શૉર્ટ્સ વિડિયો ફની અને ઇન્ટરેસ્ટિંગ હોવાની સાથે ક્યારેક ઇરિટેટ પણ કરે છે. તો આ સમયે એને ડિસેબલ કરવા વિશે ચર્ચા કરીએ

પ્રતીકાત્મક તસવીર
યુટ્યુબ શૉર્ટ્સમાં કોઈ ઇન્ટરેસ્ટ ન હોય તો ટીવીમાં થર્ડ પાર્ટી ઍપ્સનો ઉપયોગ કરવો.
ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર રીલ્સ આજે ખૂબ જ પૉપ્યુલર છે. આ રીલ્સ હવે સોશ્યલ મીડિયાની સાથે સ્ટ્રીમિંગ સર્વિસ પર પણ આવી ગયાં છે. નેટફ્લિક્સ અને વૂટ જેવી સ્ટ્રીમિંગ સર્વિસ પણ તેમના પ્લૅટફૉર્મ પર આ નાનકડી વિડિયો ક્લિપ દેખાડી રહી છે. જોકે દુનિયાના સૌથી મોટા અને ફ્રી સ્ટ્રીમિંગ પ્લૅટફૉર્મ યુટ્યુબ પર પણ આ શૉર્ટ્સ ઉપલબ્ધ છે. યુટ્યુબ પર પણ પ્રીમિયમ સુવિધા ઉપલબ્ધ છે, પરંતુ મેજોરિટી ફ્રી સેવાનો જ ઉપયોગ કરે છે. આ યુટ્યુબ શૉર્ટ્સ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક કરતાં સારી રીતે કામ કરે છે. ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક તેમની મરજી મુજબ કોઈ પણ રીલ્સ યુઝર્સને સજેસ્ટ કરે છે, પરંતુ યુટ્યુબ પર જે રીતે યુઝર્સ રીલ્સ જુએ છે અને લાઇક કરે છે એ મુજબ જ તેને શૉર્ટ્સ જોવા મળે છે. જોકે આ શૉર્ટ્સ હવે યુટ્યુબ દ્વારા દરેક જગ્યાએ આપવામાં આવી રહ્યા છે. હવે સ્માર્ટ ટીવી પર પણ આ શૉર્ટ્સ ઉપલબ્ધ થઈ રહ્યા છે. જોકે કેટલાક એવા યુઝર્સ પણ છે જેમને તેમના ઍન્ડ્રૉઇડ ટીવીમાં યુટ્યુબ શૉર્ટ્સ જોવાનો કોઈ શોખ નથી. આ રીલ્સ એટલે કે શૉર્ટ વિડિયો ફની અને ઇન્ટરેસ્ટિંગ હોવાની સાથે કેટલાક યુઝર્સને ઇરિટેટ કરનારા પણ હોય છે. તેમ જ આ પ્રકારના વિડિયો પાછળ ઍડિક્ટ જલદી થવાય છે અને એ સમય પણ ખૂબ જ માગી લે છે. આથી જે યુઝરને પસંદ હોય એ યુઝર્સ જોઈ જ શકે છે, પરંતુ ન પસંદ હોય તેમણે શું કરવું એ વિશે જોઈએ.
ઑટો અપડેટ્સ બંધ કરવા
યુટ્યુબ દ્વારા સ્લૉટમાં તેમની નવી અપડેટ ઑન-ઍર કરવામાં આવી રહી છે. આથી યુઝર્સ ટીવીમાં તેમની ઍપ અપડેટ કરે એ પહેલાં જ ઑટો અપડેટ બંધ કરી દેવું. યુટ્યુબની ઍપ્લિકેશન અપડેટ કર્યા બાદ જ આ શૉર્ટ્સ જોવા મળી રહી છે. આથી યુટ્યુબમાં જઈ પ્રોફાઇલમાં જઈ સેટિંગ્સમાંથી જઈને ઑટો અપડેટ બંધ કરી દેવું. આ અપડેટ જ્યાં સુધી બંધ હશે અને જ્યાં સુધી એને મૅન્યુઅલી અપડેટ કરવામાં નહીં આવે ત્યાં સુધી આ ફીચરથી યુઝર દૂર રહી શકશે.
અપડેટ્સ અનઇન્સ્ટૉલ કરવી
યુટ્યુબની ઍપ્લિકેશન અપડેટ થઈ ગઈ હોય તો સૌથી પહેલાં એને અનઇન્સ્ટૉલ કરવી પડશે. આ અપડેટ કાઢવામાં આવતાં યુટ્યુબની ઍપ્લિકેશન ફૅક્ટરી અપડેટેડ વર્ઝનની થઈ જશે. એટલે કે ટીવી જ્યારે નવું લીધું હોય ત્યારે એમાં જે વર્ઝન આવ્યું હોય એ વર્ઝન થઈ જશે. આ પ્રોસસને ડાઉનગ્રેડ વર્ઝન કરવું એમ પણ કહી શકાય છે.
આ પ્રોસસમાં બીજો પણ એક ઑપ્શન છે. જો યુઝર્સને ફૅક્ટરી વર્ઝન ખૂબ જ જૂનું લાગતું હોય તો તેઓ ફરી અપડેટ ઇન્સ્ટૉલ કરી શકે છે. જોકે આ માટે તેમણે લેટેસ્ટ અપડેટની જગ્યાએ એ પહેલાં કઈ અપડેટ હતી એ ગૂગલ પર જઈને શોધવું પડશે. આ વર્ઝનની અપડેટની .apk ફાઇલ મોબાઇલમાં ડાઉનલોડ કરવાની રહેશે. આ ડાઉનલોડ કર્યા બાદ સેન્ડ ફાઇલ ટુ ટીવી ઑપ્શન પસંદ કરવાનો રહેશે. મોબાઇલમાં પણ અને ટીવીમાં પણ. ટીવીમાં આ ફીચરમાં જઈને રિસીવમાં જવાનું રહેશે. જોકે બન્ને ડિવાઇસ એક જ વાઇ-ફાઇ પર કનેક્ટ હોવી જરૂરી છે. ત્યાર બાદ ટીવીમાં એ ઍપ્લિકેશન રિસીવ થતાં એને ઇન્સ્ટૉલ કરી શકાય છે.
થર્ડ પાર્ટી ઍપ્સ
યુટ્યુબ શૉર્ટ્સમાં કોઈ ઇન્ટરેસ્ટ ન હોય તો ટીવીમાં થર્ડ પાર્ટી ઍપ્સનો ઉપયોગ કરવો. આ થર્ડ પાર્ટી ઍપ્સમાં યુટ્યુબના તમામ વિડિયો જોવા મળશે, પરંતુ શૉર્ટ્સનો સમાવેશ નહીં થાય. આથી યુઝર્સ ઇચ્છા થાય ત્યારે યુટ્યુબમાં શૉર્ટ્સ પણ જોવા માગતો હોય અને રોજિંદી લાઇફમાં શૉર્ટ્સથી દૂર રહેવા પણ ઇચ્છતો હોય ત્યારે આ થર્ડ પાર્ટી ઍપ્સનો ઉપયોગ કરી શકે છે. આવી ઘણી અન્ય ઍપ્લિકેશન પણ ગૂગલ પર જોવા મળશે. મોબાઇલ માટે ઘણીબધી ઉપલબ્ધ છે, પરંતુ ટીવી માટે એ લિમિટેડ છે.