આઇફોનમાં પર્સનલ વૉઇસ ફૅસિલિટીનો ઉપયોગ કરીને આ શક્ય છે. ફેસટાઇમ કૉલ, લાઇવ સ્પીચ ટૂલ અને અન્ય થર્ડ પાર્ટી ઍપ્સ માટે પોતાના વૉઇસનો ઉપયોગ કરી શકાય છે જેથી ટાઇપ કરેલી વસ્તુ જે-તે યુઝરના પોતાના વૉઇસમાં બોલશે
ટેક ટોક
પ્રતીકાત્મક તસવીર
ઍપલ દ્વારા આઇઓએસ 17માં એક પર્સનલ વૉઇસ ફીચર પણ આપવામાં આવ્યું છે. આ ફીચર બેસિકલી શારીરિક રીતે અક્ષમ લોકો માટે છે, પરંતુ એનો ઉપયોગ સામાન્ય માણસ પણ કરી શકે છે. કોઈ પણ વ્યક્તિ આ ફીચરનો ઉપયોગ ફોન કૉલ, થર્ડ પાર્ટી સપોર્ટેડ ઍપ્સ અને ઍપલના લાઇવ સ્પીચ ટૂલમાં ઉપયોગ કરી શકે છે. લાઇવ સ્પીચનો ઉપયોગ રિયલ ટાઇમ કન્વર્સેશન માટે કરવામાં આવે છે. આ માટે જે પણ વર્ડને મોબાઇલમાં ટાઇપ કરવામાં આવશે એને જે-તે રેકૉર્ડ કરેલા અવાજમાં બોલવામાં આવશે. આ અવાજ પાર્કિન્સન્સ જેવી બીમારીમાં યુઝર્સને મદદ કરી શકે છે. યુઝર પોતાના અવાજને ડિજિટલી બનાવી શકે છે જેથી તેને કોઈ એવી બીમારી થાય કે અવાજ જઈ શકે છે ત્યારે આ ફીચર કામ આવી શકે છે. આ માટે યુઝરે પહેલાં પોતાનો અવાજ ક્રીએટ કરવો પડશે.
કેવી રીતે ક્રીએટ કરશો અવાજ?
આ માટે યુઝરે સેટિંગ્સમાં એસેસિબિલિટીમાં જઈને પર્સનલ વૉઇસમાં જઈને ક્રીએટ પર્સનલ વૉઇસ પર ક્લિક કરવાનું રહેશે. જોકે આ પ્રોસેસ શરૂ કરતાં પહેલાં યુઝર એકદમ શાંત જગ્યા પર હોય અને તેની પાસે ૨૦ મિનિટના સમયની સાથે ફોનમાં ૩૦ ટકા બૅટરી હોવી જરૂરી છે. આ માટે યુઝરે ૧૫૦ સેન્ટેન્સ રેકૉર્ડ કરવાં પડશે. બૅકગ્રાઉન્ડ નૉઇસ ન હોય એ જોવું જરૂરી છે. આ માટે ઍપલ દ્વારા સેન્ટેન્સ આપવામાં આવે છે અને એને સ્ક્રીન પર જોઈને બોલવાનાં રહેશે. આ રેકૉર્ડ કરેલાં સેન્ટેન્સને ઍનેલાઇઝ કરીને ઍપલ જે-તે વ્યક્તિનો પર્સનલ અવાજ રેકૉર્ડ કરશે. આ અવાજ રેકૉર્ડ કર્યા બાદ ડિવાઇસ એને ઍનેલાઇઝ કરશે. આ અવાજ ઍનેલાઇઝ કરવા પાછળ ઘણા કલાક જઈ શકે છે.
ADVERTISEMENT
કેવી રીતે ઍક્ટિવેટ કરવું?
આ માટે ફરી સેટિંગ્સમાં એસેસિબિલિટીમાં જઈને સ્પીચમાં જઈને લાઇવ સ્પીચ ઑપ્શનને ઑન કરવો. આ જગ્યાએ યુઝરને તેના દ્વારા રેકૉર્ડ કરેલી સ્પીચ જોવા મળશે. જો આ સ્પીચ પસંદ ન પડી તો યુઝર અન્ય સ્પીચનો પણ ઉપયોગ કરી શકે છે. એકસાથે યુઝર ત્રણ સ્પીચને રેકૉર્ડ કરી શકે છે. પોતાનો અવાજ જ નહીં, પરંતુ કોઈએ અમિતાભ બચ્ચનના અવાજનો ઉપયોગ કરવો હોય તો તેમની પાસે પણ અવાજ રેકૉર્ડ કરાવી શકાય છે અને એનો તેના ડિવાઇસમાં ઉપયોગ કરી શકાય છે. શરૂઆતમાં આ અવાજ થોડો રોબોટિક લાગશે, પરંતુ એનો જેમ-જેમ ઉપયોગ કરવામાં આવે છે એમ-એમ એ થોડો વધુ હ્યુમન વૉઇસ હોય એવું લાગતું જશે. જોકે એ સો ટકા હ્યુમન વૉઇસ હોય એવું શક્ય નથી.
પર્સનલ વૉઇસ સેફ છે?
કોઈ યુઝર અન્ય વ્યક્તિનો અવાજ ક્રીએટ કરીને અન્ય વ્યક્તિને છેતરી શકે છે. ઉદાહરણ તરીકે એક્સનો ફોન હૅક કરીને તેનો અવાજ ઝેડ નામનો માણસ મેળવી શકે તો શું થાય? આ અવાજનો ઉપયોગ ઝેડ દ્વારા ગેરવાજબી કામ માટે ઉપયોગમાં લઈ શકાય છે. તે એક્સના ફ્રેન્ડ વાયને ફોન કરી પૈસા વસૂલી શકે છે. જો આવું થાય તો આ વૉઇસ કેટલો સેફ છે એ એક સવાલ છે. જોકે ઍપલ દ્વારા કહેવામાં આવ્યું છે કે આ પર્સનલ વૉઇસ એકદમ સેફ છે. તેમ જ આ અવાજ ફોનમાં લોકલી સેવ થાય છે. એને કોઈ ક્લાઉડ કે ઑનલાઇન સેવ નથી કરવામાં આવતું. આ વૉઇસને ઍક્સેસ કરવા માટે ફેસ આઇડી, પાસકોડ અને ફિન્ગરપ્રિન્ટનો ઉપયોગ કરવો જરૂરી છે. આથી આ વૉઇસ એકદમ સેફ છે.