૩૦ વર્ષના છોકરાઓ છે તેમને ૪-૫ વર્ષ નાની છોકરી જોઈતી હોય છે; જ્યારે જે ૩૦ વર્ષની છોકરી છે તેને પોતાનાથી માત્ર ૨-૩ વર્ષ મોટો છોકરો જોઈતો હોય છે. એનાથી વધુ ગૅપ તેમને ગમતો નથી.
પ્રતીકાત્મક તસવીર
આ ઉંમરે ગપ્પાં મારવા, હરવા-ફરવા કે શૉપિંગ કરવા માટેના મિત્રો કરતાં જેમની પાસેથી કંઈ શીખી શકાય એવા મિત્રોનું મૂલ્ય વધી જાય. એટલે જ કલીગ્સ એટલે કે જે લોકો તમારી સાથે કામ કરે છે તેમનું એક જુદું સ્થાન બને તમારા જીવનમાં.
તમે નાના હો ત્યારે અને તમે ૩૦ વર્ષના થાઓ ત્યારે તમારા જેટલા મિત્રો હોય એ સંખ્યામાં ઘણા લોકોને મોટો ફરક પડી જાય છે. જોકે આ બાબત ફક્ત મિત્રો માટે જ સાચી નથી, દરેક સંબંધને એ લાગુ પડે છે.
ADVERTISEMENT
૩૦ વર્ષની ઉંમરે સંબંધોના મામલે કોઈ કૉમ્પ્લેક્સિટી નથી. છે તો છે અને નથી તો નથી. ઉંમરની સાથે આવેલી પરિપક્વતાને કારણે ૩૦ વર્ષે દરેક સંબંધમાં એક ઊંડાઈ આવવાનું શરૂ થઈ જાય છે. ૩૦ વર્ષે નવા સંબંધોનાં પર્ણો ફૂટ્યાં હોય તો પણ એના પર આછકલાઈ નથી ઝળકતી. એના પર ચમકે છે સ્પષ્ટતા અને પરિપક્વતાનાં ઝાકળબિંદુ. જીવનસાથીની પસંદગી જો ૩૦ વર્ષની ઉંમરે કરવાની હોય તો એ કેટલી અલગ હોય છે? જન્મથી આપણે જેની સાથે જોડાયેલાં છીએ એવાં માતા-પિતા સાથેનાં બદલાતાં પરિમાણો ૩૦ વર્ષે કેવાં હોય છે? કરીઅર બનાવવાની અતિ વ્યસ્તતામાં સંબંધોના સરવાળા કરવાનો સમય કઈ રીતે નીકળે છે? જાણીએ આ વિશે વિસ્તારથી
ત્રીસ વર્ષની ઉંમરે જીવનના સૌથી મોટા બદલાવો વ્યક્તિના જીવનમાં આવે છે. એમાંના મહત્ત્વના બદલાવો એટલે સંબંધોમાં આવતા બદલાવો. જે રિલેશનશિપ્સ ૨૦ વર્ષની ઉંમરે કૉમ્પ્લીકેટેડ હોય છે એ ૩૦ વર્ષે આવીને એકદમ ક્લિયર બની જતી હોય છે, પછી એ પ્રેમના સંબંધો હોય કે પરિવારના. આ એ ઉંમર છે જ્યારે ઘણા લોકો લગ્ન માટે પાત્ર શોધી રહ્યા હોય છે અને જેમણે શોધી રાખ્યું હોય છે તે લગ્નની તૈયારી કરતા હોય છે. ઘણાં પરિણીત લોકો બાળક વિશે વિચારી રહ્યા હોય છે. ઘણા લોકો ખુદ બાળકમાંથી મોટા થવાનો અનુભવ લઈ રહ્યા હોય છે, કારણ કે તેમનાં માતા-પિતા હવે ધીમે-ધીમે ઘરડાં થઈ રહ્યાં છે એ તેમને દેખાઈ રહ્યું હોય છે. કૉલેજના એ મોટા-મોટા મિત્રોના મેળાવડા ક્લોઝ ફ્રેન્ડ-સર્કલમાં બદલાઈ રહ્યા હોય છે. વળી આ જ એ ઉંમર છે જ્યારે કરીઅર એક રફતાર પકડીને ભાગતી હોય છે એટલે વધુ ને વધુ કામમાં ધ્યાન આપવાનો સમય હોવાને કારણે સંબંધો પર ફોકસ કરવાનું અઘરું બનતું જાય છે. વર્ક-લાઇફ બૅલૅન્સ ફક્ત કહેવું અને કરવું એ બન્નેમાં ઘણો મોટો ફરક દેખાવા લાગે છે. સંબંધો ખૂબ જ જરૂરી છે એ સમજવા છતાં ઘણા લોકો આ ઉંમરે કામ કરી લઈએ એમ સમજીને સંબંધોને ટેકન ફૉર ગ્રાન્ટેડ પણ ગણતા થઈ જાય છે તો ઘણા એવા છે જે વ્યસ્તતા છતાં સંબંધોને ખૂબ સારી રીતે જાળવવાની કોશિશ કરે છે. ૩૦ વર્ષની ઉંમરે સંબંધો જેવી બહુમૂલ્ય વસ્તુને કઈ રીતે વ્યક્તિ અપનાવે છે, એકબીજા પાસેથી શું અપેક્ષાઓ રાખે છે અને ક્યાં આ પ્રકારના બદલાવ આ ઉંમરે આવે છે એ ઊંડાણથી સમજવાની કોશિશ કરીએ.
૩૦ વર્ષે લગ્ન કોણ કરે?
આજની તારીખે જો તમે ખૂબ ભણ્યા હો, નાનપણથી કરીઅર બનાવવામાં ગૂંથાઈ ગયા હો અને સેટ થઈ ગયા પછી લગ્નનું વિચારવા માગતા હો તો લગ્નનો વારો આવતાં ૩૦ વર્ષ થઈ જાય છે. હાલમાં લોકો કઈ ઉંમરે પરણવાનું વિચારે છે એ વિશે વાત કરતાં છેલ્લાં ૩૪ વર્ષથી મૅરેજ-બ્યુરો ચલાવતાં ફાલ્ગુની મહેતા કહે છે, ‘એક સમય હતો જ્યારે યુવાનો ૩૦ વર્ષની ઉંમરે જ પરણતા, પણ હવે પાછું બદલાયું છે. ૨૪-૨૫ વર્ષની ઉંમરથી છોકરાઓ જીવનસાથીની તલાશ આદરી દે છે અને ૩૦ પહેલાં પરણી જાય છે. ૨૨-૨૪ વર્ષે પરણનારા પણ ઘણા છે. જે લોકો ખૂબ ભણી રહ્યા હોય, કરીઅર પર ફોકસ વધારે હોય એવા લોકો જ ૩૦ વર્ષે પરણવાનું વિચારે છે. મારા મતે એ સારું છે, કારણ કે આજકાલ બાળકો ૩૦નાં થઈ જાય તો તેમના વિચારો સાથે ઘણુંબધું ફિક્સ થઈ ગયું હોય. બીજી વ્યક્તિ સાથે તેઓ ઢળી નથી શકતા. પણ એ વાત સાચી છે કે ઘણા ફોકસ્ડ લોકો ૩૦ વર્ષને જ પરણવાની સાચી ઉંમર માને છે.’
લગ્ન કરવાં છે કે નહીં?
અત્યારે કેટલાય યુવાનો એવા છે જેમના માટે લગ્ન ખાસ જરૂરી નથી. લગ્ન કરવાં કે નહીં એ નિર્ણય પર પણ ઉંમરનો એક ચોક્કસ પ્રભાવ રહે છે એ નક્કી વાત છે. વિલે પાર્લેમાં રહેતી અને એક IT કંપનીમાં પ્રોજેક્ટ મૅનેજર તરીકે કામ કરતી ૨૮ વર્ષની સ્વિના પટેલ કહે છે, ‘મેં કૉલેજમાં જોયું હતું કે ૧૦ વર્ષની રિલેશનશિપ પણ લોકો કાસ્ટના નામે તોડી નાખી બીજે લગ્ન કરી લેતા હોય છે. એ બધાને જોઈને મને ક્યારેય પ્રેમ અને લગ્ન જેવી વસ્તુઓ પર વિશ્વાસ આવ્યો જ નહોતો. હું ૨૪-૨૫ વર્ષની હતી ત્યારે મેં મારા પેરન્ટ્સને કહેલું કે મને લગ્ન નથી કરવાં, હું ખુદ જ કાફી છું મારા માટે. લોકો પર મને વિશ્વાસ નહોતો. પરંતુ એ પછી મારા ઘરમાં મારી કઝિનનાં લગ્ન થયાં. મેં ખૂબ નજીકથી તેમનું લગ્નજીવન જોયું. એ બન્ને ખૂબ ખુશ છે. તેમના સંબંધમાં તેઓ બન્ને બરાબર છે. તેમને જોઈને મને સમજાયું કે જો પાત્ર યોગ્ય હોય તો લગ્ન ખૂબ સુંદર વ્યવસ્થા છે. મેં મારાં લગ્નની જવાબદારી મારા પેરન્ટ્સને જ આપી છે. તેમને મારા માટે કોઈ યોગ્ય વ્યક્તિ મળશે તો ચોક્કસ પરણીશ.’
જીવનસાથીમાં શું જોઈએ?
૨૫ વર્ષની ઉંમરે તમે પાત્રની પસંદગી કરો અને ૩૦ વર્ષની ઉંમરે તમે પાત્રની પસંદગી કરો એ બન્નેમાં ઘણો ફરક હોય છે. એક જૅપનીઝ બૅન્કમાં ક્રેડિટ રિસ્ક મૅનેજર તરીકે કામ કરી રહેલી નિષ્ઠા મહેતા હાલમાં અરેન્જ્ડ મૅરેજ માટે પાત્રની તલાશમાં છે. તમારી આ બાબતે શું અપેક્ષાઓ છે એ પ્રશ્નનો જવાબ આપતાં ૨૮ વર્ષની નિષ્ઠા મહેતા કહે છે, ‘મારી અપેક્ષાઓમાં એ વ્યક્તિ કેવી દેખાય છે, કેવાં કપડાં પહેરે છે, તેની લાઇફસ્ટાઇલ કેવી છે, તેના શોખ શું છે એ બધું નથી આવતું. વ્યક્તિ ગમવી જોઈએ એ વાત સાચી, પણ એટલું જ પૂરતું નથી. માણસાઈની દૃષ્ટિએ તે ઉચ્ચ કોટીની હોવી જોઈએ, આછકલી વ્યક્તિ મને નહીં ચાલે. થોડી ઠરેલ અને સમજુ વ્યક્તિ મને જોઈશે. મને એવું છે કે તે નિખાલસ હોય, પોતાની વાત સ્પષ્ટ રીતે મારી સામે મૂકી શકવી જોઈએ. તેને મારા માટે માન હોવું જોઈએ. મારી અને તેની વૅલ્યુ-સિસ્ટમ ભલે સાવ સરખી ન હોય તો પણ ચાલે, પરંતુ એકબીજાની વૅલ્યુ-સિસ્ટમને માન આપવું જરૂરી છે.’
હેત બિસરિયા ફૅમિલી સાથે
ચૉઇસ કેવી?
જે વ્યક્તિઓ ૩૦ વર્ષની ઉંમરે પોતાનો જીવનસાથી શોધવા નીકળે છે તેમને કેવો જીવનસાથી જોઈએ છે એ પ્રશ્નનો જવાબ આપતાં ફાલ્ગુની મહેતા કહે છે, ‘જે ૩૦ વર્ષના છોકરાઓ છે તેમને ૩૦ વર્ષની નહીં, તેમનાથી ૪-૫ વર્ષ નાની છોકરી જોઈતી હોય છે; જ્યારે જે ૩૦ વર્ષની છોકરી છે તેને પોતાનાથી માત્ર ૨-૩ જ વર્ષ મોટો છોકરો જોઈતો હોય છે. એનાથી વધુ ગૅપ તેમને ગમતો નથી. આ એક વિરોધાભાસ જોવા મળે છે. બીજું એ કે છોકરીઓ ૩૦ વર્ષની ઉંમરે પરણે ત્યારે તેમને હાઈલી
વેલ-સેટલ્ડ છોકરો જ જોઈતો હોય છે. નાની ઉંમરની છોકરીઓમાં એવું હોતું નથી, કારણ કે જો છોકરો ૨૫-૨૭ વર્ષનો હોય અને જૉબ ચાલુ હોય તો સમજી શકાય, પરંતુ ૩૨ વર્ષે પણ હજી સ્ટ્રગલ જ કરતો હોય તો તે ક્યારે એસ્ટૅબ્લિશ થશે એવું લાગે. વળી સામે છોકરાઓને ઘરરખ્ખુ છોકરીઓ નથી જોઈતી હોતી. તેમને પોતાના પ્રોફેશનલ સર્કલમાં ભળી શકે એવી છોકરી જોઈતી હોય છે.’
લગ્ન ક્યારે કરવાં?
શું તને એવું લાગે છે કે ૨૮ વર્ષે છોકરાની શોધ કરવાને બદલે ૨૪-૨૫ વર્ષે એ શરૂ કરવાની જરૂર હતી? આ પ્રશ્નનો જવાબ આપતાં નિષ્ઠા મહેતા કહે છે, ‘મારાં મમ્મી-પપ્પા જોડે હું એકદમ નિખાલસ છું અને દરેક બાબતે તેમની સાથે ચર્ચા કરી શકું છું. એ ઉંમરે જ્યારે લગ્ન વિશે વિચારવાની વાત આવી ત્યારે અમે પરિવારના બધા સદસ્યોએ મળીને નક્કી કર્યું કે હમણાં નથી વિચારતા એ વિશે. એનું કારણ છે કે એ ઉંમરમાં હું એકદમ ભોળી હતી. ખૂબ જ સરળતાથી કોઈની વાતમાં આવી જાઉં એવું મને લાગતું હતું. દુનિયા વિશેની સમજ મારી અંદર એટલી સ્ટ્રૉન્ગ નહોતી. જ્યારે તમે લગ્ન જેવા સંબંધમાં જોડાવા માગતા હો તો એ રિલેશનશિપમાં એકસમાન ભાગીદારી હોવી જોઈએ. મારી પાસે પહેલાં મારું તો કંઈ હોય, એ પછી હું એ બીજાને ઑફર કરી શકું એમ મને લાગ્યું. મારા કોઈ વિચારો, મારી ઓળખ, મારી સમજ સાથે હું આ સમાન ભાગીદારીમાં જોડાવા ઇચ્છતી હતી. એ સમયે લગ્ન કર્યાં હોત તો એ સંબંધમાં ભાગીદારી માટે મારી પાસે કશું ખાસ ઑફર કરવા માટે નહોતું એમ વિચારીને મેં સમય લીધો. જીવનસાથીની શોધ પહેલાં મારે ખુદની શોધ કરવાની હતી. હું ખુદને પામું પછી બીજી વ્યક્તિને પામવાની વાત છે આ. ૨૪ વર્ષે એવું હતું નહીં અને આજે ૨૮ વર્ષે હવે હું લગ્ન માટે તૈયાર છું.’
પ્રેમ અને પરિસ્થિતિનું કારણ ફક્ત એ નથી કે અમારા બન્નેનો પ્રેમ પરિપક્વ થયો છે, પરંતુ એટલે પણ છે કે આજે અમે બન્ને પણ પરિપક્વ બન્યાં છીએ. જેમ કે એક ટીનેજર દીકરો મમ્મી બીમાર હોય તો ક્રિકેટ રમવા જઈ શકે પણ એક ૩૦ વર્ષનો દીકરો મમ્મી બીમાર હોય તો વર્ક ફ્રૉમ હોમ લઈ લેતો હોય છે. - દિગંત દોશી
એન્જિનિયર દંપતી દિગંત અને મેઘા દોશી
લગ્ન કેવાં ગમે?
૩૦ વર્ષે જીવનસાથીની શોધમાં સુંદરતા કેટલી જરૂરી છે એ પ્રશ્નનો જવાબ આપતાં ફાલ્ગુની મહેતા કહે છે, ‘૩૦ વર્ષે ફક્ત સુંદરતા જોવાતી નથી એ વાત સાચી પણ એનો અર્થ એમ નથી કે સુંદરતા જરૂરી જ નથી. બધાને પોતાનો જીવનસાથી સુંદર જ જોઈતો હોય છે. આજકાલ જિમ-કલ્ચર તો એટલું સ્ટ્રૉન્ગ છે કે બીજું કંઈ હોય કે નહીં, સાથી
સ્લિમ હોવો જરૂરી છે. બૉડી એકદમ ફિટ દેખાવું જોઈએ.’
૩૦ વર્ષે લગ્ન પરના ખર્ચા વિશે લોકો શું માને છે? આ બાબતે ખૂબ જ રસપ્રદ વાત કરતાં ફાલ્ગુનીબહેન કહે છે, ‘એક વર્ગ એવો છે જેમને શો-શા ખૂબ ગમે. લગ્નનો દિવસ અતિ મહત્ત્વનો હોય એમ સમજીને તેમને ટ્રેન્ડ પ્રમાણે બધું જ કરી લેવું હોય, પણ આજકાલ ભણેલા-ગણેલા યુવાનો કેટલાક એવા પણ છે જેમને લગ્ન પર બિનજરૂરી ખર્ચ કરવો નથી. તેમને ખબર છે કે પૈસો કઈ રીતે કમાવાય છે એટલે નાહક દેખાડામાં વેડફવા નથી માગતા. તે પૈસા બચાવીને વર્લ્ડ ટૂર કરી આવે છે. પોતાના પર ખર્ચે છે.’
લૉન્ગ-ડિસ્ટન્સ ફ્રેન્ડશિપ
આ ઉંમરે મિત્રો સાથે કયા પ્રકારનું કનેક્શન હોય એ વાત કરતાં નિષ્ઠા મહેતા કહે છે, ‘હું નાનપણમાં ઘણી અંતર્મુખી હતી. વળી ત્રણ સ્કૂલો બદલી. એટલે આમ પણ મિત્રોનાં ટોળાં તો ક્યારેય નહોતાં. પરંતુ હવે એવું થયું છે કે મિત્રો બધા છૂટા પડી ગયા છે. અલગ-અલગ શહેરોમાં જતા રહ્યા છે. બધા સાથે ડિજિટલી કનેક્ટેડ છું. એકબીજાના જીવનમાં શું થઈ રહ્યું છે એ પણ ખબર હોય પણ મળવાનું અઘરું થઈ જાય. હું મારી એક મિત્રને ૨૦૧૯ પછી છેક ૨૦૨૪માં મળી. તેને મળવા ખાસ હું લુધિયાણા ગઈ હતી. એ પ્રેમ અને એ બૉન્ડિંગ અકબંધ છે. પણ હા, હવે જીવનમાં લૉન્ગ-ડિસ્ટન્સ ફ્રેન્ડશિપ જ વધુ છે.’
સ્કૂલ અને કૉલેજના મિત્રો કરતાં અત્યારે કામ કરતા હોય એ જગ્યાના લોકો સાથેની મિત્રતા વધુ મહત્ત્વની થઈ જતી હોય છે. એ વિશે વાત કરતાં નિષ્ઠા કહે છે, ‘આ ઉંમરે ગપ્પાં મારવા,
હરવા-ફરવા કે શૉપિંગ કરવા માટેના મિત્રો કરતાં જેમની પાસેથી કંઈ શીખી શકાય એવા મિત્રોનું મૂલ્ય વધી જાય. એટલે જ કલીગ્સ એટલે કે જે લોકો તમારી સાથે કામ કરે છે તેમનું એક જુદું સ્થાન બને તમારા જીવનમાં. એક તો કલાકો તેમની સાથે આપણે વિતાવતા હોઈએ, એક જ ધ્યેય સાથે કામ કરતા હોઈએ, એક જ પ્રકારનું કામ કર્યું હોય, મુશ્કેલીઓ કે સફળતા બધાની એક જ હોય એટલે એ બૉન્ડિંગ જુદું બને. એ બૉન્ડિંગ તમને જીવનમાં ઘણો આત્મવિશ્વાસ આપે. ભલે સ્કૂલ-કૉલેજના ફ્રેન્ડ્સ બેસ્ટ લાગે પણ આમનું મહત્ત્વ પણ જીવનમાં જરાય ઓછું નથી.’
કઝિન્સ સાથેનું બેસ્ટ બૉન્ડિંગ
આમ તો દરેક વ્યક્તિને તેની ઉંમરના લોકો સાથે સૌથી વધુ મજા આવતી હોય છે પરંતુ એ સરખી ઉંમરવાળા લોકો એક જ ઘરના હોય તો એનાથી વધુ મજા આવે. પોતાની વાત કરતાં સ્વિના પટેલ કહે છે, ‘ગુજરાતી ઘરોમાં ભાઈ-બહેનોમાં તો ખરું જ પરંતુ કઝિન્સમાં પણ એટલું જ સ્ટ્રૉન્ગ બૉન્ડિંગ જોવા મળે છે. અમે લોકો જૉઇન્ટ ફૅમિલીમાં જ મોટા થયા એમ કહીએ તો ચાલે. મારા પપ્પાને બે ભાઈઓ અને એક બહેન છે. એ બધાંનાં બાળકો તરીકે છોકરીઓ જ છે. અમે લોકો નાનપણથી જ ખૂબ ક્લોઝ છીએ. આમ તો બૉન્ડ નાનપણથી જ હોય પરંતુ મોટા થઈને એ વધુ સ્ટ્રૉન્ગ બનતો હોય છે. માતા-પિતા પછી ભાઈ-બહેનો જ છે જે તમારા ખૂબ જ નજીકના લોકો છે. તમને કંઈ પણ જરૂર પડશે તો એ સૌથી પહેલાં ઊભા રહેશે એ વિશ્વાસ આ સંબંધમાં પ્રસ્થાપિત હોય છે.’
લગ્ન પછીની પરિસ્થિતિ
આ તો વાત થઈ એવા લોકોની જેમનાં લગ્ન થયાં નથી પરંતુ જેમનાં લગ્ન થઈ ગયાં છે એવા લોકોનો અનુભવ શું કહે છે? વિલે પાર્લેમાં રહેતો ૨૮ વર્ષનાે હેત બિસરિયા પોતાના પિતાનો સ્થાપેલો બિઝનેસ તેમની સાથે મળીને ચલાવે છે. તેણે એક વર્ષ પહેલાં ક્રિશા સાથે લગ્ન કર્યાં. લગ્ન પછીની બદલાયેલી પરિસ્થિતિ વિશે વાત કરતાં હેત જણાવે છે, ‘હું મારાં માતા-પિતાનું એક જ સંતાન છું. મને કોઈ વસ્તુ શૅર કરવાની આદત નહોતી એટલે લગ્ન પછી હવે બધી જ વસ્તુ બદલાઈ ગઈ છે. છેલ્લું એક વર્ષ મારા માટે અઘરું હતું. આ ઉંમરે મારી આદતો બદલવાનો સમય આવ્યો હતો. તમે કોઈને પ્રેમ કરો એ જુદું, તેના માટે તમારી દરેક આદત બદલો એ પણ જુદું. જોકે મને આનંદ છે કે હું મારામાં એ બદલાવ જોઈ શક્યો. હવે હું ફક્ત મારા વિશે નથી વિચારતો, જમવાનું છે કે શૉપિંગ કરવાનું છે જેવી નાની વાતોમાં પણ હવે હું ફક્ત મારો વિચાર નથી કરતો. મારી પત્નીનો વિચાર પણ આવે જ છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે અમને બન્નેને એક રાહત છે કે કોઈ છે જે હંમેશાં તમારા વિશે વિચારે છે કે કાળજી રાખી રહ્યું છે. આ ઉંમરે અલગ પ્રકારની કૅર રાખતા પણ શીખ્યા અને પામતા પણ.’
પ્રેમ અને હૂંફ
જેમને યોગ્ય પાત્ર મળે છે એ વ્યક્તિને ત્રીસ વર્ષે સૌથી મોટી ભેટ મળે છે અને એ છે ઇમોશનલ સિક્યૉરિટી. પરંતુ આ પરિપક્વ પ્રેમનું કારણ શું સાથે વિતાવેલાં વર્ષો હોય છે કે પછી તેમની ત્રીસે પહોંચી ગયેલી ઉંમર? અંધેરીમાં રહેતા એન્જિનિયર દંપતી દિગંત અને મેઘા દોશીનાં લગ્નને પાંચ વર્ષ થઈ ગયાં છે અને લગ્ન પહેલાંના પ્રેમને ૮ વર્ષ મળીને કુલ ૧૩ વર્ષની રિલેશનશિપ છે તેમની. તેઓ હતાં. તમારા સંબંધમાં પહેલાં અને આજમાં શું અંતર છે? આ પ્રશ્નનો જવાબ આપતાં દિગંત દોશી કહે છે, ‘અમને પ્રેમ થયો ત્યારે અમે બન્ને ૧૯ વર્ષનાં હતાં. અત્યારે ૩૨ વર્ષનાં છીએ. ૧૯-૨૦ વર્ષે તે બીમાર પણ થતી તો મને એટલું ફીલ થતું નહીં. કેટલીક વાર તો એ સમયે ફૉર્મલી પણ મેં તેને ન પૂછ્યું હોય કે તબિયત કેમ છે. તેને તકલીફ હોવા છતાં હું મારી રીતે જીવી શકતો હતો. હવે તેને કંઈ થઈ જશે એ વિચાર માત્ર પણ મને ભયંકર હલાવી જાય છે. એટલી હદે કે ફક્ત એ વિચારને કારણે હું કામમાં પણ જરાય ધ્યાન ન આપી શકું. આ પ્રેમ અને પરિસ્થિતિનું કારણ ફક્ત એ નથી કે અમારા બન્નેનો પ્રેમ પરિપક્વ થયો છે, પરંતુ એટલે પણ છે કે આજે અમે બન્ને પણ પરિપક્વ બન્યાં છીએ. જેમ કે એક ટીનેજર દીકરો મમ્મી બીમાર હોય તો ક્રિકેટ રમવા જઈ શકે પણ એક ૩૦ વર્ષનો દીકરો મમ્મી બીમાર હોય તો વર્ક ફ્રૉમ હોમ લઈ લેતો હોય છે. આ ફરક પ્રેમનો નથી, પ્રેમ તો દરેક ઉંમરે હોય છે; પણ એ પ્રેમને પરિપક્વ ઉંમર બનાવે છે.’
ફૅમિલી-પ્લાનિંગ
લગ્ન પછી ફૅમિલી-પ્લાનિંગ વિશે તમારું શું માનવું છે એ પ્રશ્નનો જવાબ આપતાં હેત બિસરિયા કહે છે, ‘અત્યારે તો એવું લાગે છે કે અમે જ બાળકો છીએ પણ અમારાં લવ-મૅરેજ છે અને અમે એકબીજાને ઘણાં વર્ષોથી ઓળખીએ છીએ એટલે બાળક વિશે ઘણી વાર વાત થઈ છે. અમને ચોક્કસ માતા-પિતા બનવાનું સુખ જોઈએ છે, પણ હજી થોડી વાર છે. લગ્નનું એક વર્ષ અમે એવું કાઢ્યું છે કે લાઇફ-સ્ટાઇલ ખરાબ થઈ ગઈ છે. માનસિક રીતે અમે બન્ને બાળક માટે ભલે સજ્જ હોઈએ પણ શારીરિક રીતે પણ સજ્જતા અનિવાર્ય છે. બાળક આવે એ પહેલાં શારીરિક, માનસિક અને આર્થિક બધી રીતે સજ્જ થવું જરૂરી છે.’
સ્વિના પટેલ તેની કઝિન્સ સાથે
બાળકની જરૂરિયાત
આ વાત સાથે સહમત થતાં મેઘા દોશી કહે છે, ‘મારી ઉંમરના ઘણા લોકોને અમે જોઈએ છીએ જે વિચારે છે કે તેમને બાળક નથી કરવું, પણ મને બાળકો ખૂબ જ ગમે એટલે મને બાળક કરવાની ઇચ્છા છે. એ માટેની જરૂરી સજ્જતા પણ છે.’
પરંતુ બાળક કેમ જોઈએ છે એ વિશેનો પોતાનો જુદો વિચાર રજૂ કરતાં દિગંત દોશી કહે છે, ‘મને બાળક નથી જોઈતું એવું નથી અને મને બાળક પાછળ ઘેલું પણ નથી. ઘણાં કપલ્સ એવાં પણ છે જે બાળક માટે વલખાં મારતાં હોય. મને એવાં વલખાં ગમતાં નથી પણ મને બાળક જોઈએ છે કારણ કે મારી અંદર એવો ભાવ છે કે હું મારી લેગસી કોઈને આપીને જાઉં; જે મારું ઇન્ટેલિજન્સ છે, જે જ્ઞાન મેં મેળવ્યું છે જીવનમાં એ બધું હું કોઈને સુપરત કરી શકું. એ કરવાની એટલી તીવ્ર ઇચ્છા છે મને કે કદાચ એને કારણે મને બાળક જોઈએ છે.’
નિષ્ઠા મહેતા ફૅમિલી સાથે
માતા-પિતા સાથેનો બદલાવ
જન્મથી જે સંબંધ બંધાયેલો છે એ માતા-પિતા સાથેનો છે. આપણને કોઈ નખશિખ ઓળખતું હોય અને આપણી સૌથી વધુ ચિંતા કરતું હોય તો એ માતા-પિતા છે, પરંતુ આપણે નાના હોઈએ અને ૩૦ વર્ષના થઈએ ત્યારે માતા-પિતા સાથેના સંબંધોમાં પણ અમુક પ્રકારના બદલાવ આવે છે. એ વિશે વાત કરતાં મેઘા દોશી કહે છે, ‘તમે ૩૦ના થાઓ એટલે માતા-પિતા પણ હવે માનવા લાગે છે કે બાળકો મોટાં થઈ ગયાં એટલે તેમની સલાહો તેઓ પહેલાં કરતાં થોડી ઓછી કરી નાખે છે. બાળકો જાતે કરી લેશે એવો એક પ્રકારનો આત્મવિશ્વાસ તેમની અંદર આપણને દેખાય છે. સામે ચાલીને થોડો સંઘર્ષ પણ થાય. અમુક બાબતો માતા-પિતાને સમજાવી નથી શકાતી જેમ કે અમુક પ્રકારની ફાઇનૅન્શિયલ ચૉઇસિસ તેમને સમજાવવી અઘરી છે. અમુક પ્રકારની લાઇફ-સ્ટાઇલ ચૉઇસિસ પણ તેમને સમજાવવી ઘણી અઘરી છે. પણ બેસ્ટ પાર્ટ એ છે કે તે માતા-પિતા છે એટલે તેઓ તમને સમજવાની પૂરી કોશિશ કરે છે. તમને પૂરી રીતે સાંભળે છે, સમજે છે; પણ વાત અપનાવી જ લેશે એવું દરેક વખતે ન શક્ય હોય એ સહજ છે.’
મિડ-થર્ટીઝમાં કે ચાલીસીમાં હાલત ખરાબ થઈ જાય છે જ્યારે એકલતા ઘેરી વળે છે. એકલતા આજના સમયનો અને આવનારા સમયનો સૌથી મોટો પ્રશ્ન છે. આમ ત્રીસે તમને ભલે લાગે કે મને કોઈની જરૂર નથી અથવા મને મારા જ ગ્રોથમાં રસ છે, મને બીજા માટે અત્યારે કશું કરવું નથી તો એ નિર્ણય આગળ જતાં તમને ડંખી શકે છે. - રિલેશનશિપ કાઉન્સેલર સોની શાહ
જવાબદારીનું ભાન
માતા-પિતા સાથેના પોતાના બૉન્ડિંગ વિશે વાત કરતાં હેત બિસરિયા કહે છે, ‘મારા પપ્પાની જ વાત કરું તો તે મારા મિત્ર છે. મને એક છોકરી ગમી ગઈ છે એ વાત મેં મારા મિત્રોને પછી અને પપ્પાને પહેલાં કહી હતી. વળી મિત્ર છે એટલે માન નથી એવું જરાય નથી. મને યાદ નથી કે તેમણે આજ સુધી કોઈ વાત ટાળી હોય. તે ગુસ્સે થાય તો પણ મને તે ક્યારેય ખોટા નથી લાગ્યા. લગ્ન પછી મને બીજાં મમ્મી-પપ્પા પણ મળ્યાં છે. હું સજાગતા સાથે ક્રિશાનાં માતા-પિતા સાથે પણ સમય વિતાવું છું. કોશિશ એવી કરું છું કે તેમને લાગે કે હું તેમનો જમાઈ નથી, દીકરો જ છું. આ ઉંમરમાં આ પ્રકારના અત્યંત નજીકના સંબંધો પણ શરૂ થાય અને કારણ કે એ શરૂઆત છે એટલે તમારે એના પર જુદું ફોકસ પણ રાખવું જોઈએ એ સમજ ઊભી થાય.’
નાનું થતું જતું વર્તુળ
તમે નાના હો ત્યારે તમારા જેટલા મિત્રો હોય અને તમે ૩૦ વર્ષના થાઓ ત્યારે તમારા જેટલા મિત્રો હોય એ સંખ્યામાં ઘણા લોકોને મોટો ફરક પડી જાય છે. જોકે આ બાબત ફક્ત મિત્રો માટે જ સાચી નથી, દરેક સંબંધને એ લાગુ પડે છે એમ સમજાવતાં દિગંત દોશી કહે છે, ‘આ એક સાબિત થયેલી થિયરી છે. જીવનની શરૂઆતમાં તમારા સંબંધોનું વર્તુળ ઘણું મોટું હોય છે પણ એ વર્તુળના કેન્દ્રમાં તમે છો અને આજુબાજુ લોકો હોય. તમારી સાથે જેનું કનેક્શન સ્ટ્રૉન્ગ બેઠું એ લોકો તમારી સાથે જોડાયેલા રહે છે, તમારી વધુ ને વધુ નજીક આવે છે. જેનું કનેક્શન ન બેઠું એ છૂટતા જાય છે. જે નજીક આવતા જાય છે એનું એક ક્લોઝનિટ સર્કલ બનતું જાય છે. મને લાગે છે કે આ ઉંમરે આ સર્કલ બનવાની શરૂઆત થઈ જાય છે. કામ
કરતાં-કરતાં, કરીઅરની હોડમાં જે સંબંધો જોડે સ્ટ્રૉન્ગ કનેક્શન નથી એ છૂટતા જાય છે. બાકી આંગળીના ટેરવે પણ ગણી શકાય એટલા સંબંધો બચે છે જે તમારું અંગત સર્કલ છે, જેમના વગર તમે જીવી નથી શકવાના. ધીમે-ધીમે એ સ્પષ્ટ થતું જાય છે કે આ વ્યક્તિઓ જ તમારા જીવનની મુખ્ય વ્યક્તિઓ છે.’
કામ સાથેનો સંબંધ
૨૨-૨૪ વર્ષ સુધી તમે જે તનતોડ મહેનત કરીને ભણ્યા એને અનુરૂપ આજે જે કામ કરી રહ્યા છો એ તમને જીવનમાં આગળ લઈ જશે એ નક્કી છે. આમ ૩૦ વર્ષની ઉંમરે વ્યક્તિની ગાઢ રિલેશનશિપ તેના કામ સાથે હોય છે. એ બાબતે વાત કરતાં દિગંત દોશી કહે છે, ‘હું કામને કામની રીતે નથી જોતો. કામ કલાકો જોઈને ન કરવાનું હોય. મને જે ગમે છે એ જ કામ હું કરી રહ્યો છું એટલે એમાં માપ-તોલ ન હોઈ શકે. વર્ક-લાઇફ બૅલૅન્સ પણ મને એક મિથ જેવું લાગે છે. હું જ્યાં હોઉં ત્યાં હું મારા ૧૦૦ ટકા આપતો હોઉં છું. બે કલાકનું કામ અને ૧૦ મિનિટનો પ્રેમ એવું કશું હોતું નથી. કામથી કટ-ઑફ થવું જેમ શક્ય નથી એ જ રીતે જે તમારા પ્રિયજન છે તેમને નેવે મૂકી દેવાતા નથી. જ્યારે જેની જરૂર વધુ ત્યારે એના પર ધ્યાન વધુ. જ્યારે ઑફિસમાં કામ ખૂબ છે ત્યારે રાત્રે બે વાગે તો પણ ઠીક છે. જ્યારે ઘરે કોઈ માંદું હોય ત્યારે વર્ક ફ્રૉમ હોમ લઈને તેનું ધ્યાન રાખી લઉં છું.’
વર્ક-લાઇફ બૅલૅન્સ
આ ઉંમર એવી છે જેમાં નક્કી છે કે નજીકમાં નજીકનો સંબંધ પણ કેમ ન હોય, પરંતુ કામ અને કરીઅરની વચ્ચે ન આવે એવું દરેક વ્યક્તિ ઇચ્છે છે કારણ કે આ જ ઉંમર છે જ્યારે વ્યક્તિનું પૂરું ફોકસ કરીઅરને તેણે આપવાનું હોય છે. આ સમયમાં કરીઅર પર ધ્યાન ન આપ્યું તો ઘણું મોટું નુકસાન થાય એમ છે. પરંતુ કરીઅરને કારણે સંબંધોને અવગણ્યા તો ચાલે? ૩૦ વર્ષે પહોંચ્યા પછી શું વ્યક્તિ વર્ક-લાઇફ બૅલૅન્સ કરી શકે છે? આ બાબતે પોતાની વાત કરતાં મેઘા દોશી કહે છે, ‘વર્ક-લાઇફ બૅલૅન્સ મુંબઈ જેવા શહેરમાં ખૂબ અઘરું છે. કામ કરવાના કલાકો તો વધુ છે જ અને એમાં ટ્રાવેલ-ટાઇમ એટલો છે કે પહોંચી વળવું અઘરું પડે છે. ખાસ સ્ત્રીઓને ૨૪ કલાક ગિલ્ટ રહેતું હોય છે; જેમ કે વ્યસ્તતાને કારણે ઘરે ધ્યાન ન આપી શકવાનું, ખુદ પર ધ્યાન ન આપી શકવાનું. એવું લાગે કે પહોંચી જ નથી વળાતું. થાક લાગે એ જુદું. આ તો સારું છે કે અમારી કંપનીમાં અઠવાડિયામાં બે દિવસ વર્ક ફ્રૉમ હોમ આપે છે એટલે સર્વાઇવલ શક્ય છે.’
ત્રીસે પહોંચેલાને સલાહ
કામને કારણે ૩૦ વર્ષની ઉંમરે જો તમે સંબંધોને મહત્ત્વ ન આપો તો શું એ પ્રશ્નનો જવાબ આપતાં રિલેશનશિપ કાઉન્સેલર સોની શાહ કહે છે, ‘અર્લી થર્ટીઝમાં લોકો આર્થિક રીતે પગભર હોય, જાતે બધા નિર્ણયો લઈ શકે એવા સક્ષમ હોય એટલે કોઈ બીજી વ્યક્તિ માટે કંઈ પણ જતું કરવા કે તેમને ન ગમતું હોય એવું કંઈ કરવા તૈયાર થતા નથી. વધતા ડિવૉર્સ-રેટને કારણે કે પોતાની ફ્રીડમ જળવાઈ રહે એ માટે આજે ઘણા લોકો લગ્ન નથી કરતા. ઘણા લોકો લગ્ન કરીને પણ અલગ થઈ જતા હોય છે, કારણ કે તેમને કૉમ્પ્રોમાઇઝ્ડ લાઇફ જીવવી નથી હોતી. આ બધું ૩૦ વર્ષની શરૂઆતમાં સાંખી લેવાય છે, પણ મિડ-થર્ટીઝમાં કે ચાલીસીમાં હાલત ખરાબ થઈ જાય છે જ્યારે એકલતા ઘેરી વળે છે. એકલતા આજના સમયનો અને આવનારા સમયનો સૌથી મોટો પ્રશ્ન છે. આમ ત્રીસે તમને ભલે લાગે કે મને કોઈની જરૂર નથી અથવા મને મારા જ ગ્રોથમાં રસ છે, મને બીજા માટે અત્યારે કશું કરવું નથી તો એ નિર્ણય આગળ જતાં તમને ડંખી શકે છે. એટલે ત્રીસે જે પરિપક્વતા આવી છે એનો સદુપયોગ કરો, જેને કારણે ભવિષ્યમાં સહન ન કરવું પડે.’

