દરેક સર્જરીનો પ્રકાર એની જોડે જોડાયેલા એના ફાયદા અને નુકસાન તમારે વિચારવા જોઈએ.
પ્રતીકાત્મક તસવીર
હું ૬૨ વર્ષનો છું અને મને હાલમાં ગૉલ-બ્લૅડરની તકલીફ આવી છે. ડૉક્ટર કહે છે કે સર્જરી કરાવવાની છે. મારું વજન અત્યારે ૯૫ કિલો છે. ભારે શરીરમાં સર્જરીના કૉમ્પ્લીકેશન પણ હોય જ, એવું હું ધારું છું. ગૉલ-બ્લૅડરની સર્જરીમાં મને બે ઑપ્શન ડૉક્ટરે આપ્યાં છે. એક, દૂરબીન વડે કે કદાચ લેઝર ઑપરેશન જેવું છે અને બીજું, રોબોટિક સર્જરી. બન્નેના ખર્ચમાં ૫૦ ટકા જેવો તફાવત છે. દૂરબીનવાળી સર્જરી કરતાં રોબોટિક સર્જરી મોંઘી છે. પૈસાની તકલીફ નથી, પણ મને લાગે છે કે સર્જરી મશીન પાસે કરાવીએ એના કરતાં અનુભવી ડૉક્ટર પાસે કરાવીએ એ વધુ સારું નહીં? રોબો સર્જરી કરે તો એ કેટલી સફળ થાય?
સર્જરી કઈ કરાવવી એ બાબતે તમે વિચારો છે એ સારું છે. દરેક સર્જરીનો પ્રકાર એની જોડે જોડાયેલા એના ફાયદા અને નુકસાન તમારે વિચારવા જોઈએ. એક સમય હતો જ્યારે ફક્ત ઓપન સર્જરી થતી. કાપો મૂકીને એ કરવામાં આવતી. હજી પણ એ થાય છે. આ સિવાય તમે જેને લેઝર સર્જરી કહો છો એ લેઝર નથી. લેપ્રોસ્કોપિક સર્જરી છે. દૂરબીન વડે એ સર્જરી થાય છે, જેના રિઝલ્ટ સારા જ આવે છે. છેલ્લાં ઘણાં વર્ષોથી આ તક્નિકનો ઉપયોગ વધ્યો છે.
રોબોટિક સર્જરી છેલ્લાં વીસેક વર્ષથી શરૂ થઈ છે. આ સર્જરીનું નામ રોબોટિક છે એનો અર્થ એ નથી કે રોબો સર્જરી કરે છે. એનો અર્થ એ છે કે રોબોની મદદથી સર્જ્યન સર્જરી કરે છે એટલે કે જો તમે સર્જરી કરાવો તો એ સર્જરી તમારા સર્જ્યન જ કરશે, રોબો નહીં. આ સર્જરીની ખાસિયત એ છે કે રોબો જે જગ્યાનું ઑપરેશન કરવાનું છે એને ૧૦-૧૨ ગણું મોટું કરીને બતાવી શકે છે, જેથી એકદમ બારીકાઈથી સર્જરી કરવી શક્ય બને છે. જે પણ મૂવમેન્ટ સર્જ્યન કરે એ ફિલ્ટર થઈને જતી હોવાથી સર્જરી એકદમ ચોક્કસ કરી શકાય છે અને એના રિઝલ્ટ એ આવે છે કે જ્યાં સર્જરી થાય એની આજુબાજુની જગ્યાને હાથ પણ અડતો નથી. વળી આ સર્જરી માટે અત્યંત નાનાં કાણાંઓ કરવામાં આવે છે, જેથી સર્જરી પછી પણ પેઇન થતું નથી. રિકવરી ખૂબ જલદી આવે છે અને તમે ઘરે પણ જલદી જઈ શકો છો. નવી ટેક્નૉલૉજી છે એટલે મોંઘી તો હોવાની, પણ એના ફાયદા પણ હોવાના જ. જો પૈસાની ચિંતા ન હોય તો સર્જરી માટે રોબોટિક ઑપ્શન સૌથી સારું છે. બીજું એ કે તમે કહ્યું એમ તમે મેદસ્વી હો તો સર્જરી થોડી અઘરી પડે. આ પરિસ્થિતિમાં પણ રોબોટિક સર્જરી કરો તો રિસ્ક મહદઅંશે ટાળી શકાય.
ADVERTISEMENT
અહેવાલ: ડૉ. જિજ્ઞેશ ગાંધી


