સોશ્યલ મીડિયાનું એક નવું રમકડું માર્કેટમાં મુકાયું છે અને બેમાંથી કોણ વધુ ચડિયાતું એની લડાઈ પણ હવે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર આગ બનીને સળગી રહી છે ત્યારે કરોડો યુઝર્સને ચોવટના ઓટલે વ્યસ્ત રાખતી આ ઍપ્સ કેટલા પાણીમાં છે એ જાણીએ
પ્રતીકાત્મક તસવીર
‘માત્ર એક મા-બાપને ત્યાં જન્મેલા બે દીકરાઓ નાના હોય ત્યારે લૉલીપૉપ માટે અને મોટા થાય ત્યારે મિલકત માટે ઝઘડા કરે છે!’ બાબા અક્કલદાસ આજથી આ વિધાન ‘ખોટું’ હોવાની જાહેરાત કરે છે, કારણ કે અમેરિકાના બે માંધાતાઓ હમણાં ઑફિસના કોઈ એક રૂમમાં નહીં, કોઈ ઘરમાં કે ટેલિફોન પર પણ નહીં. પરંતુ વિશ્વ ફલક પર લોકભોગ્ય બને એ રીતે ઝઘડવા નીકળી પડ્યા છે. એકનું નામ છે માર્ક ઝકરબર્ગ અને બીજાનું નામ છે ઇલૉન મસ્ક. આ બંનેના ઝઘડા અને હરીફાઈ છેલ્લા ઘણા સમયથી અનેક બાબતો વિશે ચાલી રહ્યાં છે. સૌથી વધુ સંપત્તિથી લઈને અવકાશયાત્રા કરવા સુધી અને કૉર્પોરેટ લીડર બનવાથી લઈને હવે સોશ્યલ મીડિયા ઍપ લીડર બનવા સુધી તેમનું આ યુદ્ધ મેદાન વિસ્તરી ચૂક્યું છે.
ઇલૉનભાઈએ ટ્વિટર હસ્તગત કર્યું ત્યારથી ભુરાયા થઈને ફરતા હતા. સતત વિવાદમાં રહેવાનો તેમને ટેસડો રહ્યો જ હતો. ત્યાં જ માર્કભાઈએ ‘થ્રેડ’ નામની નવી ઍપ્લિકેશન લૉન્ચ કરીને ખંજવાળનો પેલો જાણીતો રોગ ઊભો કર્યો છે. એક જ અઠવાડિયા કરતાંય ઓછા સમયમાં ૧૦૦ મિલ્યન યુઝર્સ થ્રેડને મળ્યા અને મસ્કભાઈને જે ખંજવાળ ઊપડી એ એટલી જલદ હતી કે તેમણે જાહેર પ્લૅટફૉર્મ પર ભડાભડ અને તડાતડ શરૂ કરી દીધી. ‘કૉપી કૅટ’ ‘થીફ’ જેવાં ઉપનામો આપી માર્કભાઈ પર કેસ કરવા સુધીની ધમકીઓ આપી દીધી છે.
ADVERTISEMENT
જોકે તેમના આવા બફાટને કારણે ઊલટાની થ્રેડ ઍપ લોકોમાં વધુ ઝડપથી જાણીતી થઈ અને ધડાધડ ફૉલોઅર્સ મળવા માંડ્યા. પણ આ થ્રેડ જેવી નવી ઍપ માટે હજી લોકોમાં કેટલાંક બેઝિક ટેક્નિકલ કન્ફ્યુઝન્સ છે જેને કારણે ફટાફટ સ્વિચઓવર નહીં થાય.
ઇલૉનભાઈએ ૧૪ એપ્રિલ, ૨૦૨૨થી શરૂ કરેલી ટ્વિટર ખરીદવાની ડીલ ૨૭ ઑક્ટોબર, ૨૦૨૨ના પૂર્ણ થઈ અને ૨૮ ઑક્ટોબરની સવારે ટ્વિટરની ભૂરી ચિડિયા મસ્કવાળા ભાઈના પીંજરામાં પુરાઈ ગઈ. ત્યારથી ટ્વિટર છાશવારે અનેક વિવાદોમાં રહ્યું છે. ક્યારેક બ્લુ ટિકના ઑથેન્ટિફિકેશન બાબત તો ક્યારેક એ ટિક વેચાતી કરી નાખવા બાબત. ટ્વિટરના કર્મચારીઓને છૂટા કરવા બાબતથી લઈને ટ્વિટરને અનેક બાબતો માટે રિસ્ટ્રિક્ટેડ કરવા સુધીના ગાંડપણ પાછળ ઇલૉનભાઈ મસ્ક જે રીતે પડ્યા હતા એ જોઈ જણાતું હતું કે આજે નહીં તો કાલે આમને કોઈ માથાભારે મળવાનું ખરું. અને મળ્યા, માર્ક ઝકરબર્ગ!
તો જાણીએ કે વૅલ્યુએશન ક્યાં પહોંચે છે? ટ્વિટર માટે ઇલૉન મસ્કે ૪૪ બિલ્યન ડૉલર ચૂકવ્યા હતા. જ્યારે ટ્રેડ ઍનૅલિસ્ટ્સના એસ્ટિમેશન પ્રમાણે મેટાની આ નવી ઍપ થ્રેડ રોજના ૨૦૦ મિલ્યન ઍક્ટિવ યુઝર્સ સાથે આવતાં બે વર્ષમાં ૮ બિલ્યન ડૉલરની રેવન્યુ કમાશે. હાલ અમેરિકા મેટાને ૨૦૨૫ની સાલ સુધીમાં ૧૫૬ બિલ્યન ડૉલર કમાતી કંપની તરીકે જોઈ રહ્યું છે, જેમાં થ્રેડના ૮ બિલ્યન ડૉલર પણ સામેલ છે. એની સામે ટ્વિટરનું હાલનું વૅલ્યુએશન ૪૧.૦૯ બિલ્યન ડૉલરની કંપની છે.
થ્રેડ ઍપને લોકો ટ્વિટરની કૉપી કહી રહ્યા છે, જે કદાચ મેઇન પ્લૅટફૉર્મ કે ઍપ ફૉર્મેટ તરીકે જોઈએ તો છે પણ, પરંતુ આ બંનેમાં સમાનતા હોવાની સાથે જ બંને એકબીજાથી અલગ પણ છે. એ કઈ રીતે? તો ટ્વિટર ૨૦૦૬માં શરૂ થયેલી એક એવી સોશ્યલ મીડિયા ઍપ છે જેના પર લિમિટેડ ટેક્સ્ટ (શબ્દમર્યાદા) દ્વારા તમે તમારા વિચારો કે કૃતિઓ કે સામાજિક બાબતો રજૂ કરી શકો છો. કોઈએ મૂકેલી પોસ્ટ પર તમે લાઇક કરી શકો, શૅર કરી શકો, કોઈ વ્યક્તિ કે સંસ્થા વગેરેને ફૉલો કરી શકો; જેની સામે માર્કભાઈની ફેસબુક ૨૦૦૪માં જ લૉન્ચ થઈ ચૂકી હતી જ્યાં લાંબી પોસ્ટ્સની સાથે ફોટોઝ અને વિડિયો પણ મૂકી શકતા હતા.
આંકડાની દૃષ્ટિએ જોઈએ તો ટ્વિટરના MAU અર્થાત મન્થલી ઍક્ટિવ યુઝર્સનો આંકડો ૪૫ કરોડ જેટલો છે, જેની સામે માર્ક ઝકરબર્ગના FBના MAU વિશ્વમાં ૩૦૦ કરોડ જેટલા છે. ૨૦૦૪માં ફેસબુક શરૂ કરી માર્કભાઈને ખુશી થઈ તો ૨૦૦૬માં ટ્વિટર આવી ગયું. આ બંને ખુશ થતા જ હતા ત્યાં ૨૦૧૨ની સાલમાં યંગ જનરેશનને આકર્ષી શકે એવી એક નવી સોશ્યલ મીડિયા ઍપ આવી જેણે ફરી એક વાર સોશ્યલ મીડિયાની વ્યાખ્યા બદલી નાખી. નામ હતું ઇન્સ્ટાગ્રામ. ૨૦૧૨ની સાલમાં માર્કભાઈએ ૮ બિલ્યન ડૉલર ચૂકવીને ઇન્સ્ટાગ્રામ ખરીદી લીધું. આ હજી તો ઠંડું પડ્યું નહોતું ત્યાં ૨૦૧૪માં ફરી એક નવી ઍપ આવી. નામ હતું વૉટ્સઍપ. આ એક એવી રેવલ્યુશનરી ઍપ સાબિત થઈ કે જ્યાં રોજના, હા રોજના ૧૦ લાખ નવા યુઝર્સ જોડાઈ રહ્યા હતા. માર્કભાઈ ફરી દોડ્યા અને ૧ લાખ ૧૦ હજાર કરોડ આપીને એ પણ ખરીદી લાવ્યા. હવે આ બધું જોઈ ઇલૉનભાઈને થયું કે સોશ્યલ મીડિયાની દોડમાં તો હું પાછળ રહી જવાનો. આથી તેમણે ૪૪ બિલ્યન ડૉલર એટલે કે અંદાજે સાડાત્રણ લાખ ડૉલર ચૂકવીને ટ્વિટર ખરીદી લીધું.
હવે અક્કલદાસ બાબાને જાણવું છે કે ટ્વિટર અને થ્રેડમાં ફરક શું છે? તો સૌથી પહેલાં તો મસ્કભાઈ આવ્યા એટલે તેમણે ટ્વિટરમાં કેટલાક મહત્ત્વના બદલાવ કર્યા, જેમાં તેમણે કહ્યું કે જે વ્યક્તિ ટ્વિટરને ૬૫૦ રૂપિયા આપશે તે રોજની ૧૦ હજાર પોસ્ટ જોઈ શકશે. જ્યારે મફતિયા ટ્વિટર યુઝર્સ માત્ર રોજની ૧ હજાર પોસ્ટ જ જોઈ શકશે. ત્યાં વળી બ્લુટિક બાબતે પણ નવી વાતો આવી, ટ્વિટર સિમ્બૉલ બદલવાની જાહેરાતો આવી. ટૂંકમાં રોજ કંઈક નવી અને ડરામણી જાહેરાતો મસ્કભાઈ કરવા માંડ્યા હતા, જેને કારણે લોકો ટ્વિટર કરતાં વધુ ટ્વિટરના માલિકથી કંટાળી ગયા હતા. યુઝર્સ હવે કોઈ એવી નવી ઍપની શોધમાં હતા જે ટ્વિટરનો શ્રેષ્ઠ વિકલ્પ બની શકે. આ જ કારણથી ટ્વિટરના યુઝર્સ પણ ઘટતા જઈ રહ્યા હતા. ત્યાં માર્કભાઈને મળી ગયું અને ઇન્સ્ટા પ્લૅટફૉર્મ પર તેમણે થ્રેડ નામની નવી ઍપ લૉન્ચ કરી નાખી. થ્રેડ લૉન્ચ કરતાંની સાથે માર્કભાઈ મસ્કામાં માર્ક કરવા માંડ્યા અને કહ્યું, ‘થ્રેડ ઇઝ અ કૉમ્પિટિટર ફૉર ટ્વિટર.’ અને બસ, ત્યારથી આ બંને માંધાતાઓ વચ્ચે લડાઈ શરૂ થઈ ચૂકી છે.
ટૂંકમાં એકબીજાને નાના કે વામણા દેખાડવાની આ બે માલેતુજારોની લડાઈ હજી અહીં જ અટકી જશે તેમ જણાતું નથી. પણ હા, એટલું ચોક્કસ કે આ લડાઈમાં પણ એ લોકો સોશ્યલ મીડિયાનું રોજ કોઈ નવું રમકડું આપી આપણને એવા કામે લગાડતા રહેશે કે આપણે કોઈ કામ વગરના નવરાધૂપ થઈ જઈશું. ઘડીકમાં ફેસબુક પોસ્ટ જુઓ, ઘડીકમાં ઇન્સ્ટા પોસ્ટ, વળી ટ્વિટર પોસ્ટ જુઓ તો પછી વૉટ્સઍપ અને આટલું ઓછું હતું તે એમાં હવે થ્રેડના દોરા જોડીને કોઈ અખંડ બંધાણીની જેમ બંધાયેલા જ રહો.
નયા ક્યા હૈ?
પણ ફરક બંનેમાં એ છે કે ટ્વિટર એના ફ્રી અને અનવેરિફાઇડ યુઝર્સને ટ્વીટ પોસ્ટ માટે ૨૮૦ શબ્દોની લિમિટ આપે છે, જેની સામે થ્રેડ ૫૦૦ શબ્દોની લિમિટ આપશે. સાથે જ ઇન્સ્ટાગ્રામના વેરિફાઇડ યુઝર્સ તેમની બ્લુટિક થ્રેડ પણ યુઝ કરી શકશે. થ્રેડ વાપરવા માટે યુઝરનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હોવું જરૂરી છે, કારણ કે થ્રેડ એ યુઝરને તેના ઇન્સ્ટા અકાઉન્ટની પ્રોફાઇલ અને ફૉલોઅર્સ થ્રેડમાં ઇમ્પોર્ટ કરી લેવાની છૂટ આપે છે જ્યારે ટ્વિટરમાં એવું કોઈ ઑલ્ટરનેટ અકાઉન્ટ નથી. આથી થ્રેડને આ દૃષ્ટિએ મોટો ફાયદો છે, એને ઇન્સ્ટાનો આખો એક મોટો ફૉલોઅર્સ ડેટાબેઝ ડાયરેક્ટ્લી મળી જશે. ત્રીજું, થ્રેડ પર અનવેરિફાઇડ યુઝર્સ પણ પાંચ મિનિટ જેટલો લાંબો વિડિયો પોસ્ટ કરી શકશે, જ્યારે ટ્વિટર પર આ મર્યાદા બે મિનિટ અને ૨૦ સેકન્ડની છે. પણ ટ્વિટર એક બાબતે થ્રેડને મહાત આપે છે અને તે એ કે ટ્વિટર પર હાલ ઍક્ટિવ ટ્રેન્ડમાં શું ચાલી રહ્યું છે એ હોમ પેજ પર જ જોવા મળે છે. જ્યારે થ્રેડમાં એ માટે ઇન્સ્ટાની જેમ સ્ક્રોલ કરવા સિવાય બીજો કોઈ ઉપાય નથી. તો વળી થ્રેડમાં ટ્વિટરની જેમ પોસ્ટના ડ્રાફ્ટ સેવ કરવાનો પણ ઑપ્શન નથી. આ બંને જાયન્ટ્સ વચ્ચે સૌથી મોટો ફરક એ છે કે થ્રેડ ઍપ પર થ્રેડ કરવા માટે ત્રણ વાર એન્ટર બટન હિટ કરવું પડે છે, જ્યારે ટ્વિટર પર માત્ર પ્લસની સાઇન પર હિટ કરો એટલે કામ થઈ જાય છે. વળી થ્રેડ પંચાત કરવાની પણ છૂટ નથી આપતું, અર્થાત્ બીજાના પ્રોફાઇલના લાઇક્સ થ્રેડ પર જોઈ શકાતા નથી, જ્યારે કે ટ્વિટર પર સેપરેટ ટૅબ દ્વારા તે જોઈ શકાય છે. પણ એક બાબત થ્રેડમાં ખૂબ સારી છે કે એમાં કન્ટેન્ટ રૂલ્સ એના એ જ છે જેવા ઇન્સ્ટાગ્રામમાં છે. વળી થ્રેડ ધીરે-ધીરે ઇન્સ્ટાગ્રામની બહારની કમ્યુનિટી સાથે પણ ઇન્ટરૅક્શન થઈ શકે એવી સુવિધા લાવશે એમ કહેવાઈ રહ્યું છે.

