Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સેક્સ એન્ડ રિલેશનશિપ > આર્ટિકલ્સ > ડિવોર્સથી ડરે એ આજની સ્ત્રી નહીં

ડિવોર્સથી ડરે એ આજની સ્ત્રી નહીં

21 September, 2021 04:15 PM IST | Mumbai
Varsha Chitaliya | varsha.chitaliya@mid-day.com

છૂટાછેડાના સિત્તેર ટકા કેસમાં આજકાલ ફર્સ્ટ પિટિશનર વાઇફ હોય છે મતલબ કે સ્ત્રીઓ લગ્નસંબંધમાંથી છૂટા થવાની પહેલ કરવા લાગી છે.ત્યારે પ્રશ્ન એ કે શું નવા જમાનાની એજ્યુકેટેડ અને આર્થિક પગભર યુવતીઓ લગ્નને ટકાવી રાખવામાં નથી માનતી?

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


એક દાયકાથી વિશ્વભરમાં ડિવૉર્સના કેસનું પ્રમાણ ઝડપથી વધી રહયું છે. આ વિષય પર અનેક સર્વે અને રિસર્ચ થયાં છે. અમેરિકાની સ્ટૅનફર્ડ યુનિવર્સિટીના નિષ્ણાતોએ કરેલા સર્વે અનુસાર અંદાજે ૭૦ ટકા મહિલાઓને લગ્નજીવન ટકાવી રાખવામાં રસ હોતો નથી. અમેરિકન સોશ્યોલૉજિકલ અસોસિએશનના આંકડા કહે છે કે છૂટાછેડાના કુલ કેસમાંથી ત્રીજા ભાગના કેસમાં વાઇફ દ્વારા ડિવૉર્સ ફાઇલ કરવામાં આવે છે. થોડાં વર્ષ પહેલાં ઑસ્ટ્રેલિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફૅમિલી સ્ટડીઝના નિષ્ણાતોએ ખુલાસો કર્યો હતો કે વિચારોમાં અસમાનતા, આર્થિક સ્વતંત્રતા, જીવનનાં અલગ-અલગ લક્ષ્યો, અંત વગરની દલીલો અને લગ્નબાહ્ય સંબંધો જેવાં કારણોસર મહિલાઓ વૈવાહિક જીવનનો અંત લાવવાનું પસંદ કરે છે.

ઉપરોક્ત રિપોર્ટ બતાવે છે કે વિદેશમાં લગ્નપ્રથા લગભગ ભાંગી પડી છે. જોકે ભારતમાં લગ્નજીવનને જોવાનો દૃષ્ટિકોણ જુદો છે. આપણા દેશમાં લગ્ન એટલે સ્ટેબિલિટી એવું માનનારો વર્ગ આજેય જોવા મળે છે. નાના-મોટા મુદ્દાઓને લઈને થતાં ઝઘડાઓ કોર્ટ સુધી પહોંચાડવાની જગ્યાએ ઘરમેળે જ ઉકેલી લેવામાં આવે છે. તેમ છતાં મુંબઈ, દિલ્હી, અમદાવાદ જેવા મેટ્રો સિટીમાં છૂટાછેડાના કિસ્સાઓ કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે. ભારતમાં થતાં છૂટાછેડાના કેસમાં મહિલાઓનો રોલ કેવો છે? શું તેમને પણ લગ્નબંધન હવે બંધન લાગે છે? આ સંદર્ભે નિષ્ણાત સાથે ચર્ચા કરીએ.



ઇન્ડિયામાં સિનારિયો


પશ્ચિમના દેશો હોય કે ભારત, લગ્ન નામની સામાજિક વ્યવસ્થા પડી ભાંગી છે. ઉપર જણાવેલા રિસર્ચ સાથે સહમત થતાં મુંબઈ હાઈ કોર્ટમાં પ્રૉપર્ટી તેમ જ ફૅમિલી મૅટરના કેસ હૅન્ડલ કરતા સૉલિસિટર પીયૂષ શાહ કહે છે, ‘ડિવૉર્સના કેસમાં પિટિશનર તરીકે ફર્સ્ટ પાર્ટી વાઇફ હોય એવા કિસ્સા સતત વધી રહ્યા છે. આર્થિક સ્વતંત્રતા, સ્વચ્છંદતા અને નિર્ભયતા વધતાં પુરુષની જેમ સ્ત્રીઓનો પણ અહમ્ ઘવાય છે. અનેક કેસમાં અમે જોયું છે કે હસબન્ડ સેટલમેન્ટ કરવા તૈયાર હોય છે. તેઓ લગ્નજીવનને બચાવવાનો પ્રયાસ કરે છે, પરંતુ વાઇફ લડી લેવાના મૂડમાં હોય છે. પરિવારમાં બાંધછોડ કરીને જીવન વિતાવવાની મહિલાઓની તૈયારી નથી. બહારની દુનિયામાં એક્સપોઝર વધતાં સ્ત્રીઓમાં ડૉમિનેશનનો પાવર વધી ગયો છે તેથી બોલ્ડ ડિસિઝન લેવામાં તેઓ ઝડપ

કરે છે.’


સ્ત્રીઓમાં સહનશક્તિનું પ્રમાણ ઘટતાં ઊંધો પ્રવાહ વહે છે. બાંદરાની ફૅમિલી કોર્ટના ડેટા બહાર નથી આવતા પણ મારો અનુભવ કહે છે કે ડિવૉર્સના કેસમાં ૪૦ ટકા જેટલો વધારો થયો છે. થોડા સમય પહેલાં સુધી મહિનામાં અંદાજે એક હજાર કેસ આવતા હતા. હવે પંદરસો જેટલા કેસ ફાઇલ થાય છે, જેમાંથી અડધા કરતાં વધુ કેસમાં પહેલ પત્નીએ કરી હોય છે એવી જાણકારી આપતાં ૩૬ વર્ષથી ફૅમિલી કોર્ટમાં પ્રૅક્ટિસ કરતાં ઍડ્વોકેટ રીટા દેસાઈ કહે છે, ‘સાસરીમાં ન ફાવે તો ડિવૉર્સ લઈ લેવા આ કન્સેપ્ટ આપણે ક્યારેય વિચાર્યો નહોતો. આજે મૅરેજ એટલે જાણે ટ્રાયલ ઍન્ડ એરર. કમિટમેન્ટમાં બંધાઈને રહેવું કોઈને ગમતું નથી. ખાસ

કરીને યુવતીઓ વધુ સ્માર્ટ બની છે. મોટો ફ્લૅટ, કાર, છોકરાનો ફૅમિલી બિઝનેસ જોઈને છોકરીઓ પ્રેમમાં પડે છે જેથી મૅરેજ પછી કદાચ ન જામ્યું તો ઊંચી ડિમાન્ડ કરી શકાય. મારી પાસે એવા અઢળક કેસ આવ્યા છે જ્યાં હસબન્ડને નિચોવી નાખ્યો હોય. તમામ તૈયારી સાથે પિટિશન ફાઇલ કરી હોય એટલે કાઉન્સેલિંગ માત્ર ફૉર્માલિટી હોય છે. શિ​ક્ષિત અને આર્થિક રીતે સ્વતંત્ર યુવતીઓને લાઇફમાં કોઈની દખલગીરી જોઈતી નથી તો બીજી તરફ ભારતના કાયદાઓ સ્ત્રીની તરફેણ કરે છે. અનેક વાર કોર્ટે મહિલાઓને ઓપનલી કહ્યું છે કે કાયદો તમારા પ્રોટેક્શન માટે છે, જ્યારે તમે એનો ગેરલાભ લઈ રહ્યાં છો. મહિલાઓની વિચારધારા બદલાતાં ડિવૉર્સના કેસ

વધ્યા છે.’

છૂટાછેડાનાં કારણો

ફાઇનૅન્શિયલ સ્ટેબિબિટી અને જૉઇન્ટ ફૅમિલીમાં નથી રહેવું આ મુખ્ય કારણો છે એવી માહિતી આપતાં પીયૂષભાઈ કહે છે, ‘અત્યારની યુવતીઓ હસબન્ડ પર ડિપેન્ડન્ટ નથી. તેમની પાસે આવકનું સાધન છે. ઘણાખરા કેસમાં હસબન્ડ કરતાં વાઇફની આવક વધુ હોય છે. કેટલાક કેસમાં પુરુષ પોતાના પરિવારને આર્થિક સલામતી આપવામાં નિષ્ફળ જાય છે. કુદરતે પણ સ્ત્રીઓને વધુ શક્તિ આપી છે. તેઓ ઘર અને કામકાજના સ્થળ વચ્ચે બૅલૅન્સ કરી શકે છે. બધી જ બાબતો ફેવરમાં હોવાથી સ્ત્રી સ્વતંત્રતા ઇચ્છે છે. સંતાનની કસ્ટડીમાં પિતાને રસ તૈયાર તો તેમને આ જવાબદારીમાંથી મુક્ત થઈ જવું છે. તેઓ દલીલ કરે છે કે મારે પોતાની લાઇફ જીવવાની નહીં? આજીવન શું સંતાનને સાચવવાનાં? માતૃત્વનો ભાવ પણ હવે સ્ત્રીઓમાં રહ્યો નથી. કોઈ પણ પ્રકારનાં બંધનો તેમને જોઈતાં નથી. કેટલાંક વ્યક્તિગત કારણો ઉપરાંત ચોંકાવનારા કિસ્સાઓ પણ સામે આવ્યા છે. શ્રીમંત અને ઉચ્ચ મધ્યમવર્ગની યુવતીઓમાં લિવ-ઇન રિલેશનશિપનો પવન ફૂંકાયો છે. ડિવૉર્સ લઈ ફરી લગ્ન કરવાનું જોખમ લેવા કરતાં તેઓ ઍગ્રીમેન્ટ બનાવી અન્ય પુરુષ સાથે રહેવાનું પસંદ કરે છે. બાળકો નથી જોઈતાં, બન્ને પોતપોતાની લાઇફ જીવશે. ફ્લૅટ, કાર અને ડ્રાઇવર કૉમન શૅર કરવા જેવા મુદ્દાઓને સમાવી પાંચ વર્ષનો કૉન્ટ્રૅક્ટ સાઇન કરવામાં આવે છે. સમયના વહેણને જોઈ વકીલો આવા ડૉક્યુમેન્ટ બનાવી આપે છે. જોકે તમામ કેસમાં સ્ત્રીનો વાંક હોય એવું નથી. હસબન્ડ ડ્રગ-ઍડિક્ટ હોય, બહાર અફેર હોય કે કામધંધો ન કરતો હોય એવા કિસ્સામાં સ્ત્રી પાસે ડિવૉર્સ ફાઇલ કરવા સિવાય કોઈ વિકલ્પ બચતો નથી.’

રિલેશનશિપ કાઉન્સેલર શું કહે છે?

સ્ત્રી સશક્તિકરણના જમાનામાં મહિલાઓ ફેક મૅરેજમાં બંધાઈને રહેવા નથી માગતી એમાં ખોટું શું છે? દંપતી વચ્ચે ખટરાગ પેઢી-દર પેઢીથી ચાલતા આવ્યા છે. પુરુષની બેવફાઈ, અત્યાચાર, સાસુ-સસરા અને અન્ય લોકોની દખલગીરી સ્ત્રીઓ સહન કરતી હતી. અગાઉ સંતાનોના ભવિષ્ય અને સમાજના ડરથી તેઓ લાગણી વગરના સંબંધોને પણ ઢસડ્યા કરતી. બદલાતા સમયની સાથે આ મુદ્દાઓ સપાટી પર આવ્યા છે, કારણ કે તેઓ જાગૃત બની છે. સ્ત્રીઓને લગ્નજીવન ટકાવી રાખવામાં રસ નથી કે તેમને સમજાવવી અઘરું છે એવું ન કહી શકાય એમ જણાવતાં રિલેશનશિપ કાઉન્સેલર દીપાલી પંડ્યા પરમાર કહે છે, ‘મારો અનુભવ કહે છે કે આજની મહિલાઓ જેન્ડર ઇક્વાલિટી અને આર્થિક સલામતીનું મહત્ત્વ સમજતી થઈ છે. તેમને સ્પેસ જોઈએ છે. તેઓ ઇચ્છે છે કે જરૂર પડે હસબન્ડ તેમના માટે સ્ટૅન્ડ લે. બીજી તરફ ટેક્નૉલૉજીના જમાનામાં હસબન્ડની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીને પકડી પાડી કોર્ટમાં રજૂઆત કરી શકાય છે. જે લગ્નમાં રિસ્પેક્ટ અને ઇમોશનના ફૅક્ટર આઉટ થઈ ગયા હોય એમાં બંધાઈને રહેવાનો અર્થ નથી એવું સ્ત્રીઓ સ્વીકારવા લાગી છે. અનેક કેસમાં સંતાનોની ભલાઈ માટે તેઓ આવું પગલું લે છે. હસબન્ડને આલ્કોહૉલનું ઍડિક્શન હોય ત્યારે ચૂપચાપ સહન કરવા કરતાં માતા તરીકે સ્ત્રી વિચારે છે કે હું પગભર છું તો તેને સેપરેટલી ઉછેરીશ. આવાં અનેક કારણોસર ડિવૉર્સના કેસ ફાઇલ કરવામાં સ્ત્રીઓ પહેલ કરે છે.’

Whatsapp-channel Whatsapp-channel

21 September, 2021 04:15 PM IST | Mumbai | Varsha Chitaliya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK