જ્યારે અબ્યુઝિવ રિલેશનશિપની વાત આવે છે ત્યારે શા માટે સ્ત્રીઓ સંબંધ તોડવાને બદલે ત્રાસ સહન કરતી રહે છે અને છેલ્લે સહનશક્તિ ખૂટે ત્યારે જીવન ટૂંકાવવા જેવું પગલું ઉઠાવી લે છે?
ટ્વિશા શર્મા, દીપિકા નાગર
સાસરિયાંઓના ટૉર્ચરથી કંટાળીને આપઘાત કરનાર ટ્વિશા શર્મા અને દીપિકા નાગરનો કેસ આખા દેશમાં ચર્ચાઈ રહ્યો છે. એમાં ગઈ કાલે એક વધુ કિસ્સો ઉમેરાયો લખનઉની માનસી રાજપૂતનો. આ ત્રણેય યુવતીઓ હાઇલી એજ્યુકેટેડ અને ઇન્ડિપેન્ડન્ટ હતી અને લગ્નના ગણતરીના મહિનાઓમાં તેમણે આ પગલું ભર્યું. કહેવાય છે કે સ્ત્રીઓ પગભર હોય તો જીવનના કોઈ મોરચે પાછી ન પડે. તો પછી જ્યારે અબ્યુઝિવ રિલેશનશિપની વાત આવે છે ત્યારે શા માટે સ્ત્રીઓ સંબંધ તોડવાને બદલે ત્રાસ સહન કરતી રહે છે અને છેલ્લે સહનશક્તિ ખૂટે ત્યારે જીવન ટૂંકાવવા જેવું પગલું ઉઠાવી લે છે?
ભોપાલમાં ૩૩ વર્ષની ટ્વિશા શર્માના અને ગ્રેટર નોએડામાં ૨૪ વર્ષની દીપિકા નાગરના આપઘાતે આખા દેશનું ધ્યાન ખેંચ્યું છે. આ બન્ને દીકરીઓનો જીવ જવા પાછળનું કારણ તેમને દહેજ માટે સાસરિયાંઓ તરફથી આપવામાં આવતો શારીરિક અને માનસિક ત્રાસ હતું. એ વાત હજી ટાઢી પડે એ પહેલાં ગઈ કાલે મૂળ કાનપુરની અને પરણીને લખનઉ સેટલ થયેલી સોશ્યલ મીડિયા ઇન્ફ્લુઅરન્સર માનસી રાજપૂતના સુસાઇડના સમાચાર આવ્યા છે. અગેઇન એમાં પણ દહેજનો જ મામલો હોવાનો આરોપ લાગ્યો છે. સ્વાભાવિક છે સોશ્યલ મીડિયા પર પણ આને લઈને રોષ ફાટી નીકળ્યો છે કે ક્યાં સુધી દહેજ જેવી સમાજની કુરીતિને કારણે દીકરીઓનો ભોગ લેવાતો રહેશે? અનેક સેલિબ્રિટીઓ પણ આની સામે પોતાનો અવાજ ઉઠાવી રહી છે અને સ્ત્રીઓને મજબૂત બનવા અને પોતાની જાત માટે લડવા કહી રહી છે. આ બધા વચ્ચે એક એવી ચર્ચા પણ થઈ રહી છે કે આજના સમયને જોતાં સ્ત્રીઓ માટે ફક્ત આર્થિક રીતે આત્મનિર્ભર થવું પૂરતું નથી, તેમણે માનસિક રીતે પણ મજબૂત થવાની આવશ્યકતા છે. રીસન્ટ્લી જે કિસ્સાઓ આવી રહ્યા છે એમાં જોવા મળ્યું છે કે યુવતીઓ ભણેલી-ગણેલી અને પગભર હોય તો પણ માનસિક રીતે ભાંગી પડે છે અને જીવન સામે હાર માની જાય છે. આવા કિસ્સાઓ સામે આવતા હોય ત્યારે આપણને એવા અનેક સવાલો થાય કે શા માટે આત્મનિર્ભર મહિલાઓ ફિઝિકલ અને મેન્ટલ ટૉર્ચર સહન કરતી હશે? તેઓ કેમ પોતાનું સ્ટૅન્ડ લઈ શકતી નથી? તેમને ખબર છે કે તેમની સાથે ખોટું થઈ રહ્યું છે એમ છતાં તેઓ એવા ટૉક્સિક રિલેશનમાંથી બહાર કેમ આવી શકતી નથી? આ દિશામાં આપણે વધુ મનોમંથન કરવાની જરૂર છે.
ADVERTISEMENT
સ્ત્રીઓનું માનસિક ઘડતર
આવી ઘટનાઓમાં સમાજ દ્વારા કરવામાં આવેલું સ્ત્રીઓનું માનસિક ઘડતર કેવી ભૂમિકા ભજવે છે એ વિશે સોશ્યોલૉજિસ્ટ તેમ જ SNDT વિમેન્સ યુનિવર્સિટીનાં માનવશાસ્ત્ર અને સામાજિક વિજ્ઞાન વિભાગનાં ડીન રહી ચૂકેલાં ડૉ. સ્મૃતિ ભોસલે કહે છે, ‘જ્યારે કોઈ સ્ત્રી આર્થિક રીતે સ્વતંત્ર હોય ત્યારે બહારથી એવું લાગે છે કે તેના માટે કોઈ પણ ખરાબ સંબંધમાંથી બહાર નીકળવાના બધા રસ્તા ખુલ્લા છે, પણ જો સામાજિક દૃષ્ટિકોણથી જોઈએ તો આર્થિક આઝાદી મળવાથી આપોઆપ માનસિક કે સામાજિક આઝાદી નથી મળી જતી. આજે પણ ઘણી ભણેલી-ગણેલી ફૅમિલી એવો દાવો કરે છે કે તેઓ દીકરા-દીકરીમાં કોઈ ભેદભાવ નથી રાખતા. છતાં તેઓ સ્ત્રીની ફરજો અને ક્ષમતાઓને લઈને પરંપરાગત ભૂમિકાઓ પર જ ભાર મૂકે છે. ભલે સમય થોડો બદલાયો છે, પણ લગ્નને હજી પણ છોકરીના જીવનનું અંતિમ ધ્યેય માનવામાં આવે છે. જે સ્ત્રી અપરિણીત રહે છે કે જેના જલદી ડિવૉર્સ થઈ જાય છે તે તરત જ સમાજમાં ગૉસિપ અને ટોણાનો શિકાર બની જાય છે. આપણા સમાજમાં છોકરીઓને શીખવવામાં આવે છે કે ગુસ્સો ન કરાય, મોટેથી ન બોલાય, શાંત રહો અને સહન કરો. એટલે કે તેમના કુદરતી ગુસ્સાને દબાવી દેવામાં આવે છે. બીજી બાજુ છોકરાઓનો ગુસ્સો કે આક્રમકતા ‘તે તો છોકરો છે, એવું તો કરે’ કહીને સ્વીકારી લેવાય છે. જ્યારે છોકરાઓના આ ગુસ્સાને નાનપણથી કોઈ ટોકતું નથી ત્યારે મોટા થઈને એ ઘરેલુ હિંસા કે અત્યાચારનું રૂપ લઈ લે છે. આના કારણે છોકરીઓના મનમાં કાયમ એક ડર બેસી જાય છે અને તેઓ આખી જિંદગી બસ પોતાની સુરક્ષા શોધવામાં જ વિતાવી દે છે. જ્યારે પરિવારની અંદર કોઈ સ્ત્રી સાથે અન્યાય કે અત્યાચાર થાય ત્યારે આપણું કૌટુંબિક માળખું એને દબાવવાનો પ્રયત્ન કરે છે. ઘરમાં એવી ચર્ચા કરવાની મંજૂરી નથી હોતી કે આ ખોટું થઈ રહ્યું છે. મહિલાને ડરાવવામાં આવે છે અથવા એવું વાતાવરણ ઊભું કરવામાં આવે છે કે તેને લાગે કે જો હું આ ઘર છોડીશ તો બહારની દુનિયામાં ક્યાંય જીવી નહીં શકું. પરિણામે તે સ્ત્રી પોતાના પર થતા અત્યાચારને સામાન્ય માનવા લાગે છે. તેનો આ ડર એટલો વધી જાય છે કે તે માત્ર આર્થિક રીતે જ નહીં, માનસિક રીતે પણ સાવ ભાંગી પડે છે અને આ ડર તેના અસ્તિત્વનો ભાગ બની જાય છે. સમાજ સ્ત્રીને ક્યારેય એક સ્વતંત્ર અને પુખ્ત માણસ તરીકે સ્વીકારતો જ નથી. તેને આખી જિંદગી એક નાના બાળકની જેમ રાખવામાં આવે છે જેના નિર્ણયો બીજા લે છે. લગ્ન પહેલાં તેના નિર્ણયો પિતા લે છે, લગ્ન પછી પતિ લે છે અને મોટી ઉંમરે તેનો દીકરો તેના પર હક ચલાવે છે. આ પુરુષો સ્ત્રીના રક્ષક બનીને બેસી જાય છે જેને કારણે સ્ત્રી પોતાની ક્ષમતા પર ભરોસો કરવાનું ભૂલી જાય છે અને હંમેશાં કોઈના પર ડિપેન્ડન્ટ થઈને રહે છે.’
પિતૃસત્તાક સમાજનો સ્વાર્થ
‘સારા ઘરની સ્ત્રી આવું વર્તન ન કરે’ અથવા ‘સ્ત્રીએ થોડું તો સહન કરવું જ પડે’ જેવાં વાક્યો કોઈ કુદરતના નિયમો નથી, એ પિતૃસત્તાક સમાજ દ્વારા પોતાની સુવિધા માટે બનાવેલી ફૉર્મ્યુલા છે એમ જણાવતાં ડૉ. સ્મૃતિ ભોસલે કહે છે, ‘તેમના ઉછેરમાં સહનશીલતા અને ત્યાગને તેમના સર્વોચ્ચ ગુણો તરીકે વખાણવામાં આવે છે. ‘તારા પતિનું ઘર જ તારું સાચું ઘર છે’ અને ‘લગ્ન તોડવાથી પરિવારની ઇજ્જત જશે’ જેવા નિયમો બાળપણથી જ છોકરીઓના મગજમાં ઠસાવી દેવાય છે જે પરિવારને ગમે એ ભોગે ટકાવી રાખવા માટે ભારે માનસિક દબાણ ઊભું કરે છે. ત્રાસ આપનારાં સાસરિયાં વારંવાર તેને એવું માનવા મજબૂર કરે છે કે આ બધું તેની પોતાની ભૂલ છે, જેનાથી એક ઊંડી આત્મશંકા જન્મે છે કે શું મારી જ કોઈ ભૂલને લીધે મારી સાથે આવું થઈ રહ્યું છે? જો હું ઘર છોડી દઈશ તો શું મારા પરિવારની બદનામી થશે? આ પરિસ્થિતિને વધુ મુશ્કેલ બનાવે છે એક મજબૂત સપોર્ટ સિસ્ટમનો ગંભીર અભાવ. જે સ્ત્રીઓ ત્રાસ આપનારાં ઘરો છોડે છે તેમને આર્થિક સ્થિરતાની સાથે ભાવનાત્મક અને સામાજિક સાથની જરૂર હોય છે. કમનસીબે જ્યારે કોઈ સ્ત્રી મદદ માગે છે ત્યારે તેના પોતાના સંબંધીઓ પણ ઘણી વાર તેને થોડું ઍડ્જસ્ટ કરવાની સલાહ આપે છે. ફ્રેન્ચ સમાજશાસ્ત્રી એમિલ દુર્ખીમે નોંધ્યું હતું કે જ્યારે કોઈ વ્યક્તિ સમાજ કે પોતાના પ્રિયજનોથી પૂરી રીતે અલગ થઈ જાય છે ત્યારે તે એટલી ભયંકર માનસિક પીડા અનુભવે છે કે તેનામાં આત્મહત્યાના વિચારો આવવાના ચાન્સ વધી જાય છે. આર્થિક સ્વતંત્રતા સ્ત્રીને તેની ભૌતિક જરૂરિયાતો પૂરી કરવાનું સાધન ચોક્કસ આપે છે, પણ માત્ર પૈસા ક્યારેય ઊંડે સુધી જડાયેલી સામાજિક માનસિકતાની બેડીઓને તોડી શકતા નથી. જ્યાં સુધી આપણે એક સમાજ તરીકે ડિવૉર્સ્ડ કે સિંગલ સ્ત્રીઓને જોવાનો આપણો દૃષ્ટિકોણ નહીં બદલીએ અને સામૂહિક રીતે એ સ્વીકારીશું નહીં કે કોઈ સ્ત્રીનું જીવન અને તેની ગરિમા એ એક ત્રાસદાયક લગ્ન બચાવવા કરતાં ઘણી વધારે મહત્ત્વની છે ત્યાં સુધી આવી આર્થિક રીતે સક્ષમ સ્ત્રીઓ પણ બંધનમાં જ રહેશે.’
પ્રચંડ માનસિક દબાણ
અબ્યુઝિવ રિલેશનશિપમાં ફસાયેલી સ્ત્રીઓ માટે એમાંથી બહાર નીકળવાનું માનસિક રીતે કેમ અઘરું બની જાય છે એ પાછળનું મનોવિજ્ઞાન સમજાવતાં ૧૫થી વધુ વર્ષનો અનુભવ ધરાવતાં અને મૅરેજ કાઉન્સેલિંગ કરતાં સાઇકોલૉજિસ્ટ તેજલ કારિયા કહે છે, ‘જ્યારે કોઈ સ્ત્રી શારીરિક, માનસિક કે મૌખિક હિંસાનો સામનો કરે છે ત્યારે તેનું મગજ એક ચોક્કસ ન્યુરોલૉજિકલ પૅટર્નમાં રીવાયર થઈ જાય છે, જેને મનોવિજ્ઞાનમાં ટ્રૉમા બૉન્ડિંગ તરીકે ઓળખવામાં આવે છે. ઘરમાં રોજ થતી મગજમારી અને અપમાન બાદ જ્યારે તેનો પાર્ટનર અચાનક નમ્ર બનીને સૉરી કહે છે કે સ્નેહ દર્શાવે છે ત્યારે સ્ત્રીનું મન ઑટોમૅટિકલી પીગળી જાય છે. આ ક્ષણિક વહાલ તેના મૉરલ ઈગોને એવો આભાસ કરાવે છે કે સામેની વ્યક્તિ તેના વિના અધૂરી છે. બીજું એ કે માનવ-મગજની એક ડિફેન્સ મેકૅનિઝમ છે કે એ અસહ્ય પીડા અને નકારાત્મક યાદોને ભૂંસી નાખવાનો પ્રયત્ન કરે છે. પરિણામે સ્ત્રી ભૂતકાળના અત્યાચારોને ભૂલી જઈને માત્ર સારા દિવસોની એક કાલ્પનિક પ્રતીક્ષામાં આખું જીવન વિતાવી દે છે. સ્ત્રી ઘણી વાર એક મોટા ભ્રમમાં જીવતી હોય છે કે તે પોતાના પ્રેમ અને સમર્પણથી પતિના માનસિક વલણને બદલી નાખશે અને તેને એક સારો માણસ બનાવશે, પરંતુ આ ખોટી આશા પાછળ તે પોતાના જીવનનો સમય અને માનસિક ઊર્જા બરબાદ કરી નાખતી હોય છે. રોજનું અપમાન, સતત ધમકીઓ તેમ જ કાબૂમાં રાખવાના પ્રયાસો સ્ત્રીનું માનસિક મનોબળ રોજેરોજ તોડી નાખે છે. આર્થિક રીતે સક્ષમ હોવા છતાં જ્યારે સ્ત્રી પોતાની આસપાસના આ ટૉક્સિક એન્વાયર્નમેન્ટને બદલવામાં નિષ્ફળ જાય છે ત્યારે તેનું સંપૂર્ણ મેન્ટલ બ્રેકડાઉન થાય છે. તેને ખાતરી થઈ જાય છે કે તે ગમે એટલા પ્રયત્નો કરે, પરિસ્થિતિ ક્યારેય નહીં બદલાય. આ ગૂંગળામણ વચ્ચે તે ડિવૉર્સ લેવાનું વિચારે ત્યારે તેની સામે એક લાંબી અને જટિલ કાનૂની પ્રક્રિયા આવીને ઊભી રહે છે. કોર્ટની ઔપચારિકતાઓ, વકીલોની લાંબી દલીલો અને કાયદાકીય તપાસના વિવિધ તબક્કાઓમાંથી પસાર થવા માટે જે અસાધારણ માનસિક અને ભાવનાત્મક ઊર્જાની જરૂર પડે છે એ આ સ્ત્રી પાસે બચી હોતી નથી. આ સ્તરે ઑલરેડી તૂટી ગયેલી સ્ત્રી માટે આખી પ્રોસીજર એક મોટો પડકાર બની જાય છે. વધુમાં, પારિવારિક ડ્રામા અને લોકો શું કહેશે એનો ડર તેના પર હાવી થઈ જાય છે. આ તમામ નકારાત્મક લાગણીઓનો બોજ એટલો હાવી થઈ જાય છે કે રોજ-રોજ ઘૂંટાઈને મરવા કરતાં બધી જ મુશ્કેલીઓનો એક જ ઝટકામાં અંત આણી દેવા માટે તેને લગ્નજીવન તોડવા કરતાં આત્મહત્યા કરવાનું પગલું વધારે સહેલું અને મુક્તિદાયક લાગવા માંડે છે.’
ટૉક્સિક સંબંધોમાં ફસાયા હો તો આટલું જરૂર કરજો
કોઈ સ્ત્રી આવી સિચુએશનમાં ફસાય ત્યારે તેણે કઈ રીતે પોતાની જાત માટે લડવું જોઈએ અને એક્ઝિટ પ્લાન બનાવવો જોઈએ એ વિશે વાત કરતાં તેજલ કારિયા કહે છે, ‘સૌથી પહેલું પગલું એ છે કે તમારી સાથે જે કંઈ પણ થઈ રહ્યું છે એના પર મૌન સેવવાનું બંધ કરો. જ્યારે પણ તમારા પર અત્યાચાર થાય ત્યારે પરિવારમાં, મિત્રોમાં કે સહકર્મીઓમાં કોઈક એવી વ્યક્તિ જેના પર તમને પૂરતો વિશ્વાસ હોય તેની સાથે બધી જ વાત શૅર કરો. તમારી આસપાસના વિશ્વાસુ લોકોને સતત એ જણાવતા રહો કે હું ઠીક નથી, મને અત્યારે કોઈના સપોર્ટની અને વાત કરવાની સખત જરૂર છે. તમારી તકલીફ દુનિયા સામે લાવવી બહુ જરૂરી છે. હિંમત એક જ ઝટકામાં નથી આવતી. એના માટે તમારે રોજ નાની-નાની જીત મેળવવી પડશે, જે તમારા મગજને ફરી મજબૂત કરશે. રોજ નાનું-નાનું સ્ટૅન્ડ લેતા અને મોઢું ખોલતા શીખો. ઉદાહરણ તરીકે જો તમારો હસબન્ડ એમ કહીને ટોણો મારે કે તું આટલા બધા પૈસા ક્યાં ઉડાવે છે? કમાય છે એટલે બહુ ચરબી આવી ગઈ છે? તો ત્યાં ઝઘડો કરવાને બદલે કે ડરી જવાને બદલે એકદમ શાંતિથી પણ મક્કમતાથી કહો કે હું ઑફિસમાં આખો દિવસ મહેનત કરું છું, ઘરના ખર્ચમાં મારો હિસ્સો આપ્યા પછી મારા પોતાના પૈસામાંથી મારી ગમતી વસ્તુ લેવી એ મારો પર્સનલ નિર્ણય છે. આવી નાની-નાની ઍક્શન્સથી તમારા મગજને એ સિગ્નલ મળશે કે મારી લાઇફનો કન્ટ્રોલ મારા પોતાના હાથમાં છે. સાસરીમાં તમારી સામે થતા અત્યાચારનાં તમામ પ્રૂફ એકઠાં કરવાનું શરૂ કરો. તમારા બધા જ મહત્ત્વના ડૉક્યુમેન્ટ્સ તમારી પાસે રાખો. તમને ક્યારે, કઈ ક્ષણે કયા પુરાવાની જરૂર પડી જશે એ તમને અત્યારે સમજાશે નહીં. ક્યારે પરિસ્થિતિ એટલી હદ સુધી વણસી જાય કે તમારે રાતોરાત એ ઘર છોડીને ભાગવું પડે એવું બની શકે છે. તેથી કાયદાકીય લડાઈ માટે પણ પુરાવા સિક્યૉર કરી લો. તમારા મોબાઇલમાં તમામ ઇમર્જન્સી નંબર્સ સ્પીડ-ડાયલ પર સેવ રાખો. મોટા ભાગની સ્ત્રીઓ એવું માને છે કે માત્ર મારપીટ થાય એને જ અત્યાચાર કહેવાય, પણ એવું નથી. તમને મેન્ટલી ટૉર્ચર કરવા, ઇમોશનલી બ્લૅકમેઇલ કરવા, બોલીને ગમે એમ અપમાનિત કરવા અને તમને માનસિક રીતે બીમાર કરી દેવા એ બધું જ અબ્યુઝ છે. કોઈ સારા કાઉન્સેલર કે થેરપિસ્ટ પાસે જઈને પ્રોફેશનલ થેરપી લો. જ્યારે તમે તમારા થેરપિસ્ટને આખી સાચી સ્ટોરી કહો છો ત્યારે તેઓ લૂપમાં રહે છે અને તમને સાચો રસ્તો બતાવે છે. તેઓ કદાચ તમારો નિર્ણય જાતે નહીં લે, પણ તમને સાચો નિર્ણય લેવા સુધી પહોંચવામાં ખૂબ મોટી મદદ કરશે. એક સમય એવો આવી શકે છે કે આ માનસિક તનાવમાં તમારી જૉબ છૂટી જાય, પણ જો તમે અંદરથી મેન્ટલી સ્ટ્રૉન્ગ હશો તો ગમે ત્યારે ફરીથી ઊભા થઈ શકશો. આ માટે અત્યારથી જ રોજબરોજ થોડાં પગલાં લો. ફિઝિકલી મજબૂત થવા માટે રોજ એક્સરસાઇઝ કરો, સારું અને પૌષ્ટિક જમો, મનને ફ્રેશ રાખવા માટે ગમતી ઍક્ટિવિટીઝ કરો, દોસ્તોને મળો. આ તમારી જિંદગી છે અને તમારે કોઈ પણ સંજોગોમાં હાર નથી માનવાની. લાઇફ આઇસક્રીમ જેવી છે. એ ઓગળે એ પહેલાં એને પૂરેપૂરી એન્જૉય કરી લો. તમારી લાઇફને કોઈ ટૉક્સિક રિલેશન પાછળ વેડફી નાખવાને બદલે મજબૂત બનીને પોતાની જાતને બચાવો.’
