આપણે અને આપણી જિંદગી પણ અમુક વ્યક્તિ કે સંબંધોની આસપાસ ફરતી હોય છે.
પ્રતીકાત્મક તસવીર
જન્મથી સતત આપણી આસપાસ સંબંધોના વૃદ્ધિ પામતા વર્તુળને આપણે જિંદગી સમજતા હોઈએ છીએ. આપણા સ્વના કેન્દ્રબિંદુથી વધતો જતો સંબંધોનો વ્યાપ આપણું વર્તુળ મોટું કરતું જાય છે, જે સફળતાની નિશાની જેવું પણ લાગે છે અને ઘણી વખત સ્વના અહમને પોરસે પણ છે, પરંતુ સમય જતાં સમજાય છે કે આ વધતો જતો પરિઘ ક્યાંક આપણને સ્વથી, કેન્દ્રથી દૂર લઈ જાય છે. જાણ્યે-અજાણ્યે આ વધતા વ્યાસ અને વધતા પરિઘ સાથે કેન્દ્રથી જ ભટકાઈ જવાય છે. કેન્દ્ર ક્ષીણ થતું લાગે છે, જ્યારે એ જ એ વર્તુળનું ઉદ્ગમસ્થાન છે અને સંબંધોનું આ વિસ્તૃત પરિઘ જ જાણે જીવન બની જાય છે.
આપણે ઘણી વખત અનુભવીએ છીએ કે પૃથ્વી જેમ પોતાની ધરીની આસપાસ ગોળ-ગોળ ફરે છે એમ આપણે અને આપણી જિંદગી પણ અમુક વ્યક્તિ કે સંબંધોની આસપાસ ફરતી હોય છે. માણસનો સ્વભાવ છે કે એકલો ન રહી શકે. ખૂબ જ સરળતાથી અને સહજતાથી અને ઘણી વાર જાણ બહાર ધીમે-ધીમે આપણે આપણી આસપાસના લોકો પર અવલંબિત થઈ જઈએ છીએ (અહીં ભૌતિક અવલંબનની વાત નથી) આપણે જેમની સાથે જોડાઈએ છીએ ત્યારે આપણી જિંદગી તેમની જ આસપાસ ફરવા માંડે છે. પરિવાર, દોસ્તી, કોઈ પણ સંબંધ હોય, જેમની સાથે હૃદયથી જોડાયા છીએ તેમના વગર જિંદગીની કલ્પના પણ મુશ્કેલ લાગે. એકબીજા પર ભાવનાત્મક રીતે અવલંબિત રહેવું એ માનવસહજ સ્વભાવ છે, પરંતુ એનાથી પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ ગુમાવી દેવું એ ભૂલ કદાચ આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ કરે છે. સંબંધો જિંદગી જીવવા માટે જરૂરી છે, જિંદગીને મૂંઝવવા માટે નહીં. પ્રેમ અને કાળજી હોવી જ જોઈએ, પરંતુ જેટલી બીજા માટે એટલી જ જાત માટે પણ.
ADVERTISEMENT
જોકે કોઈ સ્થિતિ કાયમી હોતી કે રહેતી નથી. જિંદગીના અનુભવો અને એમાંથી શીખેલા પાઠ સાથે આ સંબંધોના વર્તુળની પરિભાષા, એનો વ્યાપ બન્ને બદલાય છે અને પછી ઇચ્છાઓ, જરૂરિયાતો, અહમ્ અને ક્યારેક સ્વાર્થને કારણે બંધાયેલા સંબંધોનું આ બૃહદ પરિઘ કેન્દ્રને સ્પર્શતું નથી. આ વધતા પરિઘ સાથે કેન્દ્ર જાણે કંઈકેટલાય ટુકડાઓમાં વહેંચાઈ જતું હોય છે, પરંતુ ક્યારેક ફરી એક વખત આ વર્તુળના કેન્દ્રબિંદુ તરફ, એટલે કે સ્વ તરફ પાછા ફરવાની ઇચ્છા જાગે છે. સંબંધોના બહોળા વર્તુળમાં સ્વથી ફરી જોડાવાની ઇચ્છા અને તે માટે સંબંધોના આ વિસ્તૃત થયેલા વર્તુળની ભીતર એક અંત:વર્તુળ દોરવું જરૂરી છે. એવું વર્તુળ, એવા સંબંધો જે સ્વની ખૂબ નજીક છે. જે સ્વને ભટકાવતા નથી, એને ટુકડાઓમાં વહેંચતા નથી, પરંતુ એ સ્વને, એ કેન્દ્રને વધુ તાદૃશ કરે છે, વધુ મજબૂત અને વધુ સ્થિર કરે છે. એક વિચાર અતિ મહત્ત્વનો છે, મારાથી મારું વર્તુળ છે, મારા વર્તુળથી હું નહીં.
- અનિતા ભાનુશાલી
(અનિતા ભાનુશાલી કૉમર્સ ગ્રૅજ્યુએટ છે અને ચર્ચગેટની SNDT વિમેન્સ યુનિવર્સિટીમાં ગુજરાતીમાં અનુસ્નાતકનો અભ્યાસ કરે છે.)

