રાતની મસ્ત મજાની નીંદરની કિંમત તેમને સમજાઈ છે જેમણે પોતાના કામકાજને કારણે ઊંઘવાની ઇચ્છા હોવા છતાં ઊંઘનો ભોગ આપવો પડ્યો છે.
ગિરીશ જાગાણી, પૂજા ત્રિવેદી, રુચિત નથવાણી
રાતની મસ્ત મજાની નીંદરની કિંમત તેમને સમજાઈ છે જેમણે પોતાના કામકાજને કારણે ઊંઘવાની ઇચ્છા હોવા છતાં ઊંઘનો ભોગ આપવો પડ્યો છે. અંધારાની મોકળાશમાં આખી દુનિયા ઘોર ઊંઘ ખેંચતી હોય ત્યારે પોતે કામ કરવું પડે અને પોતે સૂવે ત્યારે દુનિયામાં હલચલ ચાલતી હોય એ સૅક્રિફાઇસ નાનું નથી. જોકે બીજી તરફ એવા લોકો પણ છે જેમને રાતની નિદ્રાનું સુખ મળ્યું છે પરંતુ એ પછીયે મોબાઇલના રવાડે ચડીને ઊંઘ સાથે બાંધછોડ કરી રહ્યા છે. આજે વર્લ્ડ સ્લીપ ડે નિમિત્તે આવા લોકોને ઊંઘની સાચી કિંમત સમજાય એ માટે ‘મિડ-ડે’એ નાઇટ-શિફ્ટમાં કામ કરતા ગુજરાતીઓ સાથે વાત કરીને જાણ્યું કે શું કામ ઊંઘવાના ટાઇમે ઊંઘવું જરૂરી છે
આપણા સારા સ્વાસ્થ્યનો ઊંઘ બહુ જ મહત્ત્વનો સ્તંભ છે. રાતે જાગતે રહો આપણને કોઈ કહેતું નથી એ પછીયે સર્વેક્ષણ અનુસાર મોટા ભાગના મુંબઈકરો રાતે જાગે છે અને દિવસે થાકેલા-પાકેલા રહીને સમય પૂરો કરે છે. લગભગ ૭૦ ટકા મુંબઈગરાઓ ૧૧ વાગ્યા પછી જ ઊંઘવા જાય છે અને ૪૯ ટકા લોકો સવારે જાગ્યા પછી તાજગીસભર નથી હોતા. ૮૮ ટકા લોકો સૂવાના સમયે છેલ્લે મોબાઇલ ફોન વાપરતા હોય છે જે તેમની ઊંઘની ગુણવત્તાને ડિસ્ટર્બ કરે છે. ૩૧ ટકા મુંબઈકરો પોતાના ભવિષ્યની ચિંતાને કારણે અડધી રાત્રે જાગી જતા હોય છે. મોટા ભાગના લોકોને સવારે ઊઠ્યા પછી પણ પહેલું કામ હાથમાં ફોન લઈને જોવાની આદત હોય છે અને સ્માર્ટફોને જ લોકોની સ્લીપ-સાઇકલમાં બહુ મોટું પંક્ચર પાડ્યું હોવાનું પણ સર્વેક્ષણોમાં સાબિત થઈ ગયું છે. પૅન્ડેમિક પછી થયેલા સર્વેમાં ભારતીયોના સરેરાશ ઊંઘવાના કલાકો સતત ઘટી રહ્યા છે. ભારતના અન્ય શહેરની તુલનાએ મુંબઈકરો ઍવરેજ ૬-૭ કલાક સૂવે છે. એમાંથી પણ સાઉન્ડ સ્લીપના કલાકો ઓછા હોય છે. ૬૧ ટકા મુંબઈકરો ઑફિસ ગયા પછી ઊંઘરેટાપણાનો અનુભવ કરે છે. ૨૦૧૯ના સર્વેમાં ૮૧ ટકા મુંબઈકરો અનિદ્રાનો શિકાર હોવાનો આંકડો બહાર આવ્યો હતો. ઊંઘવું જરૂરી છે એવું જે-તે ફીલ્ડના એક્સપર્ટ કહી-કહીને થાક્યા. સ્લીપ સાથે કૉમ્પ્રોમાઇઝ કરવાથી શરીર પર એનો દુષ્પ્રભાવ પડી રહ્યો હોવાનું અનુભવતા લોકો પણ પોતાની ઊંઘને સુધારવાના પ્રયાસ નથી કરી રહ્યા. આવા સમયે પોતાના વર્ક-પ્રોફાઇલને લીધે રાતે ઊંઘવાની અદમ્ય ઇચ્છા ધરાવતા હોવા છતાં સૂઈ ન શકતા લોકોનું શું માનવું છે? આજે વર્લ્ડ સ્લીપ ડે નિમિત્તે અમે નાઇટશિફ્ટમાં કામ કરતા એવા જ ગુજરાતીઓની વાતો તમારી સમક્ષ લઈ આવ્યા છીએ. રાતની ઊંઘ નહીં મળવાને કારણે તેમને પડતી તકલીફો જાણીને સંભવ છે કે તમારી આંખ ઊઘડે અને તમને મળેલા રાતે સૂઈ શકવાના સુખનું મહત્ત્વ સમજીને સમય પર આંખ બંધ કરીને સૂઈ જવાની વિવેકબુદ્ધિ તમે કેળવી લો.
ADVERTISEMENT
અઘરું તો છે જ
પાર્લામાં રહેતો રુચિત નથવાણી છેલ્લાં ૧૨ વર્ષથી દેશની એક અગ્રણી ઍરલાઇન કંપનીમાં કામ કરે છે. જેમ-જેમ પોસ્ટ વધી એમ જવાબદારીઓ વધી અને સાથે જ નાઇટ-શિફ્ટમાં કામ કરવાનું પણ આવ્યું. મૅનેજરની પોસ્ટ પર કામ કરતો રુચિત કહે છે, ‘છેલ્લાં થોડાંક વર્ષથી તો આ રૂટીન બની ગયું છે જેમાં વર્ષમાં ત્રણ-ચાર મહિના આખી રાત જાગીને કામ કરવાનું અને દિવસે સૂવાનું. દર ત્રણ-ચાર મહિને એક મહિનો એવો આવે જેમાં મારે નાઇટ-શિફ્ટ કરવાની હોય. મારા કામનો પ્રકાર પણ એવો છે કે હું સતત અલર્ટ મોડ પર હોઉં. ફ્લાઇટના ટાઇમિંગથી લઈને કમ્યુટર્સની મૂવમેન્ટ જેવી ઘણીબધી બાબતો મૉનિટર કરવાની હોય. એક ક્ષણ માટે પણ રાતે ઝોકું આવી જાય એ ન ચાલે. જોકે રાતે જેટલી સાઉન્ડ સ્લીપ આવે એવી દિવસે સંભવ જ નથી. એટલે સવારે સાત-આઠ વાગ્યે ઘરે પહોંચીને સૂઈ જાઉં ખરો, પણ ઊંઘની ક્વૉલિટી એવી ન મળે.’
ઘાટકોપરમાં રહેતી પૂજા ત્રિવેદી પણ અમેરિકાની કંપનીમાં હ્યુમન રિસોર્સ ડિપાર્ટમેન્ટ હૅન્ડલ કરતી હોવાથી રાતે ત્રણ વાગ્યા સુધી તેણે કામ કરવું પડતું હોય છે. અઢી વર્ષની દીકરીને સ્કૂલ મોકલવી, જમાડવી જેવી જવાબદારીઓ સાથે કામના આવા કલાકોને કારણે દિવસની સ્લીપ ડિસ્ટર્બ થાય જ, પણ પર્યાય નથી એવી પ્રામાણિક કબૂલાત કરતી પૂજા કહે છે, ‘તમે ક્યારેક શોખથી નાઇટઆઉટ કરો અથવા તો ક્યારેક શોખથી મોડે સુધી નેટફ્લિક્સ પર મૂવી જુઓ એ જુદી બાબત છે અને તમારે બાય ડિફૉલ્ટ દરરોજ ઉજાગરા કરવાના હોય અને એ ઉજાગરાની ભરપાઈ માટે દિવસે સૂવાનું હોય તો એ ફિઝિકલી, મેન્ટલી, ઇમોશનલી અને સોશ્યલી એમ ઘણી રીતે પ્રભાવિત કરનારી બાબત છે. મારા વર્કિંગ અવર્સ સાંજે સાડાપાંચ વાગ્યે શરૂ થાય અને સવારે ત્રણ વાગ્યા સુધી ચાલે, કારણ કે હું અમેરિકાના ટાઇમઝોન પ્રમાણે કામ કરું છું. સાડાત્રણ વાગ્યે હું સૂવા જાઉં અને લગભગ પાંચ-સાડાપાંચ વાગ્યે દીકરી જાગે જ જાગે એટલે તેને પાણી અથવા કંઈક ખાવાનું આપીને ફરી સૂઈ જાઉં. પછી તેની સ્કૂલનો ટાઇમ થાય એટલે સાડાઆઠ સુધી ફરી જાગું. બપોરે પણ એક-દોઢ કલાક ઊંઘ ખેંચી લઉં, પરંતુ એકસામટી પાંચ-છ કલાકની સાઉન્ડ સ્લીપ તો મને મળતી જ નથી. મારે મારી દીકરી સાથે મારી કરીઅરમાં કૉમ્પ્રોમાઇઝ કર્યા વિના ક્વૉલિટી ટાઇમ પસાર કરવો છે એ ઇચ્છાને કારણે હું આ જૉબ કરી રહી છું. એમાં ઊંઘને સૅક્રિફાઇસ કરવી પડે તો વાંધો નહીં એમ મેં વિચાર્યું છે પરંતુ જે પણ લોકોની લાઇફમાં આવા પ્રશ્નો નથી અને બેડ પર પડ્યા-પડ્યા અડધી રાત સ્ક્રીન-ટાઇમમાં વિતાવી દેતા હોય તેમને તો ખાસ કહીશ કે પ્લીઝ, તમને રાતે સમયસર સૂવા મળ્યું છે એ લક્ઝરી છે, એને વેડફો નહીં.’
સ્લીપ-સાઇકલ સમજો
ઊંઘ પૂરી ન થાય ત્યારે એનર્જીમાં ફરકનો અનુભવ કરનારા ઇન્ટરનૅશનલ બ્રોકર હાઉસ ચલાવતા ૩૩ વર્ષના ગિરીશ જાગાણી કહે છે, ‘આંતરરાષ્ટ્રીય સ્તરે માર્કેટ ચોવીસ કલાક ચાલુ હોય છે પણ રાતના સમયે એક કલાક ક્લોઝિંગ હોય ત્યારે ફાઇનલ હિસાબ કરવાનો હોય. આ હિસાબ ચેક કરીને નવી સાઇકલ ચાલુ થાય એટલે એને એ જ સમયે ચેક કરવો પણ અનિવાર્ય હોય. ભારતીય ટાઇમ ઝોન પ્રમાણે લગભગ દોઢ વાગ્યે હિસાબ આવે. એ તપાસતાં કલાક થાય અને સૂતાં લગભગ અઢી-ત્રણ વાગે. બીજા દિવસે સવારે સાડાઆઠ વાગ્યા સુધીમાં ઊઠી જાઉં. એટલે આમ તો આઠ કલાકની ઊંઘ પૂરી નથી થતી અને ઊંઘ પૂરી ન થવાને કારણે દિવસ દરમ્યાન ઘણી વાર લો એનર્જી પણ ફીલ થાય, પરંતુ અત્યારે કામ એટલું છે કે એનો કોઈ પર્યાય નથી.’
આ વાત સાથે પોતાનો પ્રાઇમ ટાઇમ રાતનો છે એવી સ્પષ્ટતા કરતાં ગિરીશભાઈ કહે છે, ‘મેં હમણાં જ ક્યાંક દરેક વ્યક્તિના પ્રાઇમ ટાઇમ જુદા-જુદા હોય એ વિશે વાંચ્યું હતું. શાહરુખ ખાન રાતે ચાર વાગ્યા સુધી કામ કરે અને પછી સૂવા જાય જ્યારે અક્ષય કુમાર સવારે ચાર વાગ્યે જાગી જાય અને પછી પોતાનાં કામ કરે. બન્ને જણ સક્સેસફુલ છે. એ દૃષ્ટિએ મેં મારા અનુભવોમાં જોયું છે કે મારો પ્રાઇમ ટાઇમ રાતનો છે. જેમ-જેમ સવારથી બપોર અને બપોરથી રાત પડતી જાય એમ મારું એનર્જી લેવલ વધતું જાય. ધીમે-ધીમે ગાડીનું એન્જિન ગરમ થાય એમ મારી પણ દિવસ આગળ વધતો જાય એમ કાર્યક્ષમતા વધતી જાય. એ રીતે રાતે કામ કરવું મારા હિતમાં છે, પરંતુ સવારે જલદી ઊઠી જવાને કારણે ઊંઘ પૂરી નથી થતી એ પણ એટલું જ સાચું છે. હવે ઊંઘનો દરરોજનો કમ સે કમ સાત કલાકનો ક્વોટા પૂરો થાય એવા પ્રયાસ કરી રહ્યો છું. જોકે જો તમે કંઈ મહત્ત્વપૂર્ણ કે રચનાત્મક કામ નથી કરી રહ્યા અને માત્ર સોશ્યલ મીડિયા પર સમયનો વેડફાટ કરતાં ઉજાગરો કરી રહ્યા છો તો એ ખોટું છે.’
સોશ્યલ લાઇફ પણ પ્રભાવિત
પૂજા ત્રિવેદી પોતાની અઢી વર્ષની દીકરીને ઊંઘનું મહત્ત્વ સમજાવતી થઈ છે. તે કહે છે, ‘હું મારી ડૉટર સાથે વાત કરતાં તેને સૂવા મળે છે તો સૂઈ જા એવું અવારનવાર કહેતી હોઉં છું. સામાન્ય રીતે આઠ-નવ કલાક બાળકો સૂવે તો સારું, પણ તે હાર્ડ્લી સાત કલાક સૂતી હશે એટલે તેની સ્લીપ-સાઇકલ સેટ કરવા પણ હું પ્રયાસ કરી રહી છું. જ્યારે તમારી પોતાની ઊંઘ ડિસ્ટર્બ્ડ હોય ત્યારે બીજા માટે સમય કાઢીને પારિવારિક પ્રસંગોમાં હાજરી આપવાનું અઘરું પડતું હોય છે, પરંતુ એમાં મારી ફૅમિલીનો ખૂબ સપોર્ટ હોય છે. ઈવન દિવસે હું સૂઈ શકું એ માટે મારાં સાસુ અને હસબન્ડ દીકરીને સાચવી લે. તે મને ડિસ્ટર્બ ન કરે એ માટે તેને ઑક્યુપાઇડ રાખે. બહાર પણ જવાનું હોય અને મારે સોશ્યલી હાજરી આપવી જ પડે એમ હોય તો અમે અડધો કલાક મોઢું દેખાડીને નીકળી જઈએ જેથી દિવસના સમયનો મારો ઊંઘનો ક્વોટા પૂરો થઈ જાય.’
નાઇટ-શિફ્ટમાં કામ કરતા લોકો માટે બૉડી-ક્લૉકની વિરુદ્ધ જઈને ઉજાગરા કરવાનું અને પાછા એમાંથી ફરી ડે-શિફ્ટ માટે બૉડીને તૈયાર કરવાનું એ ચૅલેન્જિંગ હોય છે. રુચિત કહે છે, ‘આમ તો મારા માટે વર્ષમાં ચાર મહિના જ નાઇટ-શિફ્ટ હોય છે, પરંતુ એ ચાર મહિના કયા એ કહેવાય નહીં. એ ચાર મહિના દરમ્યાન જ જો કોઈ ફેસ્ટિવલ આવે કે કોઈ ફૅમિલી-ફંક્શન કે બર્થ-ડે અથવા ઍનિવર્સરી આવે તો હું એ સો ટકા મિસ કરું. થતું કેવું હોય છે કે ઘણી વાર ઘરે ગેસ્ટ આવ્યા હોય અને તમે ઘરમાં હો છતાં સૂતા હો તો તેમને એમ જ હોય કે તમે તેમને સમય આપો. આવી અપેક્ષા અડધી રાતે કોઈ ન રાખે, કારણ કે એ બધા માટે જ સ્ટાન્ડર્ડ સ્લીપિંગ ટાઇમ છે. પણ તમે આખી રાત કામ કર્યા પછી તમને ખબર હોય કે આજે કોઈ પ્રોગ્રામ છે તો તમે ઇચ્છો તો પણ સૂઈ ન શકો અથવા તો મનમાં એ મિસ કર્યાની ગિલ્ટ હોય જ.’
વધી રહેલી ગરમી ઊંઘ માટે ઘાતક?
ક્યારેય ન સૂતા શહેર તરીકે જાણીતા મુંબઈ શહેરમાં વધી રહેલી ગરમી પણ લોકોમાં અનિદ્રાનું પ્રમાણ વધારી રહી છે. ક્લાઇમેટ સેન્ટ્રલ અને ક્લાઇમેટ ટ્રેન્ડ્સ દ્વારા કરવામાં આવેલા એક સર્વેક્ષણ પ્રમાણે ભારતનાં તમામ શહેરોની તુલનાએ મુંબઈનું રાતનું ટેમ્પરેચર સતત વધી રહ્યું છે. ગ્લોબલ વૉર્મિંગની આ અસરને કારણે મુંબઈકરોની સ્લીપ-સાઇકલ ડિસ્ટર્બ થઈ રહી છે. હાઈ ટેમ્પરેચરે મુંબઈકરોની ઊંઘ ઉડાડીને તેમની ડેઇલી પ્રોડક્ટિવિટીથી લઈને અનેક પ્રકારની સ્વાસ્થ્યને લગતી સમસ્યામાં પણ ઉમેરો કર્યો હોવાનું નિષ્ણાતો માને છે.
ઊંઘવામાં અવળચંડાઈ કરી તો આ-આ થઈ શકે
ઊંઘ તમારા શરીરને રિલૅક્સ કરીને રિપેર કરવામાં, રીજનરેટ કરવામાં અને રિકવર કરવામાં મદદરૂપ થાય છે. ઓછી ઊંઘને કારણે શરીરનો એ નૅચરલ રિપેરિંગ ટાઇમ ડિસ્ટર્બ થવાથી ઇમ્યુનિટી પર અસર થાય છે.
ઊંઘશો નહીં તો જલદી બુઢ્ઢા થઈ જશો. ચહેરા પર કરચલી, થાક લાગવો, હાડકાં નબળાં પડવાં, સ્નાયુઓની ક્ષમતા ઘટવી જેવા ઘડપણ સાથે આવતા બદલાવો અપૂરતી ઊંઘ લેનારામાં વહેલા આવે છે એવું રિસર્ચ દ્વારા સાબિત થઈ ચૂક્યું છે.
હૃદયની હેલ્થ માટે પણ પૂરતી ઊંઘનું મહત્ત્વ છે. અપૂરતી ઊંઘ લેનારી વ્યક્તિને હાઈ બ્લડપ્રેશર થવાના ચાન્સ વધારે હોય છે.
અપૂરતી ઊંઘ લેનારા લોકો સ્થૂળતાનો શિકાર બની શકે છે. રિસર્ચ કહે છે કે અપૂરતી અને અનિયમિત સ્લીપ-પૅટર્ન
ધરાવતા લોકોમાં હૉર્મોનલ ઇમ્બૅલૅન્સ થાય છે જે ઘ્રેલિન નામના હંગર હૉર્મોન્સનું પ્રમાણ વધારીને વ્યક્તિને વિચિત્ર સમયે ભૂખ લગાડે છે. એ આગળ જતાં મેદસ્વિતાને નિમંત્રણ આપે છે.
અપૂરતી ઊંઘ લેનારા લોકો ડિસિઝન-મેકિંગમાં અને સોશ્યલ તેમ જ ઇમોશનલ સ્તરના નિર્ણયો લેવામાં પણ કાચા
પડતા હોય છે. ઇમોશનલ અને સોશ્યલ ઇન્ટેલિજન્સ પણ અપૂરતી ઊંઘ લેનારાઓમાં ઓછું હોય છે.
અપૂરતી નિદ્રા લાંબા ગાળે વ્યક્તિને ડિપ્રેશનનો શિકાર બનાવી શકે છે.
તમારી મેમરી શાર્પ રાખવી હોય, મગજની ક્ષમતાનો સર્વાધિક ઉપયોગ કરવો હોય તો ઊંઘવું જરૂરી છે. અપૂરતી ઊંઘ લેનારા લોકો ધીમે-ધીમે ભુલકણા થતા જતા હોય છે.

