Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સાયન્સ એન્ડ ટૅક્નોલૉજી > આર્ટિકલ્સ > યુપીઆઇને કારણે વધારે ખર્ચ થઈ જાય છે? તો આ રહ્યા ઉપાય

યુપીઆઇને કારણે વધારે ખર્ચ થઈ જાય છે? તો આ રહ્યા ઉપાય

04 December, 2023 10:30 AM IST | Mumbai
Heena Patel | feedbackgmd@mid-day.com

ગયા અઠવાડિયે ‘મન કી બાત’માં વડા પ્રધાને કહેલું કે ઑક્ટોબર મહિનામાં ડિજિટલ પેમેન્ટનું ચલણ ખૂબ વધ્યું છે. વાત સાચી છે, યુપીઆઇને કારણે કૅશ રાખવાની ઝંઝટ છૂટી છે.

પ્રતીકાત્મક તસવીર

માઇન્ડ યોર મની

પ્રતીકાત્મક તસવીર


તાજેતરમાં ‘મન કી બાત’ કાર્યક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ડિજિટલ ઇન્ડિયાની દિશામાં એક પગલું આગળ વધારવાના પ્રયાસમાં દેશના લોકોને પેમેન્ટ કરવા માટે ફક્ત યુપીઆઇ અથવા તો અન્ય ડિજિટલ મોડથી ઑનલાઇન પેમેન્ટ કરવાનો આગ્રહ કર્યો હતો. સરકારના આંકડાઓ પર નજર નાખીએ તો અંદાજ આવે છે કે દેશમાં યુપીઆઇ યુઝર્સની સંખ્યા સતત વધી રહી છે. એમાં પણ ફેસ્ટિવ સીઝન હોવાથી ઑક્ટોબરમાં રેકૉર્ડબ્રેક ૧૧૪૦ કરોડ ટ્રાન્ઝૅક્શન થયાં છે, જેની વૅલ્યુ ૧૭.૧૬ લાખ કરોડ રૂપિયા છે. આનું કારણ એ છે કે દેશના લોકો કૅશ પેમેન્ટને બદલે યુપીઆઇથી ટ્રાન્ઝૅક્શનનો ઉપયોગ કરી રહ્યા છે. ઉપરથી ક્યુઆર કોડ આવ્યા બાદ યુપીઆઇ ટ્રાન્ઝૅક્શનમાં ઝડપી વધારો થયો છે. 

ફાયદા તો છે જ...
યુપીઆઇનો ફાયદો એ છે કે તમે બહાર જાઓ એટલે કૅશ કે કાર્ડ કૅરી કરવાની ઝંઝટ રહેતી નથી. ક્યુઆર કોડ સ્કૅન કરો એટલે પેમેન્ટ થઈ જાય. આજકાલ તો સ્ટ્રીટ-વેન્ડરથી લઈને રિક્ષાવાળા પાસે પણ તમને યુપીઆઇ ક્યુઆર કોડ મળી જશે. યુપીઆઇને ડિજિટલ પેમેન્ટમાં મોટું રિવૉલ્યુશન કહી શકાય, કારણ કે તમારે બૅન્ક-અકાઉન્ટની કોઈ લેંગ્થથી ડિટેલ યાદ રાખવી પડતી નથી. એના ફાયદા વિશે ફાઇનૅન્શિયલ એજ્યુકેટર પ્રિયંકા આચાર્ય કહે છે, ‘ફક્ત યુપીઆઇ આઇડી નાખો અને એક બૅન્ક-અકાઉન્ટમાંથી બીજા અકાઉન્ટમાં ફન્ડ ટ્રાન્સફર થઈ જાય. યુપીઆઇને તમે મલ્ટિપલ બૅન્ક-અકાઉન્ટ સાથે કનેક્ટ કરી શકો છો. યુપીઆઇનો તમે 24X7 યુઝ કરી શકો અને એ પણ ટ્રાન્ઝૅક્શનમાં કોઈ પણ જાતની સમસ્યા વગર. મોબાઇલમાં રીચાર્જ, ઇલેક્ટ્રિસિટી બિલનું પેમેન્ટ, ઇન્શ્યૉરન્સ પૉલિસી ખરીદવી હોય કે પછી ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તમે બધું યુપીઆઇથી ઘરે બેઠાં-બેઠાં કરી શકો. આ તો એ વાત થઈ જે જનરલી યુપીઆઇનો યુઝ કરતા લોકો જાણે છે, પણ એ સિવાયના બીજા પણ કેટલાક એવા ફાયદા છે જે તમને પર્સનલ લેવલ પર થઈ શકે છે. ધારો કે હું મારા સન સાથે એક જૉઇન્ટ અકાઉન્ટ ખોલાવું અને એની સાથે યુપીઆઇ લિન્ક કરું. હવે મારો દીકરો જો હૉસ્ટેલમાં ભણતો હોય કે કૉલેજમાં જતો હોય તો એ દિવસભરમાં કેટલો ખર્ચ કરે છે એનો હું ટ્રેક રાખી શકું. મારો સન જેટલાં પણ યુપીઆઇ પેમેન્ટ કરશે એની બધી એન્ટ્રીઓ હું બૅન્ક-સ્ટેટમેન્ટમાં જોઈ શકું. એ સિવાય આજકાલ આપણાં બાળકોને ફાઇનૅન્સ મૅનેજમેન્ટ શીખવાડવું ખૂબ જરૂરી છે એટલે ફાઇનૅન્સની બાબતમાં તેમને ઇન્વૉલ્વ કરવા માટે યુપીઆઇ એક સારો રસ્તો છે, કારણ કે એ યુઝ કરવામાં પણ સિમ્પલ છે. એમ પણ છૂટા પૈસાની માથાકૂટ કરવા કરતાં યુપીઆઇ ટ્રાન્ઝૅક્શન શીખવાનું આજની ટેક્નૉસૅવી જનરેશન માટે ઈઝી છે.’ કુછ ઇશ્યુ ભી હૈ
હવે યુપીઆઇ યુઝ કરતી વખતે કેટલાક ઇશ્યુ આવે છે એ વિશે વાત કરીએ તો જ્યારે આપણે પૈસા આપીને કોઈ વસ્તુની ખરીદી કરતા હોઈએ ત્યારે આપણને એ વાતનો અંદાજ હોય છે કે આપણે કેટલો ખર્ચ કર્યો છે અને હવે પર્સમાં કેટલા પૈસા બચ્યા છે એટલે જાળવીને વાપરવાના છે. ડિજિટલ પેમેન્ટમાં આપણે અંદાજ રહેતો નથી કે આપણે દિવસભરમાં કેટલો ખર્ચ કર્યો. આપણને એમ લાગે કે આપણે યુપીઆઇથી નાનાં-નાનાં પેમેન્ટ જ કર્યાં છે, પણ એ બધાનો હિસાબ લગાવવા બેસીએ ત્યારે રિયલાઇઝ થાય કે બજેટ કરતાં વધુ ખર્ચ થઈ ગયો છે. આ વસ્તુનો અનુભવ યુપીઆઇ યુઝ કરનારે કર્યો જ હશે. તો આવી સિચુએશનમાં શું કરવું જોઈએ? આ સંદર્ભે પ્રિયંકા આચાર્ય કહે છે, ‘૮૦થી ૯૦ ટકા લોકો એક જ બૅન્ક-અકાઉન્ટ રાખીને એના થ્રૂ જ બધાં ટ્રાન્ઝૅક્શન કરતા હોય છે જે તેમની સૌથી મોટી ભૂલ છે. ઉદાહરણ તરીકે એક થાળીમાં ઘણું બધું પીરસાયેલું હોય; જેમ કે શાક-રોટલી, દાળ-ભાત, મીઠાઈ, સૅલડ અને જો આપણે એક જ કોળિયામાં બધું ખાઈશું તો આપણને એક પણ વસ્તુનો ટેસ્ટ નહીં આવે. એવી જ રીતે જો હું એક જ બૅન્ક-અકાઉન્ટથી બધું કરવા જાઉં તો મારું કોઈ ટ્રૅકિંગ જ નહીં રહે, કારણ કે યુપીઆઇને કારણે આપણાં રોજેરોજનાં ટ્રાન્ઝૅક્શન ઘણાં વધી ગયાં છે. અત્યારે જો પાસે કૅશ ન હોય, પણ કંઈક લેવાનું મન થાય તો તરત યુપીઆઇ ટ્રાન્ઝૅક્શન થઈ શકે છે. એટલે આપણા સ્પેન્ડિંગ પર કન્ટ્રોલ કરવાનો એ જ રસ્તો છે કે એનું એક સેપરેટ અકાઉન્ટ બનાવવું, જેમ જૂના જમાનામાં બિઝનેસમાં પેટીકૅશ રાખતા, જેમાંથી નાના-નાના ખર્ચ કરવામાં આવતા. એવી જ રીતે જો તમે એક અલગ અકાઉન્ટ ખોલાવો અને એને યુપીઆઇ સાથે કનેક્ટ કરી દો તો એના બે ઍડ્વાન્ટેજ મળશે. એક તો તમારો ટ્રૅકિંગનો પ્રૉબ્લેમ સૉલ્વ થઈ જશે, બીજું એ કે યુપીઆઇ થ્રૂ જે ડિજિટલ સ્કૅમથી બચી શકાશે.  કારણ કે જે સેપરેટ અકાઉન્ટ ખોલાવ્યું છે એમાં વધુ પૈસા હોતા નથી. ઇટ્સ લાઇક તમારી પાસે જે પર્સ છે એમાં તમને ખબર છે કે ૧૦૦ રૂપિયા છે એટલે તમારે એ ધ્યાનમાં રાખીને જ ખર્ચ કરવાનો છે. તો ઑટોમૅટિકલી યુપીઆઇ પેમેન્ટમાં ડિસિપ્લિન લાવવામાં જે પ્રૉબ્લેમ આવી રહ્યો છે એ ઈઝીલી આવી જશે. બીજું એ કે ઘણી હાઉસવાઇફ કે સિનિયર સિટિઝન એવું વિચારતાં હોય છે કે મારાથી ખોટું ટ્રાન્ઝૅક્શન થઈ જશે. મને આમાં વધુ ભાન ન પડે. તો આવી સિચુએશનમાં પણ જો આપણું સેપરેટ અકાઉન્ટ હોય તો ટ્રાન્ઝૅક્શન કરતી વખતે એટલું ટેન્શન ન આવે. આજકાલ તમે જોશો તો લોકો એકસાથે યુપીઆઇનાં મલ્ટિપલ પ્લૅટફૉર્મ યુઝ કરતા હોય છે, જે અલગ-અલગ બૅન્ક-અકાઉન્ટ સાથે લિન્ક હોય છે. હવે ઇશ્યુ એ થાય કે ઘણી વાર આપણને ખબર જ ન હોય કે કયા અકાઉન્ટ સાથે શું લિન્ક છે અને કયાથી કેટલુ પેમેન્ટ કર્યું, એટલે પછી બધું મેસઅપ થઈ જાય અને આપણો ખર્ચનો હિસાબ પણ બગડી જાય એટલે આ ઇશ્યુને સૉલ્વ કરવાનો પણ એક જ ઉપાય છે કે તમે તમારું અલગ અકાઉન્ટ બનાવો. જો તમારે માટે તાત્કાલિક બીજું અકાઉન્ટ ખોલાવવાનું પૉસિબલ ન હોય તો નેટ બૅન્કિંગની મદદથી તમે યુપીઆઇ ટ્રાન્ઝૅક્શનની ડેઇલી અથવા મન્થ્લી લિમિટ સેટ કરી શકો છો.’


મોટાભાગે લોકો એક જ બૅન્ક-અકાઉન્ટ રાખીને એના થ્રૂ જ બધાં ટ્રાન્ઝૅક્શન કરતા હોય છે જે તેમની સૌથી મોટી ભૂલ છે. સ્પેન્ડિંગ પર કન્ટ્રોલ કરવાનો એ જ રસ્તો છે કે એનું એક સેપરેટ અકાઉન્ટ બનાવવું, જેમાં વધુ પૈસા ન રાખવા
પ્રિયંકા આચાર્ય


સિસ્ટમ પણ અલગ રાખો

આજકાલ યુપીઆઇથી પેમેન્ટ કરીને તમે ઇન્શ્યૉરન્સ પૉલિસી પરચેઝ કરી શકો, ઇન્વેસ્ટમેન્ટ હોય એ કરી શકો, લોન લઈ શકો. એ વિશે પ્રિયંકા આચાર્ય કહે છે, ‘આમાં કસ્ટમર અને કંપની વચ્ચે જેકોઈ કમ્યુનિકેશન થાય એ ઈ-મેઇલ થ્રૂ થતાં હોય છે. એટલે આવા કેસમાં તમારા બધાં જ ફાઇનૅન્સ-રિલેટેડ કામ માટે એક સેપરેટ ઇમેલ આઇડી રાખવો જોઇએ. ઘણા લોકો આવા કામ માટે તેમનો પર્સનલ ઇમેલ આઇડી યુઝ કરતા હોય છે, જે તેઓ ડેઇલી બેસિસ પર ખોલીને ચેક કરતા નથી. ઘણા લોકો તેમનો પ્રોફેશનલ ઇમેલ આઇડી યુઝ કરતા હોય છે, જે કંપનીના ડોમેન પર બનેલો હોય તો પછી જેવી તેમની જૉબ છૂટે કે કંપનીનો ઇમેલ ઇનવૅલિડ થઈ જાય છે. એટલે પછી ઘણા મેસેજ  રીડ કરવાના રહી જાય છે, જેને કારણે એવું પણ બને કે તમારે ફાઇનૅન્શિયલ લૉસનો સામનો કરવો પડે.’

Whatsapp-channel Whatsapp-channel

04 December, 2023 10:30 AM IST | Mumbai | Heena Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK