લગ્ન માત્ર ફિઝિકલ જરૂરિયાતની પૂર્તિ કરવા ઉપરાંત પણ બીજું ઘણું આપે છે.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
મારા ઘરમાં બધા જ મને વંઠેલો માને છે, પણ હું હંમેશાં લૉજિકલ સવાલો પૂછું છું એ તેમને ગમતું નથી. લગ્નવ્યવસ્થામાં હું માનતો નથી. મને એવું લાગે છે કે કોઈ એક વ્યક્તિ સાથે આખી જિંદગી રહેવાનું કમિટમેન્ટ આપવું સહેલું નથી. જ્યારે હું આવું કહું છું ત્યારે લોકોને લાગે છે કે હું ગે હોઈશ, પણ ના એવું જરાય નથી. કૉલેજમાં હતો ત્યારે અફેર કરી ચૂક્યો છું અને હજીયે છોકરીઓને જ લાઇક કરું છું, પણ કોઈની સાથે આખી જિંદગી લડતાં-ઝઘડતાં કાઢી નાખી શકાય એવું મને લાગ્યું નથી. જ્યારે વાત માત્ર ફિઝિકલ નીડ્સની આવે છે ત્યારે એવું લાગે કે કોઈ પાર્ટનર હોય તો સારું, પણ એ સિવાય લગ્નમાં મને મારું ફ્યુચર જોવાનું ઠીક નથી લાગતું. જો હું લગ્ન વિના કોઈની સાથે રહેવા માગું તો એ પાપ છે?
લગ્ન એ માણસે શરૂ કરેલી સામાજિક વ્યવસ્થા છે. પાપ અને પુણ્ય પણ માનવસર્જિત જ છે. પણ માનવસર્જિત બાબતો ખોટી હોય એવું વિચારવું ઠીક નથી. હા, જરૂરી નથી કે બધા જ લગ્ન કરે છે એટલે તમારે પણ કરવાં જ. પણ જ્યારે તમે આ સમાજવ્યવસ્થા પાછળના આશયને સમજ્યા નથી ત્યારે સ્વસ્થતાપૂર્વકનો નિર્ણય લેવાય એવી સંભાવના ઓછી છે. લગ્નસંબંધમાં તમે જે આપો છો એ બમણું થઈને મળે છે. પ્રેમ આપો તો પ્રેમ મળે, વિશ્વાસ આપો તો વિશ્વાસ.
ADVERTISEMENT
લગ્ન માત્ર ફિઝિકલ જરૂરિયાતની પૂર્તિ કરવા ઉપરાંત પણ બીજું ઘણું આપે છે. તમે શારીરિક જરૂરિયાતથી ઉપર ઊઠીને લગ્નને એક સહજીવનના પાયા તરીકે જોશો તો એ જીવનને જરૂર એનરિચ કરે છે.
જીવનના વિવિધ તબક્કે વ્યક્તિની જરૂરિયાતો પણ બદલાતી હોય છે. તમે ઉંમર નથી કહી, પણ જુવાનીમાં શારીરિક આવેગો મહત્ત્વના લાગે ને મિડલ-એજ પછીથી જ્યારે જીવનમાં ઠહરાવની ઝંખના હોય ત્યારે કમિટેડ સંબંધ જીવનમાં ન હોય એ અઘરું પડે છે. પાછલી વયે એકમેકનો હાથ પકડવામાં પણ હૂંફ ન હોય તો કેવો ખાલીપો વર્તાય છે એ કોઈ વડીલના જીવનને જોશો તો સમજાશે.
કોઈ એક વ્યક્તિ સાથે રહેવામાં તમને મજબૂરી અથવા તો બંધન જણાય છે ત્યાં સુધી તમે એકમેકને સમર્પિત થઈને જીવવાના સંબંધની સુંદરતા નહીં જ સમજી શકો. લગ્નસંબંધને તમે શારીરિક નીડનાં ચશ્માંથી ઉપર ઊઠીને જુઓ અને પછી જે સમજાય એ મુજબ નિર્ણય લો.

