જેમને ડાયાબિટીઝ છે તેમનાં બાળકો કે ભાઈ-બહેનને ૧૦૦ ટકા ડાયાબિટીઝ આવવાની પૂરી શક્યતા છે
પ્રતીકાત્મક તસવીર
ઘરમાં જ્યારે કોઈ વ્યક્તિને ડાયાબિટીઝ છે તો એનો અર્થ એ થયો કે એ ઘરમાં લગભગ બધા જ લોકો, ખાસ કરીને એ વ્યક્તિનાં સંતાનો કે ભાઈ-બહેનને ડાયાબિટીઝ થવાની પૂરી શક્યતા છે. એનું કારણ એ છે કે ડાયાબિટીઝ એક જિનેટિક રોગ છે. જે જીન્સને કારણે એ વ્યક્તિને ડાયાબિટીઝ થયું છે એ જ જીન્સ તેનાં બાળકો અને ભાઈ-બહેનમાં રહેલાં છે જે ગમે ત્યારે ભવિષ્યમાં ઍક્ટિવ થવાના ૧૦૦ ટકા ચાન્સ છે. એક પરિવારમાં રહેતા લોકોની લાઇફસ્ટાઇલ પણ લગભગ એક જ હોય છે; જેમ કે તેમનો ખોરાક, બહાર ખાવાની આદતો, એક્સરસાઇઝ કરવાની કે ન કરવાની ટેવ, બેઠાડુ જીવન વગેરે. આ સિવાય સ્વભાવ પણ ફૅમિલીમાં એકસમાન હોય છે જેમ કે ઘણા લોકો નાની-નાની વાતોમાં ઉશ્કેરાઈ જાય છે, ગુસ્સો કરે છે કે સ્ટ્રેસ વધુ લે છે. આમ અમુક પ્રકારની લાઇફસ્ટાઇલ કે સ્વભાવ ડાયાબિટીઝના જીન્સને ઍક્ટિવ કરવા માટે ટ્રિગર સાબિત થતાં હોય છે. આ ટ્રિગર પણ પરિવારમાં એક જ હોય છે. એટલે જ્યારે પરિવારમાં ડાયાબિટીઝ હોય ત્યારે વ્યક્તિએ વધુ સતર્ક રહેવું અનિવાર્ય છે.
જેમને ડાયાબિટીઝ છે તેમનાં બાળકો કે ભાઈ-બહેનને ૧૦૦ ટકા ડાયાબિટીઝ આવવાની પૂરી શક્યતા છે. એ સમજવું અનિવાર્ય છે કે થોડી પણ ગફલતમાં રહેવું રિસ્કી સાબિત થઈ શકે છે. ડાયાબિટીઝના જીન્સને તમે તમારી અંદરથી અલગ કરી શકવાના નથી એટલે એ જીન્સને ઍક્ટિવ બનાવનારાં ટ્રિગર્સ પર ધ્યાન આપો. ખાનપાન સુધારો, બહારનું ખાવાની આદત છોડો, ઓબેસિટીથી બચો, રેગ્યુલર એક્સરસાઇઝ કરો, બેઠાડુ જીવન છોડી એક ઍક્ટિવ લાઇફ અપનાવો. ઘરમાં જો ત્રણ પેઢીને ડાયાબિટીઝ હોય તો જોવા મળે છે કે દાદાજીને ૭૦ વર્ષે આવ્યો, પિતાજીને ૫૦ વર્ષે અને દીકરાને ૩૦ વર્ષે ડાયાબિટીઝ આવ્યો. જીન્સ એક જ છે પરંતુ લાઇફસ્ટાઇલ પ્રૉબ્લેમને કારણે વ્યક્તિ નાની ઉંમરે એનો ભોગ બનવા લાગ્યા છે. નાની ઉંમરે આ રોગ આવવાથી શરીરને નુકસાન ઘણું વધી જાય છે. આ બાબત ટાળવા બાળકોમાં પહેલેથી હેલ્ધી આદતોનું સિંચન કરો. જ્યારે ઘરમાં એક કે એક કરતાં વધુ લોકોને ડાયાબિટીઝ હોય તો દરેક વ્યક્તિની, ખાસ કરીને ૩૦ વર્ષથી ઉપરની વ્યક્તિની રેગ્યુલર શુગર ટેસ્ટ કરાવવી ખૂબ જ જરૂરી છે, કારણ કે આ એક સાયલન્ટ બીમારી છે. ઘર-ઘરમાં પગપેસારો કરી જનારા મેટાબોલિક ડિસીઝ જેમ કે બ્લડપ્રેશર, ડાયાબિટીઝ, કૉલેસ્ટરોલ પ્રૉબ્લેમ્સનાં કોઈ લક્ષણો છે નહીં અને એ ટેસ્ટ દ્વારા જ સામે આવી શકે છે. એટલે જ આદર્શ રીતે ૩૦-૩૫ વર્ષની ઉંમરથી જ દર વર્ષે હેલ્થ ચેકઅપ જરૂરી બને છે. ખાસ કરીને ત્યારે જ્યારે ઘરમાં જ આ રોગ હોય.
ADVERTISEMENT
- ડૉ. મીતા શાહ
