આપણે ત્યાં ફીમેલ કૉન્ડમ પ્રચલિત નથી થયાં, પણ એ પણ એટલાં જ સેફ છે

પ્રતિકાત્મક ફાઇલ તસવીર
મારી ઉંમર ૨૬ વર્ષની છે, આવતા મહિને મારાં મૅરેજ છે. મેં અને મારા ફિયાન્સે મૅરેજ પહેલાં જ ફિઝિકલ રિલેશનની શરૂઆત કરી છે. અત્યારે અમે કૉન્ડોમ વાપરીએ છીએ, પણ મને એમાં મજા નથી આવતી અને મૅરેજનાં ત્રણ વર્ષ સુધી અમને બન્નેને બાળક પણ નથી જોઈતું. હું કૉન્ટ્રાસેપ્ટિવ પણ વાપરવા નથી માગતી અને હસબન્ડને મારાથી દૂર પણ રાખી શકું એમ નથી. મારે કરવું શું? કૉન્ડોમ અને કૉન્ટ્રાસેપ્ટિવ સિવાય બીજા કોઈ વિકલ્પો હોય છે જેનાથી મારી પ્રેગ્નન્સી હું ટાળી શકું? જોગેશ્વરી
ના, બીજા કોઈ રસ્તા નથી અને ધારો કે બીજા રસ્તા જો કોઈ સૂચવે તો એ ટ્રાયલ-ઍન્ડ-એરર જેવા હશે એટલે એમાં પ્રેગ્નન્સી ન જ રહે એની કોઈ ગૅરન્ટી ન આપી શકે. ઘણા એવું કરતા હોય છે કે ઇન્ટિમેટ રિલેશનની અંતિમ સેકન્ડોમાં સ્પર્મ એન્ટર ન થાય એની સાવચેતી રાખીને રિલેશન અટકાવી દે છે, પણ એ જોખમી વાત છે. અથવા તો પુરુષ ઇજેક્યુલેશન બહાર કરે છે. જોકે આ રીત સેફ નથી. ખાસ કરીને એ લોકો માટે જેમને પ્રેગ્નન્સી નથી જોઈતી. વીર્યનું એકાદ બુંદ પણ પ્રેગ્નન્સી માટે નિમિત્ત હોય છે. જો તમે હમણાં બાળક ન ઇચ્છતાં હો તો તમારી પાસે બે ઑપ્શન છે કૉન્ટ્રાસેપ્ટિવ અને કાં તો કૉન્ડોમ, માટે તમારે એ બેમાંથી જ એકાદ ઑપ્શન પસંદ કરવાનો રહે.
કૉન્ડોમમાં આજના સમયમાં અઢળક વરાઇટી આવવા માંડી છે. ફ્લેવર્સ પણ આવે છે અને સ્કીન લૅયર મુજબના મટીરિયલમાંથી બનેલાં કોન્ડમ પણ આવે છે, જે પુરુષ વાપરી શકે. આપણે ત્યાં ફીમેલ કૉન્ડમ પ્રચલિત નથી થયાં, પણ એ પણ એટલાં જ સેફ છે. પ્રચલિત નહીં થયાં હોવાને લીધે એમાં બહુ વરાઇટી નથી મળતી, પણ એ તમે ટ્રાય કરી શકો છો. કૉન્ટ્રાસેપ્ટિવ નિયમિત લેવી અને એ પણ સતત અઢી-ત્રણ વર્ષ એ શરીરની તાસિર મુજબ જોખમ ઊભું કરી શકે છે, માટે બન્ને સેફ્ટી પૉઇન્ટનો ઉપયોગ સમયાંતરે થયા કરે એ હિતાવહ છે અને એમાં પણ કૉન્ડમ વધારે સેફ, જેમાં કોઈ કેમિકલ કે ડ્રગનો ઉપયોગ થતો નથી. એક વણમાગી સલાહ, અનિવાર્ય કારણ વિના બાળક માટે મોડું કરવું પણ હિતાવહ નથી.