હાલમાં રિતેશ દેશમુખે કહ્યું હતું કે બાળકો તમારા જીવનનો ભાગ બને એના કરતાં તમારે તેમના જીવનનો ભાગ બનવું જોઈએ; ચાલો એ સમજવાનો પ્રયાસ કરીએ...
ફાઇલ તસવીર
હાલમાં રિતેશ દેશમુખે કહ્યું હતું કે બાળકો તમારા જીવનનો ભાગ બને એના કરતાં તમારે તેમના જીવનનો ભાગ બનવું જોઈએ. મમ્મી-પપ્પા માટે તેમનું બાળક જ તેમનું વિશ્વ હોય છે, પણ બન્નેની દુનિયા આમ સાવ જુદી હોય છે. સહજ છે કે મમ્મી-પપ્પા બાળકને પોતાની દુનિયામાં લઈ જવા નથી માગતાં, પરંતુ તેમણે બાળકની દુનિયામાં જવું ખૂબ જરૂરી છે. એ દુનિયા અલગ હોય તો પણ અને એ માટે સમય ન હોય તો પણ સંતાનની દુનિયામાં તેમણે જવું જ જોઈએ એટલું જ નહીં, એ દુનિયાનો એક અભિન્ન ભાગ પણ બનવું જોઈએ. આવું કરવું કેમ જરૂરી છે અને એ કેવી રીતે કરી શકાય એ સમજવાનો પ્રયાસ કરીએ...
બાળકો પોતાનાં મમ્મી-પપ્પાની દુનિયા હોય છે, તેમનું સર્વસ્વ હોય છે પણ હકીકત એ છે કે એ બન્નેની દુનિયા જુદી છે. એક બાળક છે, એક વયસ્ક છે. બાળકોની દુનિયા ખૂબ જુદી હોય અને વયસ્ક લોકોની દુનિયા સાવ અલગ. તમે ગમે એટલો બાળકને પ્રેમ કરો, પણ તમે તેને તમારી દુનિયાથી થોડા વેગળાં જ રાખવાનું પસંદ કરો છો. મમ્મી-પપ્પા ગમે એટલાં ટેન્શનમાં હોય પણ બાળક સામે હસતાં-રમતાં જ આવતાં હોય છે. એ બન્ને ગમે એટલાં ગંભીર હોય પણ બાળક જોડે મસ્તી જ કરતાં હોય છે. આ વિષય પર હાલમાં રિતેશ દેશમુખની રીલ વાઇરલ થઈ હતી જેમાં તે કહી રહ્યો હતો કે ‘બાળકો આપણા જીવનનો ભાગ બને એના કરતાં આપણે તેમના જીવનનો ભાગ બનવું જરૂરી છે. આપણે તેમને કામ પર દરરોજ નથી લઈ જઈ શકવાનાં પણ જ્યારે તેની ફુટબૉલ મૅચ હોય ત્યારે બૉટલ અને કૅપ લઈને તમે ઑડિયન્સમાં બેઠાં હો એ જરૂરી છે.’
ADVERTISEMENT
મમ્મી-પપ્પાએ બાળક પાસેથી શીખવું જોઈએ
આપણું અને બાળકોનું વિશ્વ અલગ છે એ તો ખરું પણ સાથે બન્ને વિશ્વની એકમેક સાથે સરખામણી કરીએ તો બાળકોનું વિશ્વ આપણા કરતાં ઘણું સુંદર છે. આપણા બિહામણા વિશ્વનો ભાગ બાળક મોટું થશે ત્યારે બનશે એટલે આપણે તેને તેના વિશ્વમાં રહેવા દઈએ છીએ. વધુ ખણખોદ કરીને આપણે તેને આપણા વિશ્વમાં ખેંચી લાવતા નથી એનું આ મુખ્ય કારણ છે. સદ્ગુરુ જગ્ગી વાસુદેવ પણ કહે છે કે બાળક અને મમ્મી-પપ્પા બન્નેમાં કોણ વધુ ખુશ રહેતું હોય છે? સહજ રીતે બાળક. તો પછી તેણે આપણી પાસેથી શીખવું જોઈએ કે આપણે બાળક પાસેથી શીખવું જોઈએ? સહજ રીતે આપણે જ બાળકો પાસેથી શીખવું જોઈએ. એ લોકો આપણા કરતાં વધુ ખુશ રહેતાં હોય છે. તો પછી શીખવાનું પણ આપણે જ તેમની પાસેથી કે ખુશ કઈ રીતે રહી શકાય. જેનો સીધો મતલબ તો એ જ થયો કે આપણે બાળકોના વિશ્વનો ભાગ બનવાની ખૂબ જરૂર છે.
જુદાં વિશ્વ
ઘણી વાર થાય છે એવું કે વ્યસ્તતાને કારણે કે સંપૂર્ણ રીતે અલગ વિશ્વ હોવાને કારણે મમ્મી-પપ્પા બાળકને અઢળક પ્રેમ કરતાં હોવા છતાં તેના વિશ્વનો ભાગ નથી બની શકતાં. બાળકના જીવનમાં શું ચાલી રહ્યું છે એની તેમને ખબર નથી હોતી તો બાળકોના મનમાં શું ચાલી રહ્યું છે એની ખબર કઈ રીતે હોઈ શકે? પણ એ સમજવું જરૂરી છે કે બન્ને વિશ્વ એકબીજાથી જુદા છે, જેમ કે મમ્મી-પપ્પા ઑફિસ જાય, બાળક સ્કૂલ, મમ્મી-પપ્પા સોનુ નિગમ સાંભળતાં હોય અને બાળક એડ શીરન, મમ્મી-પપ્પા પરોઠાં-શાક ખાતાં હોય અને બાળક પાસ્તા-પીત્ઝા, મમ્મી-પપ્પા ન્યુઝ કે ટીવી-સિરિયલ જોતાં હોય અને બાળક યુટ્યુબ. આમ બન્નેની દુનિયા ઘણી અલગ છે. ભાષા પણ ઘણી અલગ છે. વસ્તુને સમજવાની રીતભાત પણ ઘણી અલગ છે. મમ્મી-પપ્પા એક ઘરેડમાં વિચારતાં હોય છે, બાળક પાસે ક્રીએટિવિટીના ખજાના છે. મમ્મી-પપ્પા ઘણાં પ્રૅક્ટિકલ હોય છે તો બાળક એકદમ ભોળું. આમ એક છત નીચે રહેવા છતાં મમ્મી-પપ્પા અને બાળક બન્નેનાં વિશ્વ એકબીજાથી ઘણાં જુદાં છે પણ સાથે રહેવા માટે એકબીજાના વિશ્વમાં પ્રવેશવું જરૂરી છે. આપણને તો અનુકૂળ ન આવે કે બાળક આપણા વિશ્વમાં પ્રવેશે એટલે આપણે બાળકના વિશ્વમાં પ્રવેશીએ એ જ યોગ્ય છે.
તેમની સાથે તેમના જેવડાં
બોરીવલીમાં રહેતાં મિત્તલ કેનિયાનો દીકરો સૌમ્ય ૧૨ વર્ષનો છે. તે માને છે કે મમ્મી-પપ્પાએ બાળકની દુનિયા કે તેમના જીવનનો ભાગ બનવું ખૂબ જરૂરી છે. એ વિશે વાત કરતાં તે કહે છે, ‘મને પત્તાં રમવાનું ગમતું પણ સૌમ્ય આવ્યા પછી હું વધુ પ્લેફુલ બની છું. રમવું એ બાળકોની જરૂરિયાત છે. હું દરરોજ તેની સાથે રમું અને એમાં મને કંટાળો નથી આવતો. મજા જ આવે છે. વ્યસ્તતા તો રહેવાની પણ બાળક માટે આ સમય કાઢવો જરૂરી લાગે છે. જ્યારે મમ્મી-પપ્પા સંતાન સાથે રમે છે ત્યારે તેઓ પણ બાળક બની જાય છે અને એ તેમના સંતાન સાથેના બૉન્ડને ખૂબ મજબૂત કરે છે. આ રીતે આજનાં બાળકો ગૅજેટથી દૂર અને મમ્મી-પપ્પાથી વધુ નજીક આવે છે. ભલે અમારા બન્નેની દુનિયા જુદી હોય, પણ જ્યારે અમે રમીએ છીએ ત્યારે અમારા બન્નેની દુનિયા એક બની જાય છે અને એની મજા જ જુદી છે.’
હાજરી જરૂરી
વસઈમાં રહેતી આસ્થા ગુહાને બે દીકરીઓ છે, ૧૮ વર્ષની પર્લ અને ૧૩ વર્ષની મિષ્ટી. બન્ને દીકરીઓ માટે તેમની મમ્મી ઓછી અને મિત્ર વધુ છે. એને લીધે તે તેમની દુનિયાનો મહત્ત્વનો ભાગ છે, પણ આવું કર્યું કેવી રીતે? એનો જવાબ આપતાં આસ્થા કહે છે, ‘જો તમારે બાળકના જીવનનો ભાગ બનવું હોય તો તેમની સાથે વાતો કરવી પડે. એમાં પણ શરત છે. બાળકને જ્યારે વાત કરવી હોય એ સમયે તમે તેની પાસે હાજર હો તો જ બાળક તમને તેના મનની વાત કરે છે. જ્યારે તમને સમય હોય, તમારે વાત કરવી હોય ત્યારે તે વાત કરતું નથી. હું મેકઅપ-આર્ટિસ્ટ છું. ક્યારેક ૩-૪ દિવસ માટે મારે બહારગામ જવાનું થાય ત્યારે મેં ખાસ અનુભવ્યું છે કે બાળકો ફોન કરીને કશું નહીં કહે. કશું ખૂબ મહત્ત્વનું હોય તો પણ નહીં. મારો અનુભવ તો એ જ કહે છે કે તમારે તેમને માટે અવેલેબલ રહેવું પડે. તેમના મિત્રો સાથે તેઓ ફોન પર ચોંટેલા હોય પણ મમ્મી-પપ્પા તો તેમને હાજરાહજૂર જોઈએ જ. એક પ્રકારે તેમની દુનિયામાં સતત હાજર રહેવું અઘરું પડે છે.’
ફાયદો
તમે જ્યારે બાળકના વિશ્વનો ભાગ બનો છો ત્યારે શું થાય છે? આનો જવાબ આપતાં અમિત શાહ કહે છે, ‘ત્યારે મમ્મી-પપ્પા તરીકે તમારા વિશ્વ કરતાં સુંદર વિશ્વ તમને મળે છે, કારણ કે બાળકોની દુનિયા પરીકથા જેવી સુંદર હોય છે. જે મમ્મી-પપ્પા પોતાના બાળકની દુનિયાનો હિસ્સો હોય છે તેમના બાળકે મમ્મી-પપ્પાનું ડ્રીમ-બાળક બનવાની જરૂર નથી પડતી. એ જેવું છે એવું રહી શકે છે એટલું જ નહીં, પોતાનું બેસ્ટ વર્ઝન તે બની જાણે છે. આવાં બાળકોને વિચારતાંય આવડે છે એટલે કે તેમના પોતાના વિચારો હોય છે, તેમની પોતાની માન્યતાઓ હોય છે. મમ્મી-પપ્પાએ તેમના પર એ થોપેલાં નથી હોતાં. બાળકના કોઈ પણ કામ પાછળનો હેતુ શું છે એ મમ્મી-પપ્પા ખૂબ સારી રીતે સમજી શકે છે, તેમની ભાવનાઓને વ્યવસ્થિત જાણી શકે છે. આવાં મમ્મી-પપ્પા તેમના બાળકને ફક્ત પ્રેમ નથી કરતાં, તેની અને તેની ભાવનાઓ પ્રત્યે તેને માન પણ હોય છે.’
શું કરવું? બાળકના વિશ્વમાં જતાં પહેલાં આટલું ધ્યાન રાખો
બાળકના વિશ્વમાં પ્રવેશવા માટે તમારે બાળકને નજીકથી જાણવું જરૂરી છે. એ માટે તેની સાથે સમય વિતાવવો જરૂરી છે એ સમજી શકાય છે, પરંતુ આ બાબતે ગાઇડન્સ મેળવીએ પેરન્ટિંગ કોચ અમિત શાહ પાસેથી.
પહેલાં તો તમને ખુદને શું જોઈએ છે એ સમજો. ખુદને જાણતા હશો તો બાળકને જાણવામાં સરળતા રહેશે. મમ્મી-પપ્પાની તકલીફ એ છે કે તેઓ બાળકને પ્રેમ કરે છે પણ તેમના મનમાં જે બાળકની છબિ છે તેને તેઓ પ્રેમ કરતાં હોય છે. રિયલિટી ચેક ખાતર પણ જરૂરી છે કે તેઓ કાલ્પનિક વિશ્વમાં ન રહે, બાળકોની રિયલ દુનિયામાં પ્રવેશે.
બીજું એ કે બાળક જેવું છે એવું તેને સંપૂર્ણ રીતે અપનાવીને પછી તેના વિશ્વમાં પગ મૂકો. બાળક આળસુ છે કે ઍક્ટિવ, બાળક મૂંઝાયેલું છે કે આત્મવિશ્વાસથી છલકાઈ રહ્યું છે. જેવું છે એવું પહેલાં એ વાતનો સ્વીકાર કરો કે મારું બાળક આવું છે. આ સ્વીકાર તમને પરવાનગી આપશે તેના વિશ્વમાં પ્રવેશવાની.
એટલું ધ્યાન રાખવું કે જ્યારે તમે તેના વિશ્વમાં હો ત્યારે તેના જીવનના પડકારોમાં તમારે મદદ કરી શકાય, પણ પ્રમાણમાં. તેની લડાઈ તમે ન લડવા માંડો એનું ધ્યાન તમારે રાખવાનું છે.
