કોઈ પણ મહિલા પ્રેગ્નન્ટ હોય ત્યારે તેના ચહેરા પર અનેરી ચમક આવી જ જતી હોય છે. આ ચમક ખરેખર શું છે એ વિશે જાણીએ
પ્રેગ્નન્સી ગ્લોનો કોઈ ચોક્કસ સમય નથી, પરંતુ પ્રેગ્નન્ટ મહિલા ચોથા મહિના પછી આ ગ્લોનો અનુભવ કરી શકે છે
રવિવારે દીપિકા પાદુકોણ એક ક્યુટ બેબીની મમ્મી બની ચૂકી છે, પણ હજી તેના પ્રેગ્નન્સી ગ્લોની ચર્ચા ચારેકોર છે. પ્રેગ્નન્સી દરમ્યાન દીપિકાની સ્ટાઇલ સાથે તેની ઝગારા મારતી તેજસ્વી ત્વચાએ બધાને મંત્રમુગ્ધ કરી દીધેલા. જોકે દીપિકા જ નહીં, કોઈ પણ મહિલા પ્રેગ્નન્ટ હોય ત્યારે તેના ચહેરા પર અનેરી ચમક આવી જ જતી હોય છે. આ ચમક ખરેખર શું છે એ વિશે જાણીએ...
‘વાહ, તમારી ત્વચા તો ચમકી રહી છે! તમારા ચહેરાનો ગ્લો અમેઝિંગ છે.’
ADVERTISEMENT
પ્રેગ્નન્સી દરમ્યાન મોટા ભાગની મહિલાઓએ કોઈક ને કોઈક તબક્કે કુટુંબના સભ્યો કે પરિચિતો દ્વારા આવી પ્રશંસા સાંભળી જ હશે. મહિલા પોતે પણ અરીસામાં પોતાની નવી અને તંદુરસ્ત ત્વચાને જોઈને ખુશ થઈ જતી હોય છે. તાજેતરમાં બૉલીવુડ-દિવા દીપિકા પાદુકોણના ચહેરાની ચમકે, પ્રેગ્નન્સી ગ્લોએ ફરી ડિબેટ છેડી છે કે આ એક બૉલીવુડ-ટ્રેન્ડ છે કે પછી સાયન્ટિફિક ફૅક્ટ? ‘મિડ-ડે’એ આ સંદર્ભે નિષ્ણાતો સાથે વાત કરી ત્યારે એક્સપર્ટ્સનું કહેવું છે કે પ્રેગ્નન્સી ગ્લો એક વાસ્તવિકતા છે અને પ્રેગ્નન્સી દરમ્યાન ચમકદાર ત્વચાનો અનુભવ મોટા ભાગની મહિલાઓ કરે છે. આ માટે હૉર્મોન્સમાં આવેલા બદલાવ સહિત અનેક કારણો જવાબદાર છે.
પ્રેગ્નન્સી ગ્લો શું છે?
પ્રેગ્નન્સી દરમ્યાન મહિલાઓમાં તેજસ્વી અને સ્મૂધ સ્કિનને કારણે જોવા મળતી ચહેરાની અનોખી રોનક પ્રેગ્નન્સી ગ્લો તરીકે ઓળખાય છે. આ ગ્લો ગર્ભાવસ્થા દરમ્યાન જોવા મળે છે અને પ્રેગ્નન્સી પૂરી થયા બાદ અનુભવાતા શારીરિક બદલાવ પછી ગાયબ થઈ જાય છે.
પ્રેગ્નન્સી હૅપીનેસ
નવા મહેમાનનું આગમન થવાનું છે એની ખુશી ફક્ત યુગલને જ નથી હોતી, આખા પરિવારમાં એ છવાયેલી હોય છે એને કારણે બાળકનું અને માનું ધ્યાન સભાનપણે રાખવામાં આવે છે. આ વિશે ડાયટિશ્યન ચેતના ઓઝા કહે છે, ‘મોટા ભાગે ભારતીય પરિણીત મહિલાઓ પોતાની યોગ્ય કાળજી રાખતી નથી. ઘરના સૌની સારસંભાળ રાખવામાં તેમ જ ઑફિસનાં કાર્યો પતાવવામાં તે એટલી વ્યસ્ત હોય છે કે તે પોતાને પૅમ્પર કરવાનું ભૂલી જાય છે. પ્રેગ્નન્સી મહિલાના જીવનનો એ સુંદર તબક્કો છે જે તેને મૅચ્યોર બનાવે છે. આ ન્યુઝ જ્યારથી મળે છે ત્યારથી મહિલા પોતાની સંપૂર્ણ કાળજી રાખવા લાગે છે. આ ઉપરાંત આ ખબર મળવાની સાથે આખા ઘરમાં આનંદ અને હર્ષની લાગણી પ્રસરી જાય છે. બધા પ્રેગ્નન્ટ મહિલાની વિશેષ કાળજી લેવા લાગે છે. એક કપલ માટે પણ આ જીવનનો સૌથી મહત્ત્વનો ફેઝ હોય છે અને તેઓ પોતાના જીવનમાં આવનારા નન્હા મહેમાનના સ્વાગતની તૈયારીઓમાં હર્ષોલ્લાસથી મચી પડ્યા હોય છે. મહત્ત્વની વાત એ છે કે આવા સમયે તે સ્ત્રી સાથે ઘરના બધા સભ્યો તેની હેલ્થ માટે કૅર કરે છે એટલે તેણે એક્સ્ટ્રા એફર્ટ્સ નથી લેવા પડતા. ઘરમાં શાંતિ અને ખુશાલીનો માહોલ હોય છે જેને કારણે પણ શરીરમાં હૅપી હૉર્મોન્સ રિલીઝ થતાં હોય છે. એને કારણે પણ મહિલાનો ફેસ ચમકી ઊઠે છે.’
આ સમયગાળા દરમ્યાન આનંદ અને ઉત્સાહને લીધે સ્ત્રીઓ વધુ ખુશી અનુભવે છે, જે તેમના ચહેરા પર ચમક તરીકે દેખાય છે. અર્થાત્ એમ કહી શકાય કે પ્રેગ્નન્સીનો આનંદ અને ઉત્સાહ આ ગ્લોમાં યોગદાન આપે છે.
હૉર્મોન્સ પીક પર
જે લોકો પ્રેગ્નન્સીનો ખરેખર આનંદ માણે છે તેઓ ગ્લો કરે છે, પરંતુ મૉર્નિંગ સિકનેસ કે અન્ય તકલીફથી પરેશાન દરેક સ્ત્રીને પ્રેગ્નન્સીનો ઉત્સાહ નથી હોતો. એમ છતાં મોટા ભાગની મહિલાઓના ચહેરા આ દરમ્યાન ખીલેલા જોવા મળે છે. આ વિશે માહિતી આપતાં લીલાવતી, હિન્દુજા અને જસલોક હૉસ્પિટલ સાથે સંકળાયેલાં કન્સલ્ટન્ટ ગાયનેક અને ઇન્ફર્ટિલિટી સ્પેશ્યલિસ્ટ ડૉ. રેશમા પાઈ કહે છે, ‘પ્રેગ્નન્સી ગ્લો માટે માનસિક પરિબળો સાથે અનેક ફિઝિયોલૉજિકલ ફેરફારો પણ મહત્ત્વનો ભાગ ભજવે છે. ગર્ભાવસ્થા દરમ્યાન એક સ્ત્રીના શરીરમાં અનેક ઊથલપાથલ થાય છે. આ સમયે તે હૉર્મોનલ ચેન્જ અનુભવે છે. સ્કિનની સાથે-સાથે પ્રેગ્નન્સી દરમ્યાન નખ અને વાળ પણ મજબૂત બને છે જેને કારણે ઓવરઑલ લુક પણ નિખરી ઊઠે છે. આ એક નૉર્મલ ચેન્જ છે જે દરેક મહિલા પ્રેગ્નન્સી દરમ્યાન અનુભવે છે, કારણ કે પ્રેગ્નન્સી સમયે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન જેવાં હૉર્મોનનું લેવલ વધી જાય છે. હ્યુમન કોરિઓનિક ગોનાડોટ્રોપિન (hCG) હૉર્મોન પણ રિલીઝ થાય છે. આ હૉર્મોનને લીધે પ્રેગ્નન્સી સમયે તે મહિલાની સ્કિન અને વાળ શાઇન કરે છે. આ વધેલાં હૉર્મોન્સને કારણે શરીરમાં બ્લડ-સર્ક્યુલેશન વધે છે અને આ લોહીને શરીરના ખૂણે-ખૂણે પહોંચાડવા શરીરની નસો ફૂલી જાય છે. એને કારણે વધુ બ્લડ-ફ્લો થાય છે અને શરીરના દરેક સેલમાં વધુ બ્લડ પહોંચે છે. અર્થાત્ શરીરના દરેક કોષને આ સમયે વધુ ન્યુટ્રિશન મળે છે. આ બધા ન્યુટ્રિશનને કારણે શરીરના કોષો ઝડપથી રિપેર થાય છે અને એમને જરૂરી પોષણ પણ મળે છે. આ મુખ્ય રીઝનને લીધે પ્રેગ્નન્સી દરમ્યાન મહિલાનો ચહેરો ઝગારા મારે છે અને તેના ચહેરા પર એક ગુલાબી ગ્લો જોવા મળે છે. હૉર્મોન્સને કારણે સ્કિનમાં રહેલા ઑઇલ ગ્લૅન્ડ્સ પણ સ્ટિમ્યુલેટ થાય છે એટલે ત્વચામાંથી વધુ ઑઇલ બહાર આવે છે જેને કારણે ત્વચાની ડ્રાયનેસ દૂર થાય છે અને સ્કિન ગ્લૉસી લુક આપે છે. આ ઉપરાંત ઘણી મહિલાઓ પ્રેગ્નન્સી દરમ્યાન ખૂબ જ ગરમી અનુભવે છે અને અચાનક હૉટ ફ્લૅશિઝનો શિકાર બને છે. આ પણ પ્રેગ્નન્સી ગ્લો પાછળનું એક કારણ છે.’
હેલ્ધી ડાયટ, હેલ્ધી સ્કિન
છેલ્લાં ૨૦ વર્ષથી કાંદિવલી-વેસ્ટમાં ફ્રીલાન્સ સેવા આપતાં ચેતના ઓઝા કહે છે, ‘પ્રેગ્નન્સી દરમ્યાન મોટા ભાગે હેલ્ધી ખોરાક લેવાય છે. પ્રેગ્નન્ટ મહિલા નવેનવ મહિના દરરોજ આશરે અડધો લીટર દૂધ પીએ છે. આ ઉપરાંત સૂકા મેવા કે અન્ય સ્વરૂપે સારું પ્રોટીન લે છે. સૅલડરૂપે તાજાં શાકભાજી અને ફળો કે ફળના જૂસનું સેવન કરવામાં આવે છે. આ બધું જ ઓવરઑલ તે મહિલાના શરીરને મજબૂત બનાવવામાં અને સ્ફૂર્તિલું રાખવામાં મદદ કરે છે. આ એક્સ્ટ્રા પ્રોટીન અને વિટામિન્સ શરીરને રિપેર કરે છે અને સ્કિનને હીલ કરે છે. સૂકા મેવામાં ઑમેગા-૩ ફૅટી ઍસિડ હોય છે જે ગ્રોથ અને સ્કિન રિપેરમાં મદદ કરે છે. પ્રેગ્નન્સીમાં ડૉક્ટરો વિટામિન્સ, ફોલિક ઍસિડ, આયર્ન અને કૅલ્શિયમની દવાઓ આપે છે જે શરીરને તંદુરસ્ત રાખે છે તેમ જ બાળકના ગ્રોથને ટેકો આપે છે.
મેડિસિન અને વિટામિન્સ
આશરે ૩૦ વર્ષથી તબીબી ક્ષેત્રે કાર્યરત ડૉ. રેશમા પાઈ કહે છે, ‘પ્રેગ્નન્સી પહેલાં જ ડૉક્ટરો ફોલિક ઍસિડની ગોળીઓ શરૂ કરાવી દે છે, જે આખી પ્રેગ્નન્સી દરમ્યાન લેવામાં આવે છે. આ ઉપરાંત આયર્ન અને કૅલ્શિયમ સપ્લિમેન્ટ્સ પણ આપવામાં આવે છે. આયર્ન સપ્લિમેન્ટ્સને કારણે મહિલાનું હીમોગ્લોબિન લેવલ વધે છે જેને લીધે સ્કિનમાં લોહી ભરાતાં તે ગુલાબી બને છે. આ ઉપરાંત બાળકના ગ્રોથ અને પ્રેગ્નન્ટ મહિલાની જરૂરિયાત માટે જરૂરી વિટામિન્સ અને પ્રોટીન ટૅબ્લેટ્સ પણ તેમને આપવામાં આવે છે. એને કારણે તેમની ઓવરઑલ હેલ્થમાં સુધારો થાય છે અને આ બધાની અસર તેના ચહેરા પર જોવા મળે છે.’
શું દરેક પ્રેગ્નન્ટ મહિલાને પ્રેગ્નન્સી ગ્લો થાય છે?
પ્રેગ્નન્સી ગ્લો એક સંપૂર્ણ સ્વાભાવિક શારીરિક પ્રતિક્રિયા છે. જોકે દરેક મહિલાને પ્રેગ્નન્સીમાં ચમક આવે જ છે એવું હોતું નથી એમ જણાવતાં ડૉ. રેશમા પાઈ કહે છે, ‘ઘણા કિસ્સાઓમાં પ્રેગ્નન્ટ મહિલાઓની સ્કિન ડાર્ક થઈ જાય છે અને તેમને પિમ્પલ પણ આવે છે. આને તબીબો મેલાસ્મા અને હાઇપરપિગ્મેન્ટેશન કહે છે. કેટલીક મહિલાઓને ચહેરા પર ડાર્ક પૅચ પણ થઈ જાય છે, જેને તબીબી ભાષામાં પ્રેગ્નન્સી માસ્ક કહેવાય છે. ગર્ભાવસ્થા દરમ્યાન મહિલાઓ હૉર્મોન્સની ઊથલપાથલ અનુભવે છે. જોકે એનો અર્થ એ નથી કે દરેક મહિલાને પ્રેગ્નન્સી ગ્લોનો અનુભવ થાય. જો કોઈને આ ગ્લોનો અનુભવ ન થાય તો આ બાબતે ચિંતા કરવી નહીં. એ તમારું શરીર જે રીતે બદલાય છે એ મુજબ ત્વચાની અલગ પ્રતિક્રિયાનો સંકેત હોઈ શકે છે.’
શું પ્રેગ્નન્સી ગ્લો બાળકનું લિંગ સૂચવે છે?
લોકવાયકા અનુસાર પ્રેગ્નન્સી ગ્લો એ બાબતનો સંકેત આપે છે કે તમે પુત્રને જન્મ આપશો કે પુત્રીને? આ વાયકા અનુસાર જો પ્રેગ્નન્સી દરમ્યાન સ્કિન ગ્લો કરે તો એનો અર્થ એમ થાય કે તમને છોકરો થવાનો છે. પ્રેગ્નન્ટ સ્ત્રી પોતાની આ ચમક ગુમાવે તો છોકરીના જન્મનો સંકેત હોવાનું કહેવાય છે, કારણ કે પુત્રી માતાની સુંદરતા ચોરી લે છે. જોકે આ બાબતો પાછળ કોઈ સાયન્ટિફિક પુરાવાઓ નથી.