યુપીઆઇ વૉલેટમાં ફ્રૉડ થવાના ચાન્સ ઓછા છે અને લિમિટેડ પૈસા હોવાથી યુઝરને ચૂનો લાગે તો પણ બૅન્ક અકાઉન્ટ ખાલી નથી થતું : બૅન્ક સ્ટેટમેન્ટમાં દુનિયાભરની એન્ટ્રીથી છુટકારો મળે છે
ટેક ટૉક
પ્રતીકાત્મક તસવીર
આજે ઇન્ડિયામાં ડિજિટલ પેમેન્ટનું ચલણ વધ્યું છે. એક લાખથી લઈને દસ રૂપિયાના ટ્રાન્ઝૅક્શન માટે પણ યુપીઆઇનો ઉપયોગ કરવામાં આવે છે. યુપીઆઇ સસ્તું અને સરળ હોવાથી એનો ઉપયોગ હવે વધી ગયો છે. તેમ જ કૅશ રાખવા અને એને સાચવવા કરતાં યુપીઆઇથી ટ્રાન્ઝૅક્શન કરવું વધુ સરળ છે. જોકે યુપીઆઇનો ઉપયોગ કરવો જેટલો સરળ છે એટલું જ એને સાચવવું પણ જરૂરી છે. આજે યુપીઆઇ દ્વારા પણ ફ્રૉડ થાય છે અને એમાં ધ્યાન ન આપ્યું તો અકાઉન્ટ ખાલી થઈ શકે છે. યુપીઆઇ અને યુપીઆઇ વૉલેટ એમ બે રીતે એનો ઉપયોગ કરી શકાય છે. જોકે એનો ઉપયોગ સાચવીને કરવો જરૂરી છે. તો એ વિશે થોડી માહિતી જોઈએ.
યુપીઆઇ અને યુપીઆઇ વૉલેટનો ઉપયોગ ક્યારે કરવો
ADVERTISEMENT
યુપીઆઇનો ઉપયોગ બને ત્યાં સુધી મોટાં ટ્રાન્ઝૅક્શન માટે કરવો. યુપીઆઇ સીધું બૅન્ક સાથે જોડાયેલું હોય છે અને એથી દરેક ટ્રાન્ઝૅક્શન માટે બૅન્કના સર્વરનો ઉપયોગ કરવામાં આવે છે. આ ટ્રાન્ઝૅક્શન માટે બૅન્કનું સર્વર ઑનલાઇન હોવું જરૂરી હોવાની સાથે જ દરેક વખતે યુપીઆઇ પિન આપવો પડે છે. જોકે યુપીઆઇ વૉલેટમાં એવું નથી હોતું. પેટીએમ, ફોન પે અને ઍમેઝૉન પે જેવી ઍપ્લિકેશનમાં વૉલેટ સુવિધા પૂરી પાડવામાં આવી છે. આ વૉલેટની સુવિધા નાનાં-નાનાં ટ્રાન્ઝૅક્શન માટે કરવી જોઈએ. ઑટોનું ભાડું આપવું કે વડાપાંઉ માટે પૈસા ચૂકવવા કે પછી શાકભાજી ખરીદવા વગેરે જેવા પેમેન્ટને યુપીઆઇ વૉલેટ દ્વારા ચૂકવવું જોઈએ. યુપીઆઇ વૉલેટમાં ઘણી વાર સેમ ઍપ્લિકેશનનો ઉપયોગ કરતા હો તો પેમેન્ટ માટે પિન પણ નથી આપવો પડતો એટલે કે એ એકદમ સરળ થઈ જાય છે.
આ પણ વાંચો : ચૅટજીપીટીને ટક્કર આપવા આવી ગયું ગૂગલ બાર્ડ
યુપીઆઇ વૉલેટનો ઉપયોગ કરવાના ફાયદા
યુપીઆઇનો ઉપયોગ કરવાથી બૅન્ક અકાઉન્ટનો ઉપયોગ થાય છે. આ બૅન્ક અકાઉન્ટનો ઉપયોગ થવાથી દરેક ટ્રાન્ઝૅક્શનની એન્ટ્રી સ્ટેટમેન્ટમાં આવે છે. આ નાની-નાની એન્ટ્રીને કારણે સ્ટેટમેન્ટ ખૂબ જ મોટું બને છે અને ઘણી વાર એ માથાનો દુખાવો બની જાય છે. આથી નાનાં ટ્રાન્ઝૅક્શન માટે યુપીઆઇ વૉલેટ અને મોટાં ટ્રાન્ઝૅક્શન માટે યુપીઆઇનો ઉપયોગ કરવો વધુ વાજબી છે. આ સાથે જ દરેક ટ્રાન્ઝૅક્શનમાં સામેવાળી વ્યક્તિ કેવી હોય એની જાણ નથી હોતી. કોઈ એક વાર વ્યક્તિ ફ્રૉડ નીકળી આવ્યો તો પૈસા ખોવાનો દિવસ આવી શકે છે. યુપીઆઇ હોય તો ડેઇલી લિમિટ એક લાખ સુધીની હોય છે. આથી એક લાખ રૂપિયા સુધીના પૈસા કપાઈ શકે છે. જોકે યુપીઆઇ વૉલેટ સાથે એવું નથી હોતું. યુપીઆઇ વૉલેટમાં યુઝર દ્વારા જે રકમ નાખવામાં આવી હોય એટલી જ હોય છે. ઉદાહરણ તરીકે બે હજાર નાખવામાં આવ્યા હોય તો ફ્રૉડ થયો હોય તો પણ યુઝરને બે હજારનો જ ચૂનો લાગે છે. આથી રિસ્ક ઓછું છે. તેમ જ યુપીઆઇ વૉલેટમાં ઍડિશનલ ઍપ્લિકેશન બાઇન્ડિંગ ફીચર છે જેથી એ થોડું વધુ સિક્યૉર છે. સરકારે યુપીઆઇ વૉલેટ પર પણ ચાર્જ લગાવવાનું શરૂ કર્યું છે, પરંતુ એ ફક્ત સેલર માટે છે અને એ પણ બે હજારથી ઉપરનું ટ્રાન્ઝૅક્શન હોય ત્યારે જ. આથી યુપીઆઇ વૉલેટ વધુ સિક્યૉર અને સરળ અને સુરક્ષિત છે.
કઈ બાબતોને ધ્યાનમાં રાખવી?
યુપીઆઇ હોય કે યુપીઆઇ વૉલેટ, યુઝર્સે અમુક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. ઍપ્લિકેશનને પણ પાસકોડ આપવો અથવા તો બાયોમેટ્રિકનો ઉપયોગ કરવો. આ પાસકોડને યુપીઆઇ પિનથી અલગ રાખવો. યુપીઆઇ ઍપ્લિકેશનનો ઉપયોગ જ્યારે કરવામાં આવે છે ત્યારે હંમેશાં ધ્યાન રાખવું કે કઈ વ્યક્તિ પૈસા માટે રિક્વેસ્ટ કરે છે. ઘણી વાર કામમાં હોવાથી સામેની વ્યક્તિ દ્વારા પૈસાની રિક્વેસ્ટ કરવામાં આવી હોય તો ભૂલથી એ ટ્રાન્ઝૅક્શન થઈ જાય છે. આથી આ બાબતનું ખાસ ધ્યાન રાખવું. ક્યારેય પણ અજાણી લિન્ક પર ક્લિક ન કરવું, કારણ કે એના પર ક્લિક કરવાથી વૉલેટમાં પૈસા હશે એ કપાઈ શકે છે. તેમ જ પેમેન્ટ કરતાં પહેલાં વ્યક્તિનો યુપીઆઇ અને એનું નામ બરાબર છેને એ એક વાર ચેક કરી લેવું.