ઍપલ દ્વારા હાલમાં જ લેટેસ્ટ આઇફોન લૉન્ચ કરવામાં આવ્યા છે. હવે ગૂગલ નેક્સસ અને સૅમસંગ પણ એની નવી સિરીઝના લેટેસ્ટ ફોન લૉન્ચ કરશે.

પ્રતીકાત્મક ફાઈલ તસવીર
ઍપલ દ્વારા હાલમાં જ લેટેસ્ટ આઇફોન લૉન્ચ કરવામાં આવ્યા છે. હવે ગૂગલ નેક્સસ અને સૅમસંગ પણ એની નવી સિરીઝના લેટેસ્ટ ફોન લૉન્ચ કરશે. સ્માર્ટફોનનાં દર વર્ષે નવાં લેટેસ્ટ મૉડલ લૉન્ચ થતાં રહે છે. આ સ્માર્ટફોન લીધા બાદ એની હેલ્થ સારી રાખવી જરૂરી છે. જોકે સ્માર્ટફોનની હેલ્થને જો વધુ મહત્ત્વ આપવામાં આવે તો મોબાઇલની લાઇફ વધી જાય છે. આ માટે કેટલીક સામાન્ય વસ્તુઓને ધ્યાનમાં રાખવી જરૂરી છે.
બૅટરી રિપ્લેસ કરવી |મોબાઇલમાં બૅટરી હેલ્થ ફીચર છે. એમાં ચેક કરી શકાય છે. જોકે આમ છતાં યુઝર્સની કૉમન ભૂલ એ હોય છે કે જ્યારે બંધ થઈ જાય ત્યાં સુધી બૅટરી શું કામ બદલાવવી? આ સૌથી મોટી ભૂલ છે. પૂર આવે એ પહેલાં પાળ બાંધી લેવી વધુ સારી છે. બૅટરી ધીમે-ધીમે ફૂલે એ પહેલાં એને બદલી કાઢવી જોઈએ. બૅટરી ફૂલતાં મોબાઇલમાં સ્પેસ ઓછી હોય છે અને એથી એ મધર બોર્ડથી લઈને ડિસ્પ્લે અને મોબાઇલની બૉડી દરેક વસ્તુને બેન્ડ કરે છે. આથી ડિસ્પ્લે અને મધર બોર્ડ તૂટવાનો પણ ભય રહે છે. આ માટે ફક્ત બૅટરી બદલવાની જગ્યાએ પૂરો મોબાઇલ બદલવો પડે એવું થઈ શકે છે.
સ્ક્રીન પ્રોટેક્શનનો ઉપયોગ કરવો
મોટા ભાગના યુઝર્સ કહે છે કે હવે તો મોબાઇલમાં જ સારા ડિસ્પ્લેનો ઉપયોગ કરવામાં આવે છે તો પછી સ્ક્રીન ગાર્ડ શું કામ લગાવવું. આ સૌથી મોટી ભૂલ છે. જો સ્ક્રીન પર જરા પણ તડ પડી અથવા તો સ્ક્રીન જરા પણ ડૅમેજ થઈ તો ધીમે-ધીમે કરીને સ્ક્રીન ખરાબ થઈ જાય છે. ઘણી વાર એવું થાય કે ડિસ્પ્લે ન તૂટ્યો હોય, પરંતુ સ્ક્રીનનું ફર્સ્ટ લેયર તૂટી ગયું હોય. જો એ સમયે કંઈ નથી થયું એમ કરીને બેસી રહેવામાં આવે તો મોબાઇલના ઘણા પ્રૉબ્લેમ આવી શકે છે. સૌથી પહેલું તો મોબાઇલ વૉટર રેસિસ્ટન્ટ કે વૉટરપ્રૂફ હોવા છતાં એ નથી રહેતો. એમ જ એમાં ધીમે-ધીમે ધૂળ જતી રહે છે અને એ સ્ક્રીન અને મધર બોર્ડ બન્નેને ખરાબ કરે છે.
પોર્ટ્સ હંમેશાં સાફ રાખવા
મોબાઇલમાં સ્ક્રીનને સાફ રાખવાની સાથે એના પોર્ટ્સને પણ એટલા સાફ રાખવા જરૂરી છે. આજે હેડફોન તરીકે બ્લુટૂથનો વધુ ઉપયોગ કરવામાં આવે છે એથી વાયર હેડફોનનો ઉપયોગ વધુ નથી થતો. હેડફોનના પોર્ટ અને ચાર્જિંગ પોર્ટને હંમેશાં ક્લીન રાખવા. આ પોર્ટમાં સૌથી વધુ ધૂળ અને કચરો જવાના ચાન્સ છે. આ ધૂળ ધીમે-ધીમે કરીને અંદર જતી રહે છે. એક દિવસ ધૂળ એટલી વધી જાય છે કે ચાર્જિંગ કેબલ અંદર સુધી નથી જઈ શકતો. આટલી ધૂળ જ્યારે અંદર હોય ત્યારે એ ચાર્જિંગ પોર્ટને ખરાબ કરી શકે છે અથવા તો મધર બોર્ડને પણ ડૅમેજ કરી શકે છે. આથી હંમેશાં ટૂથપિક અથવા તો સોય જેવી વસ્તુથી પોર્ટને સાફ કરતાં રહેવું. હળવેથી સાફ કરવું જેથી અંદરના કોઈ કૉમ્પોનન્ટ ડૅમેજ ન થાય. આ સાથે જ સ્પીકરને પણ સાફ કરતા રહેવું. આ માટે બ્રશનો ઉપયોગ કરવો, પરંતુ બ્રશ એવી રીતે મારવું કે ધૂળ બહાર આવે, અંદર ન જાય.
સ્ટોરેજ પર ધ્યાન આપવું
આઇફોનમાં સ્ટોરેજ ફિક્સ હોય છે અને એમાં મેમરી કાર્ડ નથી નાખી શકાતું. મોબાઇલમાં ઓછામાં ઓછો ૨૦ ટકા સ્ટોરેજ ફ્રી હોવો જોઈએ. આ સ્ટોરેજ ફ્રી હશે તો મોબાઇલ ખૂબ જ સારું પર્ફોર્મ કરી શકશે. જો સ્ટોરેજ ફુલ હોય અને એને ખાલી કરવામાં ન આવે તો એનો સીધો લોડ પ્રોસેસર પર પડે છે. આ ઇશ્યુને જલદી હૅન્ડલ કરવામાં ન આવ્યો તો એની અસર પ્રોસેસરની હેલ્થ પર પડે છે અને એ એની સંપૂર્ણ કૅપેસિટીમાં કામ કરતું બંધ થઈ જાય છે અને ધીમે-ધીમે મોબાઇલ ગરમ પણ થવા લાગે છે. આથી ઇન્ટરનલ સ્ટોરેજમાં હંમેશાં ૨૦ ટકા સ્ટોરેજ ફ્રી રાખવું.