્ટોરન્ટ્સમાં જઈને વિવિધ વાનગીઓનો સ્વાદ માણો છો, સાથે જ એ વાનગીઓ પાછળની વાર્તાઓ પણ સાંભળો છો.
ડાઉનટાઉન વિસ્તારમાં યોજાતી ટૂર્સમાં ચાલતાં-ચાલતાં એક પછી એક જગ્યાએ અટકી અલગ-અલગ સ્વાદો માણવાનો અનુભવ મળે છે. કેટલાક ટૂર્સ તો ફાર્મર્સ માર્કેટ સાથે જોડાયેલા હોય છે, જ્યાં તાજા ઓર્ગેનિક પ્રોડક્ટ્સથી લઈને સ્થાનિક ખેડૂતોના જીવન સુધીની ઝલક મળે છે.

મેક્સિકન ફૂડ માટે ખાસ જાણીતા આ વિસ્તારમાં ટેકો ટૂર્સ પણ લોકપ્રિય છે, જ્યાં થોડા જ અંતરમાં વિવિધ પ્રકારના ટેકોઝ અને ડ્રિંક્સનો સ્વાદ માણી શકાય. જ્યારે ગળ્યું ખાવાના શોખીનો માટે ડોનટ ટૂર્સ એક મીઠી સફર બની જાય છે, એક દુકાનથી બીજી દુકાન સુધીનો પ્રવાસ, જ્યાં દરેક સ્ટોપ પર કંઈક નવું મળે છે.
રસોઈને નજીકથી અનુભવવાનો મોકો
જો તમે માત્ર ખાવામાં જ નહીં, પરંતુ બનાવવામાં પણ રસ ધરાવો છો, તો અહીંના કુકિંગ ક્લાસીસ તમને અલગ જ આનંદ આપશે. પ્રોફેશનલ શેફની માર્ગદર્શન હેઠળ તમે વિવિધ પ્રકારની વાનગીઓ બનાવવાનું શીખી શકો છો. આ અનુભવની ખાસ વાત એ છે કે તમે બનાવેલી વાનગીનો સ્વાદ ત્યાં જ માણી શકો છો અને સાથે તેની રેસીપી પણ ઘરે લઈ જઈ શકો છો. આ રીતે પ્રવાસ ફક્ત યાદોમાં નહીં, પરંતુ તમારી રસોઈમાં પણ જીવંત રહે છે.
બીચ પર ભોજનનો અનોખો આનંદ
સાન્ટા મોનિકાની સૌથી ખાસ વાત એ છે કે અહીં ભોજન અને કુદરત એકસાથે અનુભવાય છે. દરિયાકિનારે બેસીને ભોજન કરવું માત્ર ખાવાનો નહીં, પણ એક સંપૂર્ણ અનુભવ છે.
કસ્ટમાઇઝ્ડ પિકનિક સેટઅપ્સ સાથે, ટેબલ, પિલો અને મ્યુઝિક સાથે તૈયાર થતી પિકનિક એકદમ ફિલ્મી લાગણી આપે છે. પરિવાર હોય કે કપલ, દરેક માટે અહીં કંઈક ખાસ છે.
આ ઉપરાંત, કેટલાક કાફે એવા પણ છે જ્યાં તમે રેતીમાં પગ રાખી, રિલેક્સ થઈ તાજું ભોજન માણી શકો એકદમ આરામદાયક અને યાદગાર અનુભવ.
ખેતરની તાજી ઉપજ
સાન્ટા મોનિકાના ફાર્મર્સ માર્કેટ્સ આ શહેરની ફૂડ સંસ્કૃતિનું હૃદય છે. અઠવાડિયામાં અનેક દિવસો ભરાતા આ માર્કેટ્સમાં તાજા ફળો, શાકભાજી અને ઓર્ગેનિક પ્રોડક્ટ્સ મળે છે.સ્થાનિક લોકો સાથે શહેરના ટોચના શેફ પણ અહીં ખરીદી કરવા આવે છે, જે આ માર્કેટ્સની ગુણવત્તાને દર્શાવે છે. અહીં ફરતા-ફરતા તમને માત્ર સામાન જ નહીં, પરંતુ એક જીવંત અને ઉર્જાભર્યું વાતાવરણ પણ અનુભવાય છે.

પરિવાર સાથે ટ્રાવેલ કરનાર હોય કે મિત્રો સાથેનો ટ્રિપ, સાન્ટા મોનિકામાં ફૂડ માત્ર જરૂરિયાત નથી, તે અનુભવ છે. અહીંનો દરેક સ્વાદ, દરેક જગ્યાની પોતાની એક સ્ટોરી છે. જે લોકો ફૂડને માત્ર ખાવાનું નહીં, પરંતુ અનુભૂતિ તરીકે માણે છે, તેમના માટે આ શહેર ખાસ બની જાય છે.
