આ કોઈ મનઘડંત વાત નથી. ઊંઘ અને બાળકોના ગ્રોથને સીધો સંબંધ છે. આપણે બાળકનાં ન્યુટ્રિશન, ફિઝિકલ ઍક્ટિવિટી અને ટૉનિક્સ પર ધ્યાન આપતા થયા છીએ, પરંતુ જો પૂરતી અને સમયસરની ઊંઘ નહીં હોય તો બાળકની હાઇટ વધવામાં મોટા અવરોધ આવી શકે છે.
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)
આ કોઈ મનઘડંત વાત નથી. ઊંઘ અને બાળકોના ગ્રોથને સીધો સંબંધ છે. આપણે બાળકનાં ન્યુટ્રિશન, ફિઝિકલ ઍક્ટિવિટી અને ટૉનિક્સ પર ધ્યાન આપતા થયા છીએ, પરંતુ જો પૂરતી અને સમયસરની ઊંઘ નહીં હોય તો બાળકની હાઇટ વધવામાં મોટા અવરોધ આવી શકે છે. બાળકનો શારીરિક વિકાસ અને હાઇટ સારી થાય એ માટે રાતે ૧૦ વાગ્યા પહેલાં બાળક સૂઈ જાય એ કેમ જરૂરી છે એ નિષ્ણાત પાસેથી સમજીએ...
તમે બાળકને પ્રોટીન, કૅલ્શિયમ, વિટામિન D, ઝિન્ક બધાં જ પોષક તત્ત્વો મળી રહે એ માટે દૂધ, દહીં, સોયાબીન, લીલી શાકભાજી, ફળો બધું જ ખવડાવો છો. તેની પાસે દરરોજ લટકવાની અને રસ્સી કૂદવાની એક્સરસાઇઝ કરાવો છો. ટૉનિક્સ-સપ્લિમેન્ટ્સ પણ ખવડાવો છો. એમ છતાં સંતાનની હાઇટ વધવી જોઈએ એટલી વધતી ન હોય તો એનું એક કારણ એ પણ હોઈ શકે કે તેને પૂરતી ઊંઘ મળી રહી નથી. તાજેતરના એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ઊંઘ અને હાઇટને સીધો સંબંધ છે. એ આપણે ૧૦ વર્ષનો અનુભવ ધરાવતાં પીડિયાટ્રિક એન્ડોક્રાઇનોલૉજિસ્ટ ડૉ. રિની શાહ પાસેથી સમજીએ.
હાઇટ અને ઊંઘનું કનેક્શન
સામાન્ય રીતે આપણે માનીએ છીએ કે બાળક આખો દિવસ રમતું હોય ત્યારે તેનો વિકાસ થાય છે, પરંતુ સત્ય એ છે કે બાળકનો સૌથી વધુ વિકાસ ત્યારે થાય છે જ્યારે તે સૂતું હોય છે. માનવશરીરમાં ગ્રોથ હૉર્મોન દિવસભર રિલીઝ થતાં રહે છે, પરંતુ એનું પ્રમાણ રાત દરમ્યાન સૌથી વધુ હોય છે.
આપણે જ્યારે ગાઢ નિદ્રામાં હોઈએ છીએ જેને સ્લો વેવ સ્લીપ કહેવાય છે ત્યારે આ હૉર્મોન્સનો સ્રાવ ટોચ પર હોય છે. ખાસ કરીને બાળક સૂઈ જાય એના ૬૦થી ૯૦ મિનિટ પછી એટલે કે દોઢેક કલાક બાદ જ્યારે તે ઊંડી ઊંઘમાં પહોંચે છે ત્યારે શરીરમાં ગ્રોથ હૉર્મોનનો સૌથી મોટો પીક જોવા મળે છે.
ટૂંકમાં કહીએ તો જો બાળકની રાતની ઊંઘમાં વિક્ષેપ પડે અથવા તે પૂરતી ગાઢ નિદ્રા ન લે તો ડાયટ અને કસરત હોવા છતાં ગ્રોથ હૉર્મોન્સ જોઈએ એટલા પ્રમાણમાં મુક્ત થઈ શકતાં નથી. પરિણામે બાળકની ઊંચાઈ અને શારીરિક વિકાસમાં અવરોધ ઊભો થાય છે.
ફક્ત પૂરતી નહીં, ક્વૉલિટી ઊંઘ જરૂરી
જો બાળક રાત્રે ૧૨ કે એક વાગ્યે સૂવાની આદત ધરાવતું હોય અને લાંબા સમય સુધી આ સિલસિલો ચાલુ રહે તો તેની ઊંચાઈ વધવાની પ્રક્રિયા પર ગંભીર નકારાત્મક અસર પડી શકે છે. આનું મુખ્ય કારણ એ છે કે ગ્રોથ હૉર્મોનનું ઉત્સર્જન માત્ર ઊંઘના સમયગાળા પર જ નહીં, ઊંઘની ગુણવત્તા પર પણ આધારિત છે.
જ્યારે બાળક મોડું સૂવા જાય છે ત્યારે તેની ઊંઘનો કુદરતી લય ખોરવાય છે. મોડા સૂવાથી ઊંઘમાં વારંવાર ખલેલ પહોંચવાની શક્યતા વધી જાય છે, જેને કારણે બાળક જે ડીપ સ્લીપ અથવા સ્લો વેવ સ્લીપમાં પહોંચવું જોઈએ ત્યાં પહોંચી શકતું નથી. પરિણામે ગાઢ ઊંઘના અભાવે ગ્રોથ હૉર્મોન્સ પૂરતા પ્રમાણમાં રિલીઝ થઈ શકતાં નથી.
બાળક માટે ડીપ સ્લીપ કેમ અનિવાર્ય છે?
માત્ર ઊંઘવું પૂરતું નથી, પણ ગાઢ ઊંઘ લેવી એ બાળકના માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે પાવર-બૂસ્ટર જેવું કામ કરે છે. જો બાળકની ઊંઘ કાચી હોય કે વારંવાર ઊડી જતી હોય તો એની અસર તેના આખા જીવન પર પડી શકે છે.
ગાઢ નિદ્રાના મુખ્ય ફાયદાઓ
બૌદ્ધિક વિકાસ : બાળકની શીખવાની ક્ષમતા અને યાદશક્તિ માટે ડીપ સ્લીપ ખૂબ જરૂરી છે. એ મગજને માહિતી પ્રોસેસ કરવામાં મદદ કરે છે.
એકાગ્રતા : જે બાળકો ગાઢ ઊંઘ લે છે તેમનું ફોકસ અને એકાગ્રતા અન્ય બાળકો કરતાં વધુ સારાં હોય છે.
રોગપ્રતિકારક શક્તિ : ઊંઘ દરમ્યાન શરીર ઇમ્યુનિટી વધારે છે. જો ઊંઘ કાચી હોય તો બાળક વારંવાર ઇન્ફેક્શન કે બીમારીઓનો ભોગ બની શકે છે.
હાડકાં અને સ્નાયુઓનો વિકાસ : ગાઢ નિદ્રા મસલ-ગ્રોથ અને બોન ડેવલપમેન્ટ (હાડકાંના વિકાસ)માં સીધો ફાળો આપે છે.
અપૂરતી ઊંઘનાં જોખમો
નબળી ઇમ્યુનિટી : વારંવાર ઇન્ફેક્શન લાગવાની શક્યતા.
વર્તણૂકમાં ફેરફાર : એકાગ્રતાનો અભાવ અને આખો દિવસ ચીડિયાપણું રહેવું.
માનસિક સ્વાસ્થ્ય : જો આ સ્થિતિ લાંબો સમય ચાલે તો બાળકમાં ડિપ્રેશન અને માનસિક તનાવનાં લક્ષણો જોવા મળી શકે છે.
સ્ક્રીન-ટાઇમ રિસ્ટ્રિક્ટ કરવો જરૂરી
આજના સમયમાં બાળક હોય કે મોટા, સૂતા પહેલાં સ્ક્રીનનો ઉપયોગ કરવો એ એક સામાન્ય આદત બની ગઈ છે. જોકે બાળકો માટે આ આદત અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. બાળકો જ્યારે મોડી રાત સુધી મોબાઇલ કે ટૅબ્લેટ જેવી સ્ક્રીનનો ઉપયોગ કરે છે ત્યારે એમાંથી નીકળતી બ્લુ લાઇટ શરીરમાં મેલૅટોનિન નામના હૉર્મોનના ઉત્સર્જનને અવરોધે છે જે સારી ઊંઘ માટે અત્યંત જરૂરી છે. જો શરીરમાં મેલૅટોનિનનું સ્તર ખોરવાય તો એની સીધી અસર ઊંઘની ગુણવત્તા પર પડે છે અને પરિણામે ઊંઘ દરમ્યાન રિલીઝ થતા ગ્રોથ હૉર્મોનનું પ્રમાણ ઘટી જાય છે, જે અંતે બાળકની ઊંચાઈ વધવાની પ્રક્રિયાને અટકાવે છે. આ ઉપરાંત સૂતાં પહેલાં વધુ પડતો સ્ક્રીન-ટાઇમ રાખવાથી બાળકની ઊંઘ કાચી રહે છે અને રાત્રે વારંવાર જાગી જવાની સમસ્યા રહે છે, જેને કારણે ઊંડી ઊંઘમાં રિલીઝ થતા ગ્રોથ હૉર્મોનનો જે ‘પીક’ મળવો જોઈએ એ મળી શકતો નથી.
સ્લીપ હાઇજીન પ્રૅક્ટિસ
બાળકો સારી અને ગાઢ ઊંઘ લઈ શકે એ માટે સ્લીપ હાઇજીન જાળવવું ખૂબ જરૂરી છે. રાત્રે સૂવા જવાના ઓછામાં ઓછા એકથી બે કલાક પહેલાં મોબાઇલ, ટીવી કે ટૅબ્લેટ જેવી સ્ક્રીનનો ઉપયોગ સંપૂર્ણપણે બંધ કરી દેવો જોઈએ. આ ઉપરાંત રૂમમાં એકદમ તેજસ્વી પ્રકાશને બદલે ડીમ લાઇટ રાખવી જોઈએ, કારણ કે ઓછો પ્રકાશ શરીરમાં મેલૅટોનિન હૉર્મોનને રિલીઝ કરવામાં મદદ કરે છે. જ્યારે મેલૅટોનિનનું પ્રમાણ યોગ્ય હોય ત્યારે જ બાળક ગાઢ નિદ્રામાં જઈ શકે છે અને એના પરિણામે શરીરમાં ગ્રોથ હૉર્મોન શ્રેષ્ઠ રીતે કામ કરે છે. આ સાથે જ બાળકોની બપોરની ઊંઘ એટલે કે આફ્ટરનૂન નૅપ બાબતે પણ સાવધાની રાખવી જરૂરી છે. ઘણાં બાળકોને બપોરે લાંબું સૂવાની આદત હોય છે, પરંતુ આ ઊંઘ બહુ લાંબી ન હોવી જોઈએ અને ખાસ કરીને મોડી સાંજ સુધી તો બિલકુલ ન ખેંચાવી જોઈએ. જો બાળક મોડી સાંજ સુધી સૂતું રહે તો એની સીધી અસર રાતની ઊંઘ પર પડે છે.
ક્યારે અને કેટલી ઊંચાઈ વધે?
બાળકની ઊંચાઈ વધવાની પ્રક્રિયા પ્યુબર્ટી (તરુણાવસ્થા) પૂરી થાય ત્યાં સુધી સતત ચાલતી રહે છે, પરંતુ દરેક ઉંમરે તેની ઝડપ એકસરખી હોતી નથી. બાળકના વિકાસના મુખ્યત્વે બે રૅપિડ ગ્રોથ ફેઝ હોય છે:
પ્રથમ બે વર્ષ : બાળક જન્મે ત્યારથી એક વર્ષનું થાય ત્યાં સુધીમાં તેની ઊંચાઈ અંદાજે ૨૫ સેન્ટિમીટર જેટલી વધે છે. બીજા વર્ષે આ ગતિ થોડી ધીમી પડીને ૧૨ સેન્ટિમીટર પ્રતિ વર્ષ જેટલી રહે છે. આ સમયગાળો સૌથી ઝડપી વિકાસનો છે.
સ્ટેડી ફેઝ (સ્થિર તબક્કો) : બેથી પાંચ વર્ષની ઉંમર દરમ્યાન હાઇટ વધવાની ગતિ વાર્ષિક પાંચથી છ સેન્ટિમીટર જેટલી થઈ જાય છે. ત્યાર બાદ પ્યુબર્ટી સુધી દર વર્ષે અંદાજે ચારથી પાંચ સેન્ટિમીટર જેટલો વધારો જોવા મળે છે.
પ્યુબર્ટી (તરુણાવસ્થા) : આ બીજો સૌથી મહત્ત્વનો તબક્કો છે જ્યારે શરીરમાં સેક્સ હૉર્મોન્સ રિલીઝ થાય છે ત્યારે હાઇટમાં અચાનક ઉછાળો આવે છે. આ બે-ત્રણ વર્ષ દરમ્યાન છોકરાઓની વાર્ષિક ૧૦-૧૨ સેન્ટિમીટર અને છોકરીઓની ૮-૧૧ સેન્ટિમીટર જેટલી હાઇટ વધી શકે છે.
હેલ્ધી લાઇફસ્ટાઇલ
બાળકની ઊંચાઈ કે તેનો ઓવરઑલ ગ્રોથ માત્ર કોઈ એક ફૅક્ટર પર આધારિત નથી હોતો, પરંતુ એમાં અનેક પાસાં મહત્ત્વનો ફાળો આપે છે. શરીરમાં કુદરતી રીતે ગ્રોથ હૉર્મોન્સ રિલીઝ થાય એ માટે નૅચરલ સ્ટિમ્યુલન્ટ્સ ખૂબ જરૂરી છે. એમાં ઊંઘની સાથે પોષણયુક્ત આહાર, નિયમિત કસરત, ફિઝિકલ ઍક્ટિવિટી, સ્ટ્રેસ-ફ્રી એન્વાયર્નમેન્ટ બધું જ ઇમ્પોર્ટન્ટ છે. દરેક બાળકની ઊંચાઈ અને વજન દર છ મહિને કે વર્ષે ગ્રોથ ચાર્ટ પર પ્લૉટ કરીને એને ટ્રૅક કરતા રહેવું જોઈએ. મોટા ભાગના વાલીઓ બાળકના વજનને લઈને ખૂબ ચિંતિત હોય છે, પરંતુ તેઓ તેની હાઇટ ટ્રૅક કરવાનું ચૂકી જાય છે જે હકીકતમાં બાળકના યોગ્ય વિકાસને સમજવા માટે અત્યંત અનિવાર્ય છે.
ક્યારે ડૉક્ટર પાસે જવું?
જો તમને એવું લાગે કે તમારું બાળક તેની સમાન ઉંમરના મિત્રો કે ક્લાસનાં અન્ય બાળકોની સરખામણીએ ઘણું નીચું છે તો એ ચેતી જવાનો સંકેત છે. ખાસ કરીને જો તમે બાળકના ગ્રોથ ચાર્ટનું અવલોકન કરતા હો અને એમાં તેની હાઇટ વેલોસિટી (વધવાની ગતિ) અચાનક ઘટતી જણાય તો તરત જ નિષ્ણાતની સલાહ લેવી જોઈએ. આ ઉપરાંત જો બાળકમાં પ્યુબર્ટીનાં લક્ષણો સમય કરતાં વહેલાં અથવા ઘણાં મોડાં દેખાય - જેમ કે છોકરીઓમાં ૮ વર્ષની ઉંમર પહેલાં શારીરિક ફેરફારો શરૂ થાય, ૧૦ વર્ષ પહેલાં પિરિયડ્સ આવી જાય અથવા ૧૩-૧૪ વર્ષ સુધી પણ એની શરૂઆત ન થઈ હોય. જો બાળક ખૂબ જ અન્ડરવેઇટ (દૂબળું) હોય, મેદસ્વી હોય, વારંવાર બીમાર પડતું હોય અથવા તેને હાઇપોથાઇરોડિઝમ જેવી સમસ્યા હોય તો પણ તેનો ઓવરઑલ ગ્રોથ રૂંધાય છે. યાદ રાખો કે એક વાર પ્યુબર્ટી પૂરી થઈ જાય પછી હાડકાં ફ્યુઝ થઈ જાય છે અને ત્યાર બાદ કોઈ ટ્રીટમેન્ટ કામ લાગતી નથી. તેથી જો તમને જરા પણ શંકા લાગે તો ડૉક્ટરને બતાવવામાં જરાય રાહ ન જોવી જોઈએ. ડૉક્ટર જ નક્કી કરી શકશે કે બાળક ખરેખર શૉર્ટ છે કે નહીં અને તેને કોઈ સારવારની જરૂર છે કે નહીં.
